ભરૂચ જિલ્લામાં હમણા જ દસ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ તાજેતરમાં ખૂબ જ ગાજ્યો છે. આના લીધે બાળકીની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. આજે પણ વિકસિત કહેવાતા ગુજરાતમાં બાળકીઓ માના પેટથી લઈને રસ્તા સુધી ક્યાંય સલામત નથી. મહિલાઓ માટે સલામત ગુજરાતના દાવાની સામે આ આજની હકીકત છે.
સબ સલામત મનાતા ગુજરાતમાં બેટી બચાવોના દાવા કેટલા પોકળ સાબિત થયા છે તેના આંકડા લગભગ એક દાયકાના બળાત્કારના આંકડા બતાવે છે. રાજ્યમાં છેલ્લા દાયકા દરમિયાન એટલે કે 2014થી 2022 સુધીમાં બાળકીઓ પર બળાત્કારની 17 હજારથી વધારે ઘટનાઓ બની છે. આ પ્રકારની ઘટનાઓની વધતી જતી સંખ્યા બતાવે છે કે શું ગુજરાતની બાળકીઓ હવે નરાધમોને આધીન છે? રાજ્યમાં રોજ સવાર પડે ત્યાં બાળકી પર આ શહેરમાં તો આ ગામડામાં કે આ તાલુકામાં કે આ ટાઉનમાં બળાત્કાર થયો તે સમાચાર વાંચવા મળે છે. આ બાબત પુરવાર શું કરે છે, બાળકીઓ ફક્ત રેપિસ્ટો માટે ઉપભોગનું સાધન છે.?
રાજ્યમાં બાળકીઓની ભ્રૂણહત્યા હજી પણ જારી છે અને તે જન્મ લીધા બાદ પણ સલામત નથી, શું આ છે. આજે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં કોઈ જિલ્લો અને તાલુકો કે કોઈ શહેર બાકી નથી જ્યાં બાળકી પર બળાત્કાર થયો ન હોય. આ સ્થિતિ પાછી દિનપ્રતિદિન વણસી રહી છે, આગામી દિવસોમાં રાજ્યના 18 હજાર ગામમાંથી કોઈ ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાળકી પર બળાત્કાર થયો નહીં હોય.
આશ્ચર્યની વાત તો એ છે કે 2014ના વર્ષ પછી તો રીતસર જાણે ગુજરાતમાં બાળકીઓ પર બળાત્કારની સંખ્યામાં ધરખમ ઉછાળો આવ્યો છે. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી જાણે વિદાય શું લીધે તેના પછી બળાત્કારીઓને ગુજરાતમાં રીતસરનો છૂટો દોર મળી ગયો છે. 2014માં ગુજરાતમાં 614 બાળકી પર બળાત્કાર થયા હતા. પણ પીએમ મોદીની વિદાય પછીના જ વર્ષે આ આંકડો અઢી ગણો વધીને 1,609 થઈ ગયો છે. જ્યારે 2018માં આ જ આંકડો બે હજારને વટાવી જઈને 2,154 થયો હતો. તેના પછી તો દર વર્ષે બાળકીઓ પર બે હજારથી વધુ રેપના કેસનો આંકડો સતત જળવાયેલો જ રહ્યો છે.
શું ગુજરાતનું તંત્ર એટલું બિનકાર્યક્ષમ છે કે તે બળાત્કારીઓ સામે કોઈ પગલાં જ લઈ શકતું નથી, શું ગુજરાત તંત્રનો બળાત્કારીઓને કોઈ ખોફ નથી. દર વખતે કાયદો કાયદાનું કામ કરશે તેવું નિવેદન કરીને વાતને જવા દેવાય છે.
પોલીસ પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે તે બળાત્કારીઓ પર લગામ કસી શકે. બળાત્કારીઓને તો જાણે પોલીસને ડર જ રહ્યો લાગતો નથી. જો પોલીસ કે તંત્રનો ડર હોત તો બળાત્કારીઓ આવી હિંમત કરી શકતા હોત. બાળકીઓ પર બળાત્કાર કરનારની સામે પોક્સો હેઠળ કાર્યવાહી હોવા છતાં પણ બળાત્કારના ગુનાનું પ્રમાણ સતત વધતું જ રહ્યું છે. આ શું બતાવે છે, શું પોક્સોનું શસ્ત્ર હવે બાળકીઓ પર બળાત્કાર કરનારાઓ પર બૂઠુ સાબિત થઈ રહ્યું છે? તંત્ર આ અંગે ભલે ગમે તે કહેતું હોય, પરંતુ આંકડા તો આ જ હકીકત પુરવાર કરે છે.
બેટી બચાવોના સૂત્રને ફક્ત સૂત્ર ન રાખતા વાસ્તવિકતાની ધરતી પર ઉતારવાનો સમય આવી ગયો છે. પોલીસથી સામાન્ય લોકો જ ડરે અને બળાત્કારીઓને કોઈ ડર જ ન રહે તેવી સ્થિતિ સરેઆમ ચાલી રહી છે. આના લીધે આગામી સમયમાં ક્યાંક એવી સ્થિતિ ન આવી જાય કે બાળકીઓ માટે સ્કૂલે જવું કે ઘરનું બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય.
ગુજરાતના જાણીતા ફોરેન્સિક સાઇકોલોજિસ્ટ ડો. શિવરત્ન લલિત વાયાએ ચાઇલ્ડ રેપિસ્ટોની માનસિકતા અંગે જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનેગારો રીતસર અજાણ્યા હોય છે, તેઓ પીડિતને કે પીડિત તેમને કોઈપણ રીતે જાણતી હોતી નથી. તેઓ પીડિત પર અચાનક જ ત્રાટકીને તેને તેનો શિકાર બનાવે છે. એક બળાત્કાર કર્યા પછી તે ન પકડાય તો પછી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને આ રીતે પકડાય નહીં ત્યાં સુધી બાળકીઓ પર ઠંડે કલેજે બળાત્કાર કર્યા કરે છે. આ પ્રકારના ગુનેગારો મુખ્યત્વે પોર્નોગ્રાફીની લતવાળા હોય છે અને વિકૃત સેક્સના શોખીન હોય છે.
બીજા પ્રકારના ચાઇલ્ડ રેપિસ્ટો આ વ્યક્તિના નજીકના સગાસંબંધી કે મિત્રવર્તુળમાં હોય છે, જે તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસનો કે માબાપની ગેરહાજરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને વિશ્વાસઘાત કરે છે. આ લોકો ગુનો કરે છે ત્યારે કલ્પના પણ હોતી નથી કે આ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે, કારણ કે તે કુટુંબની નજીક હોય છે તથા વિશ્વાસું હોય છે. આ પ્રકારના લોકોને પીડોફિલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સિવાય આ લોકોના વ્યક્તિત્વમાં જોઈએ તો તેઓમાં સામાજિક સંબંધો ખીલવી શકવાની ક્ષમતા હોતી નથી, તે નિયમિત રીતે કાયદો તોડનારા હોય છે. તે સતત જૂઠુ બોલતાં હોય છે. તેઓ બીજાના અધિકારોને જરા પણ સન્માન આપતા નથી, બીજાને નુકસાન કરવા બદલ તેમને જરા પણ દોષિતપણાની ભાવના અનુભવાતી હોતી નથી. આ ગુનેગારો બીજા પ્રત્યે દયાની લાગણીની ભાવના અનુભવવામાં અમસર્થ હોય છે. આ સિવાય આ ગુનેગારો ગુનો કર્યા પછી પણ તેટલા સાહજિક દેખાતા હોય છે કે તેમને જોઈને લાગે નહીં કે તેમણે ગુનો કર્યો હશે. આ પ્રકારનો વ્યક્તિ તે બાળકીના શિક્ષકથી માંડીને સગાસંબંધી, પિતા કે માતાના મિત્રવર્તુળનો વ્યક્તિ, કોચ, કોઈ આધ્યાત્મિક ગુરુ સુદ્ધા હોઈ શકે છે.
પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે બાળકીઓને આ પ્રકારના રેપિસ્ટોથી બચાવવા માટે શું કરવું, તંત્ર તો ચોક્કસપણે તેમા ઉણુ ઉતર્યુ છે, પરંતુ હવે માબાપ માટે તે વિચારવાનો સમય છે કે તેમણે તેમની બાળકીને સલામત કેવી રીતે રાખવું, કમસેકમ તેના હાથમાં તો મોબાઇલ ફોન ન આપવો. તેને સોશિયલ સંપર્ક કરી શકાય તેવા બધા જ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી દૂર રાખવું. તેમા ફેસબૂકથી લઈને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકના કોન્ટેક્ટ સતત ચકાસતા રહેવું, તેને વિશ્વસનીય શિક્ષકને ત્યાં જ ટ્યુશનમાં મૂકવું. બાળકીને સગાસંબંધીને ત્યાં ન મોકલવી. બાળકી વાહનમાં આવતી હોય તો ધ્યાન રાખવું કે તેમા તે ક્યારેય એકલી ન આવે, તેના આવવા-જવાના સમય પર સતત નજર રાખવી. જો ગુજરાતના માબાપ પોતાની બાળકીને રસ્તે રખડતા બળાત્કારીઓથી બચાવવા માંગતા હોય તો આટલી સાવધાની તો રાખવી પડશે, નહીં તો તમારી બાળકી ફક્ત બાળકી ન રહેતા એક રેપ કેસ બનીને રહી જશે.
આ પણ વાંચો: જસદણમાં યુવકે 14 વર્ષની સગીરાનું અપહરણ કરીને કર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: ઝગડિયા GIDCમાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ, માતા અને ડોક્ટર પણ હાલત જોઈ ચોંક્યા
આ પણ વાંચો: ગઢડાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું
