MANTAVYA Vishesh/ ખેડૂતોના હિત માટે રચાયેલી અમુલ ખેડૂતોના જ પેટ પર લાત મારી રહી છે

અમુલ હમણાથી ખૂબ જ વિવાદમાં રહેવા લાગ્યું છે. પછી તે અમુલની ચૂંટણી હોય કે પશુપાલકોની ફરિયાદ હોય કે ખેડૂતોની ફરિયાદ. અમુલની ચૂંટણી હમણા જ રાજકીય ગરમાગરમી પછી પૂરી થઈ ગઈ, પરંતુ બકરું કાઢતા ઊંટ પેસે તેમ અમુલના વિવાદનો અંત આવતો નથી.

Mantavya Vishesh

અમુલ હમણાથી ખૂબ જ વિવાદમાં રહેવા લાગ્યું છે. પછી તે અમુલની ચૂંટણી હોય કે પશુપાલકોની ફરિયાદ હોય કે ખેડૂતોની ફરિયાદ. અમુલની ચૂંટણી હમણા જ રાજકીય ગરમાગરમી પછી પૂરી થઈ ગઈ, પરંતુ બકરું કાઢતા ઊંટ પેસે તેમ અમુલના વિવાદનો અંત આવતો નથી.

હવે અમુલનો ચીઝ પ્લાન્ટ કેમિકલવાળુ પાણી છોડતો હોવાની ફરિયાદ થઈ છે. અમુલ દ્વારા છોડવામાં આવતા કેમિકલવાળા પાણીના લીધે મહેમદાવાદના કેટલાય ગામોના ખેડૂતોને તેના કારણે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. અમુલના ચીઝ પ્લાન્ટે છોડેલા પાણીના કારણે આ ખેડૂતોની ઉપજાઉ જમીન બિનઉપજાઉ થઈ ગઈ છે. તેમની આજીવિકા ભયમાં મૂકાઈ છે.

મહેમદાવાદમાં જીભયપુરા પાસે આવેલો અમુલનો ચીઝ પ્લાન્ટ કેમિકલ અને વોશવાળું ગંદુ પાણી માઇનોર કેનાલમાં છોડે છે. આ કેનાલ ખેડૂતોને પિયત અને સિંચાઈની સગવડો પૂરી પાડે છે. હવે અમુલનો ચીઝ પ્લાન્ટ તેમા જ ગંદુ પાણી છોડે છે. હવે ખેડૂતો આવા જ પાણીથી સિંચાઈ કરતાં હોવાથી તેમનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ફક્ત પાક જ નિષ્ફળ જઈ રહ્યો છે એટલું જ નહીં પીવાના પાણીના સ્ત્રોતમાં પણ આ કેમિકલવાળુ ભણવાના કારણે ગ્રામીણોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી રહી છે.

મહેમદાવાદ તાલુકાના ખાત્રક ચોકડી અને નડિયાદ રોડ પાસે આવેલો અમુલ ચીઝ પ્લાન્ટ કેમિકલયુક્ત પાણીથી તળાવમાંથી પાઇપલાઇન નાખીને છોડી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ રીતે કોઈપણ ખુલ્લામાં કોઈ પાણી સ્ત્રોતમાં જનજીવન અને ખેડૂતોના ખેતરને અસર કરે તે રીતે પાણી છોડી કઈ રીતે શકે. આજે આ પાણી છેક વણસોલ ગામ સુધી પહોંચ્યું છે. આના પરથી જ જણાઈ આવે છે કે પ્રદૂષિત પાણીનો કેટલો મોટો પ્રવાહ ગામડા સુધી પહોંચવા લાગ્યો છે.

ખેડૂતોનો દાવો છે કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે કેમિકલનું પાણી છોડવાનો પ્રવાહ વધી જાય છે. આ બતાવે છે કે અમુલ જેવી કંપની પણ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ફળદ્રુપ જમીનને પ્રદૂષિત કરી રહી છે. આ ઉપરાંત વણસોલ ગામના તો મુખ્ય રોડ પર પ્રદૂષિત પાણી ભરાયેલું રહેલું છે. ગ્રામજનો આવવા જવા માટે નિયમિત રીતે આ રસ્તાનો ઉપયોગ કરતાં હોવાથી તેઓએ દરરોજે પ્રદૂષિત પાણીમાંથી જવું પડે છે અને પ્રદૂષિત પાણીમાંથી આવવુ પડે છે. આના કારણે તેઓને ચામડીના રોગો થવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. હવે કંપનીના એક જ પગલાંના કેટલા વિપરીત પરિણામ ગ્રામજનોએ ભોગવવા પડી રહ્યા છે.

આ બધુ કંઇ અચાનક થયું નથી. સતત લાંબા સમયથી થતું આવતું આવ્યું છે. ખેડૂતોની બૂમરાણના પગલે દેવકી વણસોલ અને જીભઈપુરા ગ્રામ પંચાયતના સરપંચોએ તેના સામે લેખિતમાં ફરિયાદ કરી છે. આમ છતાં તંત્રએ હજી સુધી અમુલના આ ચીઝ પ્લાન્ટ સામે ધરાર પગલાં લીધા નથી. આ બતાવે છે કે ખેડૂતોના પ્રશ્નોને લઈને તંત્ર કેટલું ઉદાસીન છે. ખાનગી કંપની હોય તો પણ તેની સામે તંત્ર માંડ-માંડ પગલાં ભરે છે ત્યારે હવે અમુલનો જ ચીઝ પ્લાન્ટ આવું કરી રહ્યો છે ત્યારે હવે તેની સામે કાર્યવાહી કેવી રીતે કરવી તેને લઈને પણ તંત્ર વિચારમાં પડી ગયું તેમ લાગે છે.

અમુલનો ચીઝ પ્લાન્ટ સહકારી ક્ષેત્રમાં આવે છે અને સહકારી ક્ષેત્રના એકમ સામે પગલાં ભરતાં તંત્રએ સો વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે. પણ ખાનગી કંપની હોય કે સહકારી ક્ષેત્રનું એકમ હોય પણ તે નિયત માપદંડોનો ભંગ કરે કે પ્રદૂષણ નિયંત્રણને લગતાં નિયમોનો ભંગ કરે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી તો કરવી જ પડે છે. કોઈને પણ ગમે તેવી ઓથ હોય તો પણ બેફામ તો બનવા ન જ દેવાય. કોઈની આજીવિકા ખતમ થઈ જાય અને પ્રજાના આરોગ્ય પર પણ અસર પડે તેવું કરવા દેવાની છૂટ કોઈને પણ કેવી રીતે આપી શકાય.

આજે અમુલ આવું કરે તો પછી બીજી કોઈ ખાનગી કંપનીઓ આ રીતે કેમિકલવાળુ પાણી છોડવામાં કશું બાકી મૂકે. તેઓ આમાથી જ પ્રેરણા લે. તેથી અમુલ અહીં ઉદાહરણરૂપ બનવાના બદલે વિપરીત ઉદાહરણ સ્થાપી રહી છે.  આજે અમુલની સ્થાપના જ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે થઈ છે. તેને સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. હવે આ જ અમુલ ખેડૂતોના હિતની વિરુદ્ધ જાય તેવો વિચાર પણ આવે. પણ આજે આ બાબત હકીકત બની ગઈ છે.  આમ કેવી વિચિત્ર વાત છે, ખેડૂતોના હિત માટે રચાયેલી અમુલ ખેડૂતોના જ પેટ પર લાત મારી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર