Ahmedabad News : મહિલાઓ અને યુવતીઓ સામે વધતા ઓનલાઈન સાયબર ગુનાઓને અટકાવવા તેમજ સુરક્ષિત ડિજિટલ માહોલ પૂરું પાડવાના હેતુથી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા “Mission Cyber Rakshika – #SecureHerSpace” નામે વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
આ અભિયાન હેઠળ મહિલાઓને ઓનલાઈન છેતરપીંડી, સોશિયલ મીડિયા બ્લેકમેઈલ, સાયબર સ્ટોકિંગ, ફેક પ્રોફાઇલ, મોર્ફિંગ, ટ્રોલિંગ તેમજ AI આધારિત ડીપફેક ફોટો-વિડિયો જેવા ગુનાઓથી બચવા માટે માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે.
સાયબર ગુનાનો ભોગ બનેલી મહિલાઓ તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી શકશે. ઉપરાંત cybercrime.gov.in પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે ફરિયાદીની ઓળખ અને નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા મોનીટરીંગ ટીમ મારફતે મહિલાઓને નિશાન બનાવી કરવામાં આવતી ગેરકાયદેસર ઓનલાઈન પ્રવૃત્તિઓ પર 24×7 સતત નજર રાખવામાં આવી રહી છે. જેમાં અશ્લીલતા, ફેક આઈડી, મોર્ફિંગ, ટ્રોલિંગ અને સાયબર હેરાનગતિ જેવી પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, મહિલા સંગઠનો અને જાહેર સ્થળોએ સાયબર જાગૃતિ કાર્યક્રમો, વર્કશોપ, સેમિનાર અને ડિજિટલ સેફ્ટી કેમ્પેઇન યોજાશે, જેથી મહિલાઓમાં સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃતિ ફેલાઈ શકે.
અમદાવાદ સાયબર ક્રાઇમના આંકડા મુજબ વર્ષ 2025-26 દરમિયાન મહિલાઓને લગતા કુલ 36 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પરની અનેક વાંધાજનક પોસ્ટ્સ પણ રિમૂવ કરાવવામાં આવી છે.
“Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું
અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચનું “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ સ્પેસ ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
