સામાન્ય રીતે અનામતનું ભૂત કોંગ્રેસ અને બીજા પ્રાદેશિક પક્ષો ધખાવતા હોય છે. શાસક પક્ષ તો મુખ્યત્વે હિન્દુત્વના એજન્ડા પર જ કામ કરતો હોય છે. શાસક પક્ષમાંથી તો ભાગ્યે જ કોઈ ધારાસભ્ય કે સાંસદ અનામત જેવા મુદ્દા પર ફોડ પાડીને બોલતો હોય છે, પરંતુ હવે આ પ્રવાહ પલટાયો હોય તેમ લાગે છે. ભાજપના દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે રીતસર જણાવ્યું છે કે 27 ટકા અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓના લોકો લઈ જાય છે અને આપણા લોકો વંચિત રહી જાય છે.
ભાજપના ધારાસભ્ય સામાન્ય રીતે વાત કરે ત્યારે હિંદુત્વની વાત કરતાં હોય છે, રાષ્ટ્રહિતની વાત કરતાં હોય છે, વડાપ્રધાન મોદીએ અપનાવેલી વિવિધ નીતિઓની વાત કરતાં હોય છે, વિકાસની વાત કરતાં હોય છે. તેમના કાર્યકાળમાં થયેલા વિકાસને ગણાવતા હોય છે, પણ તેઓ અનામત પર બોલતા નથી. અનામત અંગે રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપની લાઇન એવી છે કે આ એક રીતે હિંદુ સમાજમાં ભાગલા પડાવવા માટેનું કાવતરું છે.
તેઓનો દાવો છે કે ભારતીય લશ્કર અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) બંનેમાં અનામત નથી અને બંને તેમના કામકાજમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે. આ જ પુરવાર કરે છે કે અનામતના મુદ્દાને કે તેની સમસ્યાને છે તેના કરતાં પણ વધારે મોટી બતાવવામાં આવી રહી છે. ભાજપ આમ પણ ‘મંડલ’ પંચના રાજકારણની સામે ‘કમંડળ’ ઉતારીને સફળતા મેળવી ચૂક્યું છે. આ સંજોગોમાં અનામતની વાતને તે પારોઠના પગલાં સમાન જેવી ગણે છે. તેથી જ પક્ષનો કોર્પોરેટર, વિધાનસભ્ય કે સાંસદ અથવા હોદ્દેદાર અનામત અંગે મગનું નામ મરી પાડતો નથી. જ્યારે પણ અનામતની વાત આવે ત્યારે તેને હિંદુ સમાજના વિભાજનનું કાવતરું ગણાવીને ઉડાવી દે છે.
આ સંજોગોમાં ભાજપનો જ ધારાસભ્ય હવે ત્યારે અનામતની વાત કરે ત્યારે ફક્ત દસાડા જ નહીં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી આંચકો અનુભવાય તે સ્વાભાવિક છે. હવે કોઈને પણ થાય કે શાસક પક્ષનો ધારાસભ્ય આ બોલ્યો શું તે શાસક પક્ષની કોઈ નવી વ્યૂહરચના છે, રાજકારણમાં જાતજાતના પ્રયોગો કરનારા ભાજપ માટે ગુજરાત રાજકીય લેબોરેટરી છે અને તેમાં સફળ થયેલો હિંદુત્વનો પ્રયોગ આખા દેશમાં પણ સફળ થયો છે. તેથી ભાજપના જ ધારાસભ્યએ કરેલું વિધાન શું પક્ષે જ કોઈ નવી જ વ્યૂહરચના દર્શાવી હોવાના સંકેત આપે છે. આગામી વિધાનસભા ચૂંટણીને તો બે વર્ષ કરતાં પણ વધારે સમયની વાર છે, તે પહેલાં શાસક પક્ષ કોઈ રાજકીય પ્રયોગ કરી લેવા માંગે છે તેવી સંભાવના પણ રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે જાતિગત મતગણતરી થવાની છે, કેન્દ્ર સરકારે પણ તેના માટે મંજૂરી આપી દીધી છે. તેથી પહેલાં રાજ્ય સ્તરે અને પછી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની હવા કાઢી નાખવા માટે શાસક પક્ષે અત્યારથી જ કમર કસવા માંડી છે, જેથી આગામી ચૂંટણીઓમાં તેનો રાજકીય લાભ મેળવી શકાય. બાકી ભાજપના કોઈ ધારાસભ્યનું આ પ્રકારનું નિવેદન પણ ભાગ્યે જ આવે છે તેમ રાજકીય સમીક્ષકો માને છે.
હવે આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરી થવાની છે. આ વસ્તી ગણતરી પૂરી થાય ત્યારે SC/ST/OBCને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની માંગ આમ પણ ઉઠવાની છે. કદાચ બને આ વસ્તી ગણતરીના આંકડાના આધારે અનામતમાં ધરમૂળથી ફેરફાર પણ કરવો પડે તેવી પણ સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને વિપક્ષ આ મુદ્દા પર હાવી થાય તેના પહેલાં શાસક પક્ષે અત્યારથી જ તેના પર તૈયારી કરવા માંડી છે. સંભવતઃ તેની શરૂઆત શાસક પક્ષે ગુજરાતથી જ કરવા માંડી હોય તેવી પ્રબળ સંભાવના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હવે જો દસાડાના ધારાસભ્યનું આ નિવેદન પક્ષની લાઇન મુજબનું જ હશે તો આગામી દિવસમાં તેમની સામે કોઈપણ કાર્યવાહી નહીં થાય, તેની સાથે તે પણ સ્વીકારી લેવાનું રહેશે કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોઈ નવી જ વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે તથા જાતિગત વસ્તી ગણતરીને લઈને તેણે 2029ની લોકસભા ચૂંટણીની કમર પણ કસી લીધી છે. તે કદાચ કહી શકશે કે કોંગ્રેસ અનામત-અનામત કરતી રહી, પરંતુ સૌથી વધુ અનામતનો લાભ આપ્યો હોય તો તે ભાજપે આપ્યો છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનના આગેવાન મનોજ જરાંગેની મરાઠા અનામતની માંગનો ભાજપ સરકારે સ્વીકાર કર્યો તેને સંભવતઃ આ જ દિશામાં માંડવામાં આવેલા પગલાં કહી શકાય.
ભાજપના ધારાસભ્યની અનામતની વાતથી વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે પહેલી જ વખત શાસક પક્ષનો ધારાસભ્ય આ રીતે ખુલીને બોલ્યો છે. કોંગ્રેસે તો તેને આ પ્રકારની હિંમત બદલ અભિનંદન પણ આપ્યા હતા, તેની સાથે ચેતવણી પણ આપી હતી કે આગામી દિવસોમાં કદાચ તેમણે આના પરિણામો ભોગવવા પણ પડી શકે છે. જરૂર પડે તો કોંગ્રેસમાં આવી જવા માટે પણ આમંત્રણ આપી દીધું હતું. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના ધારાસભ્યએ આ પ્રકારની વાત કરીને રાહુલ ગાંધીની જાતિગત વસ્તી ગણતરીના અભિયાનને સમર્થન જ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર OBC (અન્ય પછાત સમુદાય)ના વિવિધ વર્ગોમાં અનામતનો લાભ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. તેમાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, યુનિવર્સિટીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં ક્રીમીલેયરના ધોરણે સમાનતા પ્રસ્થાપિત કરે છે. અહીં કહેવાનો અર્થ એવો છે કે જે લોકો આ સંસ્થાઓમાં કાર્યરત છે તથા પોસ્ટ અને પગારધોરણની રીતે ક્રીમીલેયરની આવક મર્યાદામાં આવે છે તેમને ક્રીમીલેયરના કાર્યક્ષેત્રમાં લાવી શકાય છે. વાસ્તવમાં સરકાર અન્ય પછાત વર્ગોમાં ક્રીમીલેયરનો વ્યાપ વધારવા નવા માપદંડો લાગુ કરવા માંગે છે, જેથી ઓબીસી અનામતનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચી શકે. જ્યારે સમૃદ્ધ લોકોને બાકી રાખી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આવક બાકાત માપદંડ લાગુ કરવા અને સમાનતા સ્થાપવાની આ નવી દરખાસ્ત અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
