ગુજરાતમાં પ્રગતિનો આંકડો ઊંચે જવાની સાથે-સાથે રાજ્યમાં ગુનેગારોની પ્રગતિનો આંકડો પણ દિનપ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે. રાજ્યમાં હવે જાણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકો ગુનેગારોથી ડરે છે, પણ પોલીસથી નહીં.
કારચાલકો, ટ્રકચાલકો અને ડમ્પર હંકારનારાઓ બેફામ બનીને વાહન ચલાવે છે. લોકોને કચડી નાખે છે, રાત પડે કે નવો દિવસ ઉગે કે કોઈ સમાચાર આવ્યા વગર રહેતાં નથી કે કારચાલકે બેફામ વાહન ચલાવીને કોઈને કચડી નાખ્યો, ટ્રક ચાલકે કોઈ ટુ-વ્હીલરવાળાને કચડી નાખ્યો કે ડમ્પરે કોઈને કચડી નાખ્યો. તેની પાછળનું કારણ એ છે કે તેમને રીતસર કાયદાનો ડર રહ્યો નથી. પહેલાં જવલ્લે જ જોવા મળતાં અકસ્માત જાણે આજે દૈનિક ઘટના બની ગઈ છે. આ જ રીતે મહેસાણામાં નવા વર્ષે બેફામ કાર ચલાવનારા ચાલકે ટુ-વ્હીલરોને હડફેટે લેતા એક સાથે ત્રણ યુવાનોના મોત થયા હતા અને બીજા બે હજી ગંભીર છે.
વાત ફક્ત અકસ્માતે જ પૂરી થઈ જાય છે તેવું નથી. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં હત્યાઓ પણ રોજિંદી ઘટના બનવા લાગી છે. લોકો વાતવાતમાં બીજાને મોતને ઘાટ ઉતારી દે છે. રાજકોટમાં નવા વર્ષ પૂર્વે જ વાહન અડી જવાની બાબતમાં રીતસર ખૂની ખેલ ખેલાઈ ગયો. બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવાયા, તેની સાથે હુમલાખોરની પણ હત્યા થઈ હતી. આટલી નાની વાતમાં રીતસર જૂથ અથડામણ થઈ ગઈ હતી અને ત્રણ જણાના મોત થયા હતા અને હજી બીજા બે ગંભીર છે. આ શું બતાવે છે, આ બતાવે છે કે કાયદાનો કોઈને ડર નથી.
વાત અહીં પૂરી થતી નથી, રાજ્યના કેટલાય શહેરોમાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. તેઓ વાર તહેવારે દુકાનદારોને અને સોસાયટીવાળાઓને ધમકાવતા જોવા મળે છે. રસ્તા પર તલવારો લઈને ઉતરી પડે છે. આજે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લુખ્ખાતત્વો અને અસામાજિક તત્વો બેખોફ ફરે છે, પરંતુ સામાન્ય નાગરિકો, કાયદાનું પાલન કરનારાઓ ડરીડરીને ચાલે છે.
આજે રાજ્યનું કોઈ એવું શહેર નથી જ્યાં દારૂના અડ્ડા ચાલતા ન હોય, દારૂના અડ્ડાવાળાઓ રીતસર કહે છે કે અમે તંત્રને હપ્તો પહોંચાડી દઈએ છીએ. દહેગામ અંગે તો હાલમાં એવું કહેવાઈ રહ્યું છે કે બાઇક પર ફરનારાઓ અહીં ચાકુ-છરી લઈને ફરે છે. ગમે ત્યારે ગમે તેને હુલાવી દેવાય છે. તેમા પણ દારૂના અડ્ડા જાણે અહીં ગૃહઉદ્યોગ હોય તેમ ચાલી રહ્યા છે. તેમને કોઈ પૂછનાર નથી. દારૂ અને દહેગામ જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. કેટલાક તો કહે છે કે અમદાવાદ અને ગાંધીનગરને પૂરા પાડવામાં આવતા દારૂ માટે દહેગામનો ઉપયોગ જાણે સ્ટોરજ માટે કે તેના ગોડાઉન માટે કરવામાં આવે છે. દહેગામમાં ફક્ત દારૂના અડ્ડા જ નહીં પણ ગોડાઉનો પણ છે. બધુ જ તંત્રની આંખ નીચે ચાલી રહ્યુ છે. કશું જ છૂપું નથી.
આશ્ચર્યની વાત એ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી કથળતી હોવા છતાં પણ ડીજીપી વિકાસ સહાયને સરકાર એકસ્ટેન્શન પર એક્સ્ટેન્શન આપી રહી છે. તેમને પહેલા ત્રણ મહિનાનું એકસ્ટેન્શન મળ્યું, તેના પછી તેમને છ મહિનાનું એકસ્ટેન્શન મળ્યું, આ જોઈને એમ જ લાગે કે શું સરકારના તંત્રને પણ વધી રહેલો ક્રાઇમ રેટ દેખાતો નથી. અકસ્માતો, લુખ્ખા તત્વો અને વધતી જતી હત્યાઓને લઈને તંત્ર મૂકદર્શક છે. પોલીસ પછી કામગીરી કરે છે, તેની ના નહીં પણ તેની એવી ધોંસ કેમ નથી કે આવી ઘટના જ ન બને.
ડીજીપી વિકાસ સહાયને પણ શું આ રીતે વધતો જતો ક્રાઇમ રેટ દેખાતો નથી, તેઓને દેખાતું નથી કે ગુનેગાર તત્વો છાકટા બન્યા છે. વાહનચાલકો બેફામ બન્યા છે, રાજ્યમાં રોજ દિવસ પડેને મર્ડર કરવામાં આવી રહ્યા છે. સરકારે શું ટોચના હોદ્દા પરના અધિકારીઓને 60 વર્ષ સુધી ચલાવવાના તે નક્કી જ કરી લીધું છે. આમ નહીં તો સરકાર પોતાના માનીતા અધિકારીઓને જ એકસ્ટેન્શન આપે છે. તેની ગુડબૂકમાં છેક સુધી રહેલા અધિકારીઓને આ પ્રકારનું એકસ્ટેન્શન મળે, પરંતુ તેમા ન હોય તેવા અધિકારીઓને ન મળે.
આ પહેલા ગુજરાતના મેટ્રો શહેરોમાં જોવા મળતો ક્રાઇમ રેટ હવે રાજ્યના નાના-નાના શહેરોમાં પણ વધવા લાગ્યો છે. આ બાબત પુરવાર કરે છે કે પોલીસની કામગીરીમાં ક્યાંક લૂણો લાગ્યો છે, નાના શહેરોમાં વધતી ગુનાખોરી તે વાતનો પુરાવો છે કે પોલીસનું તંત્ર ક્યાંકને ક્યાંક ઉણું ઉતરી રહ્યું છે. પહેલા ગુનો કરનારાઓને પોલીસને ડર હતો, પોલીસની ધોંસનો ડર હતો. પોલીસ ઘરે આવશે તો સમાજમાં કેવું નીચાજોણું થશે તેવો સામાજિક ડર હતો. હવે નાના-નાના શહેરોમાં આ સામાજિક ડર પણ જાણે નામશેષ થઈ રહ્યો છે.
આ બધા વિપરીત વાતાવરણ વચ્ચે ડીજીપીને એકસ્ટેન્શન પર એકસ્ટેન્શન મળે ત્યારે સામાન્ય નાગરિકોની સાથે-સાથે પોલીસ બેડામાં પણ આ એકસ્ટેન્શન ચર્ચાનો વિષય બન્યું છે. પોલીસ વિભાગ પણ વિચારે છે કે આ રીતે નોકરીમાં એકસ્ટેન્શન મેળવવા માટે તેઓએ વળી એવી તે કઈ ટ્રિક વાપરી છે, જો અમને પણ જાણમાં આવે તો અમે પણ એવું કંઇક કરીએ કે સરકાર અમને પણ એકસ્ટેન્શન આપે. બીજું કંઈ નહીં પણ તેમના અનુગામીઓને ડીજીપી આ ટ્રિક શીખવાડી જાય તો બીજા પણ આ રીતે એકસ્ટેન્શન મેળવીને 58ના બદલે છેક 60 વર્ષે નિવૃત્ત થાય.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
