Mantavya Vishesh: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી… મતદાન પહેલાં જ રાજકીય ગરમાવો (Gandhinagar Election Controversy) ચરમસીમાએ પહોંચ્યો છે.એક તરફ કોંગ્રેસ ઉમેદવારોને ધમકી અને ફોર્મ પરત ખેંચવા દબાણના આક્ષેપ કરી રહી છે… તો બીજી તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાના મુદ્દે વળતો પ્રહાર કરી રહ્યું છે.એટલે સવાલ એ છે…ગાંધીનગરમાં આખરે ચૂંટણીના મેદાનમાં ચાલી શું રહ્યું છે?
Gandhinagar Election Controversy: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઘમાસાણ
આ છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Municipal Corporation Election) જેમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. 26 સપ્ટેમ્બરે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, 28 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે અને 29 સપ્ટેમ્બર ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યાર બાદ ચૂંટણી લડનારા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે અને 11 ઓક્ટોબરે મતદાન યોજાશે. પરંતુ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવીને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચાડ્યો છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર 6 અને 7ના કોંગ્રેસના ઉમેદવારો, તેમના પરિવારજનો અને સગા-સંબંધીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે કેટલાક ઉમેદવારોને ઘરે જઈને નામાંકન પત્રો પરત ખેંચવા માટે દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. આ મામલે અમી યાજ્ઞિક સહિત કોંગ્રેસના નેતાઓએ રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત (Congress Allegations) કરી છે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવા તેમજ નિયમ વિરુદ્ધ કામગીરી સામે પગલાં લેવાની માંગ કરી છે.

સાથે જ લાલજી દેસાઈએ ભાજપ પર લોકશાહીનું પતન કરવાનો આક્ષેપ કર્યો છે અને SIRની પ્રક્રિયામાં ગોટાળાના પણ આરોપ લગાવ્યા છે. આ તમામ કોંગ્રેસના આક્ષેપો છે, જેની સ્વતંત્ર તપાસથી જ હકીકત સ્પષ્ટ થઈ શકે.

હવે સામે ભાજપનું વર્ઝન પણ એટલું જ મહત્વનું છે. ભાજપના નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા (BJP Counter Attack) કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાના મુદ્દે વળતો પ્રહાર કર્યો છે. તેમનો આક્ષેપ છે કે કોંગ્રેસમાં જ આંતરિક કલહ અને અવિશ્વાસનું વાતાવરણ છે અને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ ન હોવાથી તેમને અજ્ઞાત સ્થળે ખસેડવાની જરૂર પડી રહી છે. એટલે ભાજપનો દાવો એવો છે કે કોંગ્રેસ પોતાની આંતરિક રાજકીય સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો કરી રહી છે. આ પણ ભાજપ તરફથી કરવામાં આવેલો રાજકીય દાવો છે.

હવે આખા વિવાદનો સૌથી મોટો સવાલ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને ઉમેદવારોની સ્વતંત્રતાનો છે. જો કોંગ્રેસના આક્ષેપ મુજબ કોઈ ઉમેદવાર પર ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થયું હોય, તો તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. બીજી તરફ, જો ભાજપના આક્ષેપ મુજબ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને આંતરિક રાજકીય વિવાદને કારણે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોય, તો કોંગ્રેસે પણ તેનો સ્પષ્ટ જવાબ આપવો પડશે. કારણ કે અહીં માત્ર ભાજપ-કોંગ્રેસનો રાજકીય વિવાદ નથી…અહીં 44 બેઠકો માટેની ચૂંટણી અને મતદારના વિશ્વાસનો મુદ્દો છે.
ગાંધીનગરમાં હવે ફોર્મ ભરાઈ ગયા છે, ચકાસણીનો તબક્કો આવી ગયો છે અને કાલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. એટલે આગામી 24 કલાક રાજકીય રીતે ખૂબ મહત્વના બની શકે છે. કોંગ્રેસના આક્ષેપોની તપાસ થાય છે કે નહીં? ઉમેદવારો પર દબાણના આરોપો અંગે ચૂંટણી તંત્ર શું પગલું ભરે છે? SIR અંગેની ફરિયાદો પર શું કાર્યવાહી થાય છે? અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાના ભાજપના આક્ષેપોનું સત્ય શું છે?
કારણ કે ચૂંટણીમાં જીત-હાર તો પરિણામ નક્કી કરશે…પણ ચૂંટણીની પ્રક્રિયા કેટલી નિષ્પક્ષ રહી..એ નક્કી કરશે ગાંધીનગરના મતદારનો વિશ્વાસ.
આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની સાવચેતી: ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, નેતાઓએ ભાજપ પર લગાવ્યા આક્ષેપ
આ પણ વાંચો: ગાંધીનગર મનપા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણીનું આજે એલાન? 44 બેઠકો પર થશે મતદાન
