MANTAVYA Vishesh/ ડેરી સેક્ટરઃ ગોપાલ ઇટાલિયાના પ્રહારો પછી દિનેશ ખટારિયાની ધડબડાટી

ગુજરાતમાં ડેરી સેક્ટરનું રાજકારણ ફરીથી ગરમાયું છે. AAPના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ખોળામાં બેસવાથી સાવજ થવાતું નથી તેમ કહેતા તેનો જવાબ આપવા માટે જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા મેદાનમાં ઉતર્યા છે.

Mantavya Vishesh

ગુજરાતમાં ડેરી સેક્ટરનું રાજકારણ ફરીથી ગરમાયું છે. AAPના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના ખોળામાં બેસવાથી સાવજ થવાતું નથી તેમ કહેતા તેનો જવાબ આપવા માટે જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા મેદાનમાં ઉતર્યા છે. તેમણે પરોક્ષ રીતે જણાવ્યું હતું કે કોઈના ખોળે બેસીને ક્યારેય સાવજ ન થઈ શકાય. સાવજ થવા માટે અંદરની તાકાત જોઈએ.

આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ગોપાલ ઇટાલિયાએ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો કે સાવજ ડેરીમાં રોજનું ત્રણ લાખ લિટર દૂધ ભરાય છે. તેમા દોઢ લાખ લિટર દૂધ જ અસલી દૂધ છે અને બાકીનું દૂધ કેમિકલવાળુ દૂધ છે. આ દૂધ સાવજ ડેરીમાં નોંધાયેલી નકલી દૂધમંડળીઓ દ્વારા ભરવામાં આવે છે. મેં કરેલા ધડાકા પછી રોજનું 70,000 લિટર દૂધ આવતું ઓછું થઈ ગયું છે. હું કેમિકલવાળા દૂધના કારોબારને તાળા ન મરાવું તો મારું નામ ઇટાલિયા નહીં. તેમણે જણાવ્યું હતું કે ભાજપના ખોળામાં બેસવાથી સાવજ ન થવાય, તેની સામે થવાથી સાવજ થવાય અને સાવજ અહીં ઊભો છે. ડેરી સેક્ટરમાં હું દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ કરીને બતાવીશ.

ગોપાલ ઇટાલિયાના જ પ્રહારોનો જવાબ આપતા હોય તેમ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જૂનાગઢની સાવજ ડેરીની વાર્ષિક સામાન્ય સભામાં બહારના તત્વો જેવા શબ્દો દ્વારા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આ લોકોના વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈ ઠેકાણા હોતા નથી. તેઓને બસ ગમે તેમ બોલવું છે, તેમની બધી વાતો હવામાં હોય છે. લોકોને સ્પર્શતું કશું હોતું નથી. સાવજ ડેરી સામે આંગળી કરવી હોય તો તેના માટે સાવજ જેવી છાતી જોઈએ. સાવજ ડેરીમાં દૂધ આપનારા અને તેનું દૂધ પીનારા બંને સિંહ જેવા છે. તેમા કેમિકલ ભેળવાય છે એ તમારા કેમિકલવાળા ભેજાની નીપજ છે. તેઓને આવા વિચારો આવે તે સ્વાભાવિક પણ છે, કારણ કે આમ આદમી પાર્ટીનો ઇતિહાસ જાણીતો છે તેમણે હવે દિલ્હી પછી ગુજરાતમાં દારૂની નદીઓ વહાવવી છે.

તેમણે જવાહર ચાવડાના વલણ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ક્યારેક તે ભાજપના વખાણ કરે છે, ક્યારેક કોંગ્રેસના વખાણ કરે છે, ક્યારેક સાવરણના વખાણ કરે છે અને હજી બાકી રહી જતું હોય તો બાપુ શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે તેમા પણ જઈ આવે પણ તે પોતે પહેલાં ક્યાંક સ્થિર થાય.  આના પછી તે બીજાને કંઈક કહે.

દિનેશ ખટારિયાએ દાવો કર્યો હતો કે સાવજ ડેરી પર આક્ષેપો કરનારા પોતાની રાજકીય કારકિર્દી માટે હજારો પશુપાલકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. તેમની આજીવિકાને ફટકો મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે અમે ખેડૂતોના હિતરક્ષક છીએ. જો ખેડૂતોના હિતોની અમને ચિંતા ન હોત તો અમે અહીં ન હોત. છેક 1995થી અમે છીએ. તેમનું કહેવું હતું કે કામ કરતાં હોય તેના પર આક્ષેપો કરવા સહેલા છે, પરંતુ કામ કરવું અઘરું છે.

તેમણે પરોક્ષ રીતે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા જાણે જવાહર ચાવડાની ડિઝાઇન મુજબ જ ચાલી રહ્યો છે. તેની પેટર્ન મુજબ જ રાજકીય કારકિર્દી આગળ ધપાવી રહ્યો છે અને તેના માટે તે બીજા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. લોકોએ આવા ગેરમાર્ગે દોરતા તત્વોથી ભરમાવવું જોઈએ નહીં. તેઓ ફક્ત તેમની રાજકીય કારકિર્દી બનાવવા માટે લોકોની ઓથ લઈ રહ્યા છે. તેઓ બીજા સામે એક આંગળી ચીંધે છે ત્યારે તેમની પોતાની સામે ચાર આંગળી ચીંધાયેલી હોય છે.

આમ તાજેતરમાં વિધાનસભાની પેટાચૂંટણી પૂરી થતાં રાજકારણની રાજકીય ગરમી ઠંડી પડી ત્યાં ડેરી સેક્ટરના રાજકારણમાં ગરમાગરમી વધવા લાગી છે. ગોપાલ ઇટાલિયાએ સતત ગીરની સાવજ ડેરીને લક્ષ્યાંક બનાવી છે. તેથી સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ તેમની વાતનો જવાબ આપ્યા વગર છૂટકો નથી. તેઓ ગોપાલ ઇટાલિયાને જવાહર ચાવડાનું મુખપત્ર કહે છે.

દિનેશ ખટારિયાએ પડકાર ફેંક્યો છે કે હવે આ લોકો જે આક્ષેપ કરે છે તે પુરવાર કરીને બતાવે, સાવજ ડેરીમાં દર વર્ષે ઓડિટ થાય છે અને તેમા મિલ્ક ઓડિટ પણ થાય છે. આક્ષેપ કરનારાઓએ પણ ચકાસણી કરવી હોય તો આજે પણ બધુ આવીને ચકાસી જાય, નમૂના લઈ જાય પછી આ પ્રકારની વાત કરે. તેઓ તો જાણે એવી વાતો કરે છે કે પ્રજાનું હિત તેમના હૈયે જ વસેલું છે, જો આવું હોય તો પછી અમે અહીં આટલા વર્ષોથી શું કામ બેઠા છીએ. પ્રજાનું હિત જોખમાય તો પ્રજા શાસકને સત્તા પરથી દૂર હટાવતા વિચાર કરતી નથી. પછી તે રાજ્યની સત્તા હોય કે ડેરીની સત્તા હોય. અમે પ્રજાના હિતના રખેવાળ છીએ એટલે સત્તા પર છીએ. અગાઉના શાસનમાં કેટલા ખેડૂતો સમૃદ્ધ થયા અને અમારા શાસનમાં ખેડૂતો કેટલા સમૃદ્ધ થયા તેની તુલના કરો તો સ્થિતિ આપમેળે સમજાઈ જશે. અમારા તંત્રએ ખેડૂતો અને પશુપાલકોની જેટલી ખેવના કરી છે તેટલી બીજા કોઈએ કરી નથી. આના કારણે જ તેઓ અમને વારંવાર ચૂંટે છે. મિલાવટ તમને મુબારક, કારણ કે તમારો ધંધો કેમિકલનો છે. અમારે તો પ્રજાને ફક્ત નાણાકીય આરોગ્યથી લઈને શારીરિક આરોગ્ય  સુધી બધી રીતે સમૃદ્ધ બનાવવી છે. તેથી તમારું કેમિકલ તમારી જોડે રાખો અમને તો અમારું દૂધ જ વહાલું છે. તમે લોકોને કેટલા નશાવાળા બનાવ્યા છે તે આખું જગ જાણે છે અને અમારા રાજમાં જેના ગામ સુધી પણ દૂધ પહોંચતું ન હતું તે લોકોના ઘર સુધી દૂધ પહોંચતું થયું છે તે પણ બધા જાણે છે. તેથી બીજા પર આક્ષેપો ન કરો, પણ પ્રજાના હિતોની વાત કરો અને તેના માટે કામ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો