MANTAVYA Vishesh/ ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

નદીના આ બદલાયેલા આ વહેણે ખેડૂતોના જીવનમાં અનેક ઉથલપાથલ સર્જી છે. 1992થી અંકલશ્વરના નર્મદા કિનારે સતત ધોવાણના લીધે લગભગ 400 ખેડૂતોની લગભગ 2,300 એકર જમીન ડૂબમાં જતી રહી છે અને તેઓ પાયમાલ થઈ ગયા છે.

Mantavya Vishesh

નદી વહેણ બદલે ત્યારે કેટલાય લોકોના જીવનના વહેણ બદલાઈ જતાં હોય છે. આવું જ નર્મદા નદીને લઈને જોવા મળ્યું છે. નર્મદા નદીના બદલાયેલા વહેણે કેટલાય ખેડૂતોના જીવનના વહેણ બદલી નાખ્યા છે. એક સમય હતો જ્યારે નર્મદા નદી અંકલેશ્વર શહેરને અડીને વહેતી હતી અને તેના પછી તેણે વહેણ બદલતા તે સરકીને ભરૂચ પાસે જતી રહી હતી. હવે તેણે ફરી પાછું વહેણ બદલવાનું શરૂ કર્યુ છે અને તે ફરી પાછી અંકલેશ્વર તરફ પરત ફરી રહી છે.

નદીના આ બદલાયેલા આ વહેણે ખેડૂતોના જીવનમાં અનેક ઉથલપાથલ સર્જી છે. 1992થી અંકલશ્વરના નર્મદા કિનારે સતત ધોવાણના લીધે લગભગ 400 ખેડૂતોની લગભગ 2,300 એકર જમીન ડૂબમાં જતી રહી છે અને તેઓ પાયમાલ થઈ ગયા છે. સરકારે ભાડભૂત બેરેજ બનાવવાનું કામ તો કર્યુ, પણ તેના કારણે નર્મદાનું વહેણ બદલાતા સંરક્ષણ દીવાલ ન બનાવતા ખેડૂતોની સ્થિતિ વણસી ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખેડૂતોએ સંરક્ષણ દીવાલ બનાવવા માટે સરકારને તેમની જમીન વિનામૂલ્યે આપી દીધી હોવા છતાં પણ સરકારે પ્રોટેકશન દીવાલ બનાવી ન હતી.

આજે સરકારની આ નિષ્કાળજી ખેડૂતોને કનડી રહી છે. જો સરકારે સમયસર સંરક્ષણ દીવાલ બનાવી હોત તો ખેડૂતોને નર્મદાના બદલાતા વહેણ સામે રક્ષણ મળ્યું હોત અને તેમની મહામૂલી એવી 2,300 એકર જમીન ડૂબમાં ગઈ ન હોત. તે આ જમીન પર લાખો રૂપિયાનો પાક લઈ શક્યા હોત. અહીં દુઃખની વાત તો એ છે કે આ રીતે ડૂબમાં જતી જમીનને લઈને વીમા કંપનીઓ પણ રૂપિયા ચૂકવતી નથી. ટૂંકમાં ખેડૂતે બધી બાજુથી રોવાનો આવે તેવી આ સ્થિતિ છે.

સંરક્ષણ દીવાલને લઈને ખેડૂત આંદોલને વેગ પકડતા 2012માં સરકાર આ દિશામાં કામગીરી શરૂ કરી હતી અને કોન્ટ્રાક્ટર પણ નીમ્યો હતો, પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ થતાં કામગીરી અટકી ગઈ હતી અને પછી ક્યારેય શરૂ જ થઈ ન હતી. તેના પછી અટકેલું સંરક્ષણ દીવાલનું કામ આજે પણ પૂરુ થયુ નથી. બીજી બાજુએ 2017માં ભાડભૂત યોજનાનો શિલાન્યાસ થયો તેના કારણે ખેડૂતોને પડતા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ, કારણ કે આના કારણે નર્મદા નદીએ ફરીથી વહેણ બદલ્યું, તેના કારણે ખેડૂતોની જમીન ડૂબમાં ગઈ. બોરભાઠા ગામ, સરફુદ્દીન, સક્કરપોર, તરિયા, ધંતુરીયાની સાથે કાંસિયાના હંસદેવ આશ્રમ સુધીના વિસ્તારમાં ખેડૂતની જમીન ડૂબમાં ગઈ છે.

ખેડૂતો નર્મદાએ વહેણ બદલતા અંકલેશ્વરથી ભરૂચ સુધી ગઈ તે સમય 1992થી લડત ચલાવી રહ્યા છે. ત્યારે 33 વર્ષે તંત્રને તેમને વળતર આપવાનું યાદ આવ્યું છે. સરકારને હવે રહીરહીને ખેડૂતોની યાદ આવી છે તેમ તેણે ખેડૂતો માટે વળતર જાહેર કર્યુ છે. વળતરનો આ દર જોઈએ તો આપણે પણ વિચારતા રહી જઈએ કે જગતના તાતે શું એક-એક રૂપિયા માટે ભીખ માંગવી પડે. વળતરનો દર પ્રતિ ફૂટ 48 પૈસાથી લઈને 2.05 પાંચ રૂપિયાનો છે.

સરકારે જાહેર કરેલા વળતરના દરને લઈને ખેડૂત આગેવાન હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે આટલા રૂપિયામાં તો ઝેર પણ ન આવે. હવે ખેડૂતોએ શું ઝેર પીવા માટે પણ દેવું કરવાનું. તંત્ર બેદરકારી દાખવે તો તેની કિંમત ખેડૂતો શું કામ ચૂકવે. ભાડભૂત યોજના બનાવી તો પછી તેના પ્લાનમાં જ સંરક્ષણ દીવાલનો સમાવેશ કેમ ન કરવામાં આવ્યો. ખેડૂતોએ તેના માટે અલગથી માંગ કરવાની કેમ જરૂર પડી. શું ડૂબમાં જનારી જમીન સરકારની નહીં પણ ખેડૂતોની હતી એટલે તેમને રસ ન હતો. જો તંત્રને રસ ન હોય તો પછી તંત્રએ 2012માં ભાડભૂત યોજનાએ આકાર લીધો તે સમયે ખેડૂતોની જમીન કેમ લીધી, તેણે ખેડૂતો પાસેથી જમીન લેવી જ જોઈતી ન હતી. જમીન લીધી તો પછી સંરક્ષણ દીવાલ કોઈપણ ભોગે બનાવવી જ જોઈએ, એક કોન્ટ્રાક્ટર સાથે વિવાદ થાય એટલે કંઈ બીજાને કામ ન સોંપાય એવો તો કોઈ નિયમ નથી.

આ ધોવાણ અંગે ખેડૂત આગેવાન હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર નર્મદા ડેમ બનતા નદીમાં આવતું પાણી તબક્કાવાર ધોરણે ઓછું થઈ ગયું. તેના લીધે ભરૂચ નજીક કાંપ વધ્યો અને નદીનું વહેણ બદલાઈને અંકલેશ્વરના કાંઠા તરફ આગળ વધ્યું. આના લીધે હવે આ ગામોમાં જમીનના ધોવાણે વેગ પકડ્યો છે.

અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના વહેણથી છેલ્લા એક વર્ષમાં જ 40થી 50 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. આ જમીન પર ખેડૂતો લાખો રૂપિયાનો પાક લેતા હતા તેમને જંગી નુકસાન થયું છે. હવે સરકાર આ ખેડૂતોને જે વળતર ચૂકવવા જઈ રહી છે તે ખેડૂતોને થતી આવકની તુલનાએ સાવ ક્ષુલ્લક કહી શકાય તેવું છે.

આના કારણે ખેડૂતોને હવે જમીન સરકારને સોંપવા અંગે જરા પણ વિશ્વાસ નથી. આ સ્થિતિના લીધે ભાડભૂત યોજનાનું કામ પણ અટકી ગયું છે. 31 ઓક્ટોબર 2024 સુધીમાં પૂરી થવાની હતી તે યોજના આજે હજી પણ પૂરી થઈ નથી તથા તેને પૂરી થતાં હજી આગામી બેથી ત્રણ વર્ષ લાગી શકે તેમ માનવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને થયેલા લાખોના નુકસાનની સામે સરકાર પાઈ જેટલું પણ વળતર આપી રહી નથી. આ તો વળતર વસૂલવા જતાં લેવા જવાનો ખર્ચ વધારે આવે તેવી સ્થિતિ છે. ખેડૂતોની આ પ્રકારની દયનીય દશા ક્યાં સુધી રહેશે તે અહીં સળગતો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી