MANTAVYA Vishesh/ શિક્ષકોની લાંચ અંગેની ફરિયાદઃ યુવરાજસિંહ જાડેજા અને છોટાઉદેપુર નગરપ્રમુખ સામસામે

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોને લાંચ કાંડે રંગ પકડ્યો છે. આ લાંચકાંડની ફરિયાદ ડીઇઓ અને ગાંધીનગર સુધી જતાં ડીઇઓએ તપાસ સમિતિ નીમીને તપાસ શરૂ કરી દીધી છે.

Mantavya Vishesh

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોને લાંચ કાંડે રંગ પકડ્યો છે. આ લાંચકાંડની ફરિયાદ ડીઇઓ અને ગાંધીનગર સુધી જતાં ડીઇઓએ તપાસ સમિતિ નીમીને તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુએ શિક્ષકોને લાંચ કાંડમાં જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા કૂદી પડ્યા છે. તેમણે શિક્ષકોનો પક્ષ લઈને શાસકો પર પ્રહાર કર્યા છે. તેની સામે છોટાઉદેપુર નગરસદનના પ્રમુખ પરવેઝ મકરાણી પણ મેદાનમાં ઉતર્યા છે અને યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટી (AAP)ના હોદ્દેદાર ગણાવીને તેઓ કોઈપણ ભોગે શાસક પક્ષને બદનામ કરતા હોવાનું જણાવ્યું છે.

આ જોતાં તો એવું લાગે છે કે હાલમાં સરકારી નોકરીમાં બધુ જ ક્વોલિફિકેશન હોય, બધા જ માપદંડોનું પાલન કરો, દરેક પરીક્ષા અને ઇન્ટરવ્યુ સફળતાપૂર્વક પસાર કર્યા પછી પણ નોકરી પર લાગવું હોય તો રૂપિયા ચૂકવવા પડે છે. એક રીતે સરકારી નોકરી લેવી હોય તો રૂપિયા આપ્યા વગર છૂટકો જ નથી તે જાણે શિરસ્તો બની ગયો છે. આ તો રૂપિયા કમાવવા માટે રૂપિયા ચૂકવવા પડે તેવી વાત છે. રૂપિયા કમાવવાની ભૂખ એટલી વધી ગઈ છે કે સરકારી નોકરી માટે કોઈ આવ્યો નથી કે વધેરાયો નથી.

સરકારી નોકરી એટલે તો જાણે ખંડણીનો નવો પ્રકાર બની ગયો છે. તેમા પાછા કોર્પોરેટરોથી માંડીને જે તે સંસ્થા ચલાવનારાઓ પણ સંડોવાયેલા હોવાનું માલૂમ પડ્યુ છે. આ યાદીમાં સરકારી ગ્રાન્ટ પર નભતી સ્કૂલો પણ બાકાત નથી. તાજેતરમાં જ સરકારી ગ્રાન્ટ પર નભતી સ્કૂલોમાં સરકારે TAT-1 અને TAT-2 પાસ કરનારા 7,500 શિક્ષકોની ભરતી કરી. 27 હજાર શિક્ષકોની ઘટ સામે માંડ સાડા સાત હજાર શિક્ષકોની ભરતી કરી અને તેમને વિવિધ સ્કૂલોમાં મૂક્યા.

હવે આ શિક્ષકોને સરકારે જે સ્કૂલમાં મૂક્યા છે ત્યાંની શાળા સંચાલક આ શિક્ષકો પાસેથી રૂપિયા માંગી રહ્યા છે. આના કારણે શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા. આટલા સમયે માંડ-માંડ સરકારમાં નોકરી મળી અને હજી તો કમાવવાનું શરૂ કર્યા પહેલાં જ ઉઘરાણી શરૂ થઈ ગઈ. કહેવાય છે કે ગામ વસે તે પહેલાં જ લૂંટારુઓ આવી ગયા તેવું શિક્ષકો પોતાની સાથે થઈ રહ્યા હોવાનું અનુભવી રહ્યા છે.

રાજ્ય સરકારે 7,500ની શિક્ષક તરીકે ભરતી કરી હતી. આ પહેલાં પણ આ પ્રકારે રૂપિયા માંગવાનો ગણગણાટ તો થતો જ હતો, પરંતુ છોટાઉદેપુરમાં તો નગરપાલિકા સંચાલિત એસ એફ હાઇસ્કૂલમાં માંડ મહિના પહેલા હાજર થયેલા નવ શિક્ષકોએ તેમની પાસેથી આ પ્રકારની માંગ કરવામાં આવી હોવાની રીતસર લેખિતમાં અરજી કરી છે. તેઓએ મોબાઇલ રેકોર્ડિંગ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને રાજ્યના પોલીસ વડા સમક્ષ આ રીતે રૂપિયાની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. આ શિક્ષકો ગાંધીનગરમાં પણ આવ્યા હતા.

અન્યાયનો શિક્ષકોને ન્યાય અપાવવા માટે યુવરાજસિંહ જાડેજા પણ મેદાનમાં કૂદી પડ્યા છે. તેઓ યુવાનોને સરકારી નોકરીમાં થતાં અન્યાય અને ગેરરીતિ સામે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે અને આ માટે તેમણે સરકારની ખફગી પણ વહોરવી પડી છે. આમ છતાં તેમણે આમા પાછીપાની કરી નથી.  દરેક પ્રકારની સરકારી ભરતીમાં થતી ગેરરીતિ સામે હંમેશા ચળવળ ચલાવતા ચળવળકાર યુવરાજસિંહ જાડેજાએ આ પીડિત શિક્ષકો સાથે ગાંધીનગરમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ. તેમની વીતક કથા પત્રકારોને જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ શિક્ષકો પાસેથી ટ્રસ્ટની શાળાના સંચાલકો રીતસર ખંડણી માંગતા હોય તે રીતે રૂપિયા માંગે છે. હવે જો રૂપિયા ન આપ્યા તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે. આ આખા પ્રકરણની વિગતે રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં શિક્ષક તરીકે હાજર થયેલા નવ શિક્ષકોને 15મી સપ્ટેમ્બરે છોટાઉદેપુર નગરપાલિકાની ઓફિસમાં બોલાવી પ્રમુખ, ઉપપ્રમુખ અને નગરસેવક સહિતના શાળા સંચાલકોએ તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવી પડશે, એટલે કે કોઈને કોઈ સ્વરૂપમાં લાંચ કે રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. તમારી નિમણૂક અમને અમાન્ય છે. હવે વિચારો સરકારે નીમેલા શિક્ષકોને કોઈ ગ્રાન્ટ એઇડ સ્કૂલ એટલે કે સરકારના રૂપિયા પર નભતી સ્કૂલ કઈ રીતે અમાન્ય ઠેરવી શકે.

તેઓ ધમકીભર્યા સ્રૂરમાં શિક્ષકોને કહેતા હતાં કે જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો, નહીં તો પગાર પાછો લઇશું. રૂપિયા આપશો તો જ રજા અને પગાર સહિતની બધી સગવડો મળશે. હવે આવી સ્કૂલોના સંચાલકો આ પ્રકારની ભાષા ઉપયોગમાં લેતા હોય તેઓ વિદ્યાર્થીઓને કઈ રીતે નીતિમત્તાનું શિક્ષણ આપતા હશે. કદાચ એકલી મત્તાનું જ શિક્ષણ આપતા હશે, નીતિનો તો ક્યાંય ઉલાળિયો થઈ ગયો હશે. તેમા પણ આ નવ શિક્ષકોમાંના એક શિક્ષકને તો રૂપિયા નહીં આપો તો છોકરીઓ દ્વારા સોગંદનામુ કરાવીને જેલમાં નંખાવી દઇશું તેવી ધમકી આપવામાં આવી હતી. તેના લીધે તે શિક્ષક પણ ફફડી ઉઠ્યા હતા અને તેમણે હવે શાળાના સંચાલકો તથા નગરપ્રમુખ તથા ઉપપ્રમુખ સામે પોલીસ સંરક્ષણ માંગ્યું છે.

આ શિક્ષકોએ હવે સરકાર સમક્ષ પણ આ પ્રકારે ઉઘરાવવામાં આવતી ખંડણી સામે રક્ષણ મેળવવા રીતસર ધા નાખી છે. હવે સરકાર જો ખરેખર શાળામાં શિક્ષકોની નિમણૂક ઇચ્છતી હોય તો આ પ્રકારની ખંડણીના કામ બંધ કરાવે. આ તો કદાચ એક જ સ્કૂલની વિગત બહાર આવી, બાકી લગભગ કદાચ આ પ્રકારે ખંડણી ઉઘરાવવામાં સંભવતઃ કોઈપણ ગ્રાન્ટ એઇડ સરકારી સ્કૂલ બાકી નહીં હોય.

આ અંગે છોટાઉદેપુર જિલ્લાના ડીઇઓએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી છે. અમારા માટે આ પ્રકારની બાબત અત્યંત ગંભીર છે. આ ફરિયાદ પર કામ કરતાં અમે આ કિસ્સાની તપાસ કરવા માટે પાંચ સભ્યોની તપાસ સમિતિ નીમી છે. કુલ નવ શિક્ષકોએ આ અંગે ફરિયાદ કરી છે. તપાસ સમિતિ આ અંગે રિપોર્ટ આપશે.

આ અંગે તપાસ સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે અમે ડીઇઓ સાહેબની સૂચનાના પગલે ફરિયાદ શરૂ કરી દીધી છે. હાલમાં સ્કૂલમાં આવ્યા છીએ. તેના સંચાલકોને મળીશું અને તેમની વાત જાણીશું અને આ જ રીતે શિક્ષકોને તથા જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે નગર સેવા સદનના પ્રમુખોને મળીશું અને આખી વાતનો તાગ મેળવીશું. તેના પછી રિપોર્ટ ડીઇઓને આપવામાં આવશે.

જો કે છોટાઉદેપુર નગર સેવા સદનના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ આ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેની સામે તેમણે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર હોવાનું જણાવ્યું હતું. તેમણે છોટાઉદેપુરમાં 25 વર્ષ પછી ભાજપની આ બોડી બની છે અને તેને બદનામ કરવાનો આ પ્રયત્ન છે. આ આક્ષેપોમાં કોઈ વજૂદ નથી તેમ જણાવ્યું હતું. આમ છોટાઉદેપુર શિક્ષકો પાસેથી લાંચ કાંડને લઈને આક્ષેપ-પ્રતિ આક્ષેપનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શિક્ષકોની આ વાત આગામી દિવસોમાં રાજકીય રંગ પકડશે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો:  MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ