MANTAVYA Vishesh/ પનીરમાં ભેળસેળ રોકવા PASA  લગાવો

પનીરના શોખીનો માટે ચેતવણીજનક સમાચાર છે. પનીરમાં ભેળસેળ થતી હોવાનો દાવો બીજા કોઈ નહીં મીઠાઈ એસોસિયેશને જ કર્યો છે. મીઠાઈ એસોસિયેશનના પ્રમુખનો દાવો છે કે રાજ્યમાં લગભગ વેચાતું 92 ટકા પનીર નકલી છે.

Mantavya Vishesh

પનીરના શોખીનો માટે ચેતવણીજનક સમાચાર છે. પનીરમાં ભેળસેળ થતી હોવાનો દાવો બીજા કોઈ નહીં મીઠાઈ એસોસિયેશને જ કર્યો છે. મીઠાઈ એસોસિયેશનના પ્રમુખનો દાવો છે કે રાજ્યમાં લગભગ વેચાતું 92 ટકા પનીર નકલી છે. તેના આ દાવાના કારણે રીતસર ખળભળાટ મચી ગયો છે. તેના પરિણામે સરકારના ફૂડ વિભાગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે કે મીઠાઈ એસોસિયેશનનો દાવો પૂર્ણપણે સાચો નથી.

ગુજરાતના ફૂડ કમિશ્નર એચ જી કોશિયાએ મીઠાઈ એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈના દાવાનો જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પનીરના 500 જેટલા સેમ્પલ લઈને તેનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેમાથી ગયા વર્ષે 30 ટકા અને ચાલુ વર્ષે 20 ટકા સેમ્પલ નિષ્ફળ ગયા હતા. તેથી જેટલા સેમ્પલ લેવાયા હતા તેમા 92 ટકા સેમ્પલ નિષ્ફળ ગયા હોય તેવી કોઈ વાત જ નથી. પનીરના ફક્ત 20 ટકા સેમ્પલ જ નિષ્ફળ ગયા છે.

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે પનીરનું સેમ્પલ લીધા પછી સેમ્પલ નિષ્ફળ ગયું હોય તેની સામે કાયદા મુજબની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ પણ કરવામાં આવ્યો છે. એચ જી કોશિયાએ લોકોને અપીલ પણ કરી હતી કે લોકો જો કોઈપણ ફરસાણ કે પનીર ખરીદે તો તેને FSSAIની માન્યતા ધરાવતા દુકાનદાર પાસેથી જ ખરીદે. જો કે રાજ્યમાં વારંવાર પકડાતા નકલી પનીર અંગે તેમણે મૌન સેવ્યું હતું.

મીઠાઈ એસોસિયેશનના પ્રમુખ કિશોર શેઠે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉપયોગમાં લેવામાં આવતા પનીરમાં 92 ટકા પનીર નકલી છે. તેમનું કહેવું હતું કે રાજ્યમાં ફરસાણના દુકાનધારકોને સારું એવું માર્જિન મળતું હોવા છતાં પણ તેઓ વધારે નફાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. આ પ્રકારે ભેળસેળ કરતાં દુકાનદારો સામે તંત્રએ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. તેઓની સામે PASA (પ્રીવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (1985) હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. તેઓને આકરો દંડ કરવો જોઈએ. ભેળસેળ કરીને પ્રજાના આરોગ્યની સાથે ચેડા કરનારાઓને છોડવા ન જોઈએ.

તાજેતરમાં જ ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિયેશનની પ્રથમ બેઠકનું ડાકોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમા એસોસિયેશનના વડા કિશોર સેઠે એસોસિયેશનના સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ કોઈપણ ભોગે ભેળસેળથી દૂર રહે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવું કોઈ પગલું ન ભરે. આમ પણ તેઓને ફરસાણમાં સારા માર્જિન મળે છે ત્યારે ભેળસેળનો આશરો લેવાની ક્યાં જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની હોટેલોમાં લોકો હોંશેહોંશે પનીરનું શાક આરોગવા જાય છે, પરંતુ આમાથી કેટલી હોટેલો સારું પનીર વાપરે છે અને કેટલી બનાવટી ઉપયોગમાં લે છે તેની તેમને ખબર હોતી નથી. તેની સાથે તહેવારો દરમિયાન જ રસ્તા પર ફૂટી નીકળતી કેટલીય હાટડીઓ પર એસોસિયેશનના સભ્યોને ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું, કારણ કે આવા લોકોના કારણે જ ઘણી વખત જરા પણ ભેળસેળ ન કરનારા દંડાય છે.

આ ઉપરાંત કિશોર સેઠે ખાદ્ય પદાર્થોમાં વધતી જતી બનાવટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે મિલાવટનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ કારોબાર વર્તમાન કારોબારને સમાંતર જ ચાલે છે. આજે રાજ્યનું કોઈ શહેર એવું નહીં હોય જ્યાં મિલાવટ થતી નથી. તેમા પણ જેટલું મોટું શહેર તેટલું જ મિલાવટનું પ્રમાણ વધારે. રાજ્યના ખૂણા-ખૂણા સુધી વ્યાપેલો આ કારોબાર પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરે છે. તેના કારણે ગુજરાતની પ્રજાનું આરોગ્ય પણ જોખમાયું છે. ગુજરાતની પ્રજા ખાવાની શોખીન છે એટલે કંઈ તેના આરોગ્ય સાથે ચેડા કરવાનો અધિકાર કોઈને મળી જતો નથી.

નકલી પનીર સહિતના ખાદ્ય પદાર્થોનો વેપલો કરનારા ગુજરાતની પ્રજાના આરોગ્યના દુશ્મન છે. તંત્ર ખાદ્ય પદાર્થનો નમૂનો નિષ્ફળ જાય તો દુકાનદારને દંડ અને સજા કરીને સંતોષ માની લે છે. વાસ્તવમાં તો તેણે આ પ્રકારનો પુરવઠો પૂરો પાડનારને પણ દંડ કરવો જોઈએ. તંત્ર ફક્ત નાની માછલીઓને લક્ષ્યાંક બનાવીને ચલાવી લે તેનાથી કશું જ નહીં થાય. મોટા મગરમચ્છોને પકડવામાં આવે તો જ આ પ્રકારની સ્થિતિને અટકાવી શકાય.

હોટેલ અને રેસ્ટોરામાં મોટાપાયા પર પનીરનો ઉપયોગ થાય છે, પણ વાસ્તવમાં તેટલા પ્રમાણમાં પનીર ન હોવાના કારણે ત્યાં બનાવટી પનીરનો ઉપયોગ થાય છે. આ સ્થિતિ અત્યંત ખરાબ છે. તંત્ર પાસે તેટલો સ્ટાફ જ નથી કે તે આ બધી હોટેલોમાં જઈને પનીર સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કરે. બનાવટી પનીર કે બીજા પદાર્થોનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરે. રાજ્યનો ખોરાક અને ઔષધિ નિયમન વિભાગ અત્યંત ઓછા અને હંગામી કર્મચારીઓની મદદથી ગાડું ગબડાવી રહ્યો છે. તેના કારણે ખોરાકમાં થતી ભેળસેળ સામે આ વિભાગનો પનો ટૂંકો પડી રહ્યો છે. આમ મીઠાઈ એસોસિયેશને કડવી વાત કહી છે, તેનો સરકારી વિભાગે જવાબ પણ આપ્યો છે. તેની વાત કદાચ સંપૂર્ણ સાચી ન પણ હોય, પરંતુ તેમા સચ્ચાઈનો અંશ જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર