મોરબી શહેરમાં વિકાસ તો થયો છે પણ આ વિકાસ ભ્રષ્ટાચારનો થયો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. મોરબી જિલ્લા અને મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો છે કે શહેરના વિકાસના કામોમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
આ ભ્રષ્ટાચાર કરીને ભ્રષ્ટાચારીઓએ પ્રજાના રૂપિયાના જોરે કરેલા વિકાસને જવાબ આપવાનો સમય આવી ગયો છે. આ બધા ભ્રષ્ટાચારીઓ પાસેથી કૌભાંડના નાણા વસૂલવામાં આવે, જેથી પ્રજા પર તેનો બોજ ન આવે. આ માટે કોંગ્રેસે મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત પણ કરી છે.

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પહેલાં નગરપાલિકાની આવાસ યોજના, નંદીઘર તેમજ 45-ડી હેઠળના કામો કરવામાં આવ્યા હતા. આ અંગેની માહિતી કોંગ્રેસે મોરબી નગરપાલિકા પાસેથી માહિતી અધિકાર નિયમ 2005 હેઠળ માંગી હતી. આ માહિતી મળવાની સાથે તેનો અભ્યાસ કરતાં કોંગ્રેસને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે લગભગ બધા જ કામોમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
આના પગે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતની કોંગ્રેસની ટીમ મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને લેખિતમાં રજૂઆત કરી હતી.
તેઓએ આ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાના કૌભાંડમાં જોઈએ તો આવાસ યોજનામાં બનાવવામાં આવેલા આવાસો પૈકી હજી સુધી કેટલાય આવાસોની હજી સુધી સોંપણી કરવામાં આવી નથી. આમ એક વર્ષમાં પૂરું કરવાનું હોય તો 
તેને પણ નિયત સમયમર્યાદામાં પૂરું કરવામાં આવ્યું નથી. આ કામ નિયત સમયમર્યાદામાં કેમ પૂરું ન કરવામાં આવ્યું. શું તેમા તંત્રને ભ્રષ્ટાચાર કરવાની તક મળી ન હતી કે કોન્ટ્રાક્ટરે કોઈ બેદરકારી દાખવી હતી. આ બધાની તપાસ કરવામાં આવે.
કોંગ્રેસે આ દરેક કામમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તટસ્થ સમિતિ તપાસ કરે તેવી માંગ કરી છે. મોરબી નગરપાલિકાએ નંદીઘર બનાવ્યું હતું, તેમા ચાર કેબિનની ખરીદી કરવામાં આવી હતી. આ કેબિનની રકમ દર્શાવવામાં આવી છે, તેમા પણ મોટાપાયા પરનો ભ્રષ્ટાચાર સ્પષ્ટ જોઈ શકાય છે. કેબિનની હાલનો ભાવ જાણીને કેબિનોની સ્થિતિની પણ ચકાસણી કરવી આવશ્યક છે.
આ બતાવે છે કે તંત્રને ભ્રષ્ટાચારનો લૂણો કેટલી હદ સુધી લાગી ગયો છે. હવે ભ્રષ્ટાચાર કરીને ખરીદવામાં આવેલી આ કેબિનોની કાર્યક્ષમતાને લઈને પણ મોટો સવાલ ઉઠે છે. આ ઉપરાંત તેના પેટે કયા સ્વરૂપનો ભ્રષ્ટાચાર કરાયો તે ચકાસણી થવી જરૂરી છે. આ કેબિનોમાં રચાયેલા નંદીઘરમાં કેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા. હવે નંદીઘર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી આ કેબિનોમાં કેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા તેની પણ તપાસ થવી જોઈએ.

આ ઉપરાંત કેબિનોની સ્થિતિ તપાસવાની, કેટલા માણસો કામ કરતા હતા તે જોવાની, તેમના વેતનની અને તેના માટે કોણે-કોણે દાન આપ્યું હતું તથા તેની સાથે આ દાનનો ઉપયોગ શું થયો હતો તેની તપાસ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસનું કહેવું છે કે આ તપાસ સમિતિ નંદીઘરને લગતા કૌભાંડની બધી માહિતી એકત્રિત કરે, તેની સાથે આ ભ્રષ્ટાચારમાં સામેલ સામે કાયદાકીય કાર્યવાહી કરે અને તેમની પાસેથી ભ્રષ્ટાચારની રકમ વસૂલવામાં આવે. જો તંત્ર દ્વારા આ ગેરરીતિ અને કૌભાંડની તપાસ માટે સમિતિ નીમવામાં નહીં આવે તો કોંગ્રેસ આ બાબતને લઈને મોરબીમાં પ્રજાકીય આંદોલન કરશે, પણ આ પહેલા કોંગ્રેસ આ મુદ્દે તંત્રનો પક્ષ સ્પષ્ટ કરી લેવા માંગે છે.
કોંગ્રેસનું કહેવું છે કે અહીં એક વાત સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર થયો જ છે. હવે તેના પુરાવા આ તપાસ સમિતિ શોધે અને ભ્રષ્ટાચારીઓને નશ્યત કરે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યુ છે અને આખા દેશના અગ્રણી કોંગ્રેસી નેતાઓ અહીં આવ્યા છે. તેના કારણે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવું જોમ આવ્યું છે. તેમને હાકલ કરવામાં આવી છે કે તેઓ તળિયાથી લઈને ટોચ સુધી તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે. તંત્ર જ્યાં-જ્યાં પણ લોકોને કનડતું હોય અને લોકોના પ્રશ્નોને વાચા આપતું ન હોય તે બધી જ બાબત લોકોની સમક્ષ લાવવામાં આવે.

મોરબી મહાનગરપાલિકાના રોડ-રસ્તા, ગટર, ઓફિસનું ફર્નિચર, મેઇન હોલ જેવા કામો જે 45-ડી હેઠળની કેટેગરીમાં આવતા નથી. આમ છતાં પણ આ કામોને 45-ડી હેઠળ આપીને મોટાપાયા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. સામાન્ય રકમમાં થતાં કામો માટે મોટી-મોટી રકમના આપવામાં આવેલા જંગી ઓર્ડરો દર્શાવે છે કે આ ભ્રષ્ટાચારનો વિકાસ છે.
તેથી હવે આ કામો તંત્રએ જે પણ એજન્સીઓને આપ્યા હોય તેણે કરેલા કામોને ચકાસવામાં આવે, તેનું વાજબીપણું જોવામાં આવે, પ્રજાના નાણાનો ક્યાં-ક્યાં દુર્વ્યય થયો છે તે જોવાય તે જરૂરી છે. તેની સાથે આવા કામો જે 45-ડી હેઠળ કયા-કયા પ્રકારના કારણોસર આપવામાં આવ્યા છે તેની પણ તટસ્થ તપાસ કરવામાં આવે. આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવીમાં આવે અને તેમની પાસેથી ભ્રષ્ટાચારની રકમ વસૂલવામાં આવે.

કોંગ્રેસનો દાવો છે કે તપાસ સમિતિ તટસ્થ તપાસ હાથ ધરે તો કેટલાય કૌભાંડીઓનો પર્દાફાશ થાય તેમ છે. તેની સાથે તંત્રના સ્વચ્છ વહીવટના દાવાની પણ પોલ ખુલી જાય તેમ છે. કોંગ્રેસનો હાથ પ્રજાના નાણાના દુર્વ્યય કરનારાઓનો કાંઠલો ચોક્કસ ઝાલશે. આ લોકોએ કોઈ એવી જગ્યા બાકી રહેવા દીધી નથી જ્યાં ભ્રષ્ટાચાર થઈ ન શકે તેમ હોય. આ ભ્રષ્ટાચાર કર્યા પછી તે વેરાનું ઊંચું બિલ લોકોના માથે ઝીંકશે, તેમ કોંગ્રેસે જણાવ્યું હતું. તેથી ભવિષ્યમાં મોરબીમાં કોઈપણ પ્રકારના વેરાનો વધારો થયો તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે.
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
