ભારતમાં હવાઈ ઉડ્ડયન સેક્ટર (Civil Aviation Sector) અત્યંત કપરામાં કપરો ઉદ્યોગ માનવામાં આવે છે. ટાટા (Tata) જેવા મોટા જૂથને પણ આ સેક્ટરમાં સર્વાઇવ થવું હોય તો ભારે સંઘર્ષ કરવો પડે છે તો પછી બીજી ઉડ્ડયન કંપનીઓની વાત જ ક્યાં રહી. તાજેતરમાં ઇન્ડિગોમાં આવેલા સંકટના કારણે વધુ એક એરલાઇન કંપની નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે. ભારતના હવાઈદળ માટે જેમ મિગ જેમ ઉડતા કોફિન બન્યા હતા તે જ રીતે ભારતનું એરલાઇન સેક્ટર એરલાઇન કંપનીઓ માટે જાણે ઉડતું કોફીન સાબિત થઈ રહ્યુ છે.
એરલાઇન સેક્ટર (Ariline Sector) ની કોઈપણ કંપનીઓ માટે નફો કરવો તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એક કે બે વર્ષ માંડ સારા જાય ત્યાં પાછી કોઈને કોઈ મોટી દુર્ઘટના કે પરિસ્થિતિ કે અન્ય પરિબળો એરલાઇન સેક્ટરની કંપનીઓની સ્થિતિ બગાડે છે. ઊંચા ઓપરેટિંગ ખર્ચાની સાથે-સાથે નફાનું અત્યંત પાતળુ માર્જિન એરલાઇનને સેક્ટરમાં ટકવા માટેનું ઇંધણ પૂરું પાડતું નથી. એરલાઇન સેક્ટરમાં અત્યાર સુધીમાં નવ કંપનીઓ નિષ્ફળ ગઇ છે. ઇન્ડિગો ભારતીય બજારમાં 60 ટકા જેટલો હિસ્સો ધરાવતી હોવા છતાં તેની આ સ્થિતિ છે તો પછી બીજી કંપનીઓએ તો કેવું દેવાળુ કાઢવાનું આવ્યું હશે તે સમજી શકાય છે.
ભારતમાં હવાઈ ઉડ્ડયન ઉદ્યોગને સરકારી યંત્રણામાંથી મુક્ત કરવામાં આવ્યા પછી તેનો ફાયદો લેવા કેટલીય કંપનીઓ કૂદી પડી હતી, પરંતુ પ્લેનને હવામાં રાખવા જતાં આ કંપનીઓએ જમીન પર ધૂળ ચાટવાનો સમય આવ્યો હતો. હવાઈ ઉડ્ડયન ઉદ્યોગમાં જાણીતી કંપનીઓ નિષ્ફળ ગઈ હતી. આ કંપનીઓ એવી હતી કે એક સમયે તેનું આ સેક્ટરમાં પ્રભુત્વ હતું. આવી જોરશોરથી શરૂ થયેલી પણ નિષ્ફળ ગયેલી કેટલીક એરલાઇન્સની વિગત નીચે મુજબ છે.
એર ડેક્કન

નિવૃત્ત આર્મી ઓફિસર જી આર ગોપીનાથે (G R Gopinath) 2005માં જાહેરાત કરી હતી કે તે ભારતીયોને એક રૂપિયાથી પણ ઓછી કિંમતમાં હવાઈ પ્રવાસ કરાવશે. તેમની આ જાહેરાતે તે સમયે ચકચાર મચાવી દીધી હતી. લોકો વિમાનમાં ઉડવાનો વિચાર પણ કરતાં ન હતા તે લોકો પણ તેમના આ વિચારથી આકર્ષાયા હતા. તેઓ દેશની પહેલી બજેટ એરલાઇન એર ડેક્કન (Air Deccan) ના સહસ્થાપક હતા. તેમણે ઓગસ્ટ 2003માં એર ડેક્કનનો પ્રારંભ કર્યો હતો. તેમની પાસે 48 સીટર ટ્વીન એન્જિન ફિકસ્ડ વિંગ ટર્બોપ્રોપ એરક્રાફ્ટનો કાફલો હતો, દક્ષિણના શહેરો બેંગ્લુરુ અને હુબલી વચ્ચે રોજની એક ફ્લાઇટ હતી.
2007 સુધીમાં તો 67 એરપોર્ટ પર તેમની રોજની 380 ફ્લાઇટ ચાલતી હતી. જ્યારે પ્લેનનો કાફલો વધીને 45નો થઈ ગયો હતો. રોજના 25 હજાર પેસેન્જર બજેટ ફ્લાઇટમાં ઉડી રહ્યા હતા, જ્યારે એરલાઇન શરૂ થઈ ત્યારે આ સંખ્યા બે હજાર જ હતી. આમ છતાં એર ડેક્કને વધતા જતાં ખર્ચના પગલે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો. તેના લીધે 2007માં કેપ્ટન ગોપીનાથે એર ડેક્કન કિંગફિશરને વેચી દીધી હતી. એર ડેક્કન ખરીદનારા કિંગફિશરના માલિક વિજય માલ્યાએ તેનું નામ બદલીને કિંગફિશર રેડ કરી દીધું.
કિંગફિશર એરલાઇન

2005માં દારૂના વેપારી વિજય માલ્યાએ (Vijay Malya) કિંગફિશર એરલાઇન્સ (kingFisher Airlines) નો પ્રારંભ કર્યો હતો. આ એરલાઇને ભારતમાં પ્રીમિયમ પ્રવાસનું વચન આપ્યું હતું. 2008માં તેણે બેંગ્લુરુથી લંડનની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી. પોતાના કાફલામાં વધારે વમાન જોડવા માટે તેણે ડૂબતી જતી એર ડેકકનને ખરીદી હતી. ભારતીય એરલાઇન ઉદ્યોગની લાક્ષણિકતા એકદમ સ્પર્ધાત્મક છે. કિંગફિશરે કેટલાય ડઝન વિમાન ખરીદ્યા કે લીઝ પર લીધા, દર વર્ષે ભાડાપટ્ટે લીધેલા વિમાનોનો ખર્ચ જ 900થી 1000 કરોડ રૂપિયા પહોંચી ગયો. ટર્બાઇન ઇંધણનો ઊંચો ભાવ એરલાઇનને ભારે પડ્યો. તેના પછી સંચાલકીય ભૂલો, વધતા જતાં વ્યાજદર અને બજારના વધતા જતાં દબાવના કારણે એરલાઇને બંધ થવું પડ્યું હતું. કિંગફિશરે 2012માં તેની કામગીરી આટોપી લીધી હતી.
એર સહારા

એર સહારા (Air Sahara) એક સમયે ભારતની જાણીતી પ્રાઇવેટ એરલાઇન હતી. તેની માલિકી સહારા ઇન્ડિયા પરિવાર ગ્રુપ પાસે હતી. તે 115 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરતી હતી. તેને 2003માં પડોશના દેશોમાં ઉડ્ડયન સર્વિસ શરૂ કરવા મંજૂરી મળી હતી. દેશમાં સૌથી પહેલી એરલાઇન કંપનીઓ શરૂ કરનારી કંપનીઓમાં સહારા ગ્રુપ પણ એક હતું. કંપનીએ બે બોઇંગ 737-200 એરક્રાફ્ટ સાથે પ્રારંભ કર્યો હતો. 2000માં સહારા એરલાઇનને એર સહારા તરીકે રિલોન્ચ કરવામાં આવી હતી. 2004માં તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં પગલું મૂક્યું હતું.
જો કે કંપનીનું ફુલ સર્વિસ મોડેલ અમલમાં આવ્યા પછી તેને નુકસાન જવા માંડ્યું. તેનો ખર્ચ વધવા લાગ્યો અને વધતી જતી સ્પર્ધાના કારણે ટિકિટોના ભાવ પર દબાણ આવવા લાગ્યું. એર ડેક્કન જેવી નવી લો-કોસ્ટ એરલાઇન અત્યંત સસ્તા ભાવે વિમાની સેવા પૂરી પાડતી હતી. ઇંધણના ખર્ચમાં વધારો થયો, એરપોર્ટના ચાર્જ વધ્યા અને નફાનું માર્જિન ઘટી ગયું. 2006 સુધીમાં તો એર સહારા નુકસાનમાં જવા માંડી. એપ્રિલ 2007માં જેટ એરવેઝે રૃ. 1,450 કરોડમાં હસ્તગત કરી હતી. તેના પછી તેણે એર સહારાને જેટલાઇટ તરીકે લોન્ચ કરી. એપ્રિલ 2019માં જેટ એરવેઝ અને જેટલાઇટ બંને બંધ થઈ ગયા. તેના પછી એર સહારાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું.
પેરામાઉન્ટ એરવેઝ

પેરામાઉન્ટ એરવેઝ (Paramount Airways) નો પ્રારંભ 2005માં થયો હતો. મદુરાઈની ટેક્સ્ટાઇલ કંપની પેરામાઉન્ટ ગ્રુપે ચેન્નઈથી તેનો પ્રારંભ કર્યો હતો. આ પહેલી એરલાઇન હતી જેણે બિઝનેસ ક્લાસ પ્રવાસીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. તેણે નવી પેઢીના કે એમ્બ્રાયર 170-190 ફેમિલી સીરીઝના એરક્રાફ્ટ લોન્ચ કર્યા હતા, પરંતુ સરકારે 2010માં તેનું લાઇસન્સ રદ કર્યુ હતું. આ એરલાઇન ફક્ત એક જ વિમાન ઉડાડતી હતી. જ્યારે નિયમ મુજબ એરલાઇન્સ પાસે ઓછામાં ઓછા ચારથી પાંચ વિમાન તો હોવા જ જોઈએ, તેના કારણે તેનું લાઇસન્સ રદ કરાયું હતું.
ટ્રુ જેટ

ટ્રુજેટે (Trujet) જુલાઈ 2017માં તેનું કામકાજ શરૂ કર્યુ હતું. તેની પાસે સાત વિમાન હતા. તે સૌથી લાંબા સમયથી સર્વિસ પૂરી પાડતી રીજનલ એરલાઇન હતી. એરલાઇનનો ટાર્ગેટ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરો અને ખાસ કરીને દક્ષિણ ભારતના શહેરો હતા. અહીં વિમાન સંપર્ક ઘણો ઓછો હતો. 2016માં ભારત સરકાર સબસિડી, ટેક્સમાં છૂટ અને ઓછા એરપોર્ટ ચાર્જ જેવી રિજનલ એર કનેક્ટિવિટીને વધારવાની સ્કીમ (ઉડાન) લઈ આવી. ટ્રુજેટને તેમા સમાવાઈ. ભારતમાં પ્રાદેશિક એરલાઇન્સ સામાન્ય રીતે નફામાં ચાલતી નથી, તેના બંધ થવાની સંભાવના વધુ હોય છે. આ વિમાની કંપની મુખ્યત્વે સરકારી સબસિડી પર આધારિત હતી.તેમા પણ સરકાર પાસેથી રૂપિયા મળતા વિલંબ થતા કંપનીએ આર્થિક ફટકાનો સામનો કરવો પડતો હતો. કોવિડમાં ઉડ્ડયન ક્ષેત્ર જ બંધ થઈ જતાં તેણે મોટા આર્થિક ફટકાનો સામનો કરવાનો આવ્યો હતો. તેના પગલે એરલાઇન બંધ થઈ ગઈ હતી.
વિસ્તારા

વિસ્તારા (Vistara) નો પ્રારંભ જાન્યુઆરી 2015માં થયો હતો. તેનો ટાટા ગ્રુપમાં (Tata Group) વિલય થવાની સાથે ભારતમાં હવે એરલાઇન સેક્ટર ફક્ત ત્રણ જ કંપનીઓમાં સમેટાઈ ગયું છે. વિસ્તારાનું સંચાલન ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇન્સ દ્વારા સંયુક્ત રીતે થતું હતું. 11 નવેમ્બર 2024ના રોજ તેણે અંતિમ ઉડાન ભરી હતી. તેનું પચી એર ઇન્ડિયામાં મર્જર થઈ ગયું હતું.
જેટ એરવેઝ

ભારતે 1992માં ઉડ્ડયન ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લુ મૂક્યુ. આ જ વર્ષે નરેશ ગોયલે (Naresh Goyal) જેટ એરવેઝ (Jet Airways) ની સ્થાપના કરી. તે પહેલાં ટ્રાવેલ એજન્ટ હતા. જેટ એરવેઝનો પ્રારંભ 1993માં એર ટેક્સી ઓપરેટર તરીકે થયો હતો. તેના પછી તે એરલાઇન ઉદ્યોગમાં એક ખાનગી એરલાઇન બની ઉભરી. આ સમયે દેશમાં એરલાઇન ઉદ્યોગમાં સરકારી કંપનીઓનો દબદબો હતો. 2004માં તેની આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ થઈ. એરલાઇનની મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેણે ફુલ સર્વિસ મોડલ જાળવી રાખ્યું, જ્યાં સરળતાથી ફ્લાઇટ મળી રહી હતી. ફ્લાઇટની અંદર ખાવાનું, ઓપરેટિંગ ખર્ચો અને ઝડપતી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો વધારવાના કારણે તેના પર બોજો ખડકાયો. તેમા પણ ઇન્ડિગો અને સ્પાઇસ જેટની સસ્તી ઉડાને તેની કમર તોડી નાખી. 2010 પછી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ. છેવટે કંપની એપ્રિલ 2019માં બંધ થઈ.
ગો ફર્સ્ટ

ગો ફર્સ્ટે(Gofirst) 2005માં ઇન્ડિગો અને સ્પાઇસ જેટની સાથે જ ઉડાનનોપ્રારંભ કર્યો હતો. કંપનીએ 2005-06માં અમદાવાદ મુંબઈ સાથે ડોમેસ્ટિક રુટ પર કામગીરી શરૂ કરી હતી. 2018-19માં તેણે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન શરૂ કર્યા હતા. પીડબલ્યુ એન્જિનના કારણે કંપનીને તકલીફ પડવા માંડી. કંપનીએ મે 2023માં નાદારી નોંધાવી.
એઆઈએક્સ કનેક્ટ્સ
પહેલા એર એશિયાના નામે જાણીતી એઆઈએક્સ કનેક્ટનું (AIS Connects) ટાટા ગ્રુપની એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જર કરવામાં આવ્યું. તેના પછી તેનો સમાવેશ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં કરવામાં આવ્યો. આ બધી એરલાઇન્સનું ઉડ્ડયન ક્ષેત્રે ક્રેશ લેન્ડિંગ થયુ તેમા જેટ એરવેઝ જેવી અઢી દાયકા કામગીરી કરનારી કંપની પણ હતી. તે બધામાં મુખ્ય પરિબળ ઊંચો ઓપરેટિંગ કોસ્ટ, ઊંચા એરપોર્ટ ચાર્જ અને ઊંચા ઇંધણના ભાવ તથા હરીફાઈ છે. કંપનીઓ તેની સાથે તાલમેળ મિલાવવામાં નિષ્ફળ જતાં આ સ્થિતિ આવી. ઇન્ડિગો હવે વર્તમાન સંકટમાંથી બહાર આવે છે કે અન્ય નિષ્ફળ ગયેલી કંપનીઓના રસ્તે જ ચાલે છે તે જોવાનું રહ્યુ.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
