ભારતને નવા યુગમાં મૂકનારા અને દેશને નવી આર્થિક રાહ ચીંધનારા આર્થિક સુધારાનું શિરમોર નામ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનની સાથે ગાંધી વિચારવાળી કોંગ્રેસને તેના મૂળ તત્વોને જાળવી રાખીને નવા યુગમાં ઢાળનારા એક યુગનો અંત આવ્યો છે. ફક્ત દેશહિતમાં વિપક્ષ જ નહીં પક્ષની અંદર પણ વિરોધીઓના ટીકાનો મારો સહન કરનારા મનમોહન સિંઘ ભારત માટે નાણાપ્રધાન અને વડાપ્રધાન બંનેના સ્વરૂપમાં ભારતના ઉદ્ધારક બનીને આવ્યા હતા.

ભારતની આર્થિક સ્થિતિ 1991 એટલી ખરાબ થઈ ગઈ હતી કે સોનું ગીરવે મૂકવુ પડ્યુ હતું અને બળતું ઘર કૃષ્ણાર્પણ કહીએ તેમ તે સમયે દેશના નાણાપ્રધાન બનવા કોંગ્રેસમાં કોઈ તૈયાર થતું ન હતું ત્યારે મનમોહન સિંહના માથે આ કાંટાળો તાજ પહેરાવી દેવાયો હતો. આમ દેશની આર્થિક સ્થિતિ ખરાબ હતી તેમાથી દેશને બહાર કાઢ વાનું કામ મનમોહન સિંઘે કરવુ પડ્યુ હતુ. ભારતે તે સમયે સોનું ગીરવે મૂકવું પડ્યુ તેવી સ્થિતિ તે સમયે આવી ગઈ હતી. ફક્ત બે સપ્તાહ ચાલે તેટલી આયાત જેટલું જ વિદેશી હૂંડિયામણ 90 કરોડ ડોલર બચ્યું હતું.

આ વિપરીત સમયે વડાપ્રધાન નરસિંહરાવે તેમના મિત્ર પીસી એલેકઝાન્ડરને જણાવ્યું હતું કે દેશને વર્તમાન સ્થિતિમાંથી નાણાપ્રધાન તરીકે કોણ ઉગારી શકશે. તેમણે આઇજી પટેલ અને મનમોહન સિંહનું નામ આપ્યું હતું. પીસી એલેકઝાન્ડર મનમોહન સિંહને તેના માટે ઘરે મળવા ગયા ત્યારે તે ઉંઘતા હતા, તેમના નોકરે જણાવ્યું હતું કે સાહેબ ઊંઘે છે, તેથી એલેકઝાન્ડરે પોતે જઈને તેમને જગાડ્યા. મનમોહનને તેમણે સીધું જ કહ્યુ કે તમને દેશના બનાવવામાં આવ્યા છે, તેમણે પૂછ્યુ કોની ભલામણથી, એલેકઝાન્ડરે કહ્યુ કે મારી ભલામણથી. મનમોહને પૂછયું કે તમે મને સમર્થન આપો છો, એલેકઝાન્ડરે કહ્યું કે એટલા માટે તો તમને ઊંઘમાથી જગાડ્યા.

મનમોહન સિંહે નાણાપ્રધાનનો હોદ્દો સંભાળવાની સાથે આકરાં પગલાં લીધા હતા અને વિદેશી રોકાણના દરવાજા ખોલ્યા હતા, આજે પીએમ મોદી જે વિદેશી રોકાણ લાવવાની વાતો કરે છે તેનો માર્ગ સૌપ્રથમ વખત મનમોહન સિંહે ચીંધ્યો હતો. મનમોહન સિંઘે ભારતની બંધ ઇકોનોમીને વૈશ્વિક રોકાણકારો માટે રોકાણ કરવા માટે ખુલ્લી મૂકી હતી.
સમાજવાદનું તૂત પકડીને બેસેલી કોંગ્રેસને મૂડીવાદના રસ્તો પકડાવનારા આ જ મનમોહન સિંઘ હતા. મનમોહન સિંઘને સમાજવાદના ખોખલાપણાનો ખ્યાલ આવી ગયો હતો. તે સમજી ગયા હતા કે ખોખલા સમાજવાદે નિષ્ક્રીયતાના જે આયામ સર્જયા હતા તેમા લોકોને વિકાસ કરવાની કોઈ તક જ મળતી ન હતી, લોકશાહી માળખામાં પણ સમાજવાદની બેડીઓમાં જકડાયેલા ભારતીયોની ગૂંગળામણને પારખનારા મનમોહન સિંઘ કદાચ સૌપ્રથમ વ્યક્તિ કહી શકાય, કારણ કે તે મધ્યમ વર્ગના હતા અને એક મધ્યમ વર્ગની, એક સામાન્ય નોકરિયાતની તથા એક મધ્યમ વેપારીની ભાવનાને, મહત્વાકાંક્ષાને તે સારી રીતે સમજી શક્યા હતા.
તેમની આ સમજના કારણે તે જોઈ શક્યા કે દરેક ભારતીયને આઝાદી જે ફક્ત રાજકીય બાબત પૂરતી જ સીમિત હતી તે ફક્ત રાજકીય ન રહેતા આર્થિક, સામાજિક અને ધાર્મિક બધા જ સ્વરૂપમાં જોઈએ છે. તેઓ તે પણ જોઈ શક્યા કે આર્થિક આઝાદી જ દેશમાં સામાજિક વિકાસનો અને સદભાવનો માર્ગ મોકળો કરશે. તે સમજી ગયા હતા કે સમાજવાદની ચુંગાલમાં ફસાયેલા દેશમાં બેકારીની વધતી જતી સમસ્યા આતંકવાદ અને નક્સલવાદની સાથે બીજી કેટલીય નવી સમસ્યાઓને જન્મ આપશે. તેથી રાજકીય આઝાદી મેળવનારા ભારતીયોને આર્થિક આઝાદીનો પણ અધિકાર છે તે મૂળભૂત સમજ કોંગ્રેસમાં આવી ન હતી, પરંતુ મનમોહન સિંઘમાં તો જરૂર આવી જ ગઈ હતી.
આ જ કારણે નાણાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જ્યાં-જ્યાં સરકારી તુમારશાહી હતી તે બધાને ખતમ કરી, લાઇસન્સ રાજ ખતમકર્યુ અને વેપાર કરવો સરળ બનાવી દીધો. આજે દેશના કારોબારીઓને જે વ્યાપારી સ્વતંત્રતા મળી છે તે આ મૂકસેવક મનમોહન સિંઘને આભારી છે. દેશમાં તે સમયે જીવનજરૂરિયાતની દરેક ચીજવસ્તુથી લઈને દરેક બાબત માટે લાઇન લાગતી હતી. પછી તે રેશનિંગની હોય, ગેસના બાટલાની હોય, સ્કૂટર છોડાવવું હોય, વીજળીનું જોડાણ લેવું હોય કે વીજળીનું બિલ ભરવું હોય, ગેસનું જોડાણ લેવું હોય, ગટર જોડાણ લેવું હોય, પાણીનું જોડાણ લેવું હોય બધે જ લાઇન હતી. મનમોહન સિંઘે એક જ ઝાટકે આ બધી સરકારી તુમારશાહીનો અંત લાવી દીધો હતો. આજે લોકો ઘડીમાં વાહન છોડાઈ આવે છે, તેમને કલ્પના પણ નહીં હોય કે એક સમયે ટુ-વ્હીલર લેવું હોય તો એક-એક વર્ષનું વેઇટિંગ ચાલતું હતું. ઘરમાં લેન્ડ લાઇન લેવો હોય તો એક પેઢી તો જાણે બીએસએનએલની ઓફિસના ધક્કા જ ખાઈને પૂરી થઈ જાય તેવી સ્થિતિ હતી. ત્યારે માંડ-માંડ લેન્ડલાઇન ફોન મળતો હતો. એક લેન્ડલાઇનના ફોન માટે પાંચ-પાંચ વર્ષ સુધી લોકોએ રાહ જોવી પડતી હતી. તેમા પણ ફોન બગડે ત્યારે રિપેર કરવા આવનારને રીતસરના ભાઈબાપા કરી હાથ જોડી વિનંતી કરવી પડતી હતી. ઉપર-નીચે બધે જ રૂપિયા આપવા પડતા હતા. મનમોહન સિંહે આ બધુ જ ખતમ કરાવ્યું હતું.
તેના પછી તેઓ વડાપ્રધાન હતા તે સમયે 2009ની સાલમાં વૈશ્વિક સબપ્રાઇમ કટોકટી આવી હતી. અમેરિકાની આ કટોકટીએ સમગ્ર વિશ્વની નાણાકીય વ્યવસ્થાને અસર કરી હતી. તેના લીધે વિશ્વના કેટલાય દેશોએ દેવાળુ ફૂંકવાનો અવસર આવ્યો હતો. આ પ્રકારની વૈશ્વિક કટોકટી વચ્ચે પણ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના અર્થતંત્રને પોતાની કુનેહથી બચાવ્યું હતું. તેમની આ કુશળતા પર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ ફિદા થઈ ગયા હતા. કેટલાય લોકોનું કહેવું છે કે અમેરિકાને સબ પ્રાઇમ કટોકટીમાંથી ઉગારવા માટે બરાક ઓબામાએ મનમોહન સિંહની સલાહનું અનુસરણ કર્યુ હતુ, કારણ કે સબ પ્રાઇમ કટોકટીના લીધે ક્રેડિટ કાર્ડ ઇકોનોમી જેવા અમેરિકાના અર્થતંત્રને લઈને અમેરિકન અર્થશાસ્ત્રીઓ પરનો તેમનો ભરોસો હચમચી ગયો હતો. તેમની સલાહ પર અમેરિકા આ કટોકટીમાંથી બહાર આવતા નાણાકીય કુનેહને લઈને ફક્ત ભારત જ નહીં આખુ વિશ્વ તેમનું પ્રશંસક બની ગયું હતું.
કોંગ્રેસને 2009માં સત્તા મનમોહન સિંઘની પ્રતિષ્ઠાના લીધે મળી હતી. પણ કોંગ્રેસે રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે પછી કારસો એવો રચ્યો કે સરકારની જે પણ સિદ્ધિ હોય તે ગાંધી કુટુંબના નામે બોલે અને સરકારના માથે જે પણ માછલા ધોવાય તે બધુ પીએમ મનમોહન સિંઘના માથે આવે, પણ ભારતીય પ્રજા કોંગ્રેસની આ રમતને સમજી ગઈ કે મનમોહન સિંહને ચહેરો બનાવીને ગાંધી કુટુંબ બેકસીટ ડ્રાઇવિંગ કરે તે લોકોને સ્વીકાર્ય ન હોવાથી કોંગ્રેસે સત્તા ગુમાવી. વાસ્તવમાં 2009માં કોંગ્રેસ સત્તા પર આવી પછી તેણે જો મનમોહન સિંઘને છૂટો દોર આપ્યો હોત તો આજે તેની જે ખરાબ સ્થિતિ છે તેટલી ખરાબ સ્થિતિ ન હોત.

આજનું રાજકારણ છેક અપશબ્દો સુધી ઉતરી આવ્યું છે ત્યારે મનમોહન સિંહ એક ગરિમાપૂર્ણ વ્યક્તિત્વવાળા હતા. વર્તમાન રાજકારણમાં જે પ્રકારનો સંવાદ થાય છે તેમા ગરિમા શબ્દ સાવ કોરાણે મૂકાઈ ગયો છે. તેમના આ ગરિમાપૂર્ણ વ્યવહારના લીધે તેઓ અજાતશત્રુ હતા. તેમના બધા જ મિત્રો હતા, તેમનું કોઈ દુશ્મન ન હતું. તેમનું જીવન એકદમ ખુલ્લી કિતાબ જેવું હતું, તેઓ પીએમ હતા ત્યારે પણ તેમને મળવા આવનારને એટલી સહજતાથી અને સરળતાથી મળતા અને સાંભળતા કે કોઈને અહેસાસ જ ન થતાં કે તે દેશના પીએમ સાથે વાત કરી રહ્યા છે. તેના કારણે તેમના વિરોધીઓ પણ તેમની આગળ ખુલીને વાત કરી શકતા હતા.

રાજકારણીઓ સામાન્ય રીતે બોલીને ફરી જતા હોય છે અને ઠાલા આશ્વાસનો આપતા હોય છે, પરંતુ જ્યારે મનમોહન વિપક્ષી રાજકારણીએ ઉઠાવેલા પ્રશ્નનને લઈને કહેતા કે તમારી સમસ્યાનું સમાધાન ચોક્કસ કરીશ તો તે વિપક્ષના રાજકારણીને પણ વિશ્વાસ રહેતો કે તેમની સમસ્યાનું સમાધાન ચોક્કસ થશે, વેપારી પ્રતિનિધિમંડળો તેમને મળતા અને તેમની રજૂઆત સાંભળતા તે સમયે મનમોહન આશ્વાસન આપતા તો તેમને વિશ્વાસ રહેતો હતો કે મનમોહન સિંહ છે તો ચોક્કસ સમસ્યાનો ઉકેલ આવશે.

દેશના ગરીબોનું હિત તેમના હૈયે કેવું વસેલું છે તેનો ખ્યાલ તેમણે શરૂ કરેલી મનરેગા યોજના (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ગેરંટી ઇન્કમ સ્કીમ) પરથી જ આવે છે. તેના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં દરેક કુટુંબને 100 દિવસની રોજગારી અપાય છે. આજે તેમની આ યોજનાને એટલી સફળતા મળી છે કે તેમના ગયા પછી સત્તા પર આવેલા તેમના હરીફે પણ તે યોજના ચાલુ રાખવી પડી છે. જ્યારે દેશ પર કોરોનાની આફત ત્રાટકી ત્યારે ગ્રામીણ વિસ્તારો માટે આ જ મનરેગા યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ યોજનાના લીધે આજે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ થતા પલાયનની ગતિ ઘટી છે.

આટલું જ નહીં સરકારના સત્તામંડળો દેશના નાગરિકોને જવાબદાર બને તે માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTE) કાયદો લાવનારા મનમોહન સિંહ જ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મનમોહન સિંઘે આ પ્રકારના કાયદાનો પ્રસ્તાવ મૂક્યો તો તેનો સૌથી મોટો વિરોધ વિપક્ષમાંથી નહીં પણ કોંગ્રેસમાંથી જ થયો હતો, કોઈને પણ પોતાના ગળામાં ઘંટ બંધાય તે થોડી ગમે, આ કાયદા દ્વારા તેમણે સરકારના તંત્રને લોકો પ્રત્યે જવાબદારીભર્યા અભિગમવાળુ બનાવ્યુ હતુ, આજે લોકોને તંત્ર અંગે જે પણ જાણકારી મળે છે તેનું શ્રેય આ કાયદાને જાય છે. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે તેમણે આ કાયદો કોંગ્રેસના વિરોધ વચ્ચે વિપક્ષની મદદથી પસાર કરાવ્યો હતો.

વિધિની વિડંબના એવી છે કે મનમોહન સિંહે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે સામનો કરવો પડ્યો હોય તો તે વિપક્ષની તુલનાએ પોતાના જ પક્ષનો વધારે સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે મનમોહન સિંઘ નાણાપ્રધાન હતા ત્યારથી લઈને તેઓને વડાપ્રધાન બનાવાય ત્યારે તેમનો વિરોધ એટલો બધો કર્યો કે વિપક્ષને ટીકા કરવા માટે બીજા મુદ્દા શોધવા જવા પડતા ન હતા. મનમોહન સિંહ પીએમ હતા ત્યારે પણ કેબિનેટના સભ્યોની મનમાની જગજાહેર હતી. નટવરસિંહ અને ચિદમ્બરમ જેવા મોટા નેતાઓ મનમોહન સિંઘને માનસિક રીતે સ્વીકારવા પણ તૈયાર ન હતા. ભારતની પ્રજાને આ હોદ્દા પર બોલનારા સેવક ઘણા મળશે, પરંતુ મનમોહન જેવા મૂકસેવક ક્યારેય નહીં મળે. ભારતને આર્થિક દુર્દશામાંથી 2જી અને 3જીના યુગમાં મૂકવા માટે મનમોહન સિંહે કરેલું અવિસ્મરણીય પ્રદાન ક્યારેય નહીં ભૂલાય.
આ પણ વાંચો: મનમોહન સિંહની ઈમાનદારી યાદ રહેશે, ભારત રત્ન મળવો જોઈએઃ AAP
આ પણ વાંચો: પૂર્વ પીએમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો’
