ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં ઇરાનની સંસદે સરકારને હોર્મુઝની ખાડી બંધ કરવાની છૂટ આપતા આખા વિશ્વમાં હોહા મચી ગઈ હતી. જો કે ઇરાનની સંસદ આ નિર્ણય લેતી નથી, પરંતુ ઇરાનની સુપ્રીમ ગવર્નિંગ કાઉન્સિલ આ નિર્ણય લે છે. તેણે હજી સુધી તેના પર મંજૂરીની મહોર મારી નથી. બીજી બાજુએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીનને જણાવ્યું છે કે ઇરાનને કહે કે હોર્મુઝની ખાડી બંધ ન કરે.
આ સમયે કોઈને પણ થાય કે હોર્મુઝની ખાડી છે શું અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ લોકો તેને કેમ ચાલુ રાખવા માટે તત્પર છે. હોર્મુઝની ખાડી વાસ્તવમાં વિશ્વના જળવ્યવહારનો સૌથી મહત્વનો ચેક પોઇન્ટ છે. વિશ્વના કુલ જળવ્યવહારનો 20 ટકા હિસ્સો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. તેથી આ સ્થળ ફક્ત અમેરિકા જ નહીં પણ યુરોપ સહિતના દેશો માટે વૈશ્વિક વ્યાપાર માટે અત્યંત મહત્વનું છે. હોર્મુઝની આ ખાડી ઇરાન અને ઓમાનની વચ્ચે આવેલી છે. તે ઉત્તરે અખાતને જોડે છે અને દક્ષિણમાં ઓમાનના અખાતને જોડે છે. તેના પછી અરેબિયન સમુદ્ર આવે છે. આ 33 કિ.મી.નો પહોળો પટ્ટો છે અને તેમા પણ શિપિંગ લેન તો ફક્ત ત્રણ કિ.મી.ની જ છે.
વિશ્વમાં કુલ ઓઇલ વપરાશનો 20 ટકા હિસ્સો આ વિસ્તારમાંથી પસાર થાય છે. ઓપેક (મેમ્બર્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ના દેશો સાઉદી અરેબિયા, ઇરાન, યુનાઇટેડ આરબ અમિરાત, કુવૈત અને ઇરાક મોટાભાગના ક્રૂડની નિકાસ આ સામુદ્રધુનીમાંથી જ કરે છે. તેથી જ અમેરિકાએ અહીં તેના વ્યાપારી હિતોની રક્ષા કરવા માટે તેનો પાંચમો કાફલો બેહરિનમાં રાખ્યો છે. અમેરિકાના કેટલાય કોમર્સિયલ શિપિંગ આ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.
હવે સદનસીબે યુદ્ધવિરામની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ જો યુદ્ધવિરામ થયો ન હોત તો સ્થિતિ વધુ ખરાબ થઈ હોત. આ સામુદ્રધુની બંધ કરવામાં આવી હોત તો વિશ્વસ્તરે અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકા બધે પેટ્રોલના ભાવ વધ્યા હોત. પેટ્રોલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને આંબી ગયો હોત. ભારત પર પણ તેની વિપરીત અસર થઈ હોત.
ભારતમાં પેટ્રોલ-ડીઝલનો તો વાંધો આવે તેમ નથી, કારણ કે ભારત તેનો પુરવઠો રશિયા પાસેથી એકદમ ડિસ્કાઉન્ટે મેળવે છે, તેથી ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરે પહોંચે તો પણ ભારતને વાંધો નહીં આવે. પણ આવું એલપીજી ગેસમાં નથી. ભારતમાં કુલ 33 કરોડ એલપીજી કનેકશન છે. ભારતના દર ત્રણ સિલિન્ડરમાંથી બે ગેસના સિલિન્ડર જેટલો ગેસ આયાત થાય છે.
હવે જો હોર્મુઝની ખાડી બંધ કરાય તો ભારતે રાંધણગેસના બાટલાના પ્રીમિયમમાં વધારો કરવો પડે. ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં જબરદસ્ત ઉછાળો આવે. સીધુ જ સરકારી સંસાધનો પર દબાણ આવે. સરકારે ગેસના બાટલાનો ભાવ વધારવો પડયો હોત, જેના કારણે સામાન્ય લોકો પર બોજો આવ્યો હોત લોકો રીતસરના મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ ગયા હોત. લોકો હાલમાં પણ ગેસના બાટલા દીઠ 900 રૂપિયા તો ચૂકવે જ છે, તેના પછી ગેસનો ભાવ પ્રતિ સિલિન્ડર ક્યાં આંબ્યો હોત તે કહી ન શકાત, પણ સદનસીબે આવું કશું થયું નથી. ઇઝરાયેલ અને ઇરાન બંને યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયા છે. બંને સમજી ગયા છે કે યુદ્ધ બીજા બધાને તો ઠીક પરંતુ તેમને પણ કમરતોડ આર્થિક ફટકો મારી રહ્યુ છે. ઇરાનના પરમાણુ મથકોને ખતમ કરવાનો ઇઝરાયેલનો હેતુ સિદ્ધ થઈ જતાં તે ખુશ છે. તેણે છોગામાં ઇરાનના મિસાઇલ ઉત્પાદન સ્થળો અને લશ્કરી બેઝને પણ ખતમ કર્યા છે.
જ્યારે ઇરાન પણ જાણે છે કે તેણે તેની સ્થિતિ વધારે વરવી બનતી અટકાવવાની છે. ફક્ત 11 દિવસના હુમલામાં આખુ તહેરાન ખાલી થઈ ગયું છે, જો યુદ્ધ વધારે ચાલે તો ક્યાંક આખુ ઇરાન ખાલી ન થાય અને લોકોમાં રાહત કેમ્પોમાં જવાનો વારો ન આવે. તે તેની સ્થિતિ ગાઝા જેવી કરવા માંગતું નથી.
આ ઉપરાંત ખાડી બંધ કરવામાં આવતા ઇરાનની પોતાની પણ સ્થિતિ વધુ ખરાબ થઈ હોત. તેના પોતાના ઉત્પાદનોની નિકાસ કરવી પણ તેના માટે શક્ય ન બની હોત. આ સાથે વૈશ્વિક કારોબારને બ્રેક વાગતા ઇરાન પોતે પણ જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠા માટે સંઘર્ષ કરતું થઈ ગયું હોત. એક યુદ્ધવિરામે આ સ્થિતિ વણસતી અટકાવી છે.
યુદ્ધવિરામ પૂર્વે ભારતના ઓઇલ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ જણાવ્યું હતું કે ભારત પાસે ગેસના બાટલાની એક મહિનો ચાલે તેટલી અનામત છે. હવે સદનસીબે યુદ્ધ 12 દિવસમાં પૂરુ થઈ ગયું છે અને ઇરાને પણ હોર્મુઝની ખાડી બંધ કરી નથી. આ સંજોગોમાં ભારતનો ઓઇલ પુરવઠો અને એલએનજી ગેસનો પુરવઠો પણ જારી રહેશે તેમ માનવામાં આવે છે. બંને દેશ વચ્ચે યુદ્ધવિરામના લીધે ભારત સરકારે રાહતનો પણ શ્વાસ લીધો છે.
ઇરાનના રાષ્ટ્રપતિ પેજેકિશ્યને ઇઝરાયેલ સાથે શાંતિ સ્થાપવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 45 મિનિટ વાત કરી હતી અને પીએમ મોદીએ તેમને ઇઝરાયેલ સાથે સંવાદ સાધવા તથા તેની સામે નફરતભર્યા સંદેશાઓ વહેતા મૂકવાનું બંધ કરવાની સલાહ આપી હતી. તેની સાથે ઇઝરાયેલમાં હિંસા કરતી આતંકી સંસ્થાઓને પણ ફંડિંગ બંધ કરવાનું તથા પેલેસ્ટાઇન માટે વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ બનાવી રાજકીય રીતે અવાજ ઉઠાવવાની સલાહ આપી હતી. તેના પછી બંને દેશ વચ્ચે આ મહત્વના યુદ્ધવિરામ થયો હતો.
આ પણ વાંચો: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, માનવતાનો ખાત્મો
આ પણ વાંચો: વિજય રૂપાણી સૌરાષ્ટ્રના રાજકારણની મહામૂડી
આ પણ વાંચો: એક યુદ્ધ જ રોકશે બીજું યુદ્ધ
