ગરમી આવે એટલે ગ્રાહકોમાં એક એસી અને બીજી આઇસક્રીમની ડીમાન્ડ જબરદસ્ત હોય છે. આ કંઈ કોઈ એકાદ વખતની વાત નથી. કાયમની વાત છે. તેમા પણ ગુજરાતમાં વાડીલાલ અને હેવમોર આઇસક્રીમ જાણીતી બ્રાન્ડ છે. તેના કારણે તો ગુજરાતમાં તો ઉનાળામાં આઇસક્રીમ ખાવા પડાપડી થાય છે. આઇસક્રીમ પાર્લરો પર ભીડ જામે છે.
હવે આ સંજોગોમાં મંગાવેલા આઇસક્રીમમાંથી હાનિકારક પદાર્થ કે પ્રાણીજન્ય પદાર્થ નીકળે તો શું થાય. મણિનગરમાં આઇસક્રીમ પાર્લરમાંથી ગ્રાહકે મંગાવેલા આઇસક્રીમમાંથી ગરોળી મળતા ચકચાર મચી ગઈ છે. આવી પૂંછડી જો બીજી કોઈ સામાન્ય બ્રાન્ડમાંથી મળી આવી હોત તો આટલો ઉહાપોહ ન થાત, પરંતુ હેવમોર જેવી બ્રાન્ડમાંથી મરેલી ગરોળી મળી આવતા આઇસક્રીમ પ્રેમીઓ ચિંતામાં પડી ગયા છે. તેમા આ આઇસક્રીમ ખાનારી મહિલાની સ્થિતિ તો અત્યંત કફોડી થઈ ગઈ છે. તેની તબિયત લથડી હોય તેમ મનાય છે.
આ બનાવના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મણિનગરમાં મહાલક્ષ્મી કોર્નર નામના આઇસક્રીમ પાર્લરને સીલ કરી દીધું છે, કારણ કે ત્યાંથી લેવામાં આવેલા આઇસક્રીમમાં આ ગરોળી મળી આવી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે તે આઇસક્રીમ ખાઈ રહી હતી ત્યારે તેને તેના મોઢામાં કંઇક અસામાન્ય કે અલગ જ આવી ગયાનું લાગ્યું.
તેથી તેણે તે વસ્તુ મોઢામાંથી બહાર કાઢી, પહેલા તો તેને એમ કે કોઈ બીજો પદાર્થ હશે. પછી જોયું તો ખબર પડી કે આ તો ગરોળી હતી. મહિલાએ આ મરેલી ગરોળી તેણે ખાધેલી આઇસક્રીમમાંથી નીકળેલી જોતાં તેને ઉલટી થવા લાગી. તેની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલ થવા લાગી.
આ બનાવના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ટીમે પાર્લરની ચકાસણી આદરી. આ સમયે તેને ખબર પડી કે આ પાર્લરની કોઈપણ પ્રકારની નોંધણી કરાવવામાં આવી નથી અને તેણે કોઈપણ પ્રકારનું લાઇસન્સ પણ લીધું નથી. આમ આ પાર્લરને નોંધણીની કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર ચાલુ કરી દેવાયુ હતુ તેની કોર્પોરેશનના સત્તાધીશોને આ બનાવ બન્યા પછી ખબર પડી. આનો અર્થ એમ થાય કે આ બનાવ બન્યો ન હોત તો હજી પણ તેમને ખબર પડી ન હોત કે આ પાર્લરની નોઁધણી થઈ છે કે નહી. હવે શું કોર્પોરેશનના સત્તાવાળાઓ આના પરથી જાતે જ વિચાર કરીને શહેરમાં ચાલતા બીજા આ પ્રકારના આઇસક્રીમ પાર્લરો પર ત્રાટકશે કે નહી. તે પણ નોંધાયેલા છે કે નહીં તેની ચકાસણી કરશે, કે પછી ત્યાં પણ આવી કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈને બેસશે.
આ બનાવના પગલે હવે કોર્પોરેશનની ટીમ હેવમોરના નરોડામાં આવેલા આઇસક્રીમ ઉત્પાદન એકમોનું નિરીક્ષણ કરવા જઈ રહી છે. આઇસક્રીમ કોનમાંથી ગરોળી નીકળવાની ઘટનાનો વિડીયો વાઇરલ થવાથી અમદાવાદના આઇસક્રીમ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે.
અમદાવાદનું ફૂડ વિભાગ પણ આ વાઇરલ વિડીયોના પગલે જ સક્રિય બન્યું હતું. હવે નરોડા ખાતે હેવમોરની ફેક્ટરીમાંથી કરવામાં આવનારી તપાસમાં શું પરિણામ નીકળે છે તે જોવાનું રહેશે. આના પગલે અમદાવાદ શહેરમાં ધમધમતા આવા અનેક આઇસક્રીમ પાર્લરો પણ કોર્પોરેશનની નજર હેઠળ આવ્યા છે, આમાના કેટલાય પાર્લર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ચાલતા હશે અને તેની કોર્પોરેશનને ખબર પણ નહીં હોય.
કોર્પોરેશન શું હવે આ રીતે ન નોંધાયેલા પાર્લરો અને આ રીતે આઇસક્રીમ મળી આવ્યો તે હેવમોર બ્રાન્ડની સામે કાયદાકીય કાર્યવાહી કરશે. અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે અને કોર્પોરેશન ફક્ત સીલ મારીને બેસી ગયું છે. તેના પછી આ પાર્લર કે રેસ્ટોરાં માલિકો કોર્ટમાં જઈને દંડ ભરીને સીલ ખોલાવી લે છે, બસ આખો કેસ ત્યાં જ પૂરો થઈ જાય છે. આ કિસ્સામાં પણ આ જ બનાવનું પુનરાવર્તન થશે કે કોઈ આગળ વિશેષ પગલાં લેવાશે તેના પર ગુજરાતના આઇસક્રીમ પ્રેમીઓની નજર છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
