Ahmedabad News : અમદાવાદમાં બોગસ નોટો(Fake Note)ની હેરાફેરી મામલે ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. કેસની તાપસ દરમિયાન ભાવેશ ગજેરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે નકલી નોટો છાપવાના કાવતરામાં ભાવેશ શરૂઆતથી જ સક્રિય રીતે જોડાયેલો હતો.
બજારમાં આશરે 20 લાખ રૂપિયાની નકલી કરન્સી(Fake Note) ફરતી કરી
માહિતી મુજબ, કામરેજ વિસ્તારમાં રહેતા ભાવેશે બજારમાં આશરે 20 લાખ રૂપિયાની નકલી કરન્સી ફરતી કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી પ્રદીપ ગુરુ સાથે મળીને તેણે યોજનાબદ્ધ રીતે કામગીરી કરી હતી. એટલું જ નહીં, બોગસ નોટો છાપવા માટેની મશીનરી લાવવામાં પણ ભાવેશે આર્થિક મદદ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભાવેશ ગજેરાના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના આધારે કૌભાંડનો વ્યાપ વધુ મોટો હોવાનું બહાર આવી શકે છે.
