MANTAVYA Vishesh/ દિલ્હી, પંજાબ, કર્ણાટક અને બંગાળની ઝાંખી રિજેક્ટ થતા વિવાદ : શું રોલઓવર યોજનાથી આવશે ઉકેલ !

26 જાન્યુઆરી 2024ના રોજ ત્રણેય સેનાઓની પરેડ સાથે નીકળતી સુંદર ઝાંખીઓ હાલ વિવાદમાં આવી છે… ત્યારે આજનાં મંતવ્ય જાણીશું કે ઝાંખીની પસંદગી અંગે શું વિવાદ છે? અને પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ઝાંખી કઈ રીતે પસંદ કરાય છે ?

Mantavya Exclusive Mantavya Vishesh
mantavya vishesh

26 જાન્યુઆરી 2024ના રોજ ત્રણેય સેનાઓની પરેડ સાથે નીકળતી સુંદર ઝાંખીઓ હાલ વિવાદમાં આવી છે, તેનું કારણ એ છે કે 4 રાજ્યો પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને કર્ણાટકની ઝાંખીને રિજેક્ટ કરવામાં આવી છે. આ 4 રાજ્યોમાં ભાજપની સરકાર નથી… બેમાં AAP, એકમાં TMC અને એકમાં કોંગ્રેસની સરકાર છે.

તો કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને પંજાબની ઝાંખીને રિજેક્ટ કરવા પાછળ સંરક્ષણ મંત્રાલય તરફથી બે લાઈનનો જવાબ આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ રાજ્યોની ઝાંખી પ્રજાસત્તાક દિવસ પરેડ 2024ની થીમ પર આધારિત નથી. જેના કારણે નામંજૂર કરવામાં આવી છે. પંજાબ અને દિલ્હીની ઝાંખીને પહેલા બે રાઉન્ડમાં જ રિજેક્ટ કરવામાં આવી છે. જ્યારે પસંદગી દરમિયાન નિષ્ણાતોની ત્રીજા રાઉન્ડની બેઠકમાં કર્ણાટકની ઝાંખી પણ બહાર થઈ ગઈ છે… આપને જણાવી દઈએ કે એક એક્સપર્ટ કમિટી હોય છે જે ઝાંખીઓની પસંદગી કરે છે. એક્સપર્ટ કમિટી સંરક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કામ કરે છે, અને આ કમિટીમાં કલા, સંસ્કૃતિ, ચિત્ર, શિલ્પ, સંગીત, સ્થાપત્ય અને કોરિયોગ્રાફી ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો સામેલ થાય છે. એક્સપર્ટ કમિટી અનેક બેઠકો યોજે છે અને વિવિધ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તરફથી મળેલી ઝાંખીઓના પ્રસ્તાવનું મૂલ્યાંકન કરે છે. આ કમિટી આ ઝાંખીની થીમ, ડિઝાઇન અને તેની વિઝ્યુઅલ ઇમ્પેક્ટના આધારે તપાસે છે. આ પછી તે તેની ભલામણ સંરક્ષણ મંત્રાલયને મોકલે છે.

આ વખતે સંરક્ષણ મંત્રાલયે તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર જાહેર કરીને પ્રજાસત્તાક દિવસની પરેડ 2024માં ઝાંખીઓ માટે પ્રસ્તાવ માગ્યા હતા. 18મી ડિસેમ્બર 2023થી ઝાંખી માટે પ્રસ્તાવ મોકલવાની તારીખ શરૂ થઈ. જ્યારે પ્રસ્તાવ મોકલવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2023 હતી. આ વખતે કુલ 331 ઝાંખીઓના પ્રસ્તાવ આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે 9 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે કર્ણાટકની ઝાંખીનો સમાવેશ કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળની ઝાંખીનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

ત્યારે હવે જાણો આ 4 રાજ્યોએ ઝાંખી માટે કયો પ્રસ્તાવ મોકલ્યો હતો અને રિજેક્ટ કરવા પર શું કહ્યું છે, કર્ણાટકથી બે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા. આમાંથી એક મૈસૂરના શાસક નલવાડી કૃષ્ણરાજ વોડેયાર અને કિત્તૂર રાણી ચેન્નમ્માના જીવનને પ્રદર્શિત કરવાનું હતું. બીજી ઝાંખીમાં બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાનું જીવન દર્શાવાનું હતું. આ બંને ઝાંખીના પ્રસ્તાવોને નામંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે આ 7 કરોડ કન્નડ લોકોનું અપમાન છે. કેન્દ્રએ જાણીજોઈને તેની ઝાંખી બંધ કરી દીધી છે.

તો બીજી તરફ પંજાબ પંજાબીઓનું બલિદાન અને સંસ્કૃતિ દર્શાવાનું હતું. એક ઝાંખીમાં બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને માતા ગુજરીને શ્રદ્ધાંજલિ આપતા દર્શાવ્યા હતા. આ સિવાય અન્ય બે પ્રસ્તાવો પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્રણેય પ્રસ્તાવોને રિજેક્ટ કરી દેવામાં આવ્યા. ત્યારે સીએમ ભગવંત માને કહ્યું કે જે રાજ્યોની ઝાંખી પસંદ કરવામાં આવી છે તેમાંથી 90%થી વધુ રાજ્યોમાં ભાજપનું શાસન છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય તેમની પંજાબ વિરોધી માનસિકતા દર્શાવે છે.

ત્યારે દિલ્હી દ્વારા મોકલવામાં આવેલ પ્રસ્તાવમાં દિલ્હી રાજ્યના ગવર્નન્સ મોડલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સારું શિક્ષણ, પ્રતિ વ્યક્તિ આવક , 200 યુનિટ મફત વીજળી જેવી બાબતો બતાવવાની હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું કે કેન્દ્રએ આ પ્રસ્તાવને ફગાવીને દિલ્હીને સુશાસનનું મોડલ બતાવવાથી રોક્યું છે. તે જ સમયે, રાજકીય બયાનબાજી શરૂ થયા પછી દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું છે કે દિલ્હી અને પંજાબની ઝાંખીને એટલા માટે રિજેક્ટ કરવામાં આવી કારણ કે તેઓ તેના પર કેજરીવાલ અને ભગવંત માનની તસવીરો ઇચ્છતા હતા.

બંગાળમાં સીએમ મમતા બેનર્જીના લોકપ્રિય યોજના કન્યાશ્રીને હાઇલાઇટ કરતી બંગાળની પ્રસ્તાવિત ગણતંત્ર દિવસની ઝાંખી આઠ વર્ષમાં ત્રીજી વખત રિજેક્ટ કરવામાં આવી છે. જેના કારણે તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે આક્રમક બની છે. તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્રના આ નિર્ણયને રાજકીય ભેદભાવ ગણાવ્યો છે. મમતા સરકારમાં મંત્રી શશિ પાંજાએ કહ્યું કે કન્યાશ્રી યોજનાની યુનાઈટેડ નેશન્સ અને અન્ય એજન્સીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, તેને પરેડમાં માન્યતા ન મળી આશ્ચર્યજનક બાબત છે.

આપને જણાવી દઈએ કે પ્રજાસત્તાક દિવસ માટે ઝાંખીની પસંદગીની પ્રક્રિયા અનેક તબક્કામાંથી પસાર થાય છે. તે પ્રદર્શનના સ્કેચ, ડિઝાઇન અને થીમ્સની પ્રશંસા સાથે શરૂ થાય છે.

આ પછી ઝાંખીના મોડલ પર એક્સપર્ટ કમિટી અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/મંત્રાલયો વચ્ચે ઝાંખીના મોડેલ પર ઘણા રાઉન્ડની વાતચીત પછી સમાપ્ત થાય છે. સિલેક્શનના પ્રથમ ફેઝમાં તમામ દરખાસ્તોના સ્કેચ/ડિઝાઇનની તપાસ કરવામાં આવે છે. તેમજ જરૂર પડે તો તેમાં સુધારો કરવા પણ સૂચનો આપવામાં આવે છે. એકવાર કમિટી સ્કેચ અને ડિઝાઇનને મંજૂર કરે પછી સહભાગીઓને તેમની દરખાસ્તોના 3-D મોડલ સાથે આવવાનું કહેવામાં આવે છે. જો કે, મોડલ સ્ટેજમાં આવાનો અર્થ સિલેક્શન નથી. આ પછી એક્સપર્ટ કમિટી અંતિમ પસંદગી માટે વિવિધ આધારો પર ઝાંખીના 3-D મોડલ્સની તપાસ કરે છે. સિલેક્શન પ્રક્રિયા સામાન્ય રીતે 6થી 7 રાઉન્ડની બેઠકો પછી પૂર્ણ થાય છે. આ તબક્કા દરમિયાન કેટલાક પ્રસ્તાવોને નકારવામાં આવે છે જ્યારે કેટલાકને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.

ડિઝાઈન તૈયાર કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે… સ્કેચરમાં સ્પષ્ટ રીતે એ દેખાવું જોઈએ કે ઝાંખી ખેંચનાર ટ્રેક્ટરને થીમના પાર્ટ તરીકે ઉપયોગમાં લેવાઈ હોય, ઝાંખીઓ પર કોઈ પ્રકારનો લોગો લગાવવાની અનુમતિ હોતી નથી. ઝાંખીઓ પર આગળ રાજ્યનું નામ હિન્દીમાં, પાછળ અંગ્રેજીમાં અને સાઈડમાં પ્રાદેશિક ભાષામાં લખી શકાય છે, ઝાંખીની ગ્રાઉન્ડ લેવલથી લંબાઈ 45 ઈંચ, પહોળાઈ 14 ઈંચ અને ઊંચાઈ 16 ઈંચથી વધુ ન હોવી જોઈએ. અને ટ્રેકટર અને ટ્રેલર કે બે ટ્રેલર વચ્ચે 6થી 7 ફૂટનું અંતર હોવું જોઈએ. જેથી તે આસાનીથી વળી શકે.

પસંદગીમાં ઘણા પરિબળો આધારિત રાખે છે, જેમ કે વિઝ્યુઅલ અપીલ, લોકો પર કેટલી અસર કરશે, આઈડિયા, થીમ, મ્યૂઝિક અને અન્ય ઘણા પરિબળો કામ કરે છે. મર્યાદિત સમય અને જગ્યાની કમીને કારણે પરેડમાં ભાગ લેવા માટે માત્ર મર્યાદિત સંખ્યામાં ઝાંખીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયનો આગ્રહ છે કે પસંદગી પ્રક્રિયા પછી માત્ર શ્રેષ્ઠ ઝાંખી જ પરેડમાં સામેલ કરવામાં આવે. આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઝાંખી માટે માત્ર બે થીમ રાખવામાં આવી છે- વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા. ગત વર્ષે ઝાંખી માટે 5 થીમ રાખવામાં આવી હતી.

તો પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ઝાંખીના પ્રદર્શન માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન બનાવાઈ છે. આમાં રાજ્યને ઝાંખી માટે આપવામાં આવતી સુવિધાઓ પણ સામેલ છે. જેમાં ડિફેન્સ મિનિસ્ટ્રીની તરફથી ઝાંખી તૈયાર કરવા માટે એક ટ્રેકટર અને એક ટ્રેલર ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ઝાંખીઓને અલગ સ્વરૂપ આપવા માટે અન્ય વાહનોનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેની વ્યવસ્થા ખુદ કરવાની રહે છે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઝાંખીઓ પર કેટલીક મૂવમેન્ટ સાથે સાઉન્ડ અને એનિમેશન પણ હોવા જોઈએ અને પસંદગીના કલાકારોને જ તેમાં ભાગ લેવાની તક મળે છે. આ દરમિયાન માત્ર ટ્રેડિશનલ અને ઓથેન્ટિક ફોક ડાન્સ, કોસ્ચ્યુમ અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટની જ અનુમતિ હોય છે.

દર વર્ષે ઝાંખીને લગતા વિવાદને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને ‘રોલઓવર યોજના’નો પ્રસ્તાવ મૂક્યો છે. આ મુજબ આગામી ત્રણ ગણતંત્ર દિવસની ઉજવણીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની ઝાંખી પ્રદર્શિત કરવાની તક મળશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 15 ઝાંખીઓ પસંદ કરવામાં આવે છે. એટલા માટે દરેકને તક મળવી મુશ્કેલ છે. રોલઓવર પ્લાન સાથે દરેકને તક મળશે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 28 રાજ્યોએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં કર્ણાટક પણ સામેલ છે.

તો સંરક્ષણ મંત્રાલયે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે આ વખતે તમામ ઝાંખીઓ થીમને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે ઝાંખીને લઈને વિવાદ વધ્યો ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપવું પડ્યું હતું. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને પત્ર લખ્યો હતો કે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ માટે ઝાંખીની પસંદગી પહેલાથી જ નક્કી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે. રાજનાથ સિંહે પણ મમતા બેનર્જીને આવો જ પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક્સપર્ટ કમિટી થીમ, ડિઝાઇન અને વિઝ્યુઅલ ઇફેક્ટના આધારે પ્રસ્તાવનું મૂલ્યાંકન કરે છે અને પછી ભલામણ આપે છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં 2017, 2019, 2020 અને 2021માં પરેડ માટે તમિલનાડુની ઝાંખી પસંદ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ