MANTAVYA Vishesh/ નેપાળની GenZની ક્રાંતિઃ અનેક ક્રાંતિમાં સોશિયલ મીડિયા બન્યું પ્રેરકબળ !

નેપાળમાં આવેલી GenZની ક્રાંતિએ પુરવાર કર્યુ છે કે આ મિલેનીયમ બેબીને અવગણવા જરા પણ પોષાય તેમ નથી. નવી પેઢીને જરા પણ લાગે કે તેમની આઝાદી કે સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવી રહ્યો છે તો તે રસ્તા પર ઉતરતા નહીં ખચકાય. આ પ્રકારના આંદોલન માટે તેણે કોઈપણ પ્રકારના રાજકીય સમર્થનની જરૂર નથી, તે બેખૌફ છે.

Mantavya Vishesh

નેપાળમાં આવેલી GenZની ક્રાંતિએ પુરવાર કર્યુ છે કે આ મિલેનીયમ બેબીને અવગણવા જરા પણ પોષાય તેમ નથી. નવી પેઢીને જરા પણ લાગે કે તેમની આઝાદી કે સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવી રહ્યો છે તો તે રસ્તા પર ઉતરતા નહીં ખચકાય. આ પ્રકારના આંદોલન માટે તેણે કોઈપણ પ્રકારના રાજકીય સમર્થનની જરૂર નથી, તે બેખૌફ છે.

નેપાળના યુવાનો આમ પણ બેરોજગારી અને ભ્રષ્ટાચારથી કંટાળેલા છે. તેમાં આટલું ઓછું હોય તેમ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો. તેના કારણે લોકોને એવો સંદેશો ગયો કે સરકાર હવે જાણે ચીનના માર્ગે આગળ વધી રહી છે. તેમના બેફામ ભ્રષ્ટાચાર પર તો અંકુશ મૂકવાની વાત બાજુએ રહી, ઉપરથી લોકોને જેમાથી આનંદ તથા જાણકારી મળે છે તથા જે જનઉપયોગી છે તેવા માધ્યમો પર પણ પ્રતિબંધ મૂકી રહી છે. બસ ચિનગારી પ્રગટી અને જોતજોતામાં મશાલ બની ગઈ અને તેની આગ છેક નેપાળના સંસદ સુધી પહોંચી ગઈ.

છેલ્લા દોઢ દાયકામાં જોવા મળ્યું છે કે વિશ્વમાં કેટલાય સ્થળોએ આવેલી ક્રાંતિમાં સોશિયલ મીડિયા બહુ જ મોટું પ્રેરકબળ તરીકે જોવા મળ્યું છે. તેના દ્વારા માહિતીનું પ્રસારણ એટલી ઝડપી થાય છે કે તંત્ર કંઇપણ સમજે તે પહેલા તો ચિનગારી ક્યારે મશાલ અને તેમાથી જ્વાળા બનીને ભડકો કરી જાય છે તેની ખબર પણ પડતી નથી.

નેપાળ પહેલા બાંગ્લાદેશમાં થયેલા સ્ટુડન્ટ્સ આંદોલનના લીધે શેખ હસીનાએ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર છોડીને ભાગી જવું પડ્યું હતું. અહીં પણ વિદ્યાર્થીઓ ભડકેલા હતા. હસીનાનું ત્રણ-ત્રણ ટર્મથી શાસન હતુ, છતાં બેરોજગારી વધતી જતી હતી. આર્થિક મંદીની અસરના કારણે વિદ્યાર્થીઓ નિરાશ હતા. તેમા પણ ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયા હતા. તેના પરિણામે વિદ્યાર્થી આંદોલન બેકાબૂ બન્યું હતું. આંદોલનકારીઓ હસીનાના મહેલમાં ઘૂસી ગયા હતા. જો તે સમયસર નીકળી ગઈ ન હોત તો તેની સ્થિતિ ખરાબ થઈ હોત. અહીં પણ સોશિયલ મીડિયા એક મોટું પ્રેરક બળ બન્યું હતું, જેણે વિદ્યાર્થી આંદોલનને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બાંગ્લાદેશના સ્ટુડન્ટ આંદોલન પહેલા શ્રીલંકામાં પણ રાજપક્ષે બંધુઓ સામે આ જ રીતે લોકો વીફર્યા હતા. શ્રીલંકાનું અર્થતંત્ર આખું ટુરિઝમ પર નભે છે. કોરોનાની કટોકટીએ શ્રીલંકાના ઇકોનોમીને જબરદસ્ત ફટકો માર્યો હતો. શ્રીલંકાનું અર્થતંત્ર બેસી ગયું હતું. તેમા સત્તા પરના રાજપક્ષે બંધુઓના ભ્રષ્ટાચારે ઉમેરો કર્યો હતો. તેના પરિણામે શ્રીલંકાની પ્રજા અને તેમા પણ ખાસ કરીને યુવાનો વધારે ભડક્યા હતા અને નારાજ થઈ ગયા હતા અને તેમને રસ્તા પર ઉતરવા સિવાય કોઈ આરો જ રહ્યો ન હતો. તેઓએ શ્રીલંકાની સંસદમાં ઘૂસી જઈને કરેલા પ્રદર્શનો અને મચાવેલી લૂંટફાટ આજે પણ વિશ્વના અખબારોની હેડલાઇન બન્યા હતા, કારણ કે શ્રીલંકા ફેવરિટ વૈશ્વિક ટુરિસ્ટ હબ છે. રાજપક્ષે બંધુઓએ આના કારણે દેશમાંથી ભાગી જવું પડ્યું હતું.

તેના પૂર્વે ઇરાનમાં 2022માં મહિલાઓનું હિજાબ વિરોધી આંદોલન આખું વિશ્વ નહીં ભૂલે. ઇરાનની કટ્ટરવાદી સરકારમાં મ્હાસા અમીની નામની યુવતીને આધુનિક વસ્ત્રોનું પહેરવા બદલ હિજાબ પોલીસ તેને વાળ ખેંચીને લઈ ગઈ અને તેના જેલમાં મૃત્યુના કારણે ઇરાનમાં આ આંદોલનની ચિનગારી ચંપાઈ હતી. ઇરાનમાં યુવતીઓ અને મહિલાઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

હિજાબ વિરોધી આંદોલનમાં એક છોકરીના ખુલ્લા વાળ બાંધતી તસ્વીર વાઇરલ થઈ હતી, પછી તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઇરાનના આંદોલન દરમિયાન મહિલાઓ હિજાબ ફાડતી હોવાના અને તેમના વાળ કાપતી હોવાની તસ્વીરો આખા વિશ્વમાં વાઇરલ થઈ હતી. કેટલાય સ્થળોએ તો મહિલાઓની સાથે પુરુષોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ આંદોલન ફક્ત હિજાબ પૂરતું જ મર્યાદિત ન રહેતા સરકારી સરમુખત્યારશાહી, ધાર્મિક કટ્ટરવાદ સામેનું વિશાળ વિરોધ પ્રદર્શન બની ગયું હતું, જેણે સરકારને પણ હચમચાવી દીધી હતી. ઇરાન જેવા કટ્ટરવાદી દેશમાં મહિલા સ્વતંત્રતાના અભિગમનો સરકારને અહેસાસ કરાવાયો હતો. આજે પણ આ આંદોલન પૂરુ થયું નથી, આખા ઇરાનના સમાજ પર તેની અસર પડી છે. ઇરાનના આ આંદોલનની જાણે વિશ્વને સોશિયલ મીડિયા થકી જ થઈ હતી. આ આંદોલનની મશાલ પણ યુવતીઓ અને યુવાનોના જ હાથમાં હતી.

અગાઉ હોંગકોંગમાં 2019-2020માં ચીનની વધતી જતી દરમિયાનગીરી સામે મોટાપાયા પર આંદોલન થયું હતું. હોંગકોંગના મુક્ત વાતાવરણમાં ઉછરેલા યુવાનો કોઈપણ રીતે ચીનના પ્રભુત્વવાળું શાસન ચલાવી શકે તેમ નથી. તેઓને ચીનની કોઈપણ રીતે વધુ પડતી દખલગીરી પસંદ નથી. આ આંદોલન પ્રત્યાર્પણ બિલ અને ચીનની વધતી જતી દાદાગીરીના વિરોધમાં હતું. 2019માં હોંગકોંગ સરકારે પ્રત્યાર્પણ બિલ રજૂ કર્યુ હતુ. આ બિલમાં હોંગકોંગના બધા શંકાસ્પદ ગુનેગારોને ચીન મોકલવાની જોગવાઈ હતી. આ બિલ આવતા યુવાનોને લાગ્યું કે ચીનની સરકાર રાજકીય વિરોધીઓ, પત્રકારો અને કાર્યકરોને દબાવવા માટે તેનો લાભ લઈ સકે છે. તેના કારણે યુવાનો ભડક્યા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુવાનોએ મહિનાઓ સુધી રસ્તા પર રહીને આખું હોંગકોંગ જામ કરી દીધું હતું. આખા વિશ્વમાં આ આંદોલનના પડઘા પડ્યા હતા. તેના કારણે ચીને પણ તે બિલ તે સમય પૂરતુ અટકાવવું પડ્યું હતું. હોંગકોંગના આ આંદોલનના મુખ્ય આંદોલનકારીએ હાલમાં બ્રિટનમાં રાજકીય આશરો લીધો છે.

મધ્ય એશિયાના દેશોમાં આ પ્રકારે ક્રાંતિ ફૂંકાઈ હતી. તેને આરબ સ્પ્રિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ક્રાંતિમાં તે સમયે નવાસવા શરૂ થયેલા સોશિયલ મીડિયા ફેસબૂક અને વોટ્સએપ વગેરે મહત્વનું પ્રેરકબળ બન્યા હતા.

આ આરબ સ્પ્રિંગનો પ્રારંભ ઇજિપ્તમાં 2011થી થયો હતો. યુવાનોની આ ક્રાંતિએ ઇજિપ્તમાં 30 વર્ષથી સત્તા પર બેઠેલા પ્રમુખ હુસ્ની મુબારકને સત્તા છોડવા મજબૂર કર્યા હતા. શહેરોના સરકારી તંત્રમાં વધતા જતા ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગરીબી, અભિવ્યક્તિના અભાવ, સ્વતંત્રતાના અભાવના કારણે ભડકેલા યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજધાની કૈરોમાં તહરીર ચોકમાં લાખો યુવાનો ભેગા થઈ ગયા હતા.  આ સ્થળ આજે ઇજિપ્તનું રાષ્ટ્રીય સ્મારક બની ગયું છે. આ ચળવળમાં યુવાનો ફેસબૂક, ટ્વિટર અને ઇન્ટરનેટ દ્વારા ભેગા થયા હતા. તેના પરિણામે હોસ્ની મુબારકની વિદાય થઈ હતી.

આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં પણ આવી જ ક્રાંતિ થઈ હતી, આ ક્રાંતિને જાસ્મિન ક્રાંતિ પણ કહેવાય છે. જાસ્મિન ક્રાંતિને ઉત્તર આફ્રિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું જન આંદોલન માનવામાં આવે છે. આ ક્રાંતિએ જ આરબ સ્પ્રિંગનો પાયો નાખ્યો હોવાનું કહેવાય છે, જે મધ્યપૂર્વમાં ફેલાઈ હતી. ટ્યુનિશિયાના પ્રેસિડેન્ટ ઝીન અલ અબીદીન બેન લાંબા સમય સુધી ટ્યુનિશિયામાં સરમુખત્યાર હતા. લોકો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી પીડાતા હતા. એક યુવાન મોહમ્મદ બૌઆઝીઝીને પોલીસે હેરાન કર્યો, તેની શાકભાજીની દુકાન છીનવી લીધી. આ વ્યક્તિએ આત્મહત્યા કરતાં પ્રજા ગુસ્સે થઈ. દેશભરના યુવાનો અને તેમના સમર્થનમાં પ્રજાજનો રસ્તા પર ઉતરી આવ્યા. રાજકીય દમન અટક્યું નહીં તો જનઆંદોલન પણ ન અટક્યું, તેના પગલે રાષ્ટ્રપતિએ સત્તા છોડવી પડી.

આ બધા આંદોલનમાં ચાવીરૂપ પરિબળ સોશિયલ મીડિયા રહ્યુ છે. ફેસબૂક, ટ્વિટર, વોટ્સએપ, યુટ્યુબના માધ્યમોનો આ બધા જ આંદોલનોમાં સક્રિયતાપૂર્વક ઉપયોગ થયો હતો. હવે નેપાળ સરકારે તેના પર પ્રતિબંધ લાદીને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર