Breaking News: અમેરિકા જવા માટે ગુજરાતથી નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ (Ethiopia Kidnapping) થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનો પાસેથી આશરે ₹1 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિવાર તરફથી ખંડણીની રકમ ચૂકવવામાં આવ્યા બાદ પણ છેલ્લા ત્રણ દિવસથી ત્રણેયનો કોઈ પત્તો મળ્યો નથી. સમગ્ર મામલે પરિવાર દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અપહરણ (Ethiopia Kidnapping) થયેલા લોકોમાં મહેસાણાના 23 વર્ષીય ઋત્વિક શૈલેષભાઈ જનસરી, 30 વર્ષીય મમતા ચિરાગભાઈ ચાવડા અને અન્ય એક યુવતીનો સમાવેશ થાય છે. મમતા મૂળ મહેસાણાની છે અને હાલ અમદાવાદમાં રહે છે.

20 સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળ્યા હતા
મળતી માહિતી પ્રમાણે, ત્રણેય લોકો 20 સપ્ટેમ્બરે ગુજરાતથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેઓ જયપુર પહોંચ્યા હતા. ત્યારબાદ એતિહાદ એરલાઈન્સની ફ્લાઈટ મારફતે અબુધાબી ગયા હતા. એ જ દિવસે અબુધાબીથી ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા.
એડિસ અબાબા પહોંચ્યા બાદ તેઓ સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા GSF ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. તેમના માટે 20થી 29 સપ્ટેમ્બર સુધીનું બુકિંગ કરવામાં આવ્યું હતું. તેમની પાસે ઇથોપિયાના ઈ-વિઝા પણ હતા. આ ઈ-વિઝા 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી માન્ય હોવાનું જણાવાયું છે.
Ethiopia Kidnapping: એડિસ અબાબામાં જ અપહરણ થયું હોવાનો આક્ષેપ
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, એડિસ અબાબામાં પહોંચ્યા બાદ એજન્ટો દ્વારા ત્રણેયનું અપહરણ (Ethiopia Kidnapping) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોનો સંપર્ક કરી મોટી રકમની ખંડણી માંગવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટ મારફતે બંને લોકોને વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અલ્પેશ પટેલે આ કામ વડોદરાના અન્ય કોઈ એજન્ટને સોંપ્યું હતું. જોકે હાલ અલ્પેશ પટેલ ક્યાં છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.

એક યુવકના પરિવાર પાસેથી ₹70 લાખ લીધા બાદ તેને છોડાયો
આ ઘટનાની વધુ વિગતો ત્યારે સામે આવી જ્યારે આ જ ગ્રુપ સાથે ગયેલા અન્ય એક યુવકના પરિવાર પાસેથી પણ ખંડણી માંગવામાં આવી હતી. આ યુવક તેમના જ ગામનો હોવાનું અને તમામ લોકો સાથે ગયા હોવાનું જાણવા મળ્યું છે. અપહરણકારોએ તેના પરિવારનો સંપર્ક કરીને ખંડણીની માંગણી કરી હતી. પરિવાર દ્વારા ₹70 લાખ ચૂકવવામાં આવ્યા બાદ યુવકને છોડવામાં આવ્યો હતો અને તે ગુજરાત પરત આવી ગયો હોવાનું જણાવાયું છે.
બીજી તરફ ઋત્વિક, મમતા અને અન્ય એક યુવતીના પરિવાર પાસેથી પણ ખંડણીની માંગ કરવામાં આવી હતી. એક પરિવાર દ્વારા ખંડણીની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી અપહરણ (Ethiopia Kidnapping) કરાયેલા લોકોનો કોઈ સંપર્ક થયો નથી.

પરિવાર પોલીસના શરણે
ખંડણી ચૂકવ્યા બાદ પણ કોઈ માહિતી ન મળતા પરિવારજનોની ચિંતા વધી છે. આખરે પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને અપહરણ કરાયેલા ત્રણેય લોકોનો પત્તો મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અગાઉ પણ કેટલાક લોકોને આ જ રૂટ પર મોકલાયા હોવાની માહિતી
આ કેસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ લોકો પહેલાં પણ આશરે 10 જેટલા લોકોને આવી જ રીતે યમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમનો પણ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ સમગ્ર ઘટનાને પગલે ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે એજન્ટોના સંપર્કમાં આવતા લોકો અને તેમના પરિવારજનો માટે ગંભીર ચિંતા ઊભી થઈ છે. જોકે ઇથોપિયામાં બનેલી આ ઘટનામાં અપહરણ (Ethiopia Kidnapping), ખંડણી અને એજન્ટોની ભૂમિકા અંગે તપાસ બાદ જ વધુ હકીકતો સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી વેપારીનું અપહરણ, પોલીસના વેશમાં આવેલા શખ્સોએ ફિલ્મી ઢબે ગુનો આચર્યો
આ પણ વાંચો:વિદેશમાં અપહરણનો વધુ એક કિસ્સો,જકાર્તામાં ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા
આ પણ વાંચો:આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, ગુજરાતની જૂનાગઢ પોલીસે પરત અપાવ્યો દીકરો
