વડાપ્રધાન મોદી ગુજરાતમાં સીએમ પદે હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તે વારંવાર ગુજરાતને અન્યાયને મુદ્દો ઉઠાવતા હતા….પણ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં હોળીના તહેવારને લઈને વિધાનસભ્યો વચ્ચે હોળી રમાડાઈ હતી અને તેમા ઢોલીવૂડના જાણીતા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું… તેમા બધાના આશ્ચર્ય વચ્ચે ઢોલીવૂડના જાણીતા નાયક વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું…. છેવટે વિક્રમ ઠાકોરે આ મુદ્દે ચીપિયા પછાડતા તેમને અન્યાય થયો હોવાની બાંગ પોકારી હતી… તેમણે કરેલા શંખધ્વનિના પગલે તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું…. તંત્રએ પણ સ્વીકારવું પડ્યું હતું કે ક્યાંક કાચુ કપાયું હોઈ શકે છે….
વિક્રમ ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારી સાથે આ પ્રકારનો અન્યાય લાંબા સમયથી થઈ રહ્યો છે, પણ હું ચૂપ હતો….હું એટલું જરૂર કહીશ કે અમારા મૌનને અમારી નબળાઈ ના સમજો. વિક્રમ ઠાકોરની આ વાતને ઠાકોર સમાજે ઉપાડી લીધી હતી અને ઠાકોર સમાજના યુવાનોમાં રોષ વ્યાપી ગયો હતો… તેમા પણ બનાસકાંઠામાં તેના પડઘા વધુ પડ્યા હતા…. આ મુદ્દે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢમાં નેશનલ હાઇવે પર વાહનો રોકીને દેખાવો પણ કર્યા હતા…. તેના લીધે પોલીસે તેમને અટકાવીને રસ્તો ક્લીયર કર્યો હતો….
અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઠાકોર કલાકારોની અવગણના લાંબા સમયથી થતી આવી છે…. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ટાંકીને જણાવ્યું હતું કે આશ્ચર્યની વાત છે કે ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય હોવા છતાં વ્હિસ્કીને આંખોમાં પાણી ગાનારનું વિધાનસભામાં બોલાવી સન્માન થાય છે, જ્યારે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને વરેલા કલાકારોનો ભાવ પણ પૂછાતો નથી…. આ કલાકારોનો પણ ભાવ પૂછાય ત્યારે જમીનથી જોડાયેલા તેવા ઠાકોર સમાજના કલાકારોની સદંતર અવગણના કરવામાં આવે છે…. આ લાંબા સમયથી ચાલતો આવતો ક્રમ છે….
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે હું લાંબા સમયથી સતત જોઈ રહ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના કરવામાં આવે છે…. આ બાબત સરકારની જાણ બહાર ન હોય તેમ માનવાને કોઈ કારણ નથી…. ઠાકોર સમાજે સરકારની વિકાસ પ્રવૃત્તિઓને બિરદાવીને ખોબલેને ખોબલે મત આવ્યા છે… છતાં પણ તેમની અવગણના શા માટે કરવામાં આવી રહી છે તેનું કોઈ કારણ હજી સુધી સમજાતું નથી…. આજે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પ્રમાણમાં ઘણી સારી સ્થિતિમાં છે, પરંતુ એક સમયે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ એટલે કે ઢોલીવૂડનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું ત્યારે વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પતાકા ફરતી રાખી હતી તે હકીકત છે…. હવે જ્યારે આ જ ઉદ્યોગ સારી સ્થિતિમાં છે ત્યારે આ જ વિક્રમ ઠાકોરની અવગણના કરવામાં આવે તે ક્યાંનો ન્યાય છે…
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના અન્ય કલાકારોને પણ આમંત્રણ મળ્યું નથી…. અન્ય જ્ઞાતિના કલાકારોને પણ બોલાવવા જોઈએ…. અમુક ફિક્સ કલાકારોને બોલાવાયા હતા. બધાને સન્માન મળવું જોઈએ… અન્ય સમાજના કલાકારોમાં પણ પ્રતિભા છે… આ ફક્ત કલાકારોનો મુદ્દો છે…રાજકારણ રમવા આ મુદ્દે ઉઠાવ્યો નથી…નેતાઓએ જવાબદારી નીભાવવી જોઈએ… હવે આ મુદ્દે આગળ શું કરવું તે અંગે અન્ય સમાજના કલાકારોના સલાહસૂચન લઈને આગળ નિર્ણય લઇશું….
આ અંગે મુદ્દા અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈપણ કલાકારને અહીં સરકાર દ્વારા આમંત્રણ અપાયું નથી…ધારાસભ્યએ અંગત સ્તરે આ રીતે કલાકારોને હોળી રમવા બોલાવ્યા હોઈ શકે. ગૃહમાં ફિલ્મના કલાકારોનો બોલાવવાના હશે ત્યારે બધાને બોલાવવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે….હોળીના રંગમાં વિવાદનો રંગ ભેળવવાની કોઈ જરૂર નથી….
આશ્ચર્યની વાત એ છે કે વિક્રમ ઠાકોરના નિવેદનને કરણી સેનાના વડા રાજ શેખાવતનું પણ સમર્થન મળ્યું છે….તેના લીધે આગામી દિવસોમાં ઠાકોર સમાજને અન્યાયના મુદ્દે રાજકીય ગરમાગરમી જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય….
વિક્રમ ઠાકોરના નિવેદનના પગલે સર્જાયેલા વિવાદને શાંત પાડવા માટે તંત્રએ અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે….વિધાનસભામાં ગુજરાતી કલાકારોના સન્માનનો વિવાદ વકરતા વકરેલી સ્થિતિને પહોંચી વળવા તંત્રએ અલ્પેશ ઠાકોરને સક્રિય કર્યા છે…. અલ્પેશ ઠાકોરે તો તરત જ વિક્રમ ઠાકોરને નિવેદનને સમર્થન આપ્યું છે, તેની સાથે તેમણે જણાવ્યું છે કે સરકાર આખા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોની સાથે છે…. છતાં પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કોઈપણ કલાકારને અન્યાય થયો હોય તો હું તેમના તરફથી બધી રજૂઆત કરવા તૈયાર છું… વિક્રમ ઠાકોરને પણ જો અન્યાય થયો હોય તો તેમને થયેલા દરેક અન્યાયની રજૂઆત કરવા હું તત્પર છું…આ સિવાય ઠાકોરના સમાજના કોઈપણ કલાકારોને સરકાર તરફથી કોઈપણ પ્રકારનો અન્યાય થયો હોય તો હું સમાજના પ્રતિનિધિ તરીકે સરકાર અને સમાજ વચ્ચે સેતુનુ કામ કરી તેમને થયેલો અન્યાય દૂર કરવા માટે તૈયાર છું. હું આ બાબતને લઈને વિક્રમ ઠાકોર સાથે સતત સંપર્કમાં છું….
હવે રાજકીય પંડિતો વિક્રમ ઠાકોરના આ મજબૂત નિવેદનને આગામી સમયમાં તેઓ ઠાકોર સમાજના આગેવાન બનવા માંગે છે તે રીતે જુએ છે…. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે અલ્પેશ ઠાકોરનો દબદબો હવે પહેલા જેવો રહ્યો નથી ત્યારે ઠાકોર સમાજને એક મજબૂત આગેવાનની જરૂર છે જે તેમની વાતનો પડઘો પાડે. કદાચ વિક્રમ ઠાકોરની ઠાકોર સમાજને અન્યાયની વાત આ દિશામાં પ્રથમ પગલું હોઈ શકે છે….
ગુજરાત વિધાનસભા ચૂંટણી હજી પણ અઢી વર્ષ દૂર છે ત્યારે ઠાકોર સમાજના રાજકીય આગેવાન બનવા માટે હજી ઘણા ખેલ ખેલાઈ શકે છે, તેનું આ પ્રથમ પગલું મનાય છે…. આજે ઠાકોર વોટબેન્કની ભાજપ અને કોંગ્રેસ બંનેને ગરજ છે….પણ તેના માટે મજબૂત ચહેરાને બંને પક્ષ શોધી રહ્યા છે. એક રીતે વિક્રમ ઠાકોરે આ પ્રકારે વાત કરીને આ મજબૂત દાવેદારી નોંધાવવા તરફ કૂચ કરી છે….
ઠાકોર સમાજને પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેન્ક માનવામાં આવે છે, પરંતુ સમાજનો નોંધપાત્ર હિસ્સો તેમના રાજકીય આગેવાનોના પગલે ભાજપ તરફ પણ ઢળ્યો છે…આના લીધે વિક્રમ ઠાકોર માટે ભાજપ અને કોગ્રેસ બંને વિકલ્પ હાલમાં ખુલ્લા છે…. જો કે ઠાકોર કલાકારોને અન્યાયનો મુદ્દો ઉપાડનારા વિક્રમ ઠાકોર હવે આ મુદ્દાને કેટલો આગળ લઈ જાય છે અથવા તો પછી સરકાર સાથે પાછલા બારણે સમાધાન કરી લે છે અને કોઈ એવોર્ડ મેળવી લે છે તેના પરથી જ તેમની રાજકીય કારકિર્દીની ઇનિંગ્સની દિશા મપાઈ જશે…..
આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું સામે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
આ પણ વાંચો: વિધાનસભા હોળી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા, વિક્રમ ઠાકોરે નારાજગી કરી વ્યક્ત, ઠાકોર સમાજમાં રોષ