ખેડૂત આગેવાન તરીકે નામના કાઢનારા અને તેના પછી ગુજરાતમાં નવુસવુ રાજકીય કદ કાઢવા થનગની રહેલી આમ આદમી પાર્ટી (AAP)ના રાજકીય આગેવાન રાજુ કરપડા (Raju Karpada)એ પક્ષમાંથી રાજીનામુ આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજકારણનું સૌથી મોટું માથુ ગણાતા હતા. તેમણે પક્ષના રામરામ કરતાં સૌરાષ્ટ્રમાં માંડ-માંડ બેઠા થતાં આ પક્ષની સ્થિતિ મરામરા થાય તો આશ્ચર્ય નહી થાય. તે પક્ષના ટોચના નહીં પણ તળિયાના લોકોના આગેવાન હતા. આગામી દિવસોમાં હવે તે બીજા કોઈ પક્ષના ખાસ આદમી બને તેવી પ્રબળ સંભાવના છે.
રાજુ કરપડા ખેડૂત આગેવાન
સ્વાભાવિક રીતે પક્ષ છોડવાની સાથે રાજુ કરપડા (Raju Karpada)એ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે અને પક્ષે પણ વળતો જવાબ આપ્યો છે. રાજુ કરપડાનું કહેવું છે કે મેં પક્ષ માટે દિનરાત જોઈએ તેવી મહેનત કરી, પરંતુ પક્ષે મને જેલમાંથી બહાર કાઢવા બીજા નેતાને જે રીતે મદદ કરી તેવી કોઈ મદદ મને કરી નથી. તેમા પણ ખાસ કરીને તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર વિશેષ આક્ષેપ કર્યા હતા. તેમનો દાવો હતો કે એક ખેડૂત આગેવાન તરીકે હું અરવિંદ કેજરીવાલની વધારે નજીક આવ્યો તે આ બંનેથી જોવાયું નથી. તેથી તેઓએ મને પક્ષની અંદર જ કોરાણે મૂકી દેવાનો કારસો ઘડ્યો હતો.

રાજુ કરપડા-ગોપાલ ઇટાલિયા સામસામે
તેની સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજુ કરપડાએ તેમની સામેના ત્રણ-ત્રણ કેસો અને જેલની સજાથી બચવા શાસક પક્ષની તાબેદારી સ્વીકારી લીધી છે. અત્યાર સુધી તે ખેડૂતો માટે લડતાં હોવાના કારણે હું તેમને મર્દ ગણતો હતો, પણ હવે તેઓ શાસક પક્ષનો હિસ્સો બની ગયા છે. કોઈને પણ પોતાની આવક ગુમાવવી ન ગમે, આ વાત રાજુ કરપડાને પણ લાગુ પડે છે. જો તેમણે શાસક પક્ષની તાબેદારી સ્વીકારી ન હોત તો તેમના કુટુંબે પણ હેરાન થવું પડ્યું હોત. તેથી તેમણે સંજોગો સામે સમાધાન કરી લીધું છે.
રાજુ કરપડા વિસાવદરની ટિકિટ સ્થાનિકને આપવા ઇચ્છતા હતા
આમ છતાં રાજકીય નિષ્ણાતોનો એક વર્ગ બીજું જ માને છે. તેઓનો દાવો છે કે રાજુ કરપડા (Raju Karpada)એક સમયે સૌરાષ્ટ્રમાં આપના બિનવિવાદાસ્પદ નેતા માનવામાં આવતા હતા અને તેમા કોઈ મીનમેખ ન હતો. વાસ્તવમાં રાજુ કરપડાએ રાજીનામુ આજે ભલે આપ્યું, પરંતુ તેના તખ્તો તો જ્યારે વિસાવદરની ટિકિટ ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી ત્યારે જ ગોઠવાઈ ગયો હતો. રાજુ કરપડા ઇચ્છતા હતા કે આ ટિકિટ તેમના જ સમર્થકને મળે, પરંતુ આમ આદમી પાર્ટીએ તેમની વિનંતી કાને ન ધરી અને છેક સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાતમાંથી ગોપાલ ઇટાલિયાને સૌરાષ્ટ્રમાં વિસાવદર ખાતે ટ્રાન્સફર કર્યા. તેના કારણે રાજુ કરપડાને લાગવા માંડ્યુ કે તેમના માટે નેતાગીરી થોપવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા પણ આવતાની સાથે ધડબડાટી બોલાવતા ખેડૂતોના પ્રશ્નો હાથ ધરવા માંડ્યા, તેમને વાચા આપવા માંડી, સતત લોકોની વચ્ચે રહેવા લાગ્યા. ગામડાઓનો સંપર્ક કરતી યાત્રા કાઢી. આના કારણે પરિસ્થિતિ એવી આવી કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના જ નહીં પણ જાણે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના નિર્વિવાદ નેતા તરીકે ઉભરી આવ્યા.

ગોપાલ ઇટાલિયાને દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં નારાજ કરાતા રાજુ કરપડા નારાજ હતા
રાજુ કરપડા માટે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો અસહ્ય હતો. છેક દક્ષિણ ગુજરાતમાંથી આવેલા નેતાએ સૌરાષ્ટ્રમાં પક્કડ જમાવી દીધી તે રાજુ કરપડા માટે અસહ્યનીય બાબત હતી. આમ ગોપાલ ઇટાલિયાના આગમન પહેલા સૌરાષ્ટ્રમાં આપના નિર્વિવાદ નેતા મનાતા રાજુ કરપડા(Raju Karpada) તેમના આગમન પછી જાણે કોરાણે ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રાજકારણની ખાસિયત એ છે કે કોઈને પણ નંબર-ટુ પર રહેવું ગમતું નથી. દરેક જણ પોતાના વિસ્તારમાં નંબર-વન બનવાનો પ્રયત્ન કરે છે. ગોપાલ ઇટાલિયા જો વિસાવદરમાં હારી ગયા હોત તો સ્થિતિ જુદી હોત, પરંતુ તે જીતી ગયા. તેમનો આ વિજય સૌરાષ્ટ્રમાં પોતાને પક્ષના નિર્વિવાદ નેતા માનતા રાજુ કરપડા માટે આંચકાજનક હતો.

ગોપાલ ઇટાલિયાના વિજયથી સૌરાષ્ટ્રમાં રાજુ કરપડા હાંસિયામાં ધકેલાયા
આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાના વિજયના લીધે આખા સૌરાષ્ટ્રમાં વિસાવદરવાળીનો જે નેરેટિવ સર્જાયો તેનાથી રાજુ કરપડા માટે સ્પષ્ટ થઈ ગયુ કે હવે સૌરાષ્ટ્રના આપના રાજકારણમાં એક જ મોટું નામ છે અને તે છે ગોપાલ ઇટાલિયા. બાકી બધા રાજકીય આગેવાનો હવે જાણે તેમનો પડછાયો છે. રાજુ કરપડાનું રાજકારણ ખેડૂતો સુધી જ સીમિત છે. જ્યારે ગોપાલ ઇટાલિયા રાજકારણી તરીકે સબ બંદર કા વ્યાપારી સાબિત થયા. તેઓ ફક્ત ખેડૂતોના જ આગેવાન બનીને ન રહ્યા તેમણે બધાની સમસ્યાઓ સાંભળી, તેમા નાના વેપારીઓથી લઈને રેંકડી-લારીવાળા, રીક્ષાવાળા, ખૂમચાવાળા, પાથરણાવાળા અને નોકરિયાતો સુદ્ધાનો સમાવેશ થાય છે. આ રીતે ગોપાલ ઇટાલિયાએ તેમનો અને પક્ષનો જનાધાર વિસ્તાર્યો. જ્યારે રાજુ કરપડાનું રાજકારણ ખેડૂતો પૂરતુ સીમિત હતું. આના પરથી રાજુ કરપડાને પણ અહીં ખ્યાલ આવી ગયો હોવાનું માનવામાં આવે છે કે આ પક્ષમાં હવે રાજકીય આગેવાન તરીકે તેમની દાળ ગળે તેમ નથી.

એક સમયે AAPમાં રાજુ કરપડાનો દબદબો હતો ત્યાંથી બેફામ જવાબો મળવા લાગ્યા
આથી જ એક સમયે જે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા(Raju Karpada)નો દબદબો પડતો હતો, તે જ કરપડાએ પક્ષની અંદર જ ખૂણો પકડીને અને સમસમીને બેસી રહેવાનો સમય આવ્યો હતો. તેઓ છેલ્લા જે ખેડૂત આંદોલનમાં જેલમાં ગયા અને તેમને છોડાવવા માટે તેમના પિતાએ પક્ષની નેતાગીરીને વિનંતી કરી ત્યારે મનોજ સોરઠિયાએ તેમને જવાબ આપ્યો કે અમારે બીજા કામ પણ હોય છે. પક્ષના જ આગેવાનની આ વાત સાથે તે સ્પષ્ટ થઈ ગયું કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો ઉગતો સૂરજ હોય તો તે ગોપાલ ઇટાલિયા છે,
રાજુ કરપડાએ સભા કરવી હોય તો પણ ગોપાલ ઇટાલિયાને પૂછીને કરવી પડે તેમ હતી
રાજુ કરપડાએ હવે જાણે દરેક પગલાં ઇટાલિયાને પૂછીને લેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સંજોગોમાં રાજુ કરપડા માટે પક્ષની અંદર જ પોતાની અસ્તિત્વ બચાવવું કપરું થઈ પડ્યું હતું. તે સ્પષ્ટપણે સમજી ગયા કે હવે તે પક્ષની અંદર સૌરાષ્ટ્રના નિર્વિવાદ આગેવાન નથી, બીજું હવે તેમણે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના જે પણ કાર્યક્રમો હાથ ધરવાના હશે તે ગોપાલ ઇટાલિયાને પૂછીને કરવા પડશે, તેમની મંજૂરી લેવી પડશે. આ બધુ તેમના માટે અસહ્યનીય હોવાના પગલે તેમણે ઘણો વિચારવિમર્શ કર્યા પછી પક્ષમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. રાજુ કરપડા ભલે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના નિર્વિવાદ નેતા ન હોય, પરંતુ તળિયાના નેતા તો જરૂર હતા અને તેમની વિદાયથી સૌરાષ્ટ્રમાં આપની નેતાગીરીમાં તળિયાના સ્તરના આગેવાનની જબરદસ્ત ખોટ પડશે.
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
