MANTAVYA Vishesh/ ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આખા સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનારો મોરબી જમીન કૌભાંડનો કેસ હજી માંડ-માંડ પૂરો થયો છે અને તેના કૌભાંડીઓ ઘરભેગા થયા છે ત્યાં બીજા કૌભાંડનું રહસ્યોદઘાટન થયું છે.

Mantavya Vishesh

સરકારની જમીનને સબ ભૂમિ ગોપાલ કી તેવું ભૂમાફિયા અને બીજા લોકો તો સમજે, પણ સરકારી અધિકારીઓ પણ આવું સમજવા લાગે તો પછી સરકારે તો જાણે પોતાની જમીનથી નાહી નીચોવવાના દહાડા આવે. જો તંત્રના જ લોકો સરકારી જમીનનો બારોબાર વહીવટ કરી નાખતા હોય તો પછી બીજાની જમીનનું તો શું કરતા હશે તે મોટો સવાલ છે.

આખા સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનારો મોરબી જમીન કૌભાંડનો કેસ હજી માંડ-માંડ પૂરો થયો છે અને તેના કૌભાંડીઓ ઘરભેગા થયા છે ત્યાં બીજા કૌભાંડનું રહસ્યોદઘાટન થયું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતની જમીનનો રીતસરનો બારોબાર વહીવટ થઈ ગયો છે.  આ વહીવટ પણ બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નભાઈ હાપલીયાએ કરી નાખ્યો છે. તેમણે 70 લાખની કિંમતના 44 પ્લોટને બોગસ દસ્તાવેજ બનાવીને વેચી દીધા છે. આ જોતાં તો એમ જ લાગે કે સરકારી જમીનનું જાણે કોઈ ધણીધોરી નથી. છેવટે તેમનું આ કૌભાંડ પ્રકાશમાં આવતા ધર્મેન્દ્ર સામે ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે ધર્મેન્દ્ર હાપલિયાની ધરપકડ પણ કરી છે.

વર્તમાન તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ઉદ્દેશીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધર્મેન્દ્ર હાપલિયાએ અજબની મોડસ ઓપરેન્ડી અજમાવતા ગોંડલના તાલુકા વિકાસ અધિકારી અને ગોંડલની તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટરના ખોટા સહીસિક્કા કરી બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આમ સરકારી જમીનના સરકારી અધિકારીએ જ બનાવટી સરકારી દસ્તાવેજો બનાવ્યા હતા. તેના પછી આ બનાવટી દસ્તાવેજોના આધારે 31 વ્યક્તિઓને 44 પ્લોટનું વેચાણ કર્યુ હતું. આ 44 પ્લોટનું કુલ ક્ષેત્રફળ 6,260 ચોરસ મીટર થાય છે. હવે તેનો ભાવ પ્રતિ ચોરસ મીટર અંદાજે 1,100 રૂપિયા જેટલો ગણવામાં આવે તો તેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા થાય છે. હાપલિયા 16 જાન્યુઆરી 2021થી 31 જુલાઈ 2024 સુધી ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા.

સ્થાનિક અખબારોમાં ત્રાકુડા ગામની જમીનના કૌભાંડના સમાચારો પ્રકાશિત થતાં તાલુકા વિકાસ અધિકારીને આ આખી ઘટનાનો તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. નવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતમાં નમૂના નંબર-2નો રેકોર્ડ જોતાં તે સમયે નમૂના નંબર-2માં ક્રમ ક્રમ નંબર 713થી 744 સુધીની નોંધમાં મંજૂરીના લખાયેલ હુકમના કોલમમાં મંજૂરી આપનાર અધિકારીનો હોદ્દો હુકમ નંબર-2 લખેલો હતો, પરંતુ તેમા તારીખ લખી ન હતી. આની સાથે મિલકતોને લે-આઉટ પ્લાન પણ ન હતો. આના પગલે શંકા જવાથી રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને વધુ તપાસ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.

આના પગલે વડી કચેરીએ 19 જુલાઈના રોજ હાપલિયાના સ્થાને નીમાયેલા અધિકારીને રેકોર્ડની ચકાસણી કરવા જણાવ્યું હતું. આ રેકર્ડ ચેક કરવામાં આવતા ત્રાકુડા ગામે સરવે નંબર-91 પૈકીની જમીનમાં વર્ષ 2008માં પ્રાંત અધિકારી ગોંડલે મફત રહેણાક હેતુ માટે 100 ચોરસવાર પ્લોટ ફાળવવા કુલ પાંચ ગુંઠાનું નવું ગામતળ નીમ કર્યુ હતુ. તેમા તાલુકા પંચાયત કચેરી દ્વારા નીમ થયેલ નવા ગામતળની જમીનમાં  100 ચોરસવાર મફત રહેણાક હેતુ માટે લે-આઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો ન હતો.

આમ છતાં પૂર્વ મંત્રી કમ તલાટી ધર્મેશ હાપલિયાએ કોઈપણ અધિકારીની મંજૂરી વગર ગામતળની જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વગર મનસ્વીપણે વર્તતા 31 જણને ખોટી રીતે બનાવટી હુકમ તથા સનદ બનાવી આપેલ છે. તેમણે ગોંડલ તાલુકા પંચાયત વિકાસના અધિકારી અને સર્કલ ઇન્સ્પેક્ટરના સહીસિક્કા પણ જાતે જ કર્યા હતા.

હવે સરકારી અધિકારી જ જો હોદ્દાનો આ પ્રકારનો દૂરુપયોગ કરે તો પછી ભૂમાફિયાઓને તો મોકળું મેદાન જ મળેને. આના પગલે રાજ્યની વિવિધ ગ્રામપંચાયતોમાં કામ કરતાં અનેક તલાટી કમ મંત્રીઓ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. નાના શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોની સરકારી જમીન પર આમ પણ ભૂમાફિયાઓનો ડોળો હોય છે, હવે સરકારી અધિકારીઓ પણ આ રીતે જમીન પધરાવીને રોકડી કરવા લાગતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.

આગામી દિવસોમાં સરકાર આના પગલે ગ્રામીણ વિસ્તારોમાં તેની પાસેની જમીનનો નિયમિત ધોરણે સરવે કરાવવાની ફરજ પડી શકે છે. સરકારી રેકર્ડ સાથે આ પ્રકારે ચેડાં કરીને ટોચના અધિકારીની જાણ બહાર દસ્તાવેજો પણ બનાવી દેવાય અને આ બધુ તંત્રની નાકની નીચે જ થઈ જાય છે. આ તો સદનસીબે વાત યોગ્ય સમયે બહાર આવી, જો સ્થાનિક પ્રસારમાધ્યમોએ કાગારોળ મચાવી ન હોત તો હજી પણ કૌભાંડી લહેર કરતો હોત.

આમ અહીં જાગૃતિ તો સ્થાનિક પ્રસારમાધ્યમોએ બતાવી, તંત્રને તો કશાની ખબર જ ન હતી. તંત્ર પોતે જ પોતાની જમીનના વહીવટમાં કેટલું ઉણું ઉતરે છે તેનો પુરાવો આ આખો ઘટનાક્રમ છે. મોરબી જેવા ઘટનાક્રમનું પુનરાવર્તન દરેક સ્થળે થાય તે જરૂરી નથી. તેમા પણ જમીનના માલિકે સતત તંત્રના દરવાજા ખખડાવવા પડ્યા હતા ત્યારે ન્યાય મળ્યો હતો. જ્યારે આ કિસ્સામાં તો જમીન જ સરકારની છે, સરકારી જમીનને જાગૃત માધ્યમોએ બચાવી લીધી છે.

આ બનાવના પગલે અહીં સવાલ એ ઉઠે છે કે તંત્ર શું પોતાની જ જમીન જેવી સંપત્તિને લઈને આટલું બેપરવા છે. આ સિવાય બીજી વાત એ છે કે કૌભાંડીઓ આટલા બિન્દાસ કેવી રીતે બની જાય છે કે તેમને જાણે કાયદાનો કોઈ ડર જ લાગતો નથી. આ પ્રકારે બનાવટી સહીસિક્કા બનાવીને સરકારી જમીનનું વેચાણ કરવાની હિંમત તેમનામાં ક્યાંથી આવે છે. શું તેઓ પણ રોજબરોજ આવતા કૌભાંડોની વાતોમાંથી જ આ પ્રકારની હિંમત મેળવે છે, આ એક વિચારવા જેવો સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, માનવતાનો ખાત્મો

આ પણ વાંચો: વિજય રૂપાણી સૌરાષ્ટ્રના રાજકારણની મહામૂડી

આ પણ વાંચો: એક યુદ્ધ જ રોકશે બીજું યુદ્ધ