રચનાત્મકતાની જરૂર ફક્ત ક્રીયેટિવ ફિલ્ડમાં જ પડે છે તેવું નથી, કૌભાંડીઓ પણ તેમના કૌભાંડમાં જાતજાતની ક્રીયેટિવિટી લાવીને અવનવા કૌભાંડને આકાર આપે છે. તેઓ એવા કૌભાંડ કરે છે કે પછી તપાસ કરનારાને તેનો છેડો લાવતા નવનેજા પાણી આવી જાય છે.
નડિયાદના પીપળદા ગામમાં કૌભાંડીએ એક જ કામ કર્યુ પણ તેની ગ્રાન્ટ ત્રણ-ત્રણ વખત મંજૂર કરાવી લીધી. કૌભાંડીઓના આ કૌભાંડે ભલભલાને માથુ ખંજવાળતા કરી દીધા છે. આ બતાવે છે કે સરકારમાંથી કેટલી સલુકાઈથી રૂપિયા ખેરવી શકાય છે. જો કોઈ જરા પણ જાગૃત ન રહે તો આ પ્રકારના કૌભાંડ કરનારાઓનો રાફડો ફાટી શકે તેમ છે.
નડિયાદના પીપળદા ગામમાં ગટરલાઇન નાખવાનું કામ હતુ, આ કામ એક જ વખત કરવામાં આવ્યું હતું પરંતુ કૌભાંડીઓએ તેની ગ્રાન્ટ ત્રણ-ત્રણ વખત મંજૂર કરાવી હતી. આખી ઘટનાની વિગત એવા પ્રકારની છે કે 500 મીટરની એક જ ગટરલાઇનનું કામકાજ હતુ. પણ તેના માટે 8.60 લાખ રૂપિયાની ગ્રાન્ટ આ જ કામને જુદું-જુદુ નામ આપીને મંજૂર કરાવી લેવામાં આવી હતી.
હીના ટ્રેડર્સ નામની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ રીતે ત્રણ-ત્રણ વખત ગ્રાન્ટ મંજૂર થવાની ફરિયાદ પુરાવા સાથે કરવામાં આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તંત્રએ હવે આ પ્રકારની ગેરરીતિ કઈ રીતે આચરવામાં આવી છે તેની ફરિયાદ નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે. અહીં આ હીના ટ્રેડર્સ એજન્સી કોની હતી અને કયો કૌભાંડી આ પ્રકારનું કૌભાંડ કરી ગયો તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે આક્ષેપ કરનારાઓનો દાવો છે કે ગામના જ સરપંચ અને તલાટી દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આમ અહીં વાડે જ ચીભડા ગળ્યા તેવી સ્થિતિ છે. પીપળદા ગામની આંગણવાડી પાસેથી મુખ્ય તળાવ સુધી 500 મીટરનો રસ્તો છે. આ 500 મીટરના રસ્તાની બાજુમાં 500 મીટરની જ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ ડ્રેનેજ લાઇન એક જ વખત નાખવામાં આવી છે, પરંતુ તેના નામે ગ્રાન્ટ ત્રણ-ત્રણ વખત મંજૂર કરવામાં આવી છે. હવે એક જ કામના ત્રણ-ત્રણ વખત દામ થોડા હોય.
અહીં કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવા પ્રકારની છે કે એક કામને જુદું-જુદું નામ આપવામાં આવ્યું છે, આ રીતે ગ્રાન્ટ સેરવી લેવામાં આવી છે. એક કામમાં આંગણવાડીથી મુખ્ય તળાવ સુધીની ગટરલાઇન ગણાવીને તેના નામે ગ્રાન્ટ સેરવી લેવામાં આવી છે. બીજી ગ્રાન્ટમાં મહાદેવના મંદિરથી મુખ્ય તળાવ સુધીનું કામ ગણાવીને ગ્રાન્ટ ઉઠાવી લેવાઈ છે. જ્યારે ત્રીજી ગ્રાન્ટમાં સ્મશાનથી તળાવ સુધી ગટરલાઇનનું કામ દર્શાવીને ગ્રાન્ટ લઈ લેવામાં આવી છે.
આ રીતે એક જ કામની ગ્રાન્ટ ત્રણ વખત મંજૂર કરાવીને તેના નાણા તેમના જુદા-જુદા રૂટે તેમણે સેરવી લેવામાં આવ્યા છે. આ માટે તેઓએ તેમના મળતિયાઓના નામ અને બેન્ક ખાતાના નામનો ઉપયોગ કર્યો છે. પણ કહેવાય છે કે પાપ છાનું રહેતું નથી, તેમ આ કૌભાંડ પણ છાપરે ચઢીને પોકાર્યુ છે.
આ કામ માટે સરપંચ અને તલાટીએ અગાઉ 14માં નાણા પંચમાંથી વર્ષ 2018માં 1.80 લાખ મંજૂર કર્યા હતા. તેના પછી 15 મે 2023ના રોજ 15મા નાણા પંચમાંથી ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેના પછી 12 ઓગસ્ટ 2024ના રોજ 15મા નાણા પંચમાંથી 2.80 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ ત્રણેય ગ્રાન્ટ પાછી એક જ કામની મંજૂર કરવામાં આવી હતી, બીજું કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આ બધી ગ્રાન્ટ પાછી એક જ એજન્સીને આપી છે, જો કદાચ જુદી-જુદી એજન્સીઓ હોત તો કદાચ આ વાત પ્રકાશમાં આવી ન હોત, પરંતુ એક જ એજન્સીને આપવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આમ આ કૌભાંડમાં સરપંચ-તલાટીનું સંયુક્ત સાહસ છે. ગાંધી અને વૈદ્યનું સહિયારું હોય તેમ સરપંચ અને તલાટીએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યુ છે.
નાયબ સરપંચનું કહેવું છે કે આ મામલે તેમની પાસે પુરાવા છે. તેમણે આ અંગેની ફરિયાદ પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં તપાસ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. આના પગલે હવે આ અધિકારીઓએ પણ પુરાવા છતાં કેમ તપાસ ન કરી તેવો સળવળાટ પણ તંત્રમાં થવા લાગ્યો છે. તેની સાથે સરપંચ અને તલાટીના અધિકાર ક્ષેત્રને લઈને બીજા કેટલા સ્થળોએ આ પ્રકારના કૌભાંડો સર્જાયા હોઈ શકે છે તેવો પણ સવાલ પણ ઊભો થયો છે. જો છેક ગ્રામીણ સ્તરે કૌભાંડ કરવાનું છોડવામાં આવતું ન હોય તો પછી ઉપલા સ્તરે કેટલા મોટા કૌભાંડો હશે તે સમજી શકાય છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
