Gandhinagar News/ સરકાર વિરુદ્ધ નારાજગી બાદ વિક્રમ ઠાકોર ઉગ્ર, ‘રાજકારણમાં આવવાની સ્પષ્ટ ના, ઠાકોર સમાજના કલાકારોની અવગણનાથી દુઃખી’

હાલમાં તો વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવાની શક્યતાઓને નકારીને પોતાના સમાજના કલાકારો માટે અવાજ ઉઠાવવાની વાત પર ભાર મૂક્યો છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરનો ગુસ્સો આજે છલકાયો હતો. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં કેટલાક ચોક્કસ સમાજના કલાકારોને મુલાકાત માટે બોલાવવામાં આવતા તેને નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી હોવાનો આરોપ મૂકીને તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિક્રમ ઠાકોરે આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો આપ્યો હતો અને રાજકારણમાં આવવાની અટકળોને પણ ફગાવી દીધી હતી.

વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંધીનગર વિધાનસભામાં અમુક ચોક્કસ સમાજના કલાકારોને જ વિઝિટ માટે બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે તેને દુઃખ થયું છે. તેને કહ્યું કે, દરેક સમાજના કલાકારોનું સન્માન થવું જોઈએ. ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં પણ ઘણા પ્રતિભાશાળી કલાકારો છે, પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી છે. તેને પોતાની ઓળખ આપતા કહ્યું કે, તેઓ માત્ર ફિલ્મ કલાકાર જ નથી, પરંતુ ગાયક કલાકાર પણ છે અને ભજન, સંતવાણી તેમજ માતાજીના ગરબા પણ ગાય છે.

રાજકારણમાં આવવાની અટકળો અંગે સ્પષ્ટતા કરતાં વિક્રમ ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ રાજકારણમાં આવવાના નથી. તેને સ્પષ્ટતા કરી કે તેના ખભા પર રહેલો ખેસ કોઈ રાજકીય પક્ષનો નથી, પરંતુ રામદેવ પીરનો છે. તેને કહ્યું કે, તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. વિક્રમ ઠાકોરે યાદ અપાવ્યું કે, 2007માં નરેન્દ્ર મોદીએ તેને બોલાવ્યો હતો અને તે સમયે પણ તેને રાજકારણમાં જોડાવાની ઓફર મળી હતી, પરંતુ તેને રાજકારણમાં રસ નથી. તેને આશા વ્યક્ત કરી કે મુખ્યમંત્રીને આ બાબતની જાણ નહીં હોય.

વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેઓ પોતાના સમાજના લોકો સાથે છે અને સમાજ જે નિર્ણય લેશે તે પ્રમાણે તેઓ આગળ વધશે. તેને જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે તેમને મુખ્યમંત્રી પાસે લઈ જવા માટે વાત કરી છે અને અન્ય કલાકારોને પણ બોલાવવાની રજૂઆત કરવાની ખાતરી આપી છે. અન્ય ભાજપના આગેવાનોએ પણ તેનો સંપર્ક કર્યો છે.

પોતાની નારાજગીના કારણો સ્પષ્ટ કરતાં વિક્રમ ઠાકોરે કહ્યું કે, તેમણે આ મુદ્દો રાજકારણમાં જોડાવા માટે નથી ઉઠાવ્યો, પરંતુ માત્ર તેમના સમાજના કલાકારોને ન્યાય મળે તે માટે કર્યો છે. તેને પુનરોચ્ચાર કર્યો કે સમાજ જે નિર્ણય લેશે તેનું તેઓ પાલન કરશે. આગામી 2 દિવસમાં તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ અંગે અંતિમ નિર્ણય લેશે. તેનો મુખ્ય મુદ્દો એ જ છે કે ઠાકોર સમાજના કલાકારોને ભૂલવા જોઈએ નહીં અને તેમનું યોગ્ય સન્માન થવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં લોક કલાકારોને ગૃહની કાર્યવાહી જોવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, કિંજલ દવે, ગીતા રબારી અને રાજભા ગઢવી જેવા કલાકારો હાજર રહ્યા હતા. શંકર ચૌધરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળતા તેમણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેને કહ્યું હતું કે, દરેક સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ ઠાકોર અને ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી, જેનાથી તેમને ખૂબ દુઃખ થયું છે. તેમણે ઠાકોર સમાજના નેતાઓને પણ આ મુદ્દે વિરોધ નોંધાવવા અને રજૂઆત કરવા માટે અપીલ કરી હતી.

આ મુદ્દે કોંગ્રેસના સંસદસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં કલાકારોને બોલાવીને અભિવાદન કરવામાં આવ્યું, પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું. તેમણે વિક્રમ ઠાકોરની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, નિર્ણય લેનારાઓએ સૌના માટે સરખો ભાવ રાખવો જોઈએ, જે આ કિસ્સામાં ઓછો દેખાયો છે. લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતી વખતે નિર્ણય લેનારાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના કોઈ ચોક્કસ સમાજ માટે ઓછી દેખાઈ રહી છે. વિક્રમ ઠાકોરના આ ખુલાસા બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં તેના પર શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું સામે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી

આ પણ વાંચો: ગુજરાતની એ બેઠક કે જ્યાં પાટીદાર-ઠાકોરનો નિર્ણય ફાઇનલ, ભાજપ-કોંગ્રેસે એક-એકને પકડ્યા, જાણો કોણ કોની સાથે

આ પણ વાંચો: કોંગ્રેસના 4 ધારાસભ્યોનું સસ્પેનશન રદ્દ કરાયું, અધ્યક્ષાએ સસ્પેનશન પાછું ખેંચ્યું, વિરજી ઠુમ્મર,વિક્રમ માડમનું સસ્પેન્શન રદ્દ, કિરીટ પટેલ અને બળદેવજી ઠાકોરનું સસ્પેન્શન રદ્દ