મોરબીમાં દાંડિયા ક્લાસનું દૂષણ ચિંતાજનક હદે વધવા લાગ્યું છે. આ દૂષણ એટલું વધ્યું છે કે પાટીદારોએ છેવટે તેની સામે મેદાનમાં ઉતરવું પડ્યું છે. પાટીદાર યુવા સંઘ શહેરમાં વ્યાજખોરી સામેની સફળ લડતને લઈને જાણીતો થઈ ગયો છે અને હવે તે દાંડિયા ક્લાસના નામે ચાલતા દૂષણ સામે મેદાનમાં ઉતર્યો છે. પાટીદાર યુવા સંઘનો દાવો છે કે દાંડિયા ક્લાસનો ઉપયોગ બહેન દીકરીઓને ફસાવવા માટે થઈ રહ્યો છે. દાંડિયાના ક્લાસની આડમાં પાટીદાર બહેનોને ફસાવવામાં આવી રહી છે. તેના લીધે તેઓએ પાટીદાર કુટુંબોને તેમની પુત્રીઓ અને બહેનોને આ દાંડિયા ક્લાસમાં ન મોકલવા વિનંતી કરી હતી.
પાટીદાર સમાજની એક્તાથી ડરેલા દાંડિયા ક્લાસના સંચાલકોએ તેમની સામે પોલીસમાં અરજી કરી હતી. આની સામે પણ પાટીદાર યુવા સંઘ બગડ્યો હતો અને તેણે પાટીદાર સમાજની ભવ્ય એક્તા રેલી યોજી હતી. આ રેલીમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર યુવાનો કંઈ ગુંડામવાલી નથી કે તેમની સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી પડે, તેઓ કોઈને નુકસાન પહોંચાડવામાં પણ માનતા નથી. પણ સમાજની બહેન દીકરીઓને ફસાવવાની વાત આવશે ત્યારે પાટીદાર યુવાનો ચૂપ નહીં રહે. દાંડિયા ક્લાસના બહાને બહેનોના થતાં રંજાડની વાત એટલી વણસી છે કે અમારે મેદાનમાં ઉતરવુ પડ્યુ છે. દાંડિયા ક્લાસના સંચાલકો કાયદાની ઓથ લઈને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
પાટીદાર યુવા સંઘના આગેવાને જણાવ્યું હતું કે આજે દાંડિયા કે ગરબા માટે બહાર જતી બહેનોનો મોટો હિસ્સો સતામણીનો શિકાર બની રહ્યો છે. તેથી આગામી દિવસોમાં નક્કી કરો કે બહેનો એકાદ દિવસ માટે જ એપાર્ટમેન્ટ કે સોસાયટીની બહાર ગરબા ગાવા જાય. દાંડિયા ક્લાસના બહાને આપણી દીકરીઓની આબરૂ સાથે રમત રમાય છે. તેમને ભોળવવામાં આવે છે. તેમની સાથે છેતરપિંડી કરાય છે. આ બધુ સુવ્યવસ્થિત રીતે ચાલતુ કાવતરુ છે.
તેની સાથે પાટીદારો આગેવાને આ જાહેરસભામાં જણાવ્યું હતું કે આપણું કન્યા છાત્રાલય છે જ, ત્યાં આપણે બહેનોને પગાર પર રાખીને બોલાવીએ અને તેઓ ત્યાં ગરબા શીખે. બધા જ વર્ગની બહેન દીકરીઓ ત્યાં ગરબા શીખવા આવે. તેથી દાંડિયા ક્લાસના બહાને થતી ગેરવાજબી પ્રવૃત્તિમાં તેઓ ન ફસાય. તેમનું કહેવું હતું કે આપણી દીકરીઓ ભણેલી અને સમજશક્તિવાળી છે, પરંતુ તે પોતે બીજાને તેના જેવા જ સારા માને છે, પણ વાસ્તવમાં આવું નથી. આવારા તત્વો તેમની ઉદ્દાત ભાવનાનો ખોટો ફાયદો ઉઠાવે છે. આ સ્થિતિ અસહ્યનીય છે. દાંડિયા ક્લાસ ચલાવનારા બધા જ લુખ્ખા તત્વો છે તેવું નથી, પરંતુ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ અહીં પણ આ પ્રકારની બદી આવી જ ગઈ છે. આવા તત્વો બહેન-દીકરીને ભોળવીને ગેરમાર્ગે લઈ જાય છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તો પાટીદાર યુવાનોને સ્પષ્ટ જણાવી દીધું છે કે બહેન દીકરીઓની આબરુ સાથે રમત રમનાર અને તેમની સાથે દુર્વ્યવહાર કરનારાઓને તેઓ મેથીપાક આપે. બાકીનું હું ફોડી લઇશ. હું કોઈપણ સંજોગોમાં બહેનદીકરીની આબરુંને લઈને સમાધાન નહીં થવા દઉં.
પાટીદારોએ અને તેમા પણ ખાસ કરીને પાટીદાર યુવા સંઘે દાંડિયા ક્લાસના દૂષણ સામે પ્રચંડ દેખાવ કરીને તેને તાળા મારવાનું આહવાન કરતાં દાંડિયા ક્લાસના એસોસિયેશનના પ્રમુખ સંજય વ્યાસે પાટીદાર સમાજની માફી માંગવી પડી છે. સંજય વ્યાસે જણાવ્યું હતું કે જો દાંડિયા ક્લાસમાં આવતી બહેનોની સાથે આવારા તત્વોએ ગેરવર્તાવ કર્યો હોય તો તેની જવાબદારી હું લઉં છું. જો આવી કોઈ બહેનોએ તેમની સામે ફરિયાદ નોંધાવવી હોય તો હું જોડે આવવા તૈયાર છું. આમ છતાં પણ પાટીદાર સમાજને આ બધા પગલાંથી અસંતોષ હોય તો હું લેખિતમાં માફી માંગવા પણ તૈયાર છું અને જરૂર પડે તો વર્તમાન સ્થળે દાંડિયાના ક્લાસ બંધ કરવાની પણ મારી તૈયારી છે. દાંડિયા ક્લાસ જરૂરી છે, પરંતુ બહેનોના મુદ્દે કોઈ વાતે સમાધાન ન થઈ શકે પાટીદાર સમાજની તે વાત સાથે સંપૂર્ણપણે હું સંમત છું.
પાટીદાર યુવા સંઘે જણાવ્યું હતું કે પાટીદારો જ્યારે પણ મેદાનમાં પડ્યા છે ત્યારે ફાયદો બધાને થયો છે. પાટીદાર અનામત આંદોલનનો લાભ બધાને મળ્યો હતો. આ જ રીતે હવે પાટીદાર યુવા સંઘ હવે બહેન દીકરીઓની આબરુને બચાવવા દાંડિયા ક્લાસના દૂષણ સામે ત્રાટક્યો છે. આગામી દિવસોમાં તે શહેરમાં ચાલતા દાંડિયા ક્લાસોને બંધ કરાવીને શહેરને તેના દૂષણથી મુક્તિ અપાવશે. આ માટે જરૂર પડે તો તે આંદોલન પણ કરશે. કાયદાકીય મર્યાદાની અંદર રહીને તે આ દૂષણ ડામવાના દરેક પગલાં લેશે. તેની સાથે તે દાંડિયા ક્લાસના દરેક વર્ગ પર તેમને ચોકી પહેરો બેસાડશે. આ માટે જરૂર પડશે તો આ ક્લાસમાં જતી બહેનોને પણ તે આ અંગે સમજાવશે.
તેમનું કહેવું હતું કે તમે એમ ન સમજો કે પાટીદાર યુવા સંઘની દાંડિયા ક્લાસ સામેની આ ચળવળ ફક્ત મોરબી સુધી જ સીમિત રહેશે, આગામી દિવસોમાં તેનો વ્યાપ રાજ્યના બીજા શહેરોમાં પણ ફેલાય તો આશ્ચર્ય નહીં થાય. લગભગ રાજ્યના દરેક શહેરમાં દાંડિયા ક્લાસનું દૂષણ ફેલાયેલું છે. આવારા તત્વો આ દાંડિયા ક્લાસનો બીજા જ હેતુઓ માટે ઉપયોગ કરે છે. તેથી તેની સામે આ પ્રકારે સામૂહિક ધોરણે પગલાં લીધા વગર છૂટકો નથી.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
