ઉર્દૂ ભાષાને લઈને સુપ્રીમ કોર્ટે ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે ઉર્દૂ કંઈ અરબી ભાષા નથી કે વિદેશી ભાષા નથી, ઉર્દૂ ભારતીય ભાષા જ છે. આ ભાષાને બંધારણમાં પણ સ્થાન મળેલું છે અને બીજી પ્રાદેશિક ભાષાઓનો જે હક્ક છે તે જ હક્ક ઉર્દૂ ભાષાનો પણ છે. આમ ભાષાકીય વિવાદ પર સુપ્રીમ કોર્ટે સૌથી મોટી ચોકડી મારી છે.
તેની સાથે સુપ્રીમ કોર્ટે ભાષાને ધર્મની સાથે જોડવાનો ધરાર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે ભાષા કોઈ ધર્મનીં ન હોઈ શકે. ભાષા કોઈ સમુદાયની હોઈ શકે અને કોઈ વિસ્તારની હોઈ શકે. પણ ભાષાને ધર્મ સાથે જોડી ન શકાય. સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક ચુકાદો આગામી દિવસોમાં કેટલાય ચુકાદા માટેનો માર્ગદર્શક સિદ્ધાંત કે ભાવિ આધાર બની શકે છે. તેનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે પહેલી વખત ભાષાને ધર્મથી અલગ પાડી છે. સુપ્રીમ કોર્ટે ભાષાને ધર્મ સાથે જોડવાનો ઇન્કાર કર્યો છે. આમ સુપ્રીમ કોર્ટે ઉર્દૂને બીજી ભારતીય ભાષાઓની સમકક્ષ ગણાવી છે. ઉર્દૂનું પણ બીજી ભાષાઓ જેટલું જ મહત્વ છે તેમ જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઉર્દૂ ગંગાજમના તહેજીબનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેને ભારતની બીજી ભાષાઓથી અલગ તારવી ન શકાય. તે ભારતની બીજી ભાષાઓ જેવી જ છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નિગમના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગના કેસની સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજીત કરવા ન થવો જોઈએ.
મહારાષ્ટ્રના પાતુર નગર નિગમના ભૂતપૂર્વ નગરસેવક વર્ષાતાઈ સંજય બાંગરે સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકાર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક ઓથોરિટી (સત્તાવાર ભાષા) એક્ટ 2022 હેઠળ ફક્ત મરાઠીનો જ ઉપયોગ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે નગરસેવકની આ અરજી નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે તે વિસ્તારના લોકો જો ઉર્દૂમાં સાઇનબોર્ડ વાંચવા સક્ષમ હોય તો પછી ત્યાં સાઇનબોર્ડ ઉર્દૂમાં રાખવું જોઈએ. છતાં પણ તેમને લાગતું હોય તો તેની સાથે-સાથે પણ મરાઠીનો ઉપયોગ કરી શકાય છે.

ન્યાયાધીશ ધૂલિયાએ જણાવ્યું હતું કે ઉર્દુ ભાષાનો જન્મ ભારતમાં થયો છે. ભાષાને ધર્મ સાથે જોડવી યોગ્ય બાબત નથી. ઉર્દૂ ભાષા ઉત્તર અને મધ્ય ભારતમાં સમન્વિત સંસ્કૃતિ વારસો દર્શાવે છે. તેથી આ ભાષા ભારતનો સાંસ્કૃતિક વારસો છે. ઉર્દૂને ભારતીય સાંસ્કૃતિક વારસાથી અલગ તારવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઉર્દૂને બહારની ભાષા ગણાવનારાઓ માટે એક મોટો તમાચો છે. તેની સાથે ભાષાવાદનું રાજકારણ રમનારાઓના મોઢા સુપ્રીમ કોર્ટના આ એક જ ચુકાદાએ બંધ કરી દીધા છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આગામી સમયમાં ભાષાના આધારે ખેલવામાં આવતા રાજકારણને મોટી બ્રેક મારી શકે છે. આ ચુકાદાએ ભાષાના આધારે રાજકારણ રમતા રાજકારણીઓને ત્યાં મોટો સોંપો પાડી દીધો છે. તેના લીધે આ રાજકારણીઓ ભાષાના આધારે વિવાદ નહીં સર્જી શકે, તેની સાથે એક પ્રજાને બીજી પ્રજા સામે ઊભી નહીં કરી શકે.

જસ્ટિસ ધુલિયાએ પોતાના ચુકાદાનો પ્રારંભ મૌલોદ બેનઝાદીના એક પ્રસિદ્ધ અવતરણથી કર્યો હતોઃ જ્યારે તમે કોઈ ભાષા શીખો છો ત્યારે ફક્ત નવી ભાષા જ બોલતા અને લખવાનું શીખતા નથી, તમે એક નવા જ સાંસ્કૃતિક આયામમાં પ્રવેશો છો. તમારો માનસિક વ્યાપ વિસ્તરે છે. તમે વધુ ખુલ્લા મનના, ઉદાર, સહિષ્ણુ, દયાળુ અને માનવજાત પ્રત્યે વધારે વિચારશીલ બનવાની લાક્ષણિકતા પણ કેળવો છો.

તેમણે ઉમેર્યુ હતું કે અહી તે વૈચારિક પરિકલ્પના સ્પષ્ટ થઈ જવી જરૂરી છે કે ભાષા એ ધર્મ નથી, ભાષા કોઈ ધર્મનું પ્રતિનિધિત્વ પણ કરતી નથી. ભાષા એ વૈચારિક આદાનપ્રદાનનું મહત્વનું માધ્યમ છે, જે વિવિધ મંતવ્યો અને માન્યતાઓ ધરાવતા લોકોને જીવનનો વૈવિધ્યતાસભર અભિગમ દર્શાવવાની સાથે તેઓને નજીક લાવે છે. આમ ભાષા ક્યારેય વિભાજનનું કારણ ન થવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે ભાષાને તો કોઈપણ સાંસ્કૃતિક અને સંસ્કૃતિના વિકાસના માધ્યમ અને માપદંડ તરીકે જોવી જોઈએ. તેને લઈને બંધિયાર અભિગમ અપનાવવો જોઈએ નહીં.
તેમણે જણાવ્યું હતું કે આજે દેશમાં ઉર્દૂ ભાષાએ જે બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે તેના મૂળમાં તેના અંગેની ગેરસમજ અને પૂર્વગ્રહ છે. વાસ્તવમાં આપણી પાસે આ ભાષાકીય વૈવિધ્યને સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. એક રાષ્ટ્ર તરીકે આપણે જબરદસ્ત વૈવિધ્યતા ધરાવતા દેશ છીએ, આપણી આ વૈવિધ્યતા આપણી તાકાત છે અને તે નબળાઈ ન બનવી જોઈએ. જો ઉર્દૂનું ભાષા તરીકેનું મહત્વ ન હોત તો તેને બંધારણમાં સ્થાન પણ આપવામાં આવ્યું ન હોત. હવે જો કોઈ વિસ્તારના રહેવાસીઓ ઉર્દૂ ભાષા જાણે છે તો પછી ત્યાં ઉર્દૂમાં બોર્ડ લખાય તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
