દિવાળી બાદ અમદાવાદ શહેરના કોરોનાના કેસોનો બ્લાસ્ટ થયો છે અને દરરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિને જોતા સરકારે અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, પરંતુ સરકારની આ અચાનક કરફ્યૂની જાહેરાતથી લોકો બજારોમાં દોડી આવ્યા છે અને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બજાર તરફ દોડ મુકતા હોય છે એવા દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદમાં લાગુ કરાયેલા કફર્યુથી લોકોને હજી પણ ડર છે કે, શહેરમાં લોકડાઉન પાછુ લાગી શકે છે અને લોકોને જીવનજરૂરી વસ્તુઓ લેવામાં મુશ્કેલી પડી શકે છે, આ સ્થિતિને જોતા કરફ્યૂ લાગતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા છે અને શાકભાજી અને કરિયાણુ ખરીદવા માટે અનેક જગ્યાએ લાઇનો જોવા મળી રહી છે. કરફ્યૂની જાહેરાત બાદ જમાલપુર શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ ભેગી થઇ ગઇ હતી જેને કારણે અંધાધુધીનો માહોલ સર્જાયો હતો. આની સાથે સાથે કાલુપુર માર્કેટમાં પણ સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી છે.
બીજી તરફ આ સ્થિતિને જોતા લોકોને ભીડ ભેગી ના થાય તે માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. અને કહેવામાં આવી રહ્યું છે કે, આપણે સાવચેત રહેશું તો પરિવાર પણ સાવચેત રહેશે અને સમાજ પણ સાવચેત રહેશે.
