જાન્યુઆરી મહિનો હોય એટલે ગુજરાતમાં ગુજરાતીઓને એક જ મોજ હોય અને આ મોજ હોય તે પતંગની અને ઊંધિયાની. સવાર પડે અને કોઈને કોઈ ગુજરાતી ધાબે પતંગ જ ઉડાડતો જોવા મળે. દરેક ઘરમાંથી કોઈ એક જણ તો એવો હોય જ જે ધાબે હોય અને પતંગ ઉડાડતો હોય. ગુજરાતીઓ માટે જાણે જાન્યુઆરી મહિનો પતંગ અને ઊંધિયાના નામે જ લખાઈ ગયો છે. આ જ પતંગ પ્રેમમાં વધુ એક છોગું ઉમેરાય તો તે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલના સ્વરૂપમાં ઉમેરાયું છે. હાલમાં ગુજરાતમાં 14મો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ગુજરાતની જ નહીં દેશની પતંગપ્રેમી જનતા માટે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ તેમના પતંગ પ્રેમને દર્શાવવા માટેનો અનેરો ઉત્સવ છે.
અમદાવાદના સાબરમતી નદી પરના રિવરફ્રન્ટમાં 14મોં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો છે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના લોકોએ ભાગ લઇ રહયા છે..આ પતંગ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 બાદ પ્રથમ વખત આવ્યા હતા..વડાપ્રધાન મોદીએ ઘણા પતંગરસિકો સાથે પતંગ ઉડાડવાની માજા માણી હતી. રાજસ્થાનથી આવેલા યુવકનો ઓપરેશન સિંદૂર વાળો પતંગ ઉડાડ્યો હતો.
ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગોના કારણે આખુ આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી છવાયેલુ રહે છે. આ જ રીતે સાબરમતી રિવરફ્રન્ટ પરના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 50થી વધુ દેશોના લગભગ 871 જેટલા વિદેશી પતંગબાજોએ ભાગ લીધો છે. તેમા તેઓના જાતજાતના અને ભાતભાતના પતંગ જોવા મળ્યા છે. આ પતંગોત્સવના કારણે દેશનું એકમાત્ર પતંગ મ્યુઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોઈને ખબર પણ નહીં હોય કે દેશનું એકમાત્ર પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલું છે. હવે જો તમને પતંગનો ઇતિહાસ જાણવામાં અને તમારા બાળકોને પતંગનો ઇતિહાસ જણાવવામાં રસ હોય તો અચૂક તેની મુલાકાત લઈ શકો છે. તેમા એન્ટ્રી ફ્રી છે.
આ મ્યુઝિયમમાં આઝાદી પૂર્વેની ચળવળનો પ્રતિબિંબ પાડતા પતંગ છે, તેમા સાઇમન ગો બેક જેવા નારા લખેલા છે. જ્યારે અભિવ્ક્તિની આઝાદી ન હતી ત્યારે લોકો અંગ્રેજ શાસન સામે આ પ્રકારે પણ અભિવ્યક્તિ કરતા હતા. આ સિવાય એક પતંગ તો છેક 1899ની સાલનો છે, આના પરથી તે સમયની પતંગની બનાવટનો પણ ખ્યાલ આવી જાય છે. આમ આ મ્યુઝિયમ તેની અંદર પતંગોના ઇતિહાસનો આગવો વારસો સમાવીને બેઠેલું છે.
આને લઈને ઉત્તરપ્રદેશથી આવેલા મુલાકાતી જયદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પતંગના વારસાને જે રીતે ગુજરાતમાં મ્યુઝિયમનું સ્વરૂપ આપીને જાળવવામાં આવી રહ્યો છે તે જબરદસ્ત વાત છે. તેમના પિતાજી પણ જાણીતા પતંગબાજ હતા અને તેમનો પતંગબાજીનો વારસો અહીં ગુજરાતમાં આ રીતે સચવાયેલો જોઈને મને આનંદની લાગણી થઈ છે. લખનૌમાં પણ અલગ-અલગ રીતે પતંગબાજી થતી હતી, તે એક જુદા જ પ્રકારની પતંગબાજી હતી. અહીં ફેસ્ટિવલમાં પતંગ ચગાવવા પર ભાર આપવામાં આવે છે. અમારે તો સામસામે પતંગના પેચ લડાવવામાં આવતા હતા, લોકો હોકારા પડકારા કરતા હતા. આ પ્રકારના પેચ લડાવવાને લઈને જબરદસ્ત ઉત્સાહ રહેતો હતો.
જ્યારે પ્રવીણ ગોસ્વામી નામનો પતંગ ઉત્સાહી ઉદયપુરથી આવ્યો હતો. તેણે ઓપરેશન સિંદૂર પરનો પતંગ ચગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર અને તેના દ્વારા પાક.ના પડકારના જવાબના લીધે હું ખૂબ જ ખુશ છું. મારા પર તેણે અમીટ છાપ પણ છોડી છે. તેથી મેં મારી આ લાગણી શબ્દોમાં વ્યક્ત ન કરતાં પતંગ દ્વારા વ્યક્ત કરી છે. આના પરથી સ્પષ્ટ જણાય છે કે જા જે માનતા હોય તે માને, પરંતુ ઓપરેશન સિંદૂરે સામાન્ય પ્રજા પર અમીટ છાપ છોડી છે. આજે પ્રજા કોઈને કોઈ સ્વરૂપમાં આ ઓપરેશન સિંદૂરને યોગ્ય ગણાવીને સરકારના આ નિર્ણય સાથે તેનું જોડાણ વ્યક્ત કરી રહી છે.
દેશની આન-બાન અને શાનની પરીક્ષા થતી હોય ત્યારે કોઈને પણ પાછુ હટવું પસંદ નથી. આજે આઠ મહિને પણ ઓપરેશન સિંદૂર લોકોના મગજમાં છે. પીએમ મોદીએ પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો ઉપયોગ કરીને કાઇટ ડિપ્લોમસી કરી લીધી હતી. પીએમ મોદી સામાન્ય રીતે પતંગોત્સવમાં પતંગ ઉડાડવાનો જ આનંદ માણતા જોવા મળે છે, પરંતુ આ વખતે જર્મન પ્રેસિડેન્ટ મર્ઝ સાથે તે કાઈટ ફેસ્ટિવલમાં હાજર રહ્યા હતા અને બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ ગાઢ કરવાના કરાર કર્યા હતા. આમ કાઇટ ફેસ્ટિવલની સાથે-સાથે કાઇટ ડિપ્લોમસીનો નવો જ અધ્યાય શરૂ થયો છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સંબંધો વિસ્તારવામાં આ નવો ટ્રેન્ડ બને તો આશ્ચર્ય નહીં થાય. પીએમ મોદી સીએમ હતા ત્યારે તેમણે શરૂ કરેલો આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ આજે દેશની ફેસ્ટિવલ સીઝનનો મહત્વનો હિસ્સો બની ગયું છે.
ત્રણ દિવસના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પતંગબાજોએ રંગ રાખ્યો હતો. આ પતંગોત્સવમાં હાલમાં યુદ્ધનો ભોગ બનેલા યુક્રેનથી પણ પતંગબાજ આવ્યા હતા. પતંગબાજે આ નિમિત્તે પતંગોનો આનંદ હળીમળીને મનાવવાનો અને શાંતિનો સંદેશો આપ્યો હતો. તેની સાથે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલના ભરપૂર વખાણ કર્યા હતા. આ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા જ રહેવા જોઈએ તેમ જણાવ્યું હતું. યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેન થી આવેલા પતંગબાજોએ પણ પતંગ ઉડાડવાની સાથે વિશ્વ શાંતિનો સંદેશો પાઠવ્યો હતો.
ગુજરાતમાં આ 14મો કાઇટ ફેસ્ટિવલમાં ઉડતી પતંગો જોઈએ તો આપણે પણ બે ઘડી વિચારતા થઈ જઈએ કે ભાઈ આ છે શું, અહીં કોઈ પતંગ અંગેના નિશ્ચિત ધારાધોરણ હોતા નથી. આપણે તો પતંગમાં ઢાલ, ફુદરડી જેવા પતંગો સુધી જ સીમિત છે, જ્યારે કાઈટ ફેસ્ટિવલના અનોખા પતંગો અને તેને ઉડાડવા માટેની આગવી દોરીને જોઈએ તો સ્તબ્ધ થઈ જઈએ. આ પતંગોની કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા કે બંધારણ નથી કે પતંગ આ જ પ્રકારના હોવા જોઈએ. ગમે તેવા આકારના પતંગ પણ ઉડતા હોય છે. આવા અનોખા અને આગવા પતંગો અને દોરી બધુ જાણે આપણને આપણી કલ્પના બહારનું લાગે, પણ વિદેશી પતંગબાજોની આ જ તો ખાસિયત છે. કદાચ તેમાથી પ્રેરણા લઈને આગામી દિવસોમાં દેશી પતંગબાજોમાં પણ નવી સ્ટાઇલ જોવા મળી શકે.
આ ઉપરાંત દેશભરમાંથી પતંગબાજો પણ આ ફેસ્ટિવલમાં આવ્યા હતા. તેમા કોઈના પતંગ દેશપ્રેમને લગતા સૂત્રોના હતા તો કોઈના પતંગમાં હનુમાનજીની ગદા સાથેની તસ્વીરના હતા. કોઈએ તેમના પ્રિય નેતાની ઇમેજવાળા પતંગ ઉડાડ્યા હતા, જ્યારે કેટલાકે વિવિધ પ્રકારના સંદેશા વહેતા મૂકતા પતંગો ઉડાડ્યા હતા. આમ પતંગબાજોએ દર વખતની જેમ ગુજરાતના આંગણે યોજાયેલા કાઇટ ફેસ્ટિવલને બરોબર માણ્યો છે અને ગુજરાતની મહેમાનગતિ પણ માણી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
