MANTAVYA Vishesh/ જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈનો વિવાદ

કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈના પગલે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજે વળતાં પગલાં લેતા તેમના પિતા લલિત દવેને સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. કાંકરેજના શિહોરી સમુદાયમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

Mantavya Vishesh

ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે(Kinjal Dave) એ છ ડિસેમ્બરે આંતરજ્ઞાતીય સગાઈ કરતાં તેના કુટુંબને સમાજની બહાર કરવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. કિંજલ દવેની પહેલા સગાઈ થઈ હતી તે તૂટી ગઈ હતી. આ સગાઈ પવન જોષી સાથે થઈ હતી અને આ સગાઈ સાટા પદ્ધતિમાં થઈ હતી. આ સગાઈ પાંચ વર્ષ સુધી રહી હતી. હવે તેણે બીજી સગાઈ  ધ્રુવિન શાહ નામના બિઝનેસમેન અને અભિનેતા સાથે કરી છે. કિંજલ દવેએ આંતરજ્ઞાતીય સગાઈ કરતાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજમાં વિવાદનો ફણગો ફૂટ્યો છે.

કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ (Intercast Engagement) ના પગલે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજે વળતાં પગલાં લેતા તેમના પિતા લલિત દવેને સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો હતો. કાંકરેજના શિહોરી સમુદાયમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવિન શાહ (Dhruvin Shah)  ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતાં. કિંજલ દવેએ સગાઈનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આંતરજ્ઞાતીય સગાઈ થતાં જ સમાજે કિંજલ દવેના કુટુંબને લઈને આકરો નિર્ણય લીધો છે.  બહિષ્કૃત વ્યક્તિઓનું સ્વાગત કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં, કોઈપણ સામાજિક કાર્યક્રમોમાં તેમનું સ્વાગત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી આ બાબત તીવ્ર ચર્ચાનો અને વિવાદનો વિષય બન્યો છે

કિંજલ દવેએ સમાજના નિર્ણયની સામે જણાવ્યું હતું કે મારા સુધી વાત સીમિત હોવાના કારણે હું અત્યાર સુધી આ બાબતને લઈને મૌન હતી. હવે વાત મારા કુટુંબ સુધી આવી ગઈ છે અને તેના કારણે મારે બોલવું પડશે. તેણે જણાવ્યું હતું કે બ્રાહ્મણ કન્યા હોવાનું મને ગૌરવ છે, આ વાત શબ્દોમાં વર્ણવવી જ શક્ય નથી, કારણ કે આ વાત જ એવી છે. કોઈપણ બ્રાહ્મણ યુવતી આ પ્રકારનું ગૌરવ અનુભવતી જ હોય છે, પણ હું એક ગાયિકા પણ છું. મને આજે ગાયિકા તરીકે સમાજના બધા જ વર્ગોનો પ્રેમ મળ્યો છે તે હકીકત છે.

આમ છતાં આજના આ આધુનિક યુગમાં કેટલાય તત્વો એવા છે જે દીકરીની પ્રગતિ જોઈ શકતા નથી, તેમા અવરોધ સર્જે છે. તેઓ જૂની પ્રથાઓને ત્યજવા તૈયાર જ નથી. જૂની વિચારસરણની ત્યજવા તૈયાર નથી, જૂની માનસિકતામાંથી બહાર આવવા તૈયાર નથી. તેઓ દીકરીઓના જીવન પર અંકુશ ઇચ્છે છે. આજની દીકરીઓ ક્યાં નથી, રણમેદાનમાં છે, આર્મીમાં છે, ફાઇટર જેટ ઉડાડે છે. હવે આ દીકરીઓ પર સામાજિક અંકુશ લાગવા જાય તો પછી ક્યાંથી મેળ ખાય. શું તેઓ આકાશમાં  ઉડતી દીકરીઓની પાંખો કાપવા પ્રયત્ન કરી રહ્યા છે? તેમનાથી તેમના જ સમાજની દીકરીઓની પ્રગતિ સહન થતી નથી. કેટલાક અસામાજિક તત્વો સમાજની દીકરીઓને આગળ વધતા જાણે રોકી રહ્યા છે અને તેમના પગમાં બેડીઓ નાખવા માગે છે. આજના આધુનિક યુગમાં તેઓ દીકરીઓને બાંધી કાખવા માંગે છે. આજની આધુનિક યુવતીએ કયો જીવનસાથી પસંદ કરવો તેનો નિર્ણય તેઓ કરવા માંગે છે, પણ તેમને સમાજમાં સાટા પદ્ધતિ જેવી કુપ્રથાઓ દુર કરવી નથી.

ઉલ્લેખનીય છે કે કિંજલ દવેની સગાઈ થઈ તે સાટા પદ્ધતિથી થઈ હતી. સાટા પદ્ધતિમાં એકબાજુએ દીકરી આપવામાં આવે છે તો બીજી બાજુએ દીકરી લેવામાં આવે છે. આજે પણ બ્રાહ્મણ સહિત ઘણા સમાજોમાં આ પ્રકારની સાટા પદ્ધતિ અસ્તિત્વમાં છે. આ પદ્ધતિમાં જોખમ એ જ છે કે જો એકનું બગડે તો બેનું અને ઘણી વખત તો વધારે દીકરી અને દીકરા હોય તો ચારેયનું કે આઠેયનું બગડતું જોવા મળ્યું છે. કિંજલના કિસ્સામાં જ તેના ભાઈની સગાઈ તૂટતા તેની સગાઈ પણ આ જ સાટા પદ્ધતિના કારણે તૂટી ગઈ હતી. આ સગાઈ પાંચ વર્ષ રહી હતી. સ્વાભાવિક રીતે કિંજલ દવે પર પણ તેની ઘેરી અસર થઈ હતી.

તેથી જ કિંજલ દવેએ જણાવ્યું હતું કે જે પણ સમાજ પોતાની જ દીકરીઓની પાંખો કાપવાનો પ્રયત્ન કરે છે તે સમાજ ક્યાંયનો નહીં રહે. મારા કુટુંબની સામે કોમેન્ટ કરનારા લોકોની સામે હું કાયદેસરના પગલાં લઈશ તેવી ચીમકી પણ કિંજલ દવેએ ઉચ્ચારી હતી. આમ કિંજલ દવેના આંતરજ્ઞાતીય લગ્નને લઈને સમાજના આકરા નિર્ણયનો કિંજલ દવેએ જવાબ આપ્યા પછી આગામી દિવસોમાં આ મોરચે વધુ વિવાદ જોવા મળી શકે છે. સામાજિક વિવાદ આગળ જતાં રાજકીય હોળી બની જાય તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ.

તેનો પુરાવો એ વાત પરથી મળે છે કે કિંજલ દવે સામે સમાજે લીધેલા પગલાંને સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાન હેમાંગ રાવલે આપેલું સમર્થન છે. હેમાંગ રાવલે કિંજલ દવેના કુટુંબ સામે સમાજે લીધેલા પગલાંને ટેકો આપતા આ વિવાદ આગામી દિવસોમાં રાજકીય વિવાદ પણ બની શકે છે.

તેમા પણ હેમાંગ રાવલે (Hemang Raval) જણાવ્યું હતું કે કિંજલ દવેએ સમાજના અગ્રણીઓ સામે અસામાજિક તત્વો (Anti Social Elements) જેવો અયોગ્ય શબ્દપ્રયોગ કર્યો છે તે વાંધાજનક છે અને અમારો તેની સામે આંકરો વાંધો છે. તેમનું કહેવું છે કે કિંજલ દવેએ તેની પ્રતિષ્ઠાને અનુરૂપ વર્તન કરતાં સમાજમાં ઉદાહરણ બેસાડવું જોઈએ, તેના બદલે તે પોતે જ સમાજ માટે વિપરીત ઉદાહરણ બની રહી છે. તે જાણે સમાજની દીકરીઓને છડેચોક તમને ફાવે ત્યાં લગન કરો તેવો સંદેશ આપી રહી છે. આ રીતે તો સમાજ વિખેરાઈ જશે. સમાજનું નિકંદન નીકળી જશે. કોંગ્રેસ અગ્રણી હવે સમાજના સમર્થનમાં આગળ આવતા આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ફરી પાછો વ્યક્તિ વિ. સમાજની સ્થિતિ અહી સર્જાઈ છે. લગ્નને હવે વ્યક્તિ વિષયક બાબત ગણવી કે સમાજ વિષયક બાબત ગણવી તે પણ મોટો સવાલ ઊભો થયો છે.

કિંજલ દવેના સમર્થનમાં મહિલા આગેવાન પ્રતિભા દેસાઈ (Pratibha Desai) ઉતર્યા છે. તેમણે કોગ્રેસ અગ્રણીથી વિપરીત વલણ અપનાવતા જણાવ્યું હતું કે કિંજલ દવેએ કંઈ ખોટું કર્યું નથી, તેમણે કંઈ માબાપને નારાજ કરીને લગ્ન કર્યા નથી કે કંઈ કુટુંબ સાથે સંબંધ તોડી નાખીને લગ્ન કર્યા નથી કે ભાગી જઈને લગન કર્યા નથી. તેણે પોતાના કુટુંબની સ્વીકૃતિ સાથે લગ્ન કર્યા છે. તેથી તેણે સમાજને પણ છાંટા ઉડે તેવું કશું જ કર્યુ નથી, તેથી તેના કુટુંબનો કરવામાં આવેલો સામાજિક બહિષ્કાર સદંતર ખોટી વાત છે. બધાએ કિંજલ દવેના સમર્થનમાં ઉતરવુ જોઈએ. આમ કિંજલ દવેનું પ્રકરણ આગામી દિવસોમાં વિવાદો સર્જે તો આશ્ચર્ય ન થવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો