MANTAVYA Vishesh/ હૈદરાબાદમાં સરોગસી સ્કેમનો પર્દાફાશ

હૈદરાબાદ પોલીસે સરોગસી સ્કેમનો પર્દાફાશ કર્યો છે. વાસ્તવમાં આ સરોગસી સ્કેમને માનવ તસ્કરી કે બાળકોનો વેપાર કહેવો વધારે યોગ્ય રહેશે.

Mantavya Vishesh

હૈદરાબાદ પોલીસે સરોગસી સ્કેમનો પર્દાફાશ કર્યો છે. વાસ્તવમાં આ સરોગસી સ્કેમને માનવ તસ્કરી કે બાળકોનો વેપાર કહેવો વધારે યોગ્ય રહેશે. હૈદરાબાદમાં પોલીસ સમક્ષ ફરિયાદ આવી હતી કે તેઓએ ફર્ટિલિટી ક્લિનિકમાં ટ્રીટમેન્ટ માટે ગયા હતા અને તેમને ત્યાં સરોગસી માટે મનાવવામાં આવ્યા હતા, આ સરોગસીથી તેમને બાળક મળ્યું હતું અને તેમને જણાવવામાં આવ્યું હતું કે આ તમારું જ બાયોલોજિકલ બાળક છે, પણ સદનસીબે અમે આ બાળકના DNAનું દિલ્હીમાં પરીક્ષણ કર્યુ ત્યારે ખબર પડી કે આ બાળકના જૈવિક માબાપ અમે નથી. અમે જ્યારે ફર્ટિલિટી ક્લિનિકવાળાને પૂછ્યું તો તેઓએ ગલ્લાતલ્લા કર્યા હતા. હવે અમે કંઈ 35 લાખ રૂપિયા શું બીજાના બાળક માટે ચૂકવ્યા હતા.

પોલીસે પણ આના પગલે કેસ નોંધ્યો હતો અને તેને છેતરપિડીં જેવું લાગતા તપાસ આદરી હતી. પોલીસે ડોક્ટર નમ્રતાની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે વાસ્તવમાં સરોગસી કરવામાં જ નથી આવી અને તેમણે એક ગરીબ માબાપ પાસેથી બાળકને ખરીદી લીધુ હતુ અને તેમને લગભગ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ બાળક સરોગસી માટે આવેલા દંપતીને આપી દીધું હતું.  પોલીસે આ કેસના પગલે તરત જ મોટા કૌભાંડની ગંધ આવી અને તેણે વધારે તપાસ કરીને ડોક્ટર અથલુરી નમ્રતા, ડો. નારગુલા સુંદરમ,  એજન્ટ્સ અને અન્ય ટેકનિશિયનો એમ આઠ જણાની ધરપકડ કરી હતી ત્યારે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આના પગલે સૃષ્ટિ યુનિવર્સલ ફર્ટિલિટી ક્લિનિક સેન્ટર સીલ કરી દીધું છે.

પોલીસને આના પગલે ખબર પડી છે કે વાસ્તવમાં આ સેન્ટરમાં સરોગસી નામની જ થતી હતી, વાસ્તવમાં આ સેન્ટર બાળ તસ્કરીનું કેન્દ્ર હતુ અને ગરીબોના બાળકો અમીરોને સરોગસીના નામે વેચી દેતું હતું. પોલીસે તે પણ જાણવા મળ્યું કે સૃષ્ટિ યુનિવર્સલ ફર્ટિલિટી ક્લિનક સેન્ટરનું લાઇસન્સ 2021માં રદ થઈ ચૂક્યું હતું. તે સમયે પણ ડો. નમ્રતાએ કરેલા આવા જ કાંડના કારણે તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. તે વખતે તેની સામે બિનનિવાસી ભારતીયે આ જ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે તેનું લાઇસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હાલમાં ડો. નમ્રતા ગેરકાયદેસર રીતે તેનું ક્લિનિક ચલાવતી હતી. તે આવા એક નહીં ત્રણ સેન્ટર ચલાવતી હતી. બીજા હૈદરાબાદના જ કોંડાપુર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં હતા. આ બધા પર રવિવારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે બાળકના માબાપની પણ ધરપકડ કરી છે.

પોલીસે હવે આ કેસમાં આગળ આ કેસના તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે તે ચકાસવાનું શરૂ કર્યુ છે. જો કે ફર્ટિલિટી સેન્ટર દ્વારા આ પ્રકારના કારોબારના કારણે હવે આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવનારાઓ કે સરોગસી કરાવનારાઓ પણ ચિંતામાં મૂકાયા છે. આ પ્રકારની ઘટનાના કારણે તેમના વિશ્વાસને પ્રબળ ફટકો પડ્યો છે. હવે તેમને ખબર જ નથી કે આ બાળક તેમનું પોતાનું હશે કે નહીં. આના પગલે આગામી દિવસોમાં સરોગસીના જ નહીં પણ આઇવીએફ ટ્રીટમેન્ટના કારોબારને પણ મોટો ફટકો પડી શકે છે. સરોગસી માટે આવનારા લોકો ભવિષ્યમાં પોતાનું સગું નહીં હોય તો સરોગસી પણ નહીં કરાવે.

બાળ તસ્કરી આમ પણ મોટી ચિંતાનો વિષય છે તેમા આ પ્રકારના બનાવે તેની ચિંતામાં વધારો કર્યો છે. આ ઘટનાએ પુરવાર કર્યુ છે કે દેશના ગરીબોની સ્થિતિ કેટલી બદતર છે, આજે તેઓ થોડા રૂપિયા માટે પોતાના સંતાનને પણ વેચી મારે છે. તેમની પાસે કદાચ રૂપિયા કરતાં સંતાનો વધારે છે. બીજી બાજુએ જેને સંતાન જોઈએ છે તેને સંતાન નથી. બસ બાળ તસ્કરો આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવે છે. તેઓ અમીરોને રીતસરના બાળકની લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા ખંખેરે છે. તેઓને ખબર છે કે આ સિવાય તે રૂપિયા નહીં કાઢે, આના કારણે બાળક જ એવી વસ્તુ છે જેનો અભાવ તેમને કોરી ખાતો હોય છે. દરેકને શેર માટીની ખોટ પૂરાય તેવી ઇચ્છા હોય છે. તેના મોહ માટે તે લાખો તો શું કરોડો રૂપિયા ચૂકવવા તૈયાર હોય છે.

પોલીસ આ ઘટનાનાના તાર હવે દેશમાં બાળકોના અપહરણની સાથે બનતી ઘટનાઓ સાથે જોડાયેલા છે કે નહીં તે ચકાસી રહી છે. પહેલાં તો આ રેકેટ ફક્ત શહેરમાં જ હતું અને હવે તે આખા સરોગસી કૌભાંડનું નેટવર્ક આખા રાજ્યમાં ફેલાયેલું માલૂમ પડ્યુ છે. ડો. નમ્રતા સાથે જોડાયેલાઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસને લાગે છે કે આગામી દિવસોમાં આ મોરચે મોટું રહસ્યોદઘાટન થઈ શકે છે અને તેમ થશે તો આશ્ચર્ય નહીં થાય. આગામી દિવસોમાં આંધ્રની અને દેશના બીજા રાજ્યોની ફર્ટિલિટી ક્લિનિક્સ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો