MANTAVYA Vishesh/ વિરમગામની પ્રજાના 42 કરોડ કોણ હજમ કરી ગયું?

વિરમગામમાં પીવાનું પાણી, ગટરના અને ચોમાસામાં પાણી ભરાવવાના, રસ્તા પરના ખાડાના પ્રશ્નોને લઈને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે રસ્તા પર ઉતરવાની ચીમકી આપવી પડી છે.

Mantavya Vishesh

વિરમગામમાં પીવાનું પાણી, ગટરના અને ચોમાસામાં પાણી ભરાવવાના, રસ્તા પરના ખાડાના પ્રશ્નોને લઈને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે રસ્તા પર ઉતરવાની ચીમકી આપવી પડી છે. હાર્દિક પટેલે પોતાના જ તંત્ર પર સણસણતો આક્ષેપ કર્યો છે કે સરકારે તો વિરમગામ માટે 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી જ છે, પરંતુ વિરમગામનું તંત્ર આ ગ્રાન્ટ ઓહિયા કરી ગયું છે. હાર્દિક પટેલ ફક્ત આ આક્ષેપ કરીને બેસી જ રહ્યા નથી, તેમણે આ પ્રકારનો પત્ર સીધો સીએમ ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખ્યો હતો.

આના પગલે વિરમગામ મનપામાં રાજકીય વાતાવરણમાં ગરમી આવી ગઈ છે. સામાન્ય રીતે શાસક પક્ષ પર વિપક્ષ આક્ષેપ કરતો હોય છે, અહીં તો શાસક પક્ષે જ તેના પોતાના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અહીં મુદ્દાની વાત એ છે કે રાજ્ય સરકારે 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં પણ વિરમગામના લોકો હજી પણ ગટર-પાણી જેવી મૂળભૂત સગવડોથી વંચિત છે. આનું પાપ વિરમગામ મનપાના શિરે છે. તેઓએ સરકારે ફાળવેલા રૂપિયા છતાં પણ આ દિશામાં કોઈ કામ કર્યુ નથી.

હાર્દિક પટેલે સીએમને પત્ર લખ્યા પછી વિરમગામ મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. સ્થાનિક તંત્રના અધિકારીઓએ હાર્દિક પટેલને બોલાવીને તેમની સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતો. આ બધી બાબતોની ફળશ્રુતિ એ નીકળી કે વિરમગામ નગરપાલિકાના એકાઉન્ટન્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. આમ બદલી કરો અને વાતનો વીટો વાળી દો તે જાણે એક રુટિન બની ગયું છે.

હાર્દિક પટેલે સીએમને લખેલા પત્રનો જાણે પડઘો પડતો હોય તેમ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આના ભાગરૂપે એકાઉન્ટન્ટ રમેશ સાનિયાને તાત્કાલિક અસરથી વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે. તેઓ હાલમાં સુરેન્દ્રનગર, દૂધરેજ અને વઢવાણ નગરપાલિકામાં છે. તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કાલોલ નગરપાલિકાના મયૂરકુમાર ગોહેલને પણ વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે.

હાર્દિક પટેલની ચીમકી પછી તંત્રએ લીધેલા પગલાંને લઈને ભાજપના જ અન્ય નેતા વરૂણ પટેલે કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવુ છે કે તંત્ર માટે શું હાર્દિક પટેલ જ ધારાસભ્ય છે, ભાજપના બીજા આગેવાનો શું ભાજીમૂળા છે. તેઓની ફરિયાદ તંત્ર કેમ કાને ધરતું નથી. હાર્દિક પટેલે સીએમને પત્ર લખ્યો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યુ, પરંતુ તેના પછી તે જાગ્યું. હવે જો આવું જ હોય તો અમે પણ હવે દરેક બાબતોને લઈને તંત્ર પાસે આવવાના બદલે સીએમને જ સીધો પત્ર લખીશું એમ વરૂણ પટેલે જણાવ્યું હતું.

આ બધાની સાથે 45 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ થયો ક્યાં તેવો સવાલ વરૂણ પટેલે કર્યો હતો. તંત્ર આ અંગેનો ફોડ પાડવામાં નિષ્ફળ ગયું હોવાનું વરૂણ પટેલે જણાવ્યું હતું. અહીં હવે સવાલ રૂપિયાનો રહ્યો જ નથી. રાજ્ય સરકારે રૂપિયા આપ્યા પછી પણ વિરમગામના લોકો સારા રસ્તાથી વંચિત છે, ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા જેમની તેમ છે. ગટરને લઈને કોઈ કામ થતાં નથી. સરકારે રૂપિયાની ફાળવણી કર્યા પછી પણ સ્થિતિ યથાવત્ છે. હવે જો કોઈ કામ થયા નથી તો પછી આ રૂપિયાની ભાગબટાઈ તંત્રએ ક્યાં કરી લીધી તે મોટો સવાલ છે.

હાર્દિક પટેલે તંત્ર પર ફોડેલા લેટર બોમ્બમાં જણાવ્યું હતું કે વિરમગામ ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે, પરંતુ તેની જે રીતે ઉપેક્ષા થઈ રહી છે તે અસહ્યનીય છે. વારસાની જાળવણી તો બાજુએ રહી, પરંતુ તેના પ્રજાજનોને ચોખ્ખુ પીવાનું પાણી અને ગટર જેવી મૂળભૂત સગવડો પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે હંમેશા એવુ નથી હોતું કે વિપક્ષના જ માણસો બધુ તમારુ ખરાબ કરે, ઘણી વખત આપણી જોડે બેસનારા માણસો પણ આપણુ ખરાબ કરતાં હોય છે. વિરમગામમાં 36માંથી 28 કોર્પોરેટરો ભાજપના હોવા છતાં પ્રજાના પ્રશ્નોને લઈને કોઈપણ કોર્પોરેટર જોઈએ તેવી તત્પરતા દાખવતા નથી તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તેઓ ઉદાસીન છે. આ સંજોગોમાં જો આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવ્યો કે તે દિશામાં ખાતરી ન મળી તો મારે ઉપવાસ પર ઉતરવું પડશે.

હાર્દિકની ચીમકીના પછી તંત્રના પગમાં જાણે તેજી આવી હોય તેમ ધડાધડ બદલી કરી દેવાઈ હતી, લોકોના કામ શરૂ થયા તેવો દેખાવ તો હાલમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલા કામ થાય તે મોટો સવાલ છે. આ ઉપરાંત હવે વરૂણ પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમનું કહેવું હતું કે વિરમગામના પ્રશ્નોને લઈને અમે પણ તંત્રને સતત રજૂઆત કરતાં આવ્યા હતા, પરંતુ તે સમયે તંત્ર અમને ફક્ત હૈયાધારણ જ આપતું હતું. હવે ફક્ત હાર્દિક પટેલ જ રજૂઆત કરે પછી કામ કરવાનું, અમારી રજૂઆત સાંભળવાની જ નહી એવો સવાલ ભાજપના આગેવાના વરૂણ પટેલે ઉઠાવ્યો હતો. શાસક પક્ષના આગેવાનોનું તંત્ર સાંભળતું નથી તો પછી સામાન્ય માણસની તંત્ર સામે શું સ્થિતિ હશે તેની અમને કલ્પના આવે છે.

હાલમાં હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યા એટલે તંત્ર દોડવા તો લાગ્યુ, પરંતુ સરકારે આપેલા 45 કરોડ કોણ હજમ કરી ગયું તેનો જવાબ આપ્યો નથી. હવે અમને સવાલ થાય છે કે આ મુદ્દે અમારે હાર્દિક પટેલને સવાલ પૂછવાનો કે તંત્રને પૂછવાનો. હાર્દિક પટેલ પણ છેવટે છે તો વિરમગામના ધારાસભ્ય, એટલે તે પણ જવાબ આપી શકે છે. તંત્ર આગળ તેમનું ઉપજે છે તો તે તંત્રમાંથી ચકાસણી કરીને જણાવે કે પ્રજાકીય કામો માટે રાજ્ય સરકારે ફાળવેલા 45 કરોડ ક્યાં ગયા તેનો હિસાબ આપવામાં આવે. રાજ્ય સરકારે રકમ ફાળવી છે તે ક્યાંક તો ગઈ હશે. આટલી મોટી ‘મલાઈ’ કોઈ એકલા તો નહીં જ ખાઈ ગયું હોય, જો તંત્રમાંથી ખાધી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. નહીં તો પ્રજાના રૂપિયાની ‘મલાઈ’ ખાવાનું પ્રમાણ વધવા લાગશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો