ભાજપના પ્રદેશ પ્રમુખ પદે કેન્દ્રીય નેતાગીરીએ નીતિન નબીનના સ્વરૂપમાં નિમણૂક કરીને યુવાનોને સત્તામાં ભાગીદાર બનાવવાના પ્રયોગનો આરંભ કર્યો છે. તેનો લાભ આગામી સમયમાં ગુજરાતના યુવા રાજકારણીઓને પણ મળી શકે છે. કેન્દ્રીય નેતાગીરીનું આ વલણ જોઈને ગુજરાત ભાજપમાં ઘણા નેતાઓના પુત્રની બીજી પેઢી તૈયાર થઈ રહી છે અને રાજકારણમાં પ્રભાવ પાથરવા મથી રહી છે. તે ભાજપના પ્રાદેશિક સંગઠનથી લઈને પોતાના વિસ્તારમાં તેમનો પ્રભાવ પાથરવા પ્રયત્નશીલ છે.
જયરાજ-ગણેશ જાડેજા
તેમા સૌથી પહેલું અને ચર્ચાતુ નામ હોય તો ગોંડલના વિવાદાસ્પદ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલના ઉપનામથી ઓળખાતો ગણેશ ગોંડલ છે. ગોંડલમાં જયરાજસિંહનો કાબૂ જાણીતો છે. જો પક્ષે એક કુટુંબ એક ટિકિટનો નિયમ અપનાવ્યો ન હોત તો જયરાજસિંહ જાડેજા, તેની પત્ની ગીતાબા જાડેજા અને તેનો પુત્ર ગણેશ ગોંડલ ત્રણેયને પક્ષે ટિકિટ આપવાની ફરજ પડી હોત. પક્ષના નિયમના કારણે જયરાજસિંહે પછી પોતાની સામે થયેલા કેસના કારણે પત્ની ગીતાબા જાડેજા માટે ટિકિટ લીધી અને હવે આગામી ચૂંટણીમાં ગણેશ જાડેજાને ટિકિટ મળે તે માટે તેમણે અત્યારથી જ કમર કસી લીધી છે. ગોંડલમાં 2027ની ચૂંટણીમાં તેમની ટિકિટ મળે તે માટેની કવાયત અત્યારથી જ તેમણે ચાલુ કરી દીધી છે.

અનિરુદ્ધ-રાજદીપ રીબડા
ગોંડલમાં આવું જ બીજું જૂથ છે તે છે રીબડાનું જૂથ. તે કોઈપણ રીતે જાડેજા જૂથને કાપવા તત્પર હોય છે. ગણેશ ગોંડલ સામે છેલ્લે જે આક્ષેપો થયા તેમા રાજદીપ રીબડા જૂથનો સીધો હાથ હોવાનું જાણવામાં આવે છે. બાકી તે સિવાય ગણેશ ગોંડલની સામે કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત કરી શકે તેમ માનવામાં આવે છે. આ જ રીતે અમિત ખૂંટની હત્યાનો કેસ થયો અને તેમા રાજદીપ રીબડા જૂથનું નામ ઉછળ્યું તેમાં ગણેશ ગોંડલ જૂથનો હાથ હોવાનું માનવામાં આવે છે. આમ ગોંડલમાં બંને જૂથો સામસામે છે. રાજદીપ રીબડા ગરીબોના મસીહા બનવા પ્રયત્નશીલ છે. તે તેના ગ્રુપના માધ્યમથી ગરીબોને સતત મદદ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આ પ્રકારની મદદોની રીલ્સ પણ વાઇરલ થાય છે. આમ છતાં જેલવાસના કારણે તેની છબી ઝાંખી પડી છે. આ સિવાય તેના પિતા અનિરુદ્ધસિંહનો જેલવાસ પણ તેની રાજકીય કારકિર્દીમાં તકલીફ સર્જી શકે છે. આ સંજોગોમાં હવે ભાજપ હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું અહીં રસપ્રદ રહેશે.

પરસોત્તમ-દિવ્યેશ સોલંકી
આ ઉપરાંત તાજેતરમાં માયાભાઈ આહિરના પુત્રએ નવનીત બાલધિયા પર હુમલો કર્યો તે કેસને લઈને કોળી સમાજ મેદાનમાં આવી ગયો છે. પરસોત્તમ સોલંકીની તબિયત સારી રહેતી નથી અને તે જાહેરમાં ઓછું દેખા દે છે તે સંજોગોમાં તેમનો પુત્ર દિવ્યેશ સોલંકી યુવાન તરીકે નવો ચહેરો બને તો આશ્ચર્ય નહી થાય. પરસોત્તમ સોલંકથી ફેક્ટર ઉનાથી લઈને ભાવનગરની સાત વિધાનસભા બેઠકો પર નિર્ણાયક માનવામાં આવે છે. દિવ્યેશ સોલંકી તેની કોળી સેનાના માધ્યમથી કોળી સમાજના સેવા કાર્યોમાં અને ભાજપના સંગઠનાત્મક કામમાં આગળ પડીને જે રીતે ભાગ લઈ રહ્યો છે તે જોતાં પરસોત્તમ સોલંકી તેમનો રાજકીય વારસો તેને સોંપી શકે તેમ છે. દિવ્યેશ સોલંકીની જે સક્રિયતા છે અને તેણે કોઈપણ પ્રકારના વિવાદ સાથે તેનો સંબંધ જોડ્યો નથી તે બાબત તેના પક્ષમાં જઈ શકે તેમ છે. સામાન્ય રીતે નવાસવા રાજકીય આગેવાન વિવાદમાં વધુ રહેતા હોય છે, પરંતુ દિવ્યેશ સોલંકીએ અત્યાર સુધી તો તેમના કાર્યોથી કોળી સમાજ પર અમીટ છાપ છોડી છે. તેને કોળી સમાજનો આગામી ચહેરો ગણવામાં આવે છે.

દિલીપ-મૌલિક સંઘાણી
ભાજપના જાણીતા આગેવાન દિલીપ સંઘાણી ભલે સંગઠનમાં સક્રિય ન હોય, પરંતુ સહકારી ક્ષેત્ર પરની પક્કડ તેમણે ગુમાવી નથી. તેમનો પુત્ર મૌલિક સંઘાણી આજે પક્ષના સંગઠનમાં વિવિધ જવાબદારી અદા કરી રહ્યો છે. તેમને આશા હતી કે તેમના પુત્રને ગયા વખતે ટિકિટ મળશે, પરંતુ તે વખતે અમરેલીમાંથી કોશિક વેકરિયાનો નંબર લાગી ગયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જાણીતા આગેવાન જયેશ રાદડિયા કેન્દ્રીય નેતાગીરીના વિરોધમાં જઈને સહકાર ક્ષેત્રમાં ચૂંટણી લડીને જીત્યા તે ગમ્યુ નથી. હવે દિલીપ સંઘાણીનો જયેશ રાદડિયા સાથેનો ગાઢ સંબંધ તેમના પુત્રની પ્રગતિમાં અવરોધક બને તેવી પૂરેપૂરી સંભાવના છે. હાલમાં જયેશ રાદડિયાને પક્ષમાં થયેલી મહત્વની નિમણૂકોથી લઈને કેબિનેટમાં પણ જે રીતે અળગા રાખવામાં આવ્યા તે સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં પક્ષ વૈકલ્પિક નેતાગીરીની તલાશમાં છે. હવે મૌલિક સંઘાણી પર ભાજપ સંગઠન ક્યારે મહેરબાન થાય તે સમજવું કપરું છે. પક્ષ કદાચ આ કિસ્સામાં વંશવાદને પ્રોત્સાહન ન પણ આપે.

જયરાજ આહિર
ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે પિતાના નામના સથવારે રાજકારણમાં તો પ્રવેશ મેળવી લીધો અને તળાજામાં યુવા ભાજપ પ્રમુખનો હોદ્દો મેળવી લીધો. યુવા ભાજપ પ્રમુખના હોદ્દાના કારણે તે પક્ષની નજરમાં પણ હતા. આ ઉપરાંત જયરાજ આહિર પક્ષમાં પણ સક્રિય યુવાન સભ્ય હતા. આ સિવાય પિતાના રૂપિયાની મદદથી તેમણે તેમના વિસ્તારમાં સેવા કાર્યોની વણઝાર લગાવી દીધી હતી. આના કારણે કમસેકમ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમનો ગજ વાગશે તેમ કહેવાતું હતું. પણ બગદાણા વિવાદમાં હવે તેનું નામ આવતા અને તેણે જેલના સળિયા ગણવાના દિવસ આવતા આગામી દિવસોમાં તેમના માટે ભાજપની અંદર જ રહીને રાજકીય કારકિર્દી આગળ ધપાવવી અત્યંત કપરી હોવાનું માનવામાં આવે છે. હવે જેલમાં ગયેલા માટે જયરાજ આહિર માટે ભાજપ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે તો આશ્ચર્ય નહીં થાય. આ છે ગુજરાતના નવી પેઢીના રાજકારણીઓ, જેમાના ઘણાનું નામ છે અને ઘણા બદનામ પણ છે, પરંતુ તેઓનું પ્રભુત્વ જરૂર છે. હવે આમાથી કોની ટિકિટ કપાશે અને કોને મળશે તે તો આગામી દિવસોમાં રાજ્યનું અને પક્ષનું વાતાવરણ જ નક્કી કરશે.
આ પણ વાંચો: ગુજરાતનું રાજકારણ અને ગુજરાતી કલાકારો, ‘ડુંગરા દૂરથી રળિયામણા’
આ પણ વાંચો: કોંગ્રેસમાં સાફસૂફીઃ ભરતસિંહ જૂથના આગેવાનોને સ્થાનિક પ્રદેશ માળખામાં ક્યાંય સ્થાન નહીં
આ પણ વાંચો: અલ્પેશ ઠાકોર પર ગદ્દારીના આક્ષેપથી ઠાકોર સમાજમાં ખળભળાટ

