અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરવાની સાથે નવા સંસ્થાનવાદી યુગનો પ્રારંભ થઈ ગયો છે. સંસ્થાનવાદના સમયગાળામાં યુરોપીયન દેશો પોતાના સંસાધનો માટે બીજા વિશ્વના દેશોને ગુલામ બનાવતા હતા તેવા જ યુગનો પ્રારંભ 21મી સદીમાં થયો છે, જેની કોઈને કલ્પના પણ ન હતી. પોતાને લોકશાહીના અને શાંતિના પુરસ્કર્તા કહેવડાવતા ટ્રમ્પ છેવટે તો સરમુખત્યાર અને સંસ્થાનવાદી માનસિકતા ધરાવતા જ પુરવાર થયા તે વેનેઝુએલા પરનું આક્રમણ બતાવે છે.
અમેરિકાના વેનેઝુએલા પરનું આક્રમણ ફક્ત તેની પાસેની સૌથી મોટો ઓઇલ ભંડાર જ નથી, સોનું પણ છે. વેનેઝુએલા પાસે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ સોનાની અનામતો હોવાનું કહેવાય છે. હવે સોનું જોઈ મુનિવર ચળે તો આ તો અમેરિકા જેવો લોભિયો દેશ છે, અમેરિકા માટે કહેવાય છે કે હંમેશા માનવતાની દુહાઈ દેતો અને માનવ અધિકારોની વાત કરતો આ દેશ જ્યારે તેના સ્વાર્થની વાત આવે છે ત્યારે નીતિ અને મૂલ્યોને તડકે મૂકતા સ્હેજ પણ વિચાર કરતો નથી. વિધિની કેવી વિડંબના છે કે અમેરિકા એક લોકશાહી દેશ હોવા છતાં પણ તેને બીજા લોકશાહી દેશો કરતાં સરમુખત્યારશાહી ધરાવતા હોય તેવા દેશો સાથે કામ કરવાનું વધારે ફાવે છે. તેનું ઉદાહરણ પાકિસ્તાન, મ્યાનમાર, ચીન વગેરે છે. અમેરિકાની એક જ વાત છે, તમે મારા સૂરમાં સૂર પુરાવો તો જ હું તમારા સૂરમાં સૂર પુરાવીશ. પણ જો તમારો સૂર મારા કરતાં જુદો હશે તો પછી ખાંડા ખખડવાના જ છે. વેનેઝુએલા તેનું ઉદાહરણ છે.
વેનેઝુએલા પાસે સોનાનો સૌથી મોટો ભંડાર હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં અમેરિકાને અહીં આંકડે મોટું મધ દેખાઈ રહ્યું છે. વેનેઝુએલાના દક્ષિણ વિસ્તારમાં જંગલોથી ઢંકાયેલું ક્ષેત્ર ગોલ્ડ માઇનિંગ માટે આદર્શ માનવામાં આવે છે. અહીંની ગુયાના શીલ્ડ્સની વાત કરીએ તો તેમા આર્કિયન ઇમાટાકા કોમ્પ્લેક્સ નીસ અને પ્રોટોરોજાઇક ગ્રીનસ્ટોન બેલ્ટ ઉપલબ્ધ છે. તેમા ઓછા સલ્ફાઇડવાળા ગોલ્ડ ક્વાર્ટ્ઝ વેન્સ હોય છે. આ ગોલ્ડ ક્વાર્ટ્ઝ વેઇન્સ પ્રાકૃતિક રીતે સોનુ અને ક્વાર્ટ્ઝના ખનીજના મિશ્રણથી બનેલા ખડકો હોય છે, તેમા ક્વાર્ટ્ઝના પડો વચ્ચે સોનાની પાતળી કે મોટી શિરા મળે છે. તેને પ્રાકૃતિક સોનાનું દુર્લભ સ્વરૂપ માનવામાં આવે છે. તે 70થી 95 ટકા શુદ્ધ હોઈ શકે છે.
આ ઉપરાંત આ ક્ષેત્રમાં શિયર-ઝોન ડિપોઝિટ અને પ્લેસર ડિપોઝિટ પણ છે. તેનો માઇનિંગ યોગ્ય કુલ ખનન ભંડાર 10 હજાર ટનથી પણ વધારે હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ દેશમાં મેટાવોલ્કેનિક અને મેટાસેડિમેન્ટ્સમાં 200થી વધુ ગોલ્ડ સાઇટ્સ ઉપલબ્ધ છે. તેની ક્ષમતા દસ હજાર મેટ્રિક ટન સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત વેનેઝુએલાના બોલિવર રાજ્યમાં ચોકો 10 જેવા ભંડાર પણ હાજર છે. આ બધુ દર્શાવે છે કે વેનેઝુએલા સોનાના ખજાના પર બેસેલું છે.
વેનેઝુએલાની ગુયાના શીલ્ડ પૃથ્વીના સૌથી જૂના મહાદ્વીપિય ક્ષેત્રોમાં એક છે. તેમા ટિન, ટંગસ્ટન, ટેન્ટલમ અને રેર અર્થ મેટલ્સ સહિતના મહત્વના ખનીજોનો વિશાળ ભંડાર છે. અહીં ટિન અને કોલ્ટન જેવી ધાતુઓ પણ મળી આવે છે. કોલ્ટનને તો બ્લુ ગોલ્ડ કહેવાય છે. વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝે જાહેરાત કરી હતી કે વેનેઝુએલા પાસે બ્લૂ ગોલ્ડનો વિશાળ ભંડાર છે. તેમણે પોતાના કાર્યકાળમાં તેની સલામતી માટે કોલંબિયાની સરહદની જોડે મોટાપાયા પર નેશનલ ગાર્ડ ગોઠવવામાં આવ્યા હતા. ચાવેઝના નિધન પછી તેમના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોએ 2016માં ઓરિનોકો ખનન ક્ષેત્રમાં ખાણકામ માટે વટહુકમ પર સહી કરી હતી. તેમા કોલ્ટનના એક્સ્ટ્રેકશન માટે 43,000થી પણ વધુ માઇલના ક્ષેત્રને માઇનિંગ ડેવલપમેન્ટ માટે સિલેક્ટ કર્યા હતા.
ટ્રમ્પ વેનેઝુએલા પર નિયંત્રણ મેળવીને એક કાંકરે અનેક પક્ષી મારવા માંગે છે. પહેલું તો તે વેનેઝુએલાના સૌથી વધુ 303 અબજ બેરલ ઓઇલના ભંડાર પર કબ્જો જમાવી દેશે. તેના કારણે અમેરિકાના ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે. આ ઓઇલ રિઝર્વનું મૂલ્ય 18 ટ્રિલિયન ડોલરથી પણ વધારે થાય છે. બીજું ફક્ત ઓઇલ જ નહીં વેનેઝુએલાના ખનીજોથી લઈને ગોલ્ડ રિઝર્વ પર અમેરિકાનો અંકુશ આવશે, જે અમેરિકાની ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં મહત્વનો નીવડશે.
આ સાથે ટ્રમ્પે બ્રિક્સમાં જોડાવવાનો પ્રયત્ન કરી રહેલા વેનેઝુએલાના પ્રયત્નોને પણ અહીં ખતમ કરી દીધા છે. યુક્રેને જેમ નાટોમાં જોડાવવાની જિદ બદલ રશિયાના હુમલાનો સામનો કરવાનો આવ્યો હતો તેમ વેનેઝુએલાએ પણ બ્રિક્સમાં જોડાવવાની ઇચ્છા બદલ અમેરિકન હુમલાનો સામનો કરવાનો આવ્યો છે. નિકોલસ માદુરો બ્રાઝિલની મદદથી બ્રિક્સ દેશોમાં જોડાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા હતા, જો આમ થયુ હોત તો સ્વાભાવિક રીતે ડોલરના પ્રભુત્વને વધુ ફટકો પડ્યો હતો. બ્રિક્સ દેશો વચ્ચે વેપાર વધુને પ્રમાણમાં સ્થાનિક ચલણમાં થાય છે. એક સમયે ચીનના યુઆન ચલણનો સતત વિરોધ કરતાં ભારતે પણ હવે બ્રિક્સ દેશોમાં યુઆનમાં વેપાર થાય તો તેની સામેનો વિરોધ પડતો મૂક્યો છે. તેની સામે ચીને પણ ભારતની યુપીઆઈ પેમેન્ટ્સ સિસ્ટમનો વિરોધ નહીં કરે તેમ જણાવ્યું છે. બ્રાઝિલ પછી જો વેનેઝુએલા બ્રિક્સ દેશોમાં જોડાયું હોત તો અમેરિકા માટે પછી તેની સામે પગલાં લેવા અશક્ય હોત.
આ ઉપરાંત વેનેઝુએલાએ તાજેતરમાં રશિયા અને ચીન વચ્ચે સંપર્ક વધુ ગાઢ કર્યા હતા. અમેરિકાના પ્રતિબંધોના કારણે વેનેઝુએલા સીધુ રશિયાને અને ચીનને ઓઇલ પુરવઠો પૂરો પાડતું હતું. ચીને વેનેઝુએલાને 60 અબજ ડોલરની લોન આપી હતી અને તેના બદલામાં જંગી ડિસ્કાઉન્ટે વેનેઝુએલાનું પ્રીમિયમ તેલ મેળવતું હતું. હવે ટ્રમ્પના અંકુશના કારણે રશિયા અને ચીનને આપવામાં આવતો પુરવઠો અટકી જશે. તેની સાથે-સાથે આટલો મોટું રિઝર્વ અમેરિકાના તાબામાં આવતા અમેરિકા વૈશ્વિક બજારમાં પણ મહત્વનું ખેલાડી બની શકે છે. આ સિવાય દુર્લભ ખનીજોના મામલે ચીને અમેરિકાનું જે રીતે નાક દબાવ્યુ હતુ તે ટ્રમ્પ ભૂલ્યા નથી. તેથી ટ્રમ્પ વેનેઝુએલામાં અમેરિકા માટે આ દુર્લભ ખનીજોનો પુરવઠો પણ સુનિશ્ચિત કરવા માંગે છે.
આમ વૈશ્વિક ઓઇલ બજારમાં ઓપેક અને રશિયાનું જે પ્રભુત્વ હતુ તેની સામે આ પગલાં દ્વારા અમેરિકાએ સંતુલન સાધી લીધું છે. જો કે આ માટે અમેરિકાએ વેનેઝુએલામાં ઓઇલના ખેલમાં સફળ થવું પડે તે પહેલી શરત છે. અમેરિકન ઓઇલ લોબીનું સરકાર પર દબાણ જેવું તેવું હોતું નથી. કોઈપણ પ્રેસિડેન્ટ માટે તેની અવગણના કરવી અશક્ય હોય છે. આજે ભલે આખુ વિશ્વ ટ્રમ્પ પર માછલા ધોતુ હોય, પરંતુ તેણે લીધેલું પગલું અમેરિકન ઓઇલ કંપનીઓ અને અમેરિકન એનર્જી સિક્યોરિટી માટે છે. જો ટ્રમ્પને વેનેઝુએલામાં સફળતા મળી તો આગામી દિવસોમાં ભાવિ અમેરિકન પ્રમુખો યુરોપ અને એશિયામાં દરમિયાનગીરી પડતી મૂકીને દક્ષિણ અમેરિકા પર વધુને વધુ પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેથી અમેરિકાની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ટ્રમ્પ કદાચ આ નીતિના પહેલા પુરસ્કર્તા બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
