કોઈને પણ થાય કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આમ કેમ કહ્યુ. તેમણે એમ કેમ જણાવ્યું કું જો ધ્યાન ન રાખ્યું તો દીકરીઓ સ્કૂલેથી પણ ભાગી જશે. હજી થોડા દિવસ પહેલાં જ ભાજપના સાંસદ અને જાણીતા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે દીકરીઓ લંગુરની સાથે કેમ ભાગી જાય છે. હજી આ બોલ પૂરા થયાં નથી ત્યાં પાટણમાં લેઉઆ પટેલ સમાજની સભામાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે તમારી જોડે બેઠેલી દીકરી ફોન આવે તો પછી બાજુના રૂમમાં જઈને વાત કરવા લાગે તો માતાપિતાએ ફક્ત ચોંકવાની નહીં ચેતવાની પણ જરૂર છે.
આ વાતને આધાર બનાવીને કંઈ દરેક દીકરી પર શંકા કરવાની જરૂર નથી, પણ આજે તમારી સમક્ષ ફોન પર દરેક સાથે વાત કરતી તમારી દીકરી પછી જયારે કોઈ ફોન આવવા લાગે ત્યારે બીજા રૂમમાં જઈ વાત કરવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે જરૂર કશુંક રંધાઈ રહ્યું છે. અહીં કોઈ દીકરી પર ચોકીપહેરો રાખવાની કે તેના પર શંકા કરવાની વાત નથી પરંતુ માબાપે આ બાબતને એક ચેતવણીના સંકેત તરીકે જોવી જોઈએ. તેમણે સૌથી પહેલાં બીજું બધું નહીં પણ પોતાનો વ્યવહાર તપાસવો જોઈએ કે દીકરી સાથે આપણા વ્યવહારમાં ક્યાં ખામી રહી ગઈ છે. જો આ સમયે માબાપ ધ્યાન ન આપી શકે અને દીકરીના વ્યવહારમાં થયેલું પરિવર્તન પામી ન શકે તો પછી દીકરી જતી રહે તેની પાછળ રોવાનો કોઈ અર્થ નથી.
આમ સળંગ બીજા પાટીદાર આગેવાને અઠવાડિયાથી પણ ઓછા સમયમાં દીકરી પર નજર રાખવા માટે કરેલી ટકોરના પગલે કડવા પાટીદારથી લઈને લેઉઆ પટેલ સમાજમાં પણ ગણગણાટ વધી ગયો છે. આજે દીકરીને લઈને વાત એ હદ સુધી આગળ વધી છે કે પાટીદાર આગેવાનો પણ હવે દીકરી હાથમાંથી ન જવી જોઈએ તે વાત ઉચ્ચારી રહ્યા છે.
આ બધા પાટીદાર સમાજના આગેવાનોની વાતનો સૂર એવો નીકળી રહ્યો છે કે પાટીદાર દીકરી હાથમાંથી નીકળી રહી છે. દરેક પાટીદાર માબાપની ફરજ છે કે દીકરી હાથમાંથી નીકળી કઈ રીતે જાય તે જુએ. તેને કેળવણી જ એ રીતે આપે કે આવી કોઈ સ્થિતિનો સામનો કરવાનો જ ન આવે. આજે માબાપે દીકરીને એવી કેળવણી આપવી જોઈએ કે તે દરેક વાતચીત કરતી હોય તો દીકરી તેમની સામે જ કરે, હિન્દી ફિલ્મોમાં જે રીતે દીકરીને ફોનના રવાડે ગયેલી બતાવવામાં આવે છે તેનું બિલકુલ અનુસરણ ન કરે. તે ફિલ્મ છે, વાસ્તવિકતા અલગ જ બાબત છે.
દરેક માબાપ યાદ રાખે કે મુગ્ધાવસ્થા દીકરીની છે, તેમની નથી. અહીં કંઈ દીકરી પર ચોકીપહેરો કે જાપ્તો રાખવાની વાત નથી, પરંતુ દીકરીને ભટકતી રોકવા માટે માબાપના સ્તરે થતાં પ્રયત્નોમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ.
કોઈપણ કિશોરી યુવતી અને પછી મહિલા બને તેમા આ સમયગાળો એવો હોય છે જેમા તે દીવાસ્વપ્નોમાં રાચતી હોય છે, આ સમયે લાગણીના આવેગમાં સારાસારનું પણ ભાન ગુમાવી બેસતી હોય છે. તેના કારણે દીકરીના માબાપની જવાબદારી આ સમયગાળામાં વધી જાય છે. તેની લાગણીજન્ય જરૂરિયાતોનું માબાપે પ્રતિબિંબ પાડવાનું હોય છે. તેની વાતો સાંભળવાની હોય છે, તેના ઇરાદા કળવાના હોય છે, તેના મિત્રોની જાણકારી રાખવાની હોય છે. તેમની સાથે પણ જરૂર પડે તો સંવાદ સાધવાનો હોય છે. ઘણી વખત દીકરીના મિત્રોના માઇન્ડસેટના આધારે પણ દીકરીની મનોસ્થિતિનો ખ્યાલ આવતો હોય છે. આ સમય એવો હોય છે જ્યારે દીકરીને માબાપે હૂંફ આપવાની હોય છે. તેની લાગણીઓને અને ઉર્જાને એક દિશા આપવાની હોય છે. સતત ટોક-ટોક કરવાથી કે તેને ગુસ્સામાં ગમે તેમ કહેવાથી તમે કશું જ નહીં મેળવી શકો. તેના કારણે તમારી દીકરી તમારાથી દૂર થશે.
દીકરી યુવાન થતી હોય એટલે તેના અનેક અરમાનો હોય છે, તેમા પણ પાછી ટીવી સીરિયલો અને હિન્દી ફિલ્મોની અસર હોય છે. અહીં માબાપની ફરજ છે કે દીકરી આ અસરમાં વહી ન જાય, આ માટે તેઓ દીકરીને પહેલાં તો ઘર સાથે જોડાયેલી રાખે. કુટુંબ સાથે જોડાયેલી રાખે, માબાપ પોતે બધે કુટુંબના સભ્યોના ત્યાં નિયમિત રીતે તેમના સંતાનોને લઈને જાય. તેમના સંતાનો તેમને ત્યાં આવે. તેના લીધે ઘરોબો જળવાયેલો રહે. આ જ રીતે સમાજના કાર્યક્રમોમાં આપણે જોડાવવું જોઈએ, આપણે જોડાઈશું તો આપમેળે દીકરા અને દીકરી બંને સમાજ સાથે જોડાયેલા રહેશે. પણ જો આપણે જ સમાજના કાર્યક્રમો સાથે જોડાયેલા નહીં હોય અને સમાજ શું છે તે દીકરીને નહીં બતાવીએ તો પછી દીકરી ક્યાંથી સમાજનો હિસ્સો બનશે. સમાજ સાથેનું જોડાણ તૂટે એટલે ગયા જ સમજો.
આજે કેટલાય પાટીદાર માબાપનો તેમની દીકરીઓ સાથે પૂરતો સંવાદ જ હોતો નથી, તેના કારણે દીકરી પ્રેમજાળમાં ફસાય છે, તેની સાથે બીજા દુર્વ્યવહાર કરી જાય છે. પણ જો આપણે આપણી દીકરી અને આપણો સંવાદ અને સામાજિક જોડાણ મજબૂત હોય તો આવી સ્થિતિનું સર્જાય જ નહીં. તેથી પુત્રીઓને શિક્ષણ, આપો, સંસ્કાર આપો, મજબૂત બનાવો અને સમાજના કુરિવાજોનો સામનો કરે તેવી બનાવો. દીકરીને એવા સંસ્કાર આપો કે તે સાસરિયાઓની સેવા કરે, પરંતુ તેની સાથે ત્યાંના કુરિવાજો હોય તો તેનો સામનો પણ કરે. એટલી હિંમત આપો કે કોઈ દહેજભૂખ્યાના ત્રાસથી તે કદી આત્મહત્યા ન કરે. દીકરીમાં સંસ્કાર હશે તો તેના સાસુસસરાને વૃદ્ધાશ્રમનો દહાડો જોવાનો નહીં આવે. તેને વૃદ્ધની સેવા કરવાના સંસ્કાર આપજો. આજે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી છે તેનું એક કારણ દીકરીઓને સંસ્કાર મળતા નથી તે પણ છે. મને પોતાને વૃદ્ધાશ્રમો ગમતા જ નથી. મને વૃદ્ધાશ્રમોના ઉદઘાટન માટે ઘણા આમંત્રણ મળે છે, પરંતુ મને તે પસંદ નથી. વૃદ્ધાશ્રમ સામાજિક વિઘટનનું ઉદાહરણ છે.
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
