Mantavya Vishesh: ગુજરાતના રાજકારણમાં બાપુ ફરી ગર્જ્યા છે… પણ સવાલ એ નથી કે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું? સવાલ એ છે કે આ શબ્દો પાછળનું રાજકીય (Shankersinh Vaghela Statement) ગણિત શું છે? બ્રાહ્મણ, પટેલ અને વાણિયાને લઈને મેલું ઉપાડવાની વાત… આદિવાસી સંમેલનમાં અનામતનો મુદ્દો… અને હવે કોંગ્રેસમાં વાપસીની ચર્ચા! તો શું બાપુએ જાણીજોઈને એવો મુદ્દો છેડ્યો છે કે જેની સીધી અસર 2027ની ચૂંટણીના મતગણિત પર પડે? ફાયદો શંકરસિંહને થશે, કોંગ્રેસને (Gujarat Congress) થશે કે પછી આ આખી કૂકરી કોઈના કામની નહીં જાય?
Shankersinh Vaghela Statement: 2027 પહેલાં બાપુનું મોટું રાજકીય ગણિત શું?
વાત શરૂ થઈ નર્મદા જિલ્લાના સાગબારાના ખોપી ગામથી. આદિવાસી સંમેલનમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા અને આદિવાસી સમાજની સમસ્યાઓથી લઈને અનામત સુધીના મુદ્દા ઉઠાવ્યા. પરંતુ ભાષણનો એક હિસ્સો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો. તેમણે પટેલ, બ્રાહ્મણ અને વાણિયા સહિતના લોકોનો ઉલ્લેખ કરીને કહ્યું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય તો હું મહિને 50 હજાર પગાર આપું. આ શબ્દોએ વિવાદ જગાવ્યો. જોકે બાપુએ ત્યારબાદ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમની વાતનો હેતુ દલિત, આદિવાસી અને પછાત સમાજે ભોગવેલી પીડા અને અનામતના હક તરફ ધ્યાન દોરવાનો હતો.

અહીંથી સૌથી મોટો સવાલ ઊભો થાય છે….શું આ જીભ લપસી ગઈ હતી? રાજકીય વિશ્લેષણ પ્રમાણે શક્યતા ઓછી છે. કારણ કે આ કોઈ નવા કે અજાણ્યા રાજકારણીનું નિવેદન નથી. શંકરસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે, કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે અને દાયકાઓથી રાજકારણ જોઈ ચૂક્યા છે. એટલે શબ્દોની રાજકીય અસર તેઓ સારી રીતે સમજે છે. અને સૌથી મહત્વની વાત…..નિવેદન પછી તેમણે પોતાનો બચાવ કરતાં પણ કહ્યું કે જે કહ્યું છે તે ડંકાની ચોટ પર કહ્યું છે. એટલે હવે આને માત્ર ભૂલ ગણવી મુશ્કેલ છે. બાપુએ કદાચ વિવાદ નહીં, પરંતુ સંદેશો ફેંક્યો છે.

અને એ સંદેશો કોના માટે છે? કદાચ ગુજરાતની એ વોટબેન્ક માટે, જે ક્યારેક કોંગ્રેસની સૌથી મોટી તાકાત ગણાતી હતી….દલિત, આદિવાસી અને પછાત વર્ગ. સાગબારા જેવા આદિવાસી વિસ્તારમાં ઊભા રહીને 27 વિધાનસભા બેઠકોનો ઉલ્લેખ કરવો, આદિવાસીઓને ગુજરાતના માલિક ગણાવવા અને અનામતને તેમનો હક ગણાવવો….આ બધું માત્ર ભાષણનો ભાગ નથી, એ રાજકીય સંકેત પણ હોઈ શકે છે. 2027 પહેલાં કોંગ્રેસને ગુજરાતમાં ફરી સામાજિક આધાર ઊભો (Gujarat Election 2027) કરવો છે અને બાપુ કદાચ એ જ ખાલી જગ્યા પર પોતાનો દાવ અજમાવી રહ્યા છે. સવર્ણ મતદારોને મનાવવાની જગ્યાએ બાપુએ એવા મતદારો તરફ નજર કરી છે, જ્યાં રાજકીય રીતે નવી જગ્યા બનાવવાની શક્યતા દેખાય છે.
પણ હવે સૌથી રસપ્રદ ખેલ અહીં છે. બાપુ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે, પરંતુ કોંગ્રેસે સત્તાવાર રીતે હજુ કંઈ જાહેર કર્યું નથી. એટલે શક્ય છે કે શંકરસિંહ અત્યારે લિટમસ ટેસ્ટ કરી રહ્યા હોય….પોતાનું નિવેદન કેટલો રાજકીય પ્રતિસાદ ઊભો કરે છે, કયા વર્ગમાંથી સમર્થન મળે છે અને વિરોધ કેટલો થાય છે, એ માપી રહ્યા હોય. જો વાતાવરણ અનુકૂળ લાગે તો આગળનો રાજકીય નિર્ણય લઈ શકાય. કારણ કે બાપુનો રાજકીય ઇતિહાસ જ એવો છે….ભાજપમાં બળવો, અલગ પક્ષ, કોંગ્રેસ સાથે સત્તા, ફરી કોંગ્રેસથી અંતર અને ત્યારબાદ બીજા રાજકીય પ્રયોગો. એટલે કોંગ્રેસમાં વાપસી પણ માત્ર પક્ષપલટો નહીં, બાપુના રાજકીય પુનરાગમનની કસોટી બની શકે છે.

પરંતુ શું બાપુ આવશે એટલે કોંગ્રેસને 2027માં મોટો ફાયદો થઈ જશે? અહીં જવાબ એટલો સીધો નથી. શંકરસિંહ પાસે લાંબો રાજકીય અનુભવ અને ઓળખ છે, પરંતુ આજની કોંગ્રેસની સંગઠનાત્મક સ્થિતિ અને બાપુની પોતાની ઉંમર તથા રાજકીય અસર….બંને બાબતોને જોવી પડશે. એટલે બાપુનું જોડાવું કોંગ્રેસને તરત ચૂંટણી જીતાડે એવી સ્થિતિ નથી. બીજી તરફ શંકરસિંહ માટે પણ કોંગ્રેસમાં પાછા ફરવાથી કોઈ મોટો રાજકીય ચમત્કાર થાય તે નક્કી નથી. એટલે ફાયદો કદાચ કોઈ એક વ્યક્તિ કે પક્ષનો નહીં, પરંતુ એ ચર્ચાનો છે જે 2027 પહેલાં ફરી શરૂ થઈ ગઈ છે….ગુજરાતમાં દલિત, આદિવાસી અને પછાત મતદારોનું રાજકીય વલણ આખરે કઈ દિશામાં જશે?

અને એટલે બાપુના નિવેદનને માત્ર એક વિવાદાસ્પદ વાક્ય તરીકે જોવું કદાચ અધૂરું વિશ્લેષણ છે. એક તરફ જાતિ આધારિત રાજકારણનો જોખમી પડછાયો છે, તો બીજી તરફ અનામત અને સામાજિક ન્યાયનો મુદ્દો છે. તેની વચ્ચે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય કેન્દ્રમાં આવી ગયા છે. કોંગ્રેસમાં જોડાશે કે નહીં, એ હજુ સસ્પેન્સ છે… પરંતુ એક વાત સ્પષ્ટ છે….બાપુએ કૂકરી ફેંકી છે. હવે 2027 પહેલાં જોવાનું એટલું જ છે કે એ કૂકરી કોના ખેતરમાં પડે છે… અને સૌથી મોટો ફાયદો આખરે કોને થાય છે?
આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાના ‘મેલું ઉપાડવા’ના નિવેદન સામે બ્રાહ્મણ-પાટીદાર સમાજનો વિરોધ
આ પણ વાંચો: ‘બાપુ’નું રાજકીય રિટર્ન! શંકરસિંહ વાઘેલાની 6 દાયકાની સફરની સંપૂર્ણ કહાની
આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે? અમિત ચાવડાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો
