ગુજરાત યુનિવર્સિટી ને વિવાદનો નાતો જૂનો છે. તેથી કહેવાય છે કે ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા છે. હવે ગુજરાત યુનિવર્સિટી એક ખુલ્લા પ્લોટને લઈને વિવાદમાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી તેની હોસ્ટેલની પાસે આવેલા એક ખુલ્લા પ્લોટને ખાનગી સંસ્થાને આપવાની વાતને લઈને વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી સંસ્થા પાસેથી પ્લોટની અદલાબદલી શરૂ કરી છે. આગામી સમયમાં તે અદલાબદલી કરી લે તેમ માનવામાં આવે છે. આ અદલાબદલીને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે.

અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે સિન્ડીકેટના સભ્યોના વિરોધના કારણે આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો. હાલમાં તો બોર્ડમાં કોઈ વિરોધ થાય તેમ ન હોવાથી આ સોદો કરવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલની પાસે આવેલા ખુલ્લા પ્લોટની બાજુમાં ગુજરાત યુનિવર્સિટીના અને ખાનગી સંસ્થાના કેટલાક પ્લોટ અને બિલ્ડિંગ જોડે-જોડે આવેલા છે. ઘણી વખત તો કઈ મિલકત યુનિવર્સિટીની છે કે કઈ મિલકત આ સંસ્થાની છે તેની જાણકારી મેળવવી પણ મુશ્કેલ પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. સૂત્રો કહે છે કે યુનિવર્સિટીનો પ્લોટ ખાનગી સંસ્થાને આપવાનો અને તેના બદલામાં તે સામે ગુજરાત યુનિવર્સિટીને પ્લોટ આપવાની અદલાબદલી કરી તેનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે.

આવું કંઈ પહેલી વખત જ થઈ રહ્યું નથી, ભૂતકાળમાં પણ આવું થઈ ચૂક્યું છે. તેમા પણ એક તબક્કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પ્લોટની અદલાબદલી કરવાની તૈયારી પણ દાખવી હતી, પરંતુ સિન્ડીકેટની બેઠકમાં કેટલાક સભ્યોના ભારે વિરોધના પગલે આ સોદો થઈ શક્યો ન હતો. હાલમાં યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા પછી બોર્ડ ઓફ ગવર્નન્સ અને સિન્ડીકેટના સભ્યોની નિમણૂક સરકાર દ્વારા જ કરવામાં આવે છે. હવે સંપૂર્ણપણે શાસકપક્ષની જ બહુમતી છે. તેથી આ વખતે ભૂતકાળ જેવી પરિસ્થિતિ નથી. આ સંજોગોમાં હવે જમીનની અદલાબદલીનો નિર્ણય લેવાય તો તેનો વિરોધ થવાની સંભાવના પણ નથી.
આ સંજોગોમાં તાજેતરમાં જ ખાનગી સંસ્થાએ યુનિવર્સિટીને આ પ્લોટ આપી અને તેની સામે અન્ય પ્લોટ આપવાની તૈયારી દર્શાવતી દરખાસ્ત રજૂ કરી હતી. યુનિવર્સિટીએ તેનો સ્વીકાર કરીને ખાનગી સંસ્થાને અનુકૂળ પ્લોટ સોંપી દેવાની તૈયારી પણ કરી છે. આ મુદ્દે ઇનચાર્જ રજિસ્ટ્રારની મુલાકાત થઈ શકી નથી.

જ્યારે ભૂતપૂર્વ કુલ પતિ ડો. એમ.એન. પટેલે આ અંગે જણાવ્યું હતું કે ભૂતકાળમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંલગ્ન પ્લોટ સાથે ટ્રાન્સફરની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીની જમીન હોવાના કારણે વ્યક્તિગત નિર્ણય થઈ શકે તેમ ન હતો. તેથી સિન્ડિકેટમાં આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. સિન્ડીકેટમાં આ મુદ્દે વિરોધ થવાના કારણે આના અંગે નિર્ણય થઈ શક્યો ન હતો.
ગુજરાત યુનિવર્સિટી સમક્ષ આ વખતે જ કંઈ આવી પ્લોટ ટ્રાન્સફરની દરખાસ્ત આવી છે તેવું નથી. ભૂતકાળમાં પણ આ રીતે પ્લોટ ટ્રાન્સફર કરવા કે જમીનના કેટલાક ભાગની આપલે કરવા સહિત અનેક દરખાસ્તો અલગ-અલગ સંસ્થાઓએ કરી હતી.

અહીં ખાટલે મોટી ખોડ એ છે કે યુનિવર્સિટી પાસે હાલમાં જે જમીન છે તે તેને દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દાનમાં પેલી જમીન યુનિવર્સિટીને ટ્રાન્સફર કરવાનો કે કોઈની સાથે ફેરબદલી કરવાનો હક્ક છે કે નહીં તેનો વિવાદ દર વખતે ઊભો થતો હતો. તેના લીધે આગળ કોઈ નિર્ણય થઈ શકતો ન હતો અને ત્યાં જ પડદો પડી જતો હતો.
આ ઉપરાંત યુનિવર્સિટીની હાલની સ્થિતિમાં હવે બધુ જ સરકાર દ્વારા નીમાયેલું છે ત્યારે વિરોધની કોઈ સંભાવના નથી. આના પગલે ખાનગી સંસ્થાએ મોકે પે ચોગ્ગા મારતા હોય તેમ પરિસ્થિતિનો લાભ લઈને પોતાની જમીનની પાસે આવેલો પ્લોટ મેળવી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાનું બહાર આવ્યું છે.
આ અંગે યુનિવર્સિટીના આંતરિક સૂત્રોનું કહેવું છે કે આ દરખાસ્ત મંજૂર થવાનો આધાર હવે દરખાસ્ત મૂકનારાઓનો યુનિવર્સિટીના સત્તાધીશો સાથે અથવા શાસક પક્ષ સાથે કેટલો નજીકનો ઘરોબો છે અથવા તો કેટલી હદ સાથેના સારા સંબંધો છે તેના પર છે. જો આમ નહીં હોય તો તેને ફરી પાછી યુનિવર્સિટી સાથે જમીનની અદલાબદલી કરવામાં તકલીફ પડી શકે છે. તેથી આગામી દિવસોમાં કોઈપણ પ્રકારના વિવાદ વગર શાંતિથી આ જમીનના પ્લોટની અદલાબદલી થઈ જાય તો આશ્ચર્ય થવું ન જોઈએ, કારણ કે હવે કોઈ વાંધો ઉઠાવનારું નહીં હોય.
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત

