ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી અત્યંત રસાકસીભરી બનવાના એંધાણ છે. આશ્ચર્યની વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ છે. શાસક પક્ષે આ ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 15 ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે. ઘનશ્યામ પટેલ ડેરીના ભૂતપૂર્વ ચેરમેન છે અને તે 17 વર્ષથી ડેરી સેક્ટરમાં છે તથા તે પીએમ મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. તેની સામે હવે મૂળ કોંગ્રેસના ગોત્રના અને ભાજપમાં આવેલા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા મેદાનમાં ઉતર્યા છે. તેમણે પક્ષના મેન્ડેટ વગર જ પોતાની પેનલ બનાવી છે. તેમા પણ તેમનો એક ઉમેદવાર બિનહરીફ થઈ ગયો હોવાથી તેમનો વિશ્વાસ વધ્યો છે.
નવમી સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચાઈ ગયા પછી હવે 30 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. આ ચૂંટણી 19મી સપ્ટેમ્બરે યોજાશે અને 20મી સપ્ટેમ્બરે પરિણામ આવશે. ભરૂચ અને નર્મદાના બે મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. તેમા કુલ 296 મતદારો છે. આ ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે આદિવાસી આગેવાન મહેશ વસાવાની પેનલે ઝંપલાવ્યું છે. તેમની સાથે છોટુભાઈ વસાવા પણ છે. આના કારણે આ ચૂંટણી ત્રિકોણીય જંગ બની ગઈ છે.
આમ થવું સ્વાભાવિક પણ છે. દૂધધારા ડેરીનું કુલ 900 કરોડનું ટર્નઓવર છે અને આટલી મોટી મલાઈ મળતી હોય ત્યારે કોની લાળ ન ટપકે તે સ્વાભાવિક છે. આકડે મધ હોય અને તે પહોંચમાં પણ હોય ત્યારે તેના પર અંકુશ રાખવો અઘરો હોય છે. તે ન્યાયે અરૂણસિંહ રણાએ પક્ષના મેન્ડેટની પણ પરવા નથી. અરુણસિંહ રણાએ કરેલી હિંમત પાછળ ભાજપના ત્યાંના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે તેમને ગૃહપ્રધાન અમિત શાહનું સમર્થન હોય તેવી પૂરેપૂરી સંભાવના છે.
આમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં અગ્રણી સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સામસામે આવી ગયા છે તો બીજી બાજુ બીટીપીના મહેસ વસાવાએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. આમ ત્રણેયના બળાબળના પારખા આ ચૂંટણીના પરિણામમાં થઈ જશે તે નિશ્ચિત છે. લાંબા સમય પછી સહકારી ક્ષેત્રની ચૂંટણી રસાકસીવાળી બની છે. અગાઉ આણંદમાં થયું હતું તેમ અહીં પણ કસોકસનો જંગ જામે તેમ માનવામાં આવે છે. મહેશ વસાવાએ મતદારોને અપીલ કરી છે કે તમે રૂપિયાની લાલચમાં ફસાતા નહી. આમ કર્યું તો તમારી તકલીફોનો અંત નહીં આવે. હાલમાં તો અરૂણસિંહ રણાના જૂથના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
પક્ષનો મેન્ડેટ ન હોવા છતાં પણ ચૂંટણીમાં ઉતરેલા અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે અમે તો આ ચૂંટણીમાં અમારા પક્ષના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ ઉતર્યા છીએ. અમારી સાથે છે તે પણ ભાજપના કાર્યકરો છે અને પશુપાલકોને વિશ્વાસ છે કે અમે તેમના પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ધરાવીએ છીએ. એટલે તો અમે આ ચૂંટણીમાં ઉતર્યા છીએ, અમારી વિકાસ પેનલને ભાજપના જ કાર્યકરોનું પૂરેપૂરુ સમર્થન છે અને અમારા માટે કામ પણ તે કરવાના છે. પશુપાલકોનું હિત અમારા હૈયે છે એટલે અમે આ ચૂંટણીમાં ઉતર્યા છીએ. ચૂંટણી જીત્યા પછી પણ અમે કંઈ અમારું ગોત્ર બદલવાના નથી. અમે ભાજપમાં જ છીએ અને ભાજપમાં જ રહેવાના છે. તેથી પક્ષના મેન્ડેટનો અનાદર કર્યો તેવું કહી જ ન શકાય, દૂધધારા ડેરીમાં જે પણ પેનલ જીતશે તે ભાજપની જ પેનલ જીતશે.
તેની સામે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અમારા 15 ઉમેદવારને પક્ષનો મેન્ડેટ મળ્યો છે, અમે પક્ષના મેન્ડેટ મુજબ બીજા ફોર્મ પરત ખેંચી લીધા છે. હવે જે લોકોએ પક્ષનો મેન્ડેટ માન્યો નથી તેની સામે શું કાર્યવાહી કરવી તે પક્ષના મોવડીમંડળે નક્કી કરવાનું છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
