MANTAVYA Vishesh/ ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

કોર્ટના આ વોરંટના કારણે હાર્દિક પટેલ બરોબરના વીફર્યા છે અને તેમણે જણાવી દીધું છે કે હાલમાં અમે શાંત છીએ, પણ સંત નથી. આમ કાયદાકીય કાર્યવાહીના મોરચે જો રાહત નહીં મળે તો કયા પ્રકારનું વલણ દાખવવું તેના સંકેત હાર્દિક પટેલે આપી દીધા છે.

Mantavya Vishesh

હાર્દિક પટેલે લાંબા સમય પછી તેનો જૂનો મિજાજ બતાવ્યો છે. હાલમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે અને તેમા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેમ માનવામાં આવે છે. સી આર પાટિલે આ મમરો મૂક્યો છે, તેના પછી આગામી દિવસોમાં મંત્રીપદને લઈને લોબીઇંગ તેજ થઈ જાય તેમ મનાય છે. જ્યારે હાર્દિક પટેલ સામે હાલના સમયે જ જૂનો કેસ ફરીથી ઉખળ્યો છે અને કોર્ટે તેમા બિનજામીન પાત્ર વોરંટ કાઢ્યું છે.

કોર્ટના આ વોરંટના કારણે હાર્દિક પટેલ બરોબરના વીફર્યા છે અને તેમણે જણાવી દીધું છે કે હાલમાં અમે શાંત છીએ, પણ સંત નથી. આમ કાયદાકીય કાર્યવાહીના મોરચે જો રાહત નહીં મળે તો કયા પ્રકારનું વલણ દાખવવું તેના સંકેત હાર્દિક પટેલે આપી દીધા છે. અનામત આંદોલન પછી હાર્દિક પટેલે કોંગ્રેસનો પાલવ પકડ્યો હતો અને કોંગ્રેસમાંથી તે ભાજપમાં જોડાયો, સ્વાભાવિક રીતે તેને આશા હતી કે તેની સામેના બધા કેસ ઠંડા પડી જશે. અત્યાર સુધી તેમ જ હતુ, પરંતુ હવે કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં હાર્દિકને લાગી રહ્યું છે કે ક્યાંક બીજી રમત શરૂ થઈ છે.

આમ હાર્દિક તેની શરૂ થયેલી રાજકીય કારકિર્દીને કોઈ ગ્રહણ લગાડે તે પહેલાં જ તેનો કાટ શોધવાની વેતરણમાં લાગી ગયો છે. અનામત આંદોલનથી શરૂ થયેલી હાર્દિકની રાજકીય કારકિર્દીને દાયકો થઈ ગયો છે. સ્વાભાવિક છે કે રાજકારણ હોય એટલે કાવાદાવા રહેવાના જ છે. તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે વર્ષ બાકી છે ત્યારે પક્ષ દરેક ધારાસભ્યની સેન્સ લેવા લાગ્યો છે તો દરેક ધારાસભ્ય પક્ષની પણ સેન્સ લઈને આગામી ટિકિટ મળવાની છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં લાગી ગયા છે.

આના પરથી તેમને પણ કયા પ્રકારના પગલાં લેવા તેનો અંદાજ આવે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ઘણા ધારાસભ્યોના પત્તા કપાશે તે નિશ્ચિત છે. કેટલાય ધારાસભ્યોને આનો અંદાજો પણ આવી ગયો છે. આજે હકીકત છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આજે પણ પીએમ મોદીના ચહેરા પર જ લડાવવાની છે. તેમણે અત્યારથી જ તેમની બાગડોર તેમના હાથમાં લઈ લીધી હોવાનું મનાય છે. જો કે ગુજરાત કંઈ અપવાદ નથી, યુપીને બાદ કરતાં દેશમાં ભાજપનું જ્યાં પણ શાસન છે ત્યાં મોટાભાગે ચૂંટણી તો પીએમ મોદીના ચહેરા અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને જ લડવામાં આવે છે.

હાર્દિક પટેલ પણ પામી ગયો છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ચોક્કસ રાજકીય સખળડખળ થવાનું જ છે. તેમા ભલભલા ઉડી જશે અને ઉમેરાશે પણ ખરા. તે પોતે પણ ધારાસભ્ય હોવાથી તેને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ધારાસભ્યને આગળ કઈ રીતે પ્રમોટ કરાય છે અને તેની બાદબાકી પણ કઈ રીતે થાય છે.

તેથી તેની સાથે પણ આવું કશું જ થાય તે પહેલાં તે ચેતી જવા માંગે છે.  દરેકને પોતાની રાજકીય સ્થિતિની ચિંતા હોય, તેમા પણ એકબાજુએ મંત્રીમંડળની વિસ્તરણનો ગણગણાટ ચાલે છે અને બીજી બાજુએ વોરંટ નીકળતા હાર્દિકને કંઇક ગંધ આવી ગઈ લાગે છે. તેથી જ તેણે ધોકો પછાડ્યો છે. તેને ખબર છે કે હાલમાં જો ધોકો નહીં પછાડીએ તો પછી તેનો કોઈ અર્થ નહીં રહે, પછી ગજ પણ નહીં વાગે.

તાજેતરમાં જ વિરમગામના પ્રકરણમાં હાર્દિક પટેલની સામે વરૂણ પટેલ ઉતર્યો હતો ત્યારથી જ તેને ગંધ આવી ગઈ હતી કે તેની સામે ક્યાંક કોઈ પટેલ જ ન હોય. પક્ષની આ જૂની રણનીતિથી તે સારી રીતે વાકેફ છે. તેથી હવે હાર્દિક પટેલનું ધ્યાન પોતાની રાજકીય જમીન બચાવવા માટેનું છે. આ માટે જ તેણે વિરમગામના લોકોના પ્રશ્નો ઉઠાવવા માંડ્યા છે. તેના મતદારોને સાધવા માંડ્યા છે. તેના સમર્થકોની સાથે તેના મતદારવિસ્તારના લોકોની મુલાકાત લેવા માંડી છે. સતત પ્રજાની વચ્ચે રહીને તેમના પ્રશ્નો સમજવા પર ધ્યાન આપ્યું છે. તેની સાથે તેઓને હૈયાધારણ પણ આપી છે કે જો તેમના પ્રશ્નો નહીં ઉકેલાય તો તે પોતે આંદોલન કરશે, પછી ભલેને તે પોતાના જ પક્ષ સામેનું આંદોલન કેમ ન હોય.

આમ આગામી ચૂંટણી પૂર્વે કમસેકમ મંત્રીપદ ન મળે તો કંઈ નહીં પણ તેના ધારાસભ્ય તરીકેનો દાવો પણ નબળો પડી જાય તેવું તે રહેવા દેવા માંગતો નથી. તે કોઈપણ સંજોગોમાં વિરમગામનો ચહેરો રહેવા માંગે છે. મંત્રીપદમાં પણ મેળ ન પડે અને ધારાસભ્ય પણ ન રહેવાય તેવી સ્થિતિ સર્જાતા પહેલા હાર્દિક પટેલ પાણી પહેલા પાળ બાંધવા માંગે છે. આ આખો ઘટનાક્રમ બતાવે છે કે ભાજપમાં સામેલ દરેક મોટું માથુ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે કંઇકને કંઇક કરી રહ્યુ છે, પછી તે જવાહર ચાવડા હોય, અરવિંદ લાડાણી હોય કે હાર્દિક પટેલ હોય. તે બધાને ખબર પડે છે કે ઠંડા પડવાથી નહીં ચાલે, થોડી રાજકીય ગરમી તો બતાવવી જ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/ન્યૂડ પાર્ટી : માનવ સંસ્કૃતિના ઉતરતાં ‘કપડા’

આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા

આ પણ વાંચો: MANTAVYA Vishesh/લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના