જયરાજસિંહ પરમારે માણસામાં ક્ષત્રિયો પર કરેલા નિવેદનના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. તેમના આ નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં આકરા પ્રત્યાઘાત પડ્યા છે. ક્ષત્રિય આગેવાન પાર્થિવરાજસિંહે તેમના નિવેદનને રીતસરનું પડકાર્યું છે અને જણાવ્યું છે કે જયરાજસિંહ હવે તેમનો અલગ જ ઇતિહાસ જણાવી રહ્યા છે. તેમણે તેમનો ઇતિહાસ તેમના ઘરે રાખવો જોઈએ. પાંચ વર્ષ પહેલા તે પોતે જ કંઇક અલગ ઇતિહાસ બોલતા હતા અને હવે આજે અલગ ઇતિહાસ બોલે છે. તેથી તે પહેલા પોતાનો ઇતિહાસ કયો તે નક્કી કરી લે.
તેમણે જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોમાં આ રીતે ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવાની હોડ મચી છે. આ પહેલા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે બોલ્યા હતા અને હવે તેઓ ક્ષત્રિયો પર બફાટ કરી રહ્યા છે. જયરાજસિંહ પરમારનો બફાટનો ઇતિહાસ નવો નથી. આ પહેલા પણ જ્યારે ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયું હતું તે સમયે ભાજપના બીજા બધા ક્ષત્રિય નેતાઓ ચૂપ રહ્યા હતા અથવા તો ક્ષત્રિય સમાજની તરફેણમાં ખૂલીને બોલ્યા હતા. જ્યારે જયરાજસિંહ પરમારે તે સમયે પણ ક્ષત્રિયોના વિરુદ્ધમાં બફાટ કર્યો હતો. હવે આ જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાત રાજપૂત સંઘના પ્રમુખ કઈ રીતે બની ગયા તે જ સમજાતું નથી. હવે તેમણે સમાજની સાથે નથી રહેવું, જ્યારેને ત્યારે સમાજ વિરુદ્ધ કંઇને કઈ બોલવું છે તો પછી તે સમાજના આગેવાન ક્યાંથી કહેવાય. તેમણે તો ખરેખર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખપદેથી રાજીનામુ આપી દેવું જોઈએ. તેઓ ક્યાં તો સમાજમાં રહે અથવા તો રાજકારણ કરે.
તેમણે જણાવ્યું હતું કે સમાજના વડીલોને ક્ષત્રિય ઇતિહાસની ખબર છે, તેઓ રાજકારણ સાથે જોડાયેલા નથી. પછી તે ગમે તે પક્ષના હોય, પણ જ્યારે કોઈ પોતાનો જ વ્યક્તિ ક્ષત્રિય ઇતિહાસને ખોટી રીતે બોલે તો વડીલ તો વડીલની ફરજ નીભાવવાના જ. માણસાના રાજવી યોગરાજસિંહ કોઈ રાજકીય ઇતિહાસ ધરાવતા નથી. તેઓ ફક્ત જયરાજસિંહને વાસ્તવિકતા જણાવી રહ્યા હતા. હવે જયરાજસિંહ સમાજના મંચનો રાજકીય મંચ તરીકે ઉપયોગ કરવા જાય અને પોતાનું રાજકારણ કરવા જાય તેની સામે કોઈને વાંધો નથી, પરંતુ તેના માટે તે સમાજને અને ક્ષત્રિયોના ઇતિહાસને તો હાથો ન બનાવે. તેના જેવો આગેવાન ક્ષત્રિયો અંગે આડુંઅવળું બોલે તે કોઈ ક્ષત્રિય વડીલ તો ન જ સાંખી શકે.
ક્ષત્રિય આગેવાન પાર્થિવરાજસિંહનો દાવો હતો કે જયરાજસિંહે ફક્ત ક્ષત્રિયો જ લડતા હતા તેમ કહીને બધાને ગેરમાર્ગે દોર્યા છે. તેમનું કહેવું હતું કે ક્ષત્રિયો લડ્યા છે અને હંમશા આગળ રહીને લડ્યા છે, પરંતુ બીજા સમાજના લોકો તેમની સાથે જ હતા. આજે મહારાણા પ્રતાપ મુઘલો સામે આગેવાન હતા તો, તેમની જોડે ભીલ હતા. ગુજરાતમાં આ જ રીતે ક્ષત્રિયો લડ્યા તો તેમની સાથે આહીર અને કાઠીઓ લડ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે તલવાર ઉઠાવી તો તેમની સાથે પહેલાં ત્યાંના સ્થાનિક આદિવાસીઓ જ હતા. બીજા બધા લોકો પછી આવ્યા હતા. આમ તેમણે આ પ્રકારના નિવેદન દ્વારા વિવિધ સમાજો વચ્ચે વૈમનસ્યની ભાવના ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિથી ક્યારેક ભૂલ થઈ હોય અને તેની જીભ લપસી ગઈ હોય અને તે તેની માફી માંગી લે તો તેની નમ્રતા કહેવાય, પરંતુ જો આનું સતત પુનરાવર્તન થતુ જ રહે અને માફી માંગવાના બદલે બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાય તો તે વ્યક્તિ ઘમંડી કહેવાય. હવે ક્ષત્રિય અસ્મિતાના આંદોલનથી લઈને અત્યાર સુધીના શ્રેણીબદ્ધ બફાટના આધારે કહીએ તો જયરાજસિંહને ચોક્કસપણે ક્ષત્રિય વિરોધી કહેવા જ પડે.
તેમનું કહેવું હતું કે તે ખૂબ જ દુઃખની વાત છે કે ક્ષત્રિયોએ ફક્ત પોતાની જ નહીં બીજા કોઈપણ સમાજની બહેન દીકરીઓ માટે માથા આપી દીધા છે ત્યારે તે જ સમાજનો આગેવાન આ રીતે ફક્ત રાજકારણ માટે બહેન દીકરીઓ વિશે બોલે તે સાંભળી અમારા માથા શરમથી ઝૂકી જાય છે. આંચકાજનક વાત એ છે કે જે સમાજન આધારે તે રાજકારણ કરે છે તે જ સમાજની અસ્મિતા પર તે આ રીતે સવાલ ઉઠાવે છે. તેમને રાજકારણના આધારે સમાજમાં હોદ્દા લેવા છે અને સમાજના આધારે રાજકારણમાં હોદ્દા લેવા છે, તક મળે ત્યારે સમાજની અસ્મિતા પર પોતે જ સવાલ ઉઠાવવા છે. આ રાજકારણ તમને મુબારક, ક્ષત્રિય સમાજને આવા રાજકારણમાં કોઈ રસ નથી. તે આવા રાજકારણને પૂછતો પણ નથી.
ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટના રોજ ગાંધીનગર જિલ્લાના માનસામાં એક કોલેજ કાર્યક્રમમાં ક્ષત્રિય સમુદાયના ઇતિહાસ પર વ્યાખ્યાન આપતી વખતે, ભાજપના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે કહ્યું હતું કે ભારતમાં જાતિ વ્યવસ્થા પહેલાથી જ સ્થાપિત હતી, જે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજનું રક્ષણ કરવાની હતી, પરંતુ અંધશ્રદ્ધા અને જાતિ ભેદભાવને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બની ગયો.
આ દરમિયાન માણસા સ્ટેટના રાજવી યોગરાજ સિંહ રાવલ અને જયરાજ સિંહ પરમાર વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. રાજવીએ તેમના ચાલુ ભાષણમાં તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે ક્ષત્રિય સમુદાય વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છો. ક્ષત્રિય સમુદાયના ઇતિહાસને લઈને તેમની વચ્ચે પાંચ મિનિટ સુધી ખેંચતાણ ચાલી. બાદમાં માણસાના રાજવી યોગરાજ સિંહ રાવલ ઉભા થઈને ચાલુ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા. બંને વચ્ચેનો વિવાદ વધુ વકરે નહીં તે માટે, કાર્યક્રમમાં હાજર અન્ય લોકોએ બંનેને શાંત પાડ્યા. આ વિવાદના પડઘા સમગ્ર ક્ષત્રિય સમાજમાં પડ્યા છે. આગામી દિવસમાં ક્ષત્રિય સમાજની આ મુદ્દાને લઈને બેઠક મળે તેવા અહેવાલો છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો

