ગુજરાતમાં 2027મા યોજનારી ચૂંટણીમાં શાસક પક્ષથી માંડીને વિપક્ષના રાજકીય ગણિતને ચૂંટણીપંચે બગાડી નાખ્યું છે. રાજ્યમાં કુલ 73 લાખ મતદારોનું નામ કમી થઈ ગયું છે. તેના કારણે દરેક રાજકીય પક્ષ વિમાસણમાં પડી ગયો છે. તેઓએ પહેલા તો તેમના મતદાર વર્ગ સુનિશ્ચિત કરવાથી લઈને આખેઆખા રાજકીય ચોકઠા નવેસરથી ગોઠવવાની ફરજ પાડી છે. રાજકીય પક્ષો પણ વિચારતા હશે કે ક્યાં આ મતદાર યાદી સુધારણા આવી અને તેમની આખી ગોઠવેલી રાજકીય બાજી ફેરવી નાખી.
મતદાર યાદીમાંથી 73 લાખથી પણ વધુ નામ રદ થતાં ગુજરાતમાં મતદારોની સંખ્યા 5.04 કરોડથી ઘટીને 4.34 કરોડ પર આવીને ઊભી રહી ગઈ છે. ગુજરાતની ચૂંટણીમાં સત્તા માટે ઘણી વખત 25થી 30 લાખ મતો ફેર પાડી દેતા હોય છે ત્યારે 73 લાખ નામ રદ થવાથી સૌથી પહેલી ચિંતા તો શાસક પક્ષને થઈ છે, તેમને ચિંતા એ પેઠી છે કે તેમના ગઢમાં ક્યાંક ગાબડું તો નહીં પડેને. ભાજપને 2022ની ચૂંટણીમાં કોઈપણ શાસક પક્ષને ન મળી હોય તેટલી 156 બેઠકો મળી છે અને આમ તેણે માધવસિંહ સોલંકીના 148 બેઠકોના વિક્રમને પણ તોડી નાખ્યો છે.
હવે આટલી બેઠક જાળવવી તે શાસક પક્ષ માટે સૌથી મોટો પડકાર છે. લાંબા સમય શાસક પક્ષને 30 વર્ષ કરતાં વધુ સમય સત્તા પર થઈ ગયો હોવાથી શાસન વિરોધી લહેર તો આમ પણ હોય છે. તેમા પણ ચૂંટણીપંચે બરોબરનું ગાબડું પાડતાં હોય તેમ 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કર્યા છે. આના પગલે રાજકીય પક્ષોના પેટમાં ફાળ પડી છે.
શાસક પક્ષ સહિત દરેક રાજકીય પક્ષ હાલમાં તો તેમના કયા-કયા મતવિસ્તારમાં ક્યાં ગાબડું પડ્યું તેનો અંદાજ કાઢવામાં લાગેલો છે. આમ ચૂંટણીપંચની કાર્યવાહીના પગલે દરેક રાજકીય પક્ષ તે સ્વીકારવા લાગ્યો છે કે તેમના મતદારોમાં ક્યાંકને ક્યાંક તો ગાબડું પડ્યુ છે. તેથી જ જે મતદારોના નામો રદ થયા છે તેના નામો ફરીથી તેમા ગોઠવાય તેના માટે તેઓએ કવાયત આદરી છે. કેમ્પ પણ યોજવા માંડ્યા છે. તેમા પણ ખાસ કરીને જેટલા પણ મતદારોને નામ પંચની યાદીમાં આવ્યા નથી તેની મદદ કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો દોડવા લાગ્યા છે, જે સામાન્ય રીતે લોકો મદદ માંગે ત્યારે ફોન પણ ઉઠાવતા નથી અને મદદે જવાનું ટાળે છે. પણ જો તમારું નામ મતદારયાદીમા નથી તો રાજકીય પક્ષના કાર્યકરને ફોન કરો તો દોડીને આવશે અને તમારા બીએલઓનો તે ઉધડો લઈ નાખશે. તમારું રદ થયેલું નામ કોઈપણ ભોગે મતદાર યાદીમાં સામેલ થાય અને અંતિમ યાદીમાં આવે તેના માટે દોડાદોડી પણ કરવા લાગ્યા છે. તે જોઈને કોઈને પણ થઈ આવે કે આવી દોડાદોડી જો તેઓ લોકોના કામ માટે કરતાં હોય તો અડધા પ્રશ્નો ઉકેલાઈ જાય.
ચૂંટણીપંચની કવાયતાં 9.30 લાખથી પણ વધુ મતદારોને નોટિસ મળી છે. તેમા 6.20 લાખ મતદારોએ તો નામ ઉમેરવા માટે ફરીથી અરજી કરી દીધી છે અને જરૂરી પુરાવા આપી દીધા છે. તેથી રાજકીય પક્ષો હાલમાં પોતાને વિસ્તાર દીઠ થયેલા નુકસાનનો અંદાજ તો કાઢી જ રહ્યા છે, પરંતુ તેઓને લાગે છે કે અંતિમ યાદી બહાર પડ્યા પછી જ તેઓ તેમના નુકસાનનો સચોટ અંદાજ લગાવી શકશે. હાલમાં તો તેઓ જે અંદાજ લગાવશે તે કામચલાઉ અંદાજ જ હશે. છતાં પણ તેએ અંદાજ લગાવવાનું છોડ્યું નથી.
ચૂંટણીપંચે 73.73 લાખ મ રદ કર્યા તેમાં રાજકીય પક્ષોને થયેલા નુકસાનને સરેરાશના ધોરણે જોઈએ તો 182 વિધાનસભા દીઠ 40 હજારથી 50 હજારની વચ્ચે મતદારો કપાયા હોવાનું માનવામાં આવે છે. આ કંઇ અંતિમ આંકડો નથી, પરંતુ સરેરાશના ધોરણે વિધાનસભા દીઠ મતદારો કપાવવાની સંખ્યાની એવરેજ આટલી થાય છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે આટલા મોટાપાયા પર મતદારોની બાદબાકી આગામી ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 35 બેઠકોમાં વિજય-પરાજયનું માર્જિન 10 હજાર મતથી પણ ઓછું હતું. જ્યારે 2022ની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ 21 બેઠકો દસ હજારથી પણ ઓછા માર્જિનથી જીતી હતી. આના પરથી લાગે છે કે કમસેકમ 50 બેઠક પર તો આ ફેરફારની સીધી અસર જશે, જ્યારે બાકીની બેઠકો પર તેની આડકતરી અસર થશે તેમ માનવામાં આવે છે.
આજે આ ફેરફાર ભલે કશું ન લાગે, પરંતુ દિવસેને દિવસે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટતી જાય છે ત્યારે આ રદ થયેલા મનાતા મતો ઘણો ફેરફાર પાડી શકે છે. રાજકીય પક્ષો માને છે કે વિધાનસભા ચૂંટણી પર તો તેની અસર થતાં થશે, પંરતુ સૌથી પહેલી અસર તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ વર્તાશે તેમ માનવામાં આવે છે. તેના પરથી જ કયાં રાજકીય પક્ષને કયા-કયા મતવિસ્તારમાં ફટકો ફડ્યો છે તે દેખાશે. આના પગલે રાજકીય પક્ષો ચૂંટણી પંચની આ કામગીરીમાં મતદારના સ્વરૂપમાં તેમની આબરુ કે ગરાસ લૂંટાઈ ન જાય તેના માટે દોડધામ કરી રહ્યા છે. રાજકીય પક્ષોએ તો હાલમાં આના માટે ચિંતન શિબિર પણ યોજવો પડી શકે છે. દરેક રાજકીય પક્ષને ડર છે કે ચૂંટણીપંચે સ્વચ્છ કરેલી આ મતદારયાદી ક્યાંક તેમને કલંક ન લગાડી જાય.
