કોંગ્રેસને ફાળવાયેલી ૭૦ પૈકી ૬પ બેઠકો ભાજપ અને જદયુના ગઢ સમાન હતી : ર૦૧૯માં ભાજપ – જદયુને ૬૭ બેઠકો પર સરસાઈ મળી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે અને નાના ભાઈ બનીને નીતિશકુમારે સાતમી વખત બિહારના મુખ્યમંત્રીપદે નવા વર્ષનાં પ્રથમ દિવસે શપથ લઇ લીધા છે. નીતિશ કુમાર ૪૬માં મુખ્યમંત્રી બન્યા. નીતિશકુમારે પાંચ વખત ભાજપના ટેકાથી અને એક વખત કોંગ્રેસ-રાજદના ટેકાથી અને એક વખત રાજદને સાથે રાખી મુખ્યમંત્રીપદ સંભાળ્યુ છે.
ર૦૦૪ બાદની ચૂંટણીમાં નીતિશકુમારે ૧૧પ બેઠકો સાથે પણ બિહારનું સુકાનીપદ સંભાળ્યું હતું. તો ર૦૧પમાં ૭૧ બેઠકો સાથે ૮ર સભ્યોના રાજદ અને કોંગ્રેસનાં ર૭ સભ્યોના ટેકાથી પણ મુખ્યમંત્રીપદ ગ્રહણ કર્યુ હતુમ. જયારે આ વખતે તો તેમના જદયુના માત્ર ૪૩ સભ્યો હોવા છતાં ભાજપે તેમને મુખ્યમંત્રીપદ આપ્યું છે. જો કે બે–બે નાયબ મુખ્યપ્રધાનો અને જદયુ કરતાં વધુ પ્રધાનો સાથે ભાજપે મોટાભાઈ તરીકેનો હિસ્સો પણ મેળવ્યો છે.

બિહારમાં મહાગઠબંધનને સત્તા મળી નથી. તેના માટે રાજદના વરિષ્ઠ નેતા શિવાનંદ તીવારીએ કોંગ્રેસ પર નીષ્ફળતાનું ઠીકરૂં ફોડયું છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ કરેલી ઓછી રેલીના કારણે આ પરિણામ આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પ્રીયંકા ગાંધી પ્રચારમાં કેમ ન આવ્યા તેવો મુદો પણ ઉપસ્થિત કર્યો છે. આમ કોંગ્રેસે ૭૦ બેઠકો લડીને ૧૯ બેઠકો જ મેળવી છે. તેનો સ્ટ્રાઈકીંગ રેટ ૪૦ ટકા કરતાં પણ ઓછો છે. તેના કરતાં ડાબેરીઓને ર૯ બેઠકો લડીને ૧૬ બેઠકો જીતી પ૦ ટકા કરતાં વધુ સ્ટ્રાઈકીંગ રેટ મેળવ્યો છે.
કોંગ્રેસ ર૦૧પ કરતાં નબળી પુરવાર થઈ છે. તે વાત સાચી છે, પરંતુ સાથોસાથ વિશ્લેષણ કરીશું તો નવી જ વાત જાણવા મળે તેમ છે. અને તે છે, કોંગ્રેસને જે ૭૦ બેઠકો ફાળવાઈ હતી અને કોંગ્રેસે મહાગઠબંધનના ભાગીદાર તરીકે જયાં ચૂંટણી પણ લડી હતી તે ૭૦ બેઠકોમાંથી ૬પ બેઠકો પર ર૦૧૦માં ભાજપ અને જેડીયુએ સાથે મળી જીત્યા હતા.ર૦૧૦માં આ ૭૦ બેઠકોમાંથી ભાજપને ૩૩ અને જેડીયુને ૩ર બેઠકો મળી હતી. ર૦૧પમાં પણ આ ૭૦માંથી પ૪ બેઠકો જદયુ અને ભાજપ વચ્ચે વહેંચાઈ હતી. ભલે બન્ને પક્ષો સામસામા લડયા હોય, પરંતુ આ ૭૦માંથી ર૪ બેઠકો ભાજપને મળી હતી. ર૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફાળવાયેલી બેઠકોમાંથી આ ૭૦ બેઠકો પૈકી ૬૭ બેઠકો પર સરસાઈ મળી હતી.
ટુંકમાં કોંગ્રેસને ફાળવાયેલી મોટાભાગની બેઠકો ભાજપના ગઢ સમાન હતી. જયારે સીમાંચલ પ્રદેશમાં ઓબીસીએ તમામ બેઠકો લડી પાંચ બેઠકો જીતી. બિહારના રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને મહાગઠબંધનને ૧૪ બેઠકોનું અને જદયુને ર બેઠકો પર નુકસાન કર્યુ છે. કોંગ્રેસ અને તેજસ્વી મુસ્લિમ સમાજની બહુમતિ સંખ્યાવાળી બેઠકો પર ઓવીસીને જીત મેળવતા રોકી શકયા નથી. કોંગ્રેસને છ બેઠક પર તેના બળવાખોરો પણ નડયા. કોંગ્રેસને દરેક રાજયોમાં નડતી પરંપરાગત નબળાઈ જૂથબંધી બિહારમાં પણ નડી ગઈ છે, તે પણ વાસ્તવિકતા છે.
કોંગ્રેસ બિહારમાં જયારે એકલે હાથે લડી છે, ત્યારે બિહારમાં લગભગ સારી સ્થિતિમાં જોવામાં આવી છે. જો કે ર૦૧૯માં તો રાજદની સાથેના ગઠબંધન છતાં તેને માર પડયો હતો. એક ચૂંટણીમાં રામવિલાસ પાસવાનનના પક્ષ લોકજનશકિત સાથે ગઠબંધન કર્યા પછી પણ તેને ખાસ ફાયદો થયો નહોતો. જો કે ર૦૦૪ થી રાજદ અને કોંગ્રેસ એકાદ ચૂંટણીને બાદ કરતાં સાથે જ ચૂંટણી લડયા છે. લાલુપ્રસાદ યાદવ અને સદગત નેતા રઘુવંશપ્રસાદ જેવાએ પ્રધાનપદના સ્વાદ પણ ચાખ્યો છે. જો કે આ સંજોગોમાં હવે કોંગ્રેસે કોઈપણ સાથે ગઠબંધનના સાથીદાર બનતા પહેલા બેઠકોની સંખ્યા પર નહિ, પણ જીતની શકયતાવાળી બેઠકો પર પણ ધ્યાન આપવું પડશે. સંગઠન તમામ સ્તરે મજબૂત બનાવવુું પડશે. બિહારમાં નીતિશકુમાર તો ટકી ગયા, પરંતુ રાજદ કોંગ્રેસના સગવડિયા લગ્ન કયાં સુધી ટકે છે તે જોવાનું રહેશે.
