ગુજરાતમાં સાધુઓ અને સંપ્રદાયો જાણે વિવાદમાં જ રહેવા સર્જાયેલા લાગે છે. એકબાજુ ભવનાથમાં મહેશગીરી અને હરિગીરી સામસામે છે. બીજી બાજુ સ્વામિનારાયણના સંતો સતત સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં રહે છે, આને લઈને સનાતન ધર્મના સાધુ સમાજે તેમને હાઇકોર્ટની નોટિસ પણ પાઠવી છે. ત્રીજી બાજુ અમદાવાદમાં ભારતી બાપુના આશ્રમનો અને તેમની શિષ્યાનો તથા તેમના સામેના પક્ષકાર સામે આશ્રમનો વિવાદ ચાલુ છે. આ ઉપરાંત તોરણીયા આશ્રમને લઈને વિવાદો અટક્યા નથી. કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓ સામસામે આવી ગયા હતા. હવે તેમા વધુ એક ઉમેરો કરતાં હોય તેમ જૈન મુનિની કામલીલાનો વિવાદ સામે આવ્યો છે. આમ કહી શકાય કે ગુજરાતની ‘આશ્રમ સિરીઝ’માં જે આ જ બાકી રહી ગયા હતા તે પણ હવે આ વિવાદોની હારમાળામાં આવી
ગયા છે.
જૈન મુનિ સાગરચંદ્ર સાગરની પ્રેમલીલા અખૂટ સાગર જેવી જ લાગે છે. સાધ્વી સાથે નગ્ન અવસ્થામાં તેમના વાઇરલ થયેલા વિડીયોએ જૈન સમાજમાં ભૂકંપ સર્જયો છે. આ વાઇરલ વિડીયો સાચો નીકળતા જૈન અગ્રણીઓ હવે સાગરચંદ્ર સાગરને સાધુપદેથી હાંકી કાઢવા મેદાને પડ્યા છે. ફક્ત આટલું જ નહીં વિવાદનો એક ફણગો ફૂટે પછી તો તેની હારમાળા બહાર આવે તેમ સાધ્વી સાથે તેમની વાઇરલ થયેલી વિડીયો ચેટે જાણે બળતામાં ઘી હોમ્યું છે. તેમા પણ સાગરચંદ્રના પ્રેમની કોઈ સીમા ન હોય તેમ બે-બે જૈન સાધ્વી સાથેના નગ્ના અવસ્થાના વિડીયોએ જૈન સાધુઓની સાથે સમાજને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો છે.

તેઓ ફક્ત કામલીલા જ કરે છે તેવું નથી, સંપત્તિના મામલે પણ તે કુબેર ભંડારી હોવાનું કહેવાય છે. સાગરચંદ્ર સાગર સાધુ તરીકે અપરિગ્રહને વરેલા હોવાથી તેમની પાસે એક રૂપિયાની પણ સંપત્તિ ન હોવી જોઈએ તે જૈન મુનિ તરીકેનો નિયમ છે, પરંતુ તેમની પાસે મોટાપાયા પર સંપત્તિ હોવાનું પણ કહેવાય છે. તેમણે મુંબઈમાં પાર્શ્વપુરમમાં પ્લોટ પણ ખરીદ્યો છે. આમ તેમણે અપરિગ્રહને પણ કોરાણે મૂક્યો હોવાનો આક્ષેપ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિયેશનના પ્રમુખ હાર્દિક હુંડિયાએ કર્યો છે.
સાગરચંદ્રના આ કૃત્યના પગલે જૈન સમાજના અગ્રણીઓમાં આક્રોશ છે. તેમના વાઇરલ થયેલા વિડીયો અને વિડીયો ચેટ FSL રિપોર્ટમાં સાચા હોવાના પુરવાર થયા છે. આમ સાગરચંદ્ર સાગરના એક પછી એક દુષ્કૃત્યો બહાર આવી રહ્યા છે. સાગરચંદ્રની કામલીલા અહીં જ અટકતી નથી, તેણે ગોવામાં પણ મહિલા સાથે દુષ્કૃત્ય કર્યુ હતુ અને તેના ફોટા પણ વાઇરલ થયા હતા. તેથી તમામ જૈન સંઘોને અપીલ કરવામાં આવી છે કે સાગરચંદ્રને કોઈ જૈન સંઘમાં સ્થાન ન આપવામાં આવે અને તેને બધા સંઘોમાંથી દૂર કરાય. તેને કોઈ જૈન મંદિરમાં રહેવા ન દેવાય. તેની સાથે તેને જૈન સાધુ તરીકે ન રહેવા દઈને સંસારમાં પરત ફરવાની ફરજ પાડવામાં આવે.

જૈન યુવક પ્રિયાંક શાહે આ મુદ્દે જણાવ્યું હતું કે આ કામી અને પ્રપંચી સાધુ અંગેની હકીકતો અમે ગચ્છાધિપતિ સામે મૂકી છે, પરંતુ તેમણે હજી સુધી તેની સામે પગલાં લીધા નથી. અમે પાલીતાણામાં પણ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત જૈન મહાસંઘના ઉપપ્રમુખ જગત પરીખે પણ જણાવ્યું હતું કે જો આચાર્ય પણ નિર્ણય ન લઈ શકતા હોય તો અમે છેવટે કાયદાકીય પ્રક્રિયાનો આશરો લઈશું. આ સંદર્ભમાં પાલડી પોલીસ સ્ટેશનમાં 10મી માર્ચના રોજ અરજી પણ આપવામાં આવી છે. આ મુદ્દે બે સાધ્વીઓનું વોટ્સએપ ચેટ પણ કોઈને કોઈ રીતે હાથમાં આવ્યું છે. હવે પોલીસ પણ આ દિશામાં કાર્યવાહી શરૂ કરશે તેમ માનવામાં આવે છે.
જૈન સમાજના અગ્રણીઓએ આ બાબતને લઈને પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ. તેમા ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિયેશનના પ્રમુખ હાર્દિક હુંડિયા, જૈન મહાસંઘના ઉપપ્રમુખ જગત પરીખ અને જૈન યુવા પ્રિયાંક શાહે પણ તેની અંગે સવિસ્તર માહિતી આપી હતી.

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જૈન અગ્રણીઓની માંગ છે કે આવા પાખંડીઓના લીધે આખો સમાજ બદનામ થાય છે. બીજા સાચા જૈન સાધુઓને નીચાજોણું થાય છે. આ વાઇરલ થયેલા વિડીયોમાં દેખાતા સાધુ અને સાધ્વી બંનેને સંસારમાં મોકલી દેવા જોઈએ. તેમના પર ચાંદી એક્ઠી કરવાનો પણ આરોપ છે. તેની સાથે આવા બનાવટી સાધુઓએ ગરીબ કુટુંબોને રૂપિયા આપીને દીક્ષા લેવડાવવાનો ધંધો બનાવી દીધો છે. વાસ્તવમાં જૈન મૂલ્યો અને મહાવીર સ્વામીમાં વિશ્વાસ ધરાવતા અને તેનું જ્ઞાન ધરાવનારાઓને જ દીક્ષા અપાય છે. તેના બદલે સાગરચંદ્રએ તો દીક્ષાને તો ધંધો જ બનાવી દીધો છે.
આગામી સમયમાં આખા પ્રકરણના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેમ માનવામાં આવે છે. જૈન અગ્રણીઓ આગામી સમયમાં ગચ્છાધિપતિ સાથે બેઠક કરે તેમ માનવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે હમણાં જ મહાવીર સ્વામીની જયંતિ ગઈ અને ત્યાં જ જૈન સાધુનું આ પ્રકારનું પ્રકરણ આવતા સમાજમાં વધારે આક્રોશ છે. જૈન સમાજને લાગી રહ્યુ છે કે ક્યાંકને ક્યાંક જૈન સમાજના મૂલ્યોનું ધોવાણ તેવા લોકો કરી રહ્યા છે જેઓએ આ મૂલ્યો જાળવવાના છે અને સમાજને માર્ગદર્શન આપવાનું છે. આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાય તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
