ચક્રવાતને લઈને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ છે. રાજ્ય સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ 8 જિલ્લામાં NDRF અને SDRFની 5-5 ટીમો તહેનાત છે.
બીજી તરફ, તામિલનાડુમાં મંગળવારે વરસાદમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારના વાવાઝોડાને કારણે ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર કાર તણાઈ રહી હતી. વિમાન એરપોર્ટ પર ભરાયેલા પાણીમાં ઊભું રહ્યું. 16 કલાક બાદ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટની ઉડાન શરૂ થઈ ગઈ છે. 4 નવેમ્બરે રનવે પર પાણી ભરાઈ જવાને કારણે લગભગ 70 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. 30 ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી.
વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નઈ, તામિલનાડુમાં જોવા મળી હતી. 3 ડિસેમ્બર, રવિવાર સવારથી ચેન્નઈમાં લગભગ 400-500 મીમી વરસાદ નોંધાયો છે. તામિલનાડુના પાણી પુરવઠા મંત્રીના જણાવ્યા અનુસાર, ચેન્નાઈમાં 70-80 વર્ષમાં પ્રથમ વખત આવો વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.
વાવાઝોડાને કારણે અત્યારસુધીમાં 204 ટ્રેનો અને 70 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં NDRFની 21 ટીમો તહેનાત છે. આ સિવાય કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીના જહાજો અને એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
ભારતના કયાં કયાં રાજ્યોમાં વાવાઝોડાની અસર…
આંધ્રપ્રદેશ: IMD એ બુધવાર સુધી આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વાવાઝોડાને કારણે 5 ડિસેમ્બરે શાળા અને કોલેજો બંધ રહેશે. તિરુપતિ એરપોર્ટના ડાયરેક્ટર કેએમ બસવરાજુએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમાં 14 શિડ્યુલ્ડ અને એક નોન-શિડ્યુલ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ઓડિશા: ઓડિશાના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મલકાનગીરી, કોરાપુટ, રાયગડા, ગજપતિ અને ગંજમ જિલ્લાઓ માટે 4 અને 5 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં 2.75 થી 4.55 ઇંચ વરસાદ પડી શકે છે.
પુડુચેરી-તેલંગાણાઃ વાવાઝોડાને જોતાં પુડુચેરી સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. પુડુચેરીના દરિયાઈ વિસ્તારોની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકોને 3 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી 5 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યા સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. તેલંગાણા પ્રશાસને પણ વાવાઝોડાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઝારખંડ-છત્તીસગઢ: કર્ણાટક, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગો અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિદર્ભ, તેલંગાણા, કર્ણાટક, આંદામાન અને નિકોબાર અને કેરળમાં 1 કે 2 જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
મ્યાનમારે વાવાઝોડાને મિચાઉંગ નામ આપ્યું છે. સપ્ટેમ્બર 2021માં ચક્રવાત ગુલાબ પછી બે વર્ષમાં દરિયાકાંઠે પાર કરનાર મિચોંગ પ્રથમ વાવાઝોડું હશે. મિચોંગ ચક્રવાત એ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિંદ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે.
ચક્રવાત મિચોંગ 1 ડિસેમ્બરના રોજ બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જે ધીમે ધીમે ભારત તરફ વધવા લાગ્યું. દરિયાકાંઠે ટકરાવાના એક દિવસ પહેલાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરી જેવાં રાજ્યોમાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો . બંગાળની ખાડીમાંથી ફૂંકાતા આ પવન લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યો.
હવામાન વિભાગનું અનુમાન કરાયું હતું કે ચક્રવાત મિચોંગ 4 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. 5મી ડિસેમ્બરની સાંજ પછી તે ધીમું પડી જાય અને બિનઅસરકારક બની જાય તેવી શક્યતા છે.
આ ચક્રવાતની અસર 6 ડિસેમ્બર સુધી રહેવાની શક્યતા છે. જો કે, બિપરજોયની અસર 10 દિવસ સુધી રહી હતી, જ્યારે મિચોંગની અસર માત્ર 2 દિવસ સુધી જ રહેશે.
હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે ચક્રવાત જેટલો લાંબો સમય સમુદ્ર પર રહેશે, તેટલી વધુ ઊર્જા અને ભેજ એકઠી થવાની શક્યતા છે. જેના કારણે વાવાઝોડું વધુ ખતરનાક બને છે અને જમીન સાથે ટકરાયા બાદ નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
5-6 ડિસેમ્બરે, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીના ઘણા જિલ્લાઓ ચક્રવાત ત્રાટકશે સાથે અહીં 5 અને 6 ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ટકરાયા બાદ આ ચક્રવાત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવાં અન્ય રાજ્યો તરફ આગળ વધશે. જ્યારે આ ચક્રવાત ભારતનાં રાજ્યોના દરિયાકાંઠે અથડાશે ત્યારેપ્રચંડ પવન ફૂંકાઈ શકે છે.
5 ડિસેમ્બરે મિચોંગના લેન્ડફોલ પછી પવન અને વરસાદને કારણે દરિયાકાંઠાના જિલ્લાઓને નુકસાન થવાની સંભાવના છે.
મોટાભાગના ઝૂંપડાં અને છાપરાનાં મકાનો નાશ પામશે. કાચાં મકાનોને ઘણું નુકસાન થશે અને પાકાં મકાનોને પણ થોડું નુકસાન થઈ શકે છે.
વીજળીના થાંભલા અને કોમ્યુનિકેશન ટાવર ઊખડી શકે છે.
કાચા અને પાકા બંને રસ્તાઓને નુકસાન થશે. રેલવે પરિવહન, ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને સિગ્નલિંગ સિસ્ટમમાં વિક્ષેપો આવી શકે છે. 4 ડિસેમ્બરની સાંજ સુધીમાં 250 ટ્રેનો અને 70 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ઊભા પાકને વ્યાપક નુકસાન થશે. ફળના ઝાડ પડી શકે છે. કિનારા પર બાંધેલી નાની હોડીઓ પણ વહી શકે છે.
ખારા પાણીને કારણે વિઝિબિલિટીને ભારે અસર થશે.
તમિલનાડુના મુખ્ય સચિવ શિવદાસ મીણાએ જણાવ્યું કે રાજ્યના ઉત્તરી ભાગોમાં ચાર જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટ, ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે.
તમિલનાડુ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમની 14 ટીમોમાં કુલ 350 જવાનો સામેલ છે. જેમાં NDRFની નવ ટીમોમાં 225 જવાનોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 1,500 વીજ કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 3,00,000થી વધુ ઇલેક્ટ્રિક પોલનો સ્ટોક પણ જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ માટે રાખવામાં આવ્યો છે.
કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા અન્ય જિલ્લાના અધિકારીઓને પણ અહીં બોલાવવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓએ આ રાજ્યોના 2.50 કરોડ લોકોને વિવિધ માધ્યમો દ્વારા એલર્ટ કર્યા છે. આટલું જ નહીં, વરસાદને કારણે 150થી વધુ પાણી ભરાયેલાં સ્થળોની ઓળખ કરવામાં આવી છે અને ત્યાં પંપ લગાવવામાં આવ્યા છે અને અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઓડિશાના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. આ જિલ્લાઓમાં 2.75થી 4.55 ઇંચ વરસાદ પડી શકે છે. ઓડિશાના સીએમ નવીન પટનાયકે દરિયાકાંઠાના વિસ્તારોમાં અધિકારીઓને એલર્ટ પર રાખ્યા છે. વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ 60થી વધુ ટ્રેનો રદ કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
નિષ્ણાતો માનવું છે કે ચક્રવાતની અસર મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા અને પુડુચેરીને અસર કરશે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડી શકે છે. દેશના બાકીના ભાગો પર તેની કોઈ ખાસ અસર પડશે નહીં. IMD રાજસ્થાનના હવામાનશાસ્ત્રી રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર, મિચોંગની સૌથી વધુ અસર પૂર્વી ભારત અથવા દરિયાકાંઠાનાં રાજ્યોમાં જોવા મળશે. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો જે તેના રસ્તામાં નથી ત્યાં વધુ અસર નહીં થાય.
હવામાનશાસ્ત્રી રાધેશ્યામના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ચક્રવાત પછી વરસાદ પડે છે. આ વરસાદને કારણે કેટલાંક રાજ્યોમાં પારો ગગડી શકે છે. અત્યાર સુધી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પવન ફૂંકાઈ રહ્યો હતો. હવે સામાન્ય પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો થોડો નીચે આવી શકે છે, પરંતુ અન્ય રાજ્યોમાં તેની બહુ અસર નહીં થાય. કેટલાંક રાજ્યોમાં વરસાદના કારણે પારો ચોક્કસપણે નીચે આવી શકે છે.
સાયક્લોન શબ્દ ગ્રીક શબ્દ સાયક્લોસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સાપનું ગૂંચળું.
તેને આમ કહેવામાં આવે છે તેનું કારણ છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સમુદ્રમાં ગૂંચળુંવાળીને બેઠેલા સાપ જેવા દેખાય છે.
ચક્રવાત એ ગોળાકાર તોફાન (સર્ક્યુલર સ્ટોર્મ) છે જે ગરમ મહાસાગરો પર રચાય છે. જ્યારે આ ચક્રવાત જમીન પર પહોંચે છે, ત્યારે તેઓ પોતાની સાથે ભારે વરસાદ અને ભારે પવન લાવે છે. આ પવન વૃક્ષો, વાહનો અને કેટલીકવાર તેમના માર્ગ પરનાં ઘરોને પણ નષ્ટ કરી શકે છે.
ગરમ સમુદ્રના પાણી ઉપર ચક્રવાત રચાય છે. જેમ જેમ સમુદ્રનું તાપમાન વધે છે તેમ તેમ તેની ઉપરની હવા ગરમ અને ભેજવાળી હવાને કારણે તે ઉપર આવે છે. આનાથી એ હવાનો એરિયા ખાલી થઈ જાય છે અને નીચેની તરફ હવાનું પ્રેશર એટલે કે વાયુ દબાણ ઓછું થઈ જાય છે.
આ ખાલી જગ્યા ભરવા માટે આસપાસની ઠંડી હવા ત્યાં પહોંચે છે. આ પછી, આ નવી હવા પણ ગરમ અને ભેજવાળી બને છે અને ઉપર જાય છે.
આનું એક ચક્ર શરૂ થાય છે, જેના કારણે વાદળો બનવા લાગે છે. જેમ જેમ પાણી વરાળમાં ફેરવાય છે તેમ તેમ વધુ વાદળો બનવા લાગે છે. આ સ્ટોર્મ સાયકલ અથવા તોફાન ચક્ર બનાવે છે, જેમ પૃથ્વી ફરે છે તેમ ફરે છે.
સ્ટોર્મ સિસ્ટમના ઝડપી પરિભ્રમણને કારણે, તેના કેન્દ્રમાં એક આંખ રચાય છે. તોફાનની આંખને તેનો સૌથી શાંત વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં હવાનું દબાણ સૌથી ઓછું હોય છે.
પવનની ઝડપ 62 કિમી/કલાક સુધી પહોંચે ત્યાં સુધી આ સ્ટોર્મ સિસ્ટમને ઉષ્ણકટિબંધીય તોફાન કહેવામાં આવે છે.
જ્યારે પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે ત્યારે આ તોફાનો ચક્રવાત બની જાય છે.
ચક્રવાત સામાન્ય રીતે ઠંડા વિસ્તારોમાં બનતા નથી, કારણ કે તેને સર્જાવા માટે ગરમ દરિયાના પાણીની જરૂર હોય છે. લગભગ દરેક પ્રકારના ચક્રવાતની રચના માટે, દરિયાના પાણીની સપાટીનું તાપમાન 25-26 ડિગ્રીની આસપાસ હોવું જરૂરી છે.
તેથી જ ચક્રવાતને ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારો સામાન્ય રીતે ગરમ હોય છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોતું નથી.
વાવાઝોડું અથવા તોફાન એ વાતાવરણમાં એક વિક્ષેપ છે, જે તીવ્ર પવન દ્વારા આવે છે અને તેની સાથે વરસાદ, બરફ અથવા કરા પડતા હોય છે. જ્યારે તેઓ પૃથ્વી પરથી આવે છે, ત્યારે તેને સામાન્ય તોફાન કહેવામાં આવે છે, પરંતુ સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડાને ચક્રવાત કહેવામાં આવે છે. ચક્રવાત સામાન્ય તોફાનો કરતાં વધુ તીવ્ર અને ખતરનાક હોય છે.
ચક્રવાત, હરિકેન અને ટાયફૂન એક જ વસ્તુ છે અને તેને ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ કહેવામાં આવે છે. ચક્રવાતને વિશ્વભરમાં જુદાં જુદાં નામોથી ઓળખવામાં આવે છે.ઉદાહરણ તરીકે, ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં બનેલા ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે, ફિલિપાઇન્સ, જાપાન અને ચીનમાં ચક્રવાતને ટાઈફૂન અને ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગર એટલે કે ભારતની આસપાસ આવતા તોફાનને સાયક્લોન કહેવામાં આવે છે.
મહાસાગરોના સંદર્ભમાં, એટલાન્ટિક અને ઉત્તરપશ્ચિમ મહાસાગરોમાં બનેલા ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે.
ઉત્તરપશ્ચિમ પેસિફિક મહાસાગરમાં બનેલા ચક્રવાતને ટાયફૂન કહેવામાં આવે છે.
જ્યારે, દક્ષિણ પેસિફિક મહાસાગર અને હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા વાવાઝોડાને સાયક્લોન કહેવામાં આવે છે. આ કારણોસર, ભારતની આસપાસના વિસ્તારોમાં આવતાં દરિયાઈ તોફાનોને સાયક્લોન કહેવામાં આવે છે.
જ્યારે, ટોર્નેડો પણ ભયંકર તોફાનો હોય છે, પરંતુ તે ચક્રવાત નથી કારણ કે તે મોટાભાગે સમુદ્રને બદલે જમીન પર રચાય છે. ટોર્નેડો સૌથી વધુ અમેરિકામાં આવે છે.
સમુદ્રમાં લગભગ આખા વર્ષ દરમિયાન ચક્રવાત રચાય છે, પરંતુ તે બધાં જોખમી નથી હોતાં. તેમાંથી જે પૃથ્વી તરફ આગળ વધે છે તે ચક્રવાત જોખમી છે.
ચક્રવાતની ઝડપન મુજબ 4 શ્રેણીઓમાં તારકી શકાય છે
ઉષ્ણકટિબંધીય ડિપ્રેશન: ઉષ્ણકટિબંધીય ડિપ્રેશનમાં પવનની મહત્તમ ગતિ 62-88 કિમી/કલાક છે. આ ચક્રવાતનું સૌથી ઓછું ઘાતક સ્વરૂપ છે.
ઉષ્ણકટિબંધીય તોફાન: આ ચક્રવાતમાં પવનની મહત્તમ ગતિ 62 થી 120 કિમી પ્રતિ કલાકની છે. આ દરિયામાં બોટ અથવા જહાજો માટે જોખમી બની શકે છે.
ગંભીર ચક્રવાત: 120 કિમી/કલાકથી વધુની ઝડપે પવન સાથેના ચક્રવાતને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે. આ ચક્રવાત જ્યારે જમીન તરફ આગળ વધે છે ત્યારે તે જીવન અને સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે.
સુપર સાયક્લોન: આમાં પવનની ઝડપ 200 કિમી/કલાકથી વધુ હોય છે, જે ક્યારેક 300-400 કિમી/કલાકથી વધુ હોઈ શકે છે. તેઓ રસ્તામાં વૃક્ષો, વાહનો અને ઈમારતોનો પણ નાશ કરી શકે છે.
ચક્રવાત સામાન્ય રીતે જમીન પર પહોંચ્યાના થોડા કલાકો કે દિવસો પછી નબળું પડવા લાગે છે, કારણ કે તેઓ દરિયાના ગરમ પાણીમાંથી મેળવેલી ઊર્જા અને ભેજ ગુમાવે છે. જો કે, તેમ છતાં, કેટલીકવાર ચક્રવાત જમીન પર લાંબા અંતરની મુસાફરી કરે છે અને તેમની સાથે ભારે વરસાદ અને પવન લાવે છે, જેનાથી ભારે વિનાશ થાય છે. ચક્રવાત ઘણા દિવસો અથવા અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે, પરંતુ મોટા જમીન વિસ્તારો અથવા ઠંડા મહાસાગરોમાંથી પસાર થતાં તે ધીમાં પડી જાય છે અને ખતમ થાય છે.
18મી સદી સુધી ચક્રવાતને કેથોલિક સંતોના નામ આપવામાં આવ્યાં હતાં. 19મી સદીમાં ચક્રવાતનું નામ મહિલાઓનાં નામ પરથી રાખવામાં આવતાં હતાં. 1979થી, તેમને પુરુષ નામ આપવાની પ્રથા પણ શરૂ થઈ. મ્યાનમારે તોફાનને મિચોંગ નામ આપ્યું છે. તેનો અર્થ છે તાકાત અને લવચીકતા. ચક્રવાત મિચોંગ વર્ષ 2023માં બંગાળની ખાડીમાં સર્જાયેલું ચોથું અને હિન્દ મહાસાગરમાં છઠ્ઠું વાવાઝોડું છે.
2000માં, વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને એશિયા પેસિફિક માટે યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર ધ એશિયા (ESCAP)એ એશિયા-પેસિફિક પ્રદેશમાં વાવાઝોડાને નામ આપવાની પદ્ધતિ શરૂ કરી.
હાલમાં, ચક્રવાતને નામ આપવાનું કામ વિશ્વભરનાં છ વિશેષ હવામાન મથકો એટલે કે રિજનલ સ્પેશિલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટર્સ (RSMCS) અને પાંચ ચક્રવાત ચેતવણી કેન્દ્રો એટલે કે ટ્રોપિકલ સાયક્લોન વોર્નિંગ સેન્ટર્સ (TCWCS) દ્વારા કરવામાં આવે છે.
RSMSC અને TCWCS ચેતવણીઓ જારી કરવામાં અને ચક્રવાત અને તોફાનોને નામ આપવામાં ભૂમિકા ભજવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) પણ RSMCSના છ સભ્યોમાંથી એક છે, જે ચક્રવાત અને તોફાનો અંગે એડવાઈઝરી જારી કરે છે.
IMD હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ક્ષેત્રમાં આવતા ચક્રવાતને નામ આપવાનું કામ કરે છે અને આ વિસ્તારમાં અન્ય 13 દેશોને એલર્ટ કરે છે.
હિંદ મહાસાગરના વિસ્તારોમાં આવતા ચક્રવાતને નામ આપવા માટેની ફોર્મ્યુલા અંગે 2004માં સહમતી થઈ હતી. અગાઉ તેમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ આઠ દેશોનો સમાવેશ થતો હતો, 2018માં તેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ અને યમનનો પણ સમાવેશ થયો હતો, તેમની સંખ્યા 13 થઈ ગઈ હતી.
ચક્રવાતને ઓળખવામાં સરળતા રહે તે માટે નામ આપવામાં આવે છે. દર વર્ષે ચક્રવાતનાં નામ મૂળાક્ષરોના ક્રમમાં એટલે કે A થી Z સુધી નક્કી કરવામાં આવે છે. ઓછામાં ઓછા 6 વર્ષ પછી જ નામનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
ચક્રવાતનું નામ કયો દેશ રાખશે, તે દેશના નામ પરથી મૂળાક્ષરો પ્રમાણે નક્કી થાય છે. આગામી ચક્રવાતનું નામ સિતરંગ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં આવતા ચક્રવાત માટે હુદહુદ, તિતલી, ફેથાઈ, ફાની, વાયુ અને અમ્ફાન જેવાં નામો આપવામાં આવ્યાં છે.
દરેક ચક્રવાતનું નામ નથી. માત્ર 65 કિમી/કલાકથી વધુની ઝડપવાળા ચક્રવાતને નામ આપવાની જરૂર છે.
ભારતમાં સૌથી ઝડપી ચક્રવાત 1970માં ભોલા ચક્રવાત હતું. આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ભયંકર ચક્રવાત હતું. તેણે ભારતના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)માં ભારે વિનાશ સર્જ્યો હતો, જેમાં 3-5 લાખ લોકો માર્યા ગયા હતા.
વિશ્વનું સૌથી લાંબું વાવાઝોડું અથવા ચક્રવાત 1979માં ઉત્તર પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં રચાયું હતું. તેનો વ્યાસ 2200 કિમી હતો, જે અમેરિકાના કદ કરતાં અડધો છે
