ઋષિભારતી બાપુએ ઠાકોર સમાજનો ડેપ્યુટી સીએમ કેમ નહીં તેમ કહીને ઠાકોર સમાજની દુઃખતી રગ પર બરોબરનો પ્રહાર કર્યો છે. આના કારણે ઠાકોર સમાજના શાસક પક્ષના રહીને હોદ્દો ધરાવતા રાજકારણીઓ સમસમી ગયા છે, તેની સામે વિપક્ષમાં જ રહેલા ઠાકોર સમાજના રાજકારણીઓ ગેલમાં આવી ગયા છે. ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ શાસક પક્ષે કેબિનેટમાં તળિયાઝાટક ફેરફાર કર્યા, પરંતુ તેમા કેબિનેટમાં સ્થાન પામવા માટે પ્રબળ દાવેદાર મનાતા અલ્પેશ ઠાકોરને સ્થાન ન આપ્યું, જે એક સમયે રાજ્યમાં આંદોલનનો જાણીતો ચહેરો હતા. હાલમાં તે ઠાકોર સેનાના પ્રમુખ છે.
ઋષિભારતી બાપુએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન આપવાની સાથે-સાથે ડેપ્યુટી સીએમ બનાવવાની જરૂર હતી. તેમને ડેપ્યુટી સીએમ ન બનાવાતા અમને દુઃખ થયું છે. અહીં તે વાત યાદ રાખવી જરૂરી છે કે રાજ્યમાં જો સૌથી વધુ વસ્તી હોય તો તે ઠાકોર સમાજના લોકોની છે. તેની સામે તેમને જોઈએ તેવું પ્રતિનિધિત્વ વર્તમાન શાસનમાં પણ મળ્યું નથી. સૌથી વધુ વસ્તી હોવા છતાં પણ ઠાકોર સમાજની કોઈ વ્યક્તિ પણ કેબિનેટમાં માંડ-માંડ સ્થાન પામે છે. અત્યાર સુધી ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ સીએમ કે ડેપ્યુટી સીએમ બન્યો નથી.
ઋષિ ભારતી બાપુએ આ વાત કંઈ તેમના આશ્રમમાં જણાવી ન હતી, પરંતુ ઠાકોર સમાજના માણસા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં જણાવી હતી. તેમનું કહેવું છે કે ઠાકોર સમાજનો સૌથી વધુ વોટિંગ પાવર અને સૌથી ઓછું પ્રતિનિધિત્વ છે. રાજ્યમાં 40 ટકા જેટલી વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં પણ તેણે પ્રધાન બનવા માટે ફાંફા મારવા પડે છે. આટલી વસ્તી હોય અને આટલો વોટિંગ પાવર હોય તો તે સમાજનું સરકાર પર કેવું પ્રભુત્વ ધરાવતો હોય. તેના બદલે સમાજ કેબિનેટમાં રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આટલો વોટિંગ પાવર હોય તો કમસેકમ ડેપ્યુટી સીએમ તો ઠાકોર સમાજનો હોય કે ન હોય. ઋષિભારતી બાપુની વાતના કારણે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સોંપો પડી ગયો હતો. કેટલાયને લાગ્યું કે સંતની વાત સાવ વખોડી નાખવા જેવી નથી.
હવે સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ વાત કંઈ પહેલી જ વખત કહેવાઈ નથી. થોડા સમય પહેલાં ઉત્તર ગુજરાતમાં જ ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્ય હતો ત્યારે જ વિપક્ષના કોંગ્રેસના સાંસદ અને ઠાકોર સમાજના જાણીતા નેતા તથા ગેનીબેન ઠાકોરે પણ આવી જ વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં કેબિનેટમાં ફેરફાર કરવામાં આવ્યો તેમા ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. ફકત સ્વરૂપજી ઠાકોરને સંગઠનમાં મહત્વની ભૂમિકા સોંપીને જાણે લોલીપોપ આપી દેવામાં આવી છે. ઠાકોર સમાજની વસ્તીના પ્રમાણમાં શાસક પક્ષ તેમને પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. તેને અન્યાય થઈ રહ્યો છે.
આ વાતને મહિનો પણ થયો નથી અને હવે સંત આગેવાને આ જ વાતને જુદાં સ્વરૂપમાં કહી છે. આના આધાર માટે તેમણે મીડિયા અહેવાલોને ટાંક્યા છે, પરંતુ તેમનો અને ગેનીબહેનની વાતનો સૂર તો એક જ છે કે રાજ્યમાં ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે, તેને જોઈએ તેવું પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી. ગેનીબેન તો વિપક્ષના સાંસદ કહીએ એટલે ચલો તે રાજકારણની વાત કરે છે તે સમજી શકાય. પણ સાધુ સમાજને રાજકારણમાં રસ પડ્યો અને તેણે ઝંપલાવ્યું તે વાત આશ્ચર્યજનક છે. સંતને રાજકારણમાં પડેલા રસ અને ઠાકોર સમાજને અન્યાય થાય છે તેવા નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. રાજકારણમાં રાજકારણી જ ગરમાવો લાવે તેવું નથી, કોઈ સંત પણ તેના વિધાન પડે રાજકીય ગરમાવો લાવી શકે છે તે ઋષિભારતી બાપુએ બતાવી દીધું છે.
હવે શું તે અલ્પેશ ઠાકોરનું નામ લઈને પોતે જ રાજકારણમાં સક્રિય ભૂમિકા અદા કરવા માંગે છે કે પડદા પાછળ રહીને જ કામ કરવું છે તેવો કોઈ ફોડ પાડ્યો નથી. પણ તેના કારણે 38-38 ઠાકોર રાજકારણીઓના કાન સરવા થઈ ગયા છે. તેના તે જ દિવસે વર્તમાન શાસક પક્ષમાંથી હીરા સોલંકી અને અલ્પેશ ઠાકોરે જણાવી દીધું હતું કે ઋષિભારતી બાપુએ કહેલી વાત તેમનો અંગત વિચાર હોઈ શકે છે, પણ તેમને તેમની સાથે કશું લાગતું વળગતું નથી. અમને તો અમારા પક્ષે અમે કરેલા કામ મુજબ યોગ્ય વળતર આપ્યું છે. આ ઉપરાંત આટલા બધા ઠાકોર ધારાસભ્યોને ટિકિટ પણ મળી છે, હવે કંઈ બધાને કેબિનેટમાં સમાવવા શક્ય નથી. કેબિનેટ માટે ફક્ત જ્ઞાતિ અને જાતિગત જ નહીં, પ્રાદેશિક સંતુલન પણ જોવું પડે છે.
ઋષિભારતી બાપુ ઠાકોર સમાજના હામી બનવા માંગે છે તે સારી વાત છે. પરંતુ તે બીજી રીતે પણ થઈ શકે તેમ નથી. ઠાલા રાજકીય નિવેદનોથી ખોટા વમળો જગાવીને કશું થવાનું નથી. તેથી જ ઋષિભારતી બાપુનું નિવેદન તેમના સ્થાને હોઈ શકે છે, પણ રાજકારણમાં દરેક રાજકીય પક્ષ તેની મર્યાદા મુજબ ચાલતો હોય છે. જો કે તે વાત ઉલ્લેખનીય છે કે હાલમાં આ વિવાદાસ્પદ નિવેદન કરનારા ઋષિ ભારતી બાપુ પોતે અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલા છે. તેઓ જે આશ્રમ સાથે જોડાયેલા છે તેને લઈને અનેક વિવાદોમાં તેમનું નામ આવ્યું છે અને તેમની સામે પણ આક્ષેપો થયેલા છે.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા

