ખેડૂત આંદોલન
ગાંધીનગરમાં નવમી ડિસેમ્બરના રોજ આઝાદી પછીનું સૌથી મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યુ છે અને આ આંદોલન એવું હશે કે સરકારના પાયા હચમચી જશે અને સરકાર જાગશે તથા ખેડૂતની વાત સાંભળશે એમ ખેડૂત સહકાર સમિતિના સંયોજક પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમનો દાવો હતો કે અમે અગાઉ જૂનાગઢમાં પણ ખેડૂત આંદોલન કરી ચૂક્યા છીએ અને કલેક્ટરશ્રીને ખેડૂતો અંગેની અમારી માંગોને લઈને આવેદનપત્ર આપ્યું હતુ, પરંતુ ક્યાં તો આ આવેદનપત્ર કલેક્ટરશ્રીએ ગાંધીનગર સુધી પહોંચાડ્યું નથી અને ક્યાં તો સરકારશ્રીએ તેમના પર ધ્યાન આપ્યુ નથી.
તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેતપેદાશોના ભાવ મળે, તેમને એમએસપી મળે, તેમના પરનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગો છે. અમારુ ખેડૂત આંદોલન અને અમારુ સંગઠન બંને બિનરાજકીય છે. અમારા આંદોલનનો હેતુ પણ બિનરાજકીય છે. અમે અગાઉ ખેડૂત આંદોલન કરીને આવેદનપત્રો આપી ચૂક્યા છીએ, પણ લાગે છે કે હવે ગાંધીનગર સુધી આવ્યા વગર છૂટકો નથી એટલે અમે ગાંધીનગર આવવાના છીએ.
અમારા માટે ખેડૂત આંદોલન નો હેતુ સરકારને હચમચાવવાનો નથી. ખેડૂતોને ન્યાય અપાવવાનો છે. સરકાર જો ખેડૂતો સાથે ન્યાય કરે તો અમારે ખેડૂત આંદોલન કરવાની જરૂર જ નથી. પણ જો સરકાર ખેડૂતો સાથે ન્યાય નહીં કરે તો પછી અમારા માટે ખેડૂત આંદોલન કર્યા વગર છૂટકો પણ નથી. જગતના તાતે પોતાના હક્ક માટે ઠેરઠેર ભટકવું પડે તે સ્થિતિ અમને માન્ય નથી. તેથી જ અમે ખેડૂત સહકાર સમિતિ બનાવી છે. અમે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. આ ઉપરાંત જે પણ રાજકીય પક્ષો ખેડૂતોની જે-જે માંગને સમર્થન આપે છે તેને અમે પણ સમર્થન આપીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે અમારા આંદોલનમાં આમ આદમી પાર્ટીના લોકો પણ આવ્યા હતા, અમે તેમને જણાવ્યું હતું કે અહીં આવો તો તમારી પાર્ટીના ખેસ ઘરે ઉતારીને આવજો, વાતો કરો તો પણ ખેડૂતોના હિતની વાતો કરજો. તમે જો તમારુ રાજકારણ રમવા અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરશો તો ચાલુ માઇકે તમારા હાથમાંથી માઇક છીનવી લઇશું. હા, તમે ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન આપશો તો અમે ચોક્કસપણે તમારુ અહીં સ્વાગત છે.
આ જ રીતે કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા ખેડૂતો માટે ઘણું સારું કામ કરી રહ્યા છે તો અમે તેમને પણ મદદ કરી છે. તેઓ ખેડૂતોના પ્રશ્નો સતત ઉઠાવતા રહ્યા છે અને સરકારમાંથી ખેડૂતોને કઈ-કઈ રીતે મદદ કરે તે માટે હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છે. તેઓ કોંગ્રેસના આગેવાન ભલે હોય, પરંતુ તેમણે ક્યારેય ખેડૂતના પ્રશ્નોને લઈને મોં ફેરવ્યું નથી. તેઓએ ખેડૂતને લઈને ઉઠાવેલો એક સવાલ ખોટો હોય તો કહી દો. તેથી જ્યાં પણ ખેડૂતની વાત આવશે તો અમે કોઈ પક્ષ નહીં જોઈએ, તે આગેવાન આમ આદમી પાર્ટીનો હોય, કોંગ્રેસનો હોય કે શાસક પક્ષનો પણ કેમ ન હોય અમે તેના સમર્થનમાં હોઈશું.
પરેશ ગોસ્વામીએ દાવો કર્યો હતો કે અમે સરકારને પણ સમયે-સમયે મદદ કરી છે. સરકાર જ્યાં-જ્યાં પહોંચી શકતી નથી ત્યાં-ત્યાં જઈને અમે મદદ કરી છે અને તેનું કામ ઓછું કર્યુ છે. સરકાર વાવાઝોડું હોય કે માવઠું હોય તો સરકારનું હવામાનખાતુ બધે તેની વિગત પહોંચાડી શકતું નથી તો આ સમાચાર અમે આપીએ છીએ. આ સિવાય વાવાઝોડું ફૂંકાય, કમોસમી વરસાદ થાય કે માવઠું પડે ત્યારે ખેડૂતોને વળતર આપવાનું હોય ત્યારે નુકસાન સરવે સહિતની અનેક બાબતોમાં સરકારના સાધનો ટાંચા પડે છે ત્યારે અમે જ તેમની મદદે આવીએ છીએ, જેથી તેમને વાસ્તવિક સ્થિતિની ખબર પડે.
આટલું બધુ કરવા છતાં પણ સરકારે ખેડૂતોના પાકના ભાવ ન આપવા હોય, તેને એમએસપી મુજબના ભાવ ન આપવા હોય તેનું દેવું માફ ન કરવું હોય તો અમારે પછી ગાંધીનગર સુધી તો આવવું જ પડે. અમે હવે સરકાર સાથે વાત કરવા માટે કોઈ વચેટિયા કે કલેક્ટર પર ભરોસો કરવાના જ નથી. અમે આવેદન આપી-આપીને કંટાળી ગયા છીએ એટલે તો છેક સીધા ગાંધીનગર આવવાના છીએ. ગાંધીનગર અમારે સીધી કૃષિપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે જ વાત કરવી છે. તેના પછી અમને આગળ કઈ દિશામાં વધવુ તેની ખબર પડે.
સરકાર જો બધી માંગો ન માને અને આંશિક માંગો માને તો આંદોલન પણ પછી આંશિક ચાલશે, પૂરી માંગો માનશે તો ખેડૂત આંદોલન પૂરુ થઈ જશે અને માંગો નહીં જ માને તો આંદોલન જારી રહેશે. જો કે પરેશ ગોસ્વામીએ ઉમેર્યુ હતું કે અમારા કાર્યક્રમો ફક્ત આંદોલન પૂરતા જ સીમિત નથી. આ સિવાય પણ અમે ઘણા કાર્યક્રમો કરીએ છીએ, પણ તે લોકોની નજરમાં આવતા નથી. અમે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા પણ સમજાવીએ છીએ અને કુદરતી ખેતી તરફ વાળીએ છીએ. તેના કારણે તેના પર દેવાનો બોજ પણ ઘટે છે અને યુરીયા જેવા ખાતરો માટે સરકારી સબસિડી પર આધારિત રહેવું પડતું નથી તથા ખાતર માટે લાઇનોમાં ઊભા રહેવાના દિવસો આવતા નથી. આ સિવાય ખેડૂતને ખેતી દ્વારા સમૃદ્ધ કરવાના કાર્યક્રમો પણ હાથ ધરીએ છીએ, આશ્ચર્યની વાત એ છે કે આવા અમારા ઘણા બધા કાર્યક્રમો કોઈની નજરમાં આવતા નથી, બસ નજરમાં આવે છે તો ફક્ત આંદોલનો નજરમાં આવે છે. હવે નવમી ડિસેમ્બરે જોઈએ શું પરિણામ આવે છે, એકબાજુ ખેડૂતો છે અને બીજી બાજુ તંત્ર છે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો

