MANTAVYA Vishesh/ પોરબંદરના રાણા બોરડી ગ્રામ પંચાયતમાં કરોડોનાં કૌભાંડના આક્ષેપો

પોરબંદર જિલ્લાની રાણા બોરડી ગ્રામ પંચાયત કૌભાંડીઓ માટે જાણે રૂપિયા ઉસેટતી બોરડી બની ગઈ લાગે છે. છેલ્લા અઢી દાયકા કરતાં પણ વધારે સમયથી આ પંચાયત પર એકચક્રી શાસન હોવાના લીધે તે કૌભાંડમાં શિરમોર બની ગઈ છે.

Mantavya Vishesh

પોરબંદર જિલ્લાની રાણા બોરડી ગ્રામ પંચાયત કૌભાંડીઓ માટે જાણે રૂપિયા ઉસેટતી બોરડી બની ગઈ લાગે છે. છેલ્લા અઢી દાયકા કરતાં પણ વધારે સમયથી આ પંચાયત પર એકચક્રી શાસન હોવાના લીધે તે કૌભાંડમાં શિરમોર બની ગઈ છે. આ એકચક્રી શાસન દરમિયાન કૌભાંડ કરવામાં સરકારની કોઈપણ યોજનાને છોડી ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બધી વાતો કંઈ હવામાં નથી, નક્કર પુરાવા સાથે તેના અંગે વાત કરવામાં આવતા તંત્રએ SIT બેસાડવાની જરૂર પડી છે.

મિશન માતૃભૂમિએ પોરબંદરની રાણા બોરડી ગ્રામ પંચાયતની બધી રીતે તપાસ કરીને તેની સામે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેમા 14,15 અને 16માં નાણા પંચમાં આપવામાં આવેલી જુદી-જુદી ગ્રાન્ટોને જે તે કામો પાછળ ઉપયોગ જ કરવામાં આવ્યો નથી. આ બધાના બિલો કાગળ પર જ બન્યા છે, વાસ્તવમાં કોઈપણ પ્રકારનું કામ જ થયું નથી.  મિશન માતૃભૂમિનો દાવો છે કે કૌભાંડીઓએ પાણી, રોડ, ગટરલાઇન, પેવર બ્લોક, પીએમ આવાસ યોજના સહિતની કોઈપણ એવી યોજના બાકી રાખી નથી, આ બધી યોજનાઓમાં કૌભાંડ કરવામાં આવ્યા છે, ગેરરીતિ આચરવામાં આવી છે. આટલું જ નહીં આ ગ્રામ પંચાયતના નેજા હેઠળ કરવામાં આવેલા મનરેગાના કામોમાં પણ મોટાપાયા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

મિશન માતૃભૂમિના સક્રિય અભિગમના લીધે તંત્રએ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ એ ત્રિવેદી, હિસાબી અધિકારી જે જી. પટેલ, કાર્યપાલક એન્જિનિયર ડી.એસ. ડામોર, બાંધકામશાખાના કાર્યપાલક ઇજનેર પી.બી. સિંગરખીયાની બનેલી SITની રચના કરવાની ફરજ પડી છે. તેઓને તલસ્પર્શી ધોરણે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

આ કૌભાંડીઓએ વિકાસના નામે ફક્ત પોતાનો વિકાસ કર્યો છે, ભ્રષ્ટાચારનો વિકાસ કર્યો છે. નકલી પેઢીઓ અને નકલી બિલો બનાવી દઈને મોટાપાયા પર સરકારી ભંડોળની ઉચાપત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની ટોળકી ફક્ત પોતાનું ઘર ભેગું કરવા બધી જ યોજનાઓની સરકારી ગ્રાન્ટોમાં ગેરરીતિ આચરતી આવી છે.

આ ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે છેલ્લા 25 વર્ષમાં સરપંચે પોતાના મિત્રો અને સગાસંબંધીઓના નામે ગેરકાયદે પેઢીઓ, બોગસ બિલો, દસ્તાવેજો સહિત જે પણ બધુ નકલી થઈ શકે તે કરીને સરકારી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી છે. ફરિયાદી અને મિશન માતૃભૂમિ નામના સંગઠને તેમાં મોટાપાયા પર કૌભાંડ આચર્યું છે. મિશન માતૃભૂમિ છેલ્લા બે વર્ષથી રાણા બોરડી ગ્રામ પંચાયતની પાછળ લાગેલી હતી. તેની પાંચ સભ્યોની ટીમે ગ્રામ પંચાયતના એક પછી એક પુરાવા ઝીણવટપૂર્વક એકત્રિત કર્યા હતા. આ બધી કાર્યવાહી કર્યા પછી હાથમાં પુરાવા રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારનું આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે.

ફરિયાદીઓએ જણાવ્યું હતું કે અમે જે બધી વાત કરી તે પુરાવા સાથે કરી છે, ફરિયાદ પણ પુરાવા સાથે કરી છે. તેથી તો સત્તાવાળાઓએ SITની રચના કરી છે. તેની સાથે તેમણે ચેતવણી આપી હતી કે અમારી પાસે પૂરતા પુરાવા છે હવે તો આરોપીઓને કશું નહીં થાય તો અમે માની લઈશું કે સત્તાવાળાઓ કૌભાંડીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા છે.  કૌભાંડ તો ખરેખર થયું જ છે, મિશન માતૃભૂમિ આ મોરચે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરે. જરૂર પડી તો તપાસમાં દરેક પ્રકારનો સહકાર આપવાની પણ મિશન માતૃભૂમિની તૈયારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમનું કહેવું હતું કે આ ફક્ત એક જ ગ્રામ પંચાયતની વાત થઈ, અમે તેની પાછળ  બે વર્ષ કરતાં વધારે સમયથી લાગેલા હતા ત્યારે આ પુરાવા અમારી પાસે આવ્યા. હવે ગુજરાતમાં આવી હજારો ગ્રામ પંચાયત છે જ્યાં એકચક્રી શાસન ચાલે છે. ગામનો સરપંચ જાણે ગામનો રાજા હોય તે રીતે વર્તે છે. પ્રજાની સેવાની ભાવના ભૂલાઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો પર આ સરપંચો જલસા કરે છે અને ગ્રામજનો રીતસરના ભૂખે મરે છે. એક જ ગામડામાં તપાસ કરવામાં આવતા આ પ્રકારની પરિસ્થિતિ નીકળી તો હવે શું ગુજરાતના ગામેગામ આ જ પ્રકારની સ્થિતિ હશે. દરેક સ્થળે કૌભાંડીઓ આ રીતે જલસા કરતા હશે અને સરકારી ભંડોળના સાચા હક્કદારોએ ભૂખે મરવાનો વારો આવતો હશે. વર્ષોના વર્ષો સુધી એકચક્રી સામ્રાજ્ય બાદ પણ ગ્રામજનોની આ પ્રકારની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર. ગ્રામજનો આવા ભ્રષ્ટાચારી સરપંચોનો અને તેમની ગુંડાગર્દીનો ત્રાસ ક્યાં સુધી વેઠતા રહેશે. અહીં તો લોકશાહીની નહીં પણ રીતસરની ઠોકશાહી ચાલે છે. આ પ્રકારના કૌભાંડો સામે તંત્ર નિંદ્રામાંથી જાગશે ખરું, કે પછી ગામેગામ આ પ્રકારના મિશન માતૃભૂમિની જરૂર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો