MANTAVYA Vishesh/ ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, માનવતાનો ખાત્મો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ઈરાનના ફોર્ડો પરમાણુ સ્થળનો નાશ ઇચ્છતા હતા. અત્યાર સુધી ઈરાનનું સૌથી ગુપ્ત અને સૌથી પરમાણુ સ્થળ ગણાતું ફોર્ડો, અમેરિકન બી-2 બોમ્બર બોમ્બ દ્વારા નાશ પામ્યું હતું.

Mantavya Vishesh

ઇઝરાયેલે છેવટે ઇરાન સાથે શરૂ કરેલા યુદ્ધમાં અમેરિકાને જોડી જ દીધું. મધ્યપૂર્વમાં શરૂ થયેલાં આ યુદ્ધમાં અમેરિકા પણ ભળ્યું છે. અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર ઇઝરાયેલ સાથે મળીને હુમલો કર્યો. અમેરિકા અને ઇઝરાયેલે બંનેએ ઇરાનના આકાશમાં પ્રભુત્વ સ્થાપવાનો દાવો કર્યો છે, પરંતુ ઇઝરાયેલ પર ઇરાનનો મિસાઇલ મારો તે અટકાવી શક્યા નથી.

ઇરાનમાં પરમાણુ મથક પર હુમલો કર્યા પછી શાંતિની વાતો કરતાં અમેરિકા હવે ઇરાનમાં સત્તાપલટો કરવાની વાત કરવા લાગ્યું છે. તેઓની નેમ હવે ઇરાનમાં ઇસ્લામિક શાસનને ઉખાડી ફેંકવાની છે. આશ્ચર્યની વાત તો એ છે કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં 20-20 વર્ષ સુધી અડીંગા અને લશ્કરી થાણા નાખીને રહ્યા પછી તાલિબાનને ખતમ ન કરી શકેલું અમેરિકા હવે ઇઝરાયેલની સાથે મળીને ઇરાનમાં ઇસ્લામિક શાસનને ખદેડી મૂકવાની વાત કરે છે તે કઈ રીતે શક્ય બનવાનું છે તે તો અમેરિકા જ જાણે. આજે અફઘાનિસ્તાન પર ફરીથી તાલિબાનનો કબ્જો છે.

અમેરિકાએ જે ઓસામા બિન લાદેન માટે આખુ અફઘાનિસ્તાન ખેદાનમેદાન કરી નાખ્યું, તે લાદેન અમેરિકાના જ ગાઢ સહયોગી પાકિસ્તાનમાંથી નીકળ્યો હતો. તેથી અમેરિકા હવે જેને ખતમ કરવા માટે વિચારે છે તેના અંગે વિચારી લે, તે ક્યાંક તેના નજીકના સહયોગીને ત્યાંથી જ ન નીકળે.

આજે અમેરિકાએ ઇઝરાયેલને પેલેસ્ટાઇનમાં ન રોક્યું તેની પરિસ્થિતિ શું આવી, આજે આખું ગાઝા ખેદાનમેદાન થઈ ગયું, વીસ લાખો ભૂખમરાના આરે જીવે છે. આ પહેલા અમેરિકાએ અફઘાનોની આ પ્રકારની પરિસ્થિતિ કરી. તેના પહેલા સીરિયાને ગૃહયુદ્ધમાં ધકેલી દઈને આ પ્રકારની પરિસ્થિતિ કરી. અમેરિકાએ સામૂહિકા વિનાશના શસ્ત્રોનું બહાનું આગળ ધરી ઇરાકને ખતમ કરી નાખ્યું, સદામ હુસૈનને ફાંસીએ ચઢાવી દીધો, પણ આ પ્રક્રિયામાં તેણે કરોડો લોકોને રસ્તા પર લાવી દીધા.

આજે અમેરિકાની આંતરરાષ્ટ્રીય નિયમોને કોરાણે મૂકી દેવાની અને ફક્ત પોતાના જ સ્વાર્થનો વિચાર કરવાની રાજકારણે મધ્યપૂર્વના મોટા હિસ્સાને ભૂખમરામાં ઝોંકી દીધું છે. હવે અમેરિકા આવી જ અરાજકતાને છેક ઇરાન સુધી લઈ આવવા માંગે છે. ઇઝરાયેલ-ઇરાન યુદ્ધનું પરિણામ જે પણ આવે તેની કિંમત કરોડો નિર્દોષ લોકોએ ચૂકવવાની છે. ગણતરીના લોકોનું દુઃસાહસ કરોડો લોકોને રઝળતા કરી મૂકશે. આજે ઇરાનમાં 1000 જેટલા લોકો માર્યા ગયા છે તે ઇઝરાયેલમાં પણ મૃતકોનો આંકડો સેકંડોની સંખ્યામાં પહોંચ્યો છે.

આ યુદ્ધ શરૂ થયાના અઠવાડિયાની જ સ્થિતિ છે, આ યુદ્ધ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ ખાનાખરાબીનો આંકડો પણ સતત વધતો જશે તે હકીકત છે. શું અમેરિકા અને ઇઝરાયેલ આખા મધ્યપૂર્વ એશિયાને રગદોળી નાખવા માંગે છે, આ સંજોગોમાં તેની આગથી ઇઝરાયેલ તો દાઝશે, પરંતુ અમેરિકા સુધી તેના છાંટા ઉડ્યા વગર રહેશે ખરા. યુદ્ધમાં કોઈ વિજેતા નીવડતું નથી, ફક્ત બચી જ જાય છે. લગભગ દરેક યુદ્ધ તેના સાક્ષી છે. બે-બે વિશ્વયુદ્ધ લડનારું યુરોપ તેનું સાક્ષી છે.

અમેરિકા 850 અબજ ડોલરના બજેટ સાથે વિશ્વનું સૌથી મોટું સંરક્ષણ બજેટ ધરાવતો દેશ છે. તેની સાથે તે વિશ્વસ્તરે તેના બેઝ ધરાવે છે. લગભગ સાતેય ખંડમાં તેના લશ્કરી થાણા છે તેમ કહી શકાય. તેની પાસે એડવાન્સ્ડ વેપન્સ, ડ્રોન અને એઆઇ આધારિત યુદ્ધ કરવાની ક્ષમતા છે. ઇઝરાયેલ પાસે પણ એડવાન્સ એરફોર્સ અને આયર્ન ડોમ તથા એરો, ડેવિડ સ્લિંગ એવી એડવાન્સ્ડ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. તેની પાસે પરમાણુ શસ્ત્રો પણ હોવાનું કહેવાય છે. ઇઝરાયેલનું ઇન્ટેલિજન્સ અમેરિકાને પણ ટક્કર મારે તેવું હોવાનું મનાય છે. તેની સાથે તેની પાસે સાઇબર વોરફેરની ક્ષમતા છે.

ઇરાન કદાચ અમેરિકા-ઇઝરાયેલ સામેના જંગમાં જીતી ન શકે, પરંતુ તેને જબરદસ્ત નુકસાન પહોંચાડવાની તેની પાસે ક્ષમતા તો છે જ. ઇઝરાયેલના અનેક શહેરો પર તેણે હાઇપરસોનિક મિસાઇલ વડે હુમલા કરીને તેને ખાસ્સુ નુકસાન પહોંચાડ્યું છે. તેથી ઇઝરાયેલને પણ સમજમાં આવી ગયું છે કે ઇરાન એ ગાઝાપટ્ટી નથી જેને તેણે તાબામાં લઈ લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે જો ઇઝરાયેલ ગાઝાપટ્ટી જેવા નાના વિસ્તાર અને હમાસ સામે દોઢ-દોઢ વર્ષના યુદ્ધ છતાં પણ વિજય મેળવી શકતું નથી તો પછી ઇરાન જેવા મોટા દેશ સામે તેનું યુદ્ધ કેટલું ચાલી શકે. તે કદાચ અમેરિકાની મદદથી ઇરાનના પરમાણુ મથકોને ખાત્મો બોલાવી દેશે અને મિસાઇલ મથકોને નાશ કરશે, પણ આ વસ્તુ તેને ઇરાનને જ ફાયદારૂપ નીવડશે.

રશિયા અને ચીન જેવા દેશો ઇરાનને મિસાઇલ ટેકનોલોજી અને પરમાણુ ટેકનોલોજી આપવા તત્પર છે. જો ઉત્તર કોરીયાના કિમ જોંગ જેવા પાસે મિસાઇલ ટેકનોલોજી આવતો હોય તો હાલમાં અમેરિકા-ઇઝરાયેલ દ્વારા આ યુદ્ધની કવાયત કર્યા પછી પણ તેમણે જે મુદ્દા માટે યુદ્ધ કર્યુ હતું તેનો ઉકેલ આવવાનો નથી. આ વાત તે સારી રીતે જાણતા હોવાથી તે ઇરાનને હવે રાજકીય રીતે પણ અસ્થિર કરવા માંગે છે. તે કદાચ ઇરાનના ભાગલા પાડવા સુધી જાય તો આશ્ચર્ય નહી થાય, જેવું તે સર્બિયા અને કોસોવોમાં કરી ચૂક્યા છે.

વિશ્વનું મહાસત્તા કહેવાતું અમેરિકા શું મધ્યપૂર્વને તેના શસ્ત્રોની ક્ષમતા ચકાસવાની લેબોરેટરી સમજી રહ્યુ છે, હાલમાં તે એક પછી એક દેશ જે રીતે ઉજાડી રહ્યું છે તે જોતાં તો આવું જ લાગી રહ્યુ છે એકબાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો દાવો કરાવતા ટ્રમ્પ હવે ઇરાન સાથે યુદ્ધમાં ઉતરે તે વાત કોના ગળે ઉતરે.

મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાના બહાને અમેરિકા કેટલા દેશ ઉજાડશે, કેટલા નિર્દોષોના લોહી રેડશે. કરોડો લોકોની હૈયાની આગ ક્યાંક અમેરિકાને આગમાં રમતું ન કરી દે. કરોડો લોકોના નિસાસા અમેરિકાને કઈ રીતે શાંતિથી રહેવા દેશે. કોઈને કોઈ બહાને કોઈને કોઈ દેશ સાથે યુદ્ધ છેડવું, કીડી પર કટક ઉતારતા હોય તેમ તેને ખતમ કરી નાખવું, પોતાની કઠપૂતળી સરકારો બનાવવી, આ બધાનો અંત ક્યારે આવશે. આ યુદ્ધની વિભિષિકામાંથી બચી ગયેલા કરોડો લોકોની બેહાલ સ્થિતિની જવાબદારી કોણ લેશે. તેથી સરહદ પરની કોઈપણ વિપરીત સ્થિતિનો ઉકેલ ડિપ્લોમસીથી જ આવે છે અને તે ભારત અને ચીને સરહદ પર ગલવાનના છમકલા અને વિશ્વની બે-બે મહાસત્તાઓના લશ્કર સામસામે હોવા છતાં મજબૂત અને મક્કમ ડિપ્લોમસી વડે આ છમકલાને યુદ્ધ બનતા અટકાવ્યા છે. કમસેકમ અમેરિકા તેમાથી તો શીખ લઈ શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બે અઠવાડિયાની સમયમર્યાદા બે દિવસમાં પૂરી થાય છે… શું ટ્રમ્પે ઈરાન પર હુમલો કરીને બંને મોરચે મોટું જોખમ લીધું છે?

આ પણ વાંચો:અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાને ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ એટેક

આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો