Junagadh News: જૂનાગઢમાં હવે જાણે વિવાદોનું ગઢ બની રહ્યુ છે. ભવનાથ મંદિર (Bhavnath Mandir) અને અંબાજીનો વિવાદ (Ambaji Mandir) ચાલી રહ્યો છે ત્યાં હવે સતાધાર (Satadhar Dispute) ના આપાગીગાનો વિવાદ સામે આવ્યો છે. સતાધારની જગ્યાના મહંત પર બીજા કોઈએ નહીં તેમના સગા મોટાભાઈએ નીતિન ચાવડાએ (Nitin Chavda) જ આરોપ લગાવ્યા છે. તેમણે તેમના નાના ભાઈ અને મહંત વિજય બાપુને (Vijaybapu) કૌભાંડી અને પરસ્ત્રીગમન કરનારા કહ્યા છે. તેમનો દાવો છે કે તેમના ગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ છે અને તેમણે ખાનગીમાં લગ્ન કે મૈત્રી કરાર પણ કર્યા છે. આ ગીતાએ તેમને બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે.
નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપ કરતો પત્ર છેક ગૃહપ્રધાનને લખ્યો છે, તેની સાથે પત્રકાર પરિષદ પણ કરી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સતાધારના મહંતના ટ્રસ્ટની તપાસ થવી જોઈએ. તેમા બહુ મોટાપાયા પર ગેરરીતિ થઈ છે, તેના નાણાકીય વ્યવહાર શંકાસ્પદ છે. તેની સાથે અહીં મોટાપાયા પર વ્યભિચારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આની સામે ફરિયાદ કરનારાઓને માર મારવામાં આવે છે. તેમનો દાવો છે કે તેમણે આ મુદ્દે સીએમથી લઈને ગૃહપ્રધાનને વાકેફ કર્યા છે. તેની સાથે સતાધારના વહીવટને કૌભાંડી વિજય બાપુ પાસેથી છીનવી લઈને સરકાર વહીવટદાર નીમે તેવી માંગ પણ કરી છે.

મહંત વિજય બાપુના સગા મોટાભાઈના આરોપોના પગલે રીતસરની ચકચાર મચી જતાં વિજય બાપુએ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ લોકો આ વિવાદ પાછળ છે. તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થા 250 વર્ષ જૂની છે. આજ દિન સુધી અમારી સામે પોલીસ કેસ સુદ્ધા પણ થયો નથી. અમે સનાતન ધર્મના ટેકેદારો છીએ અને તેમા માનનારા છીએ. તેથી અમે સેવાનો માર્ગ અપનાવ્યો છે. અમે કોઈને વશીકરણથી વશ કરીને અમારુ સામ્રાજ્ય ઊભું કર્યું નથી. અમે ભજન પરંપરા અપનાવી છે. અમે લોકો સમક્ષ હાથ જોડીને અમારો પ્રભાવ ઊભો કર્યો છે. અમારો હેતુ દીનદુઃખીયાના હૃદય સુધી પહોંચવાનો છે. અમે પ્રકૃતિ કલ્યાણ, માનવ કલ્યાણની સાથે ભજન પરંપરાને અપનાવી છે.
તેમણે જણાવ્યું હતું કે નીતિનભાઈના આરોપોના અંગે હું ફક્ત એટલું જ કહીશ કે સરકારને તેમા કંઇપણ શંકા જેવું લાગતું હોય તો તપાસ સમિતિ નીમીને તપાસ કરાવે, જેથી સત્ય બહાર આવે. અમે આ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છીએ. આજે અમારા પર જે આરોપો મૂકવામાં આવ્યા છે, તેને અમે અમારી સમક્ષ આવેલી કસોટી તરીકે જોઈએ, સતાધારનું સત એવું છે કે આ જગ્યા પર જ્યારે પણ છાંટા ઉડાડવામાં આવ્યા છે તેમાથી તે વધુ સ્વચ્છ થઈને બહાર આવી છે.

જૂનાગઢમાં સુરતના સતાધારના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા છે. સુરતમાં એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આવેદન આપ્યુ છે. તેઓએ સનાતન ધર્મ અને મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન આપ્યું છે. ગુર્જર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ આવેદન આપવામાં આવ્યું છે. અન્ય સમાજના આગેવાનો પણ તેમા મોટી સંખ્યામાં જોડાયા છે. કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આગેવાનોનું કહેવું છે કે મહંત વિજય બાપુ પાસેથી રૂપિયા પડાવવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. તેમા મોટામાથાઓના હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે પણ આ બાબતની સરકાર તટસ્થ રીતે તપાસ કરે તેવી માંગ કરી છે.
વિજય મહંતના મોટાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને રીતસરનો પત્ર લખ્યો છે કે વિસાવદર તાલુકામાં સતાધારમાં આપાગીગાનું મંદિર છે. અહીં હાલમાં મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત હાલમાં મંદિરનો વહીવટ સંભાળે છે. તે મંદિરના મુખ્ય મહંત છે. તે લગભગ 20 વર્ષથી વહીવટ કરી રહ્યા છે. મંદિરની પોતાની 1,200 વીઘાથી વધુ જમીન છે. મંદિરની જોડે 60 જેટલી ગેરકાયદે દુકાનો છે. તેનું વાર્ષિક ભાડું બેથી અઢી લાખ છે. આ ઉપરાંત મોટી ગૌશાળા છે અને તેના દૂધની આવક વર્ષે કરોડ રૂપિયાથી વધારે થાય છે. જ્યારે ખેતીની વાર્ષિક આવક 50 કરોડ અને ધર્માદાની આવક 100 કરોડ રૂપિયા થાય છે. નીતિનભાઈનો આરોપ છે કે આ બધી રકમ મહંત વિજય ગુરુ ગેરમાર્ગે વાપરે છે, જો કે તેઓ આના કોઈ ચોક્કસ પુરાવા આપી શક્યા નથી.
તેમણે જણાવ્યું હતું કે આજે મહંત બનેલા વિજય બાપુ 20 વર્ષ પહેલા પોલીસની પરીક્ષા આપતા હતા, પરંતુ તેઓ તેને પાસ કરી શક્યા ન હતા. તે 2004થી સતાધારમાં મહંત તરીકે સ્થાયી થયા છે. આ વિજય બાપુ નીતિન ચાવડાના કુલ છ ભાઇઓમાં સૌથી નાનો ભાઈ છે. તેમની બાપદાદાની ખેતીની જમીન તેમજ રહેવા માટેનું ઘર બધુ બોરડી ગામે આવેલું છે. વિજય ભગતનું પૂર્વાશ્રમનું નામ વાલજી મોહન ચાવડા છે. મોટાભાઈ નીતિન ચાવડાએ જ વિજયને અમરેલીમાં કોલેજ સુધી ભણાવી સ્નાતક કરાવ્યો હતો. નીતિન ચાવડાએ જણાવ્યું હતું કે વિજય ઉર્ફે વાલજીની પ્રવૃત્તિઓ કોલેજના સમયથી જ ખરાબ હતી. તેઓ કુસંગે ચડી ગયા હતા. સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ કરતા હતા અને દારૂનો નશો કરતા હતા તથા તેમના લફડાં પણ હતા. આના લીધે તેમને ગુપ્ત રોગ પણ થયો હતો અને મેં તેમને તેમાથી છોડાવી તેમની સારવાર કરાવી હતી.
છેલ્લા ત્રણેય મંદિર વિવાદમાં આશ્ચર્યની વાત એ છે કે સનાતન ધર્મના સ્થળોને લઈને આટલો વિવાદ કેમ જોવા મળે છે. આ વિવાદમાં બીજા મંદિરોના મહંતે પણ જણાવ્યું છે કે જો બે ભાઈઓ વચ્ચે વિવાદ હોય તો તેને આ રીતે જાહેરમાં લાવવો યોગ્ય નથી. તેમા કારણ વગર સનાતન ધર્મની બદનામી થાય છે. વિજય બાપુએ તો બધા જ પ્રકારની તૈયારી દાખવી છે પછી સરકાર આમા તપાસ સમિતિ નીમીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે. તેથી આ વિવાદને બહુ લાંબો ખેંચવાની જરૂર નથી.
આ પણ વાંચો: ગિરનાર અંબાજી મંદિરનાં ગાદીનો વિવાદ : મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા
આ પણ વાંચો: હરિગીરી બાપુની ગેંગના સામ્રાજ્યનો અંત આવશેઃ મહેશગીરી
