વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો આપ્યો હતો ‘વોકલ ફોર લોકલ’, આ સંદેશો બધા માટે હતો, પણ કેટલાક તેને ફક્ત ઉદ્યોગજગત માટે જ સમજ્યા હતા. પણ આપના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આ સંદેશો સારી રીતે સમજી ગયા એટલું જ નહીં તેમણે આ સંદેશાને વાસ્તવિક સ્વરૂપ પણ આપ્યું. એટલે કે વિસાવદરના ગામેગામ ખૂંદી નાખીને ‘વોકલ ફોર લોકલ’ને રાજકીય રીતે પણ રૂપાંતરીત કરી બતાવ્યું. જ્યારે ભાજપની નેતાગીરી સંગઠનશક્તિના ભરોસે રહી તો આમ આદમી પાર્ટીએ આખા વિસાવદરમાં જય ગોપાલ કરી નાખ્યુ.
કોઈપણ બાબતમાં વહેલી શરૂઆત કરવામાં આવે તો તેનો કેટલો ફાયદો થાય છે તે AAP અને ગોપાલ ઇટાલિયાએ અહીં બતાવ્યું. વિસાવદરની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા જ AAPએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. તેના કારણે ગોપાલ ઇટાલિયાને જનસંપર્ક કરવા માટે પૂરતો સમય મળ્યો હતો. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ જાણે વિસાવદરને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી લીધું હોય તેમ છેલ્લી ઘડી સુધી જાણે ઉમેદવાર જ જાહેર કર્યા ન હતા.
ભાજપે આ બેઠક પર વિકાસની જ ધૂન વગાડેલી રાખી તો કોંગ્રેસે જણાવ્યું કે ભાજપ-આપ પાસે વિસાવદરનો કોઈ સ્થાનિક ઉમેદવાર ન હોવાથી તેઓએ આયાતી ઉમેદવાર લાવ્યા છે. પણ બંનેમાંથી કોઈની કારી ફાવી ન હતી, આમ વિસાવદરની પ્રજાએ 2007થી શાસક પક્ષને વિજયી ન બનાવવાની તેમની પરંપરા જાળવી રાખી છે. 2022માં અહીં ભૂપત ભાયાણી જીત્યા હતા, પરંતુ તેમણે પક્ષપલટો કર્યો હતો છતાં પણ પ્રજાએ આપમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ પહેલા કોંગ્રેસના હર્ષદ રિબડીયા જીત્યા હતા અને તે પણ પક્ષપલટો કરી ભાજપમાં જતા રહ્યા હતા.
વિસાવદર બેઠક જાળવીને આપે દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલા પરાજય પછી થોડો વિશ્વાસ પરત મેળવ્યો છે. ગોપાલ ઇટાલિયા સારી રીતે સમજી ગયા હતા કે જ્યાં સુધી લોકોને સ્પર્શતા સ્થાનિક મુદ્દા પર કામ નહીં કરીએ તો કશું જ નહીં થાય. ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના પ્રશ્નો ફક્ત સમજ્યા જ ન હતા, પરંતુ તેના માટે અવાજ પણ ઉઠાવવા માંડ્યો હતો. તેમા ખાસ કરીને ઇકોઝોનના મુદ્દે તો તે સ્થાનિકોના સમર્થનમાં હતા. ભાજપને પણ ઇકોઝોનનો મુદ્દો વધારે અસર કરી ગયો. તેના પછી તેમણે ખેડૂતોના ખાતર મળી રહ્યું નથી તે બાબતનો મુદ્દો બનાવ્યો હતો, તેના અંગે સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળી રહ્યા નથી ,તે બાબતને પણ તેમણે બહુ જ સારી રીતે રજૂ કરી હતી, જેનાથી લોકો પ્રભાવિત થયા હતા.
તેમનો તે વિડીયો ખૂબ જ વાઇરલ થયો છે કે ઇકો ઝોન દૂર કરવાનો નથી, ખેડૂતોને ખેતપેદાશોના પૂરતા ભાવ આપવાના નથી, ખેડૂતોને ખાતર મળતું નથી, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે તે સંજોગોમાં ભાજપ ચૂંટણી જીતે તો પણ કરશે શું, તેમણે સ્થાનિકોને તે વિશ્વાસ અપાવવામાં સફળતા મેળવી હતી કે ભાજપ ધારી લો કે ચૂંટણી જીતી ગયું તો તેમની સ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી, પણ જો હું જીતીશ તો તમારા માટે લડીશ અને તેઓ કશું જ નહીં કરે તેની તુલનાએ હું કંઇક તો કરી બતાવીશ. તેની સાથે તેમણે વિસાવદરના લોકોના કયા-કયા પ્રશ્નો માટે રજૂઆત કરી હતી તેની આખી એફિડેવિટ જ લોકો સમક્ષ મૂકી દીધી હતી.
ગોપાલ ઇટાલિયાની આ જ પ્રામાણિકતા લોકોને સ્પર્શી ગઈ હતી. વિસાવદરની પ્રજાને તેમના માટે અવાજ ઉઠાવનારા આગેવાનની જરૂર છે, આ આગેવાન તેમને ગોપાલ ઇટાલિયામાં દેખાયો. ગોપાલ ઇટાલિયા પણ જાણે છે કે તેઓ અહીં જ નહીં વિધાનસભામાં પણ એકલા જ છે અને જીત્યા પછી તેમની જવાબદારી વધતી જવાની છે, ઘટવાની નથી. ગોપાલ ઇટાલિયાના આ વિજય સાથે AAP વિધાનસભામાં કોંગ્રેસની 12 બેઠક પછી અડધે એટલે કે છ બેઠકે તો પહોંચી ગઈ છે. તેથી હવે તેનું ધ્યેય આગામી ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્ત કરીને કમસેકમ ગુજરાતના રાજકારણમાં બીજું સ્થાન મેળવવાનું છે. તેથી આગામી સમયમાં તેનું ફોક્સ પણ જે-જે વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપની નેતાગીરી નબળી છે તેના પર રહેશે.
વિસાવદરની ચૂંટણીમાં વિજયના પરિણામે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમીકરણો અત્યારથી જ અલગ રીતે મંડાવવા મંડશે. આ ચૂંટણીએ તે સ્પષ્ટ કરી દીધું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સૌરાષ્ટ્રનો પંથ આકરો હશે. તેણે આગામી ચૂંટણીમાં વિકાસના પર ફોકસ કરવાની સાથે-સાથે વધુને વધુ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. એટલે કે વોકલ ફોર લોકલ બનવું પડશે. ફક્ત રોડ બનાવી દેવાથી જ નહીં ચાલે, તેની સારસંભાળ પણ રાખવી પડશે, ચોમાસામાં પાણીથી ભરાતા શહેરો, ભૂવાઓ અને ઉભરાતી ગટરો શાસક પક્ષની વિકાસ યાત્રાને ક્યાંક ખોરંભે પાડી ન દે તેની સમીક્ષા અત્યારથી કરવી પડશે.
આમ આદમી પાર્ટી પણ જાણે છે કે જેટલો વિજય મહત્વનો છે તેટલા વિજેતા ઉમેદવારને જાળવી રાખવાનું પણ મહત્વનું છે. તેથી તેની સામે પડકાર વિજેતા ઉમેદવારને જાળવી રાખવાનો રહેશે. આ સિવાય આ વખતે ઉમેદવારને વહેલા જાહેર કરવામાં મળેલી સફળતા જોતા આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીઓમાં પણ ઉમેદવારોની વહેલા જાહેરાત કરવાનો વ્યૂહ અપનાવે તો આશ્ચર્ય નહીં થાય. આ વિજયના પગલે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કદાચ ખાસ ઉથલપાથલ ન થાય, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં રાજકીય ગરમી આવે તો નવાઈ નહીં લાગે.
કોંગ્રેસનું ધ્યાન હવે આગામી ચૂંટણીમાં તેની પાસેથી ક્યાંક વિપક્ષનો પણ તાજ ન છીનવાઈ જાય તે જોવાનું રહેશે. શક્તિસિંહ ગોહિલે ધ્યાન રાખવું પડશે કે ક્યાંક તેમની આગેવાનીમાં જ ગુજરાતમાં તેમનો પક્ષ શક્તિવિહીન ન થઈ જાય. તેમણે પક્ષના સ્થાનિક કાર્યકરોને સતત જનસંપર્ક કરવા માટે પ્રેરવા પડશે. ટિકિટ આપવામાં પણ કોઈ મોટા નેતાને માપદંડ માનવાના બદલે અવિરત જનસંપર્ક કરતાં અને તેને જારી રાખતા કાર્યકરોને પ્રાધાન્ય આપવું પડશે. તેમણે પણ તેમના રાજકારણને દિલ્હી કેન્દ્રી બનાવવાના બદલે વોકલ ફોર લોકલ બનાવવું પડશે. જો કે શક્તિસિંહ ગોહિલે પેટાચૂંટણીના પરિણામને લઈને હારની જવાબદારી સ્વીકારી રાજીનામુ આપતા હવે કોંગ્રેસનું નવુ સુકાન કોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, માનવતાનો ખાત્મો
આ પણ વાંચો: વિજય રૂપાણી સૌરાષ્ટ્રના રાજકારણની મહામૂડી
આ પણ વાંચો: એક યુદ્ધ જ રોકશે બીજું યુદ્ધ
