Gujarat News/ ગુજરાતમાં ટેકાના ભાવે ચણા-રાયડાની ખરીદી શરૂ, ખેડૂતોમાં ભારે ઉત્સાહ

ગુજરાત (Gujarat) માં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ખેડૂતોને મણે ₹175 વધુ મળી રહ્યા છે અને પારદર્શિતા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરાઈ છે.

Gujarat Top Stories Others
Gujarat MSP Chana Rayda Purchase

Gujarat MSP Chana Rayda Purchase: ગુજરાતમાં રવિ પાકની મોસમ પૂર્ણ થયા બાદ હવે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યભરમાં ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વર્ષે ખાસ વાત એ છે કે ખેડૂતોને ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવે વેચાણ કરવાથી આર્થિક મોટો ફાયદો થઈ રહ્યો છે.

બજાર ભાવ કરતા મણે ₹150 થી ₹175 નો નફો

વર્તમાન બજાર સ્થિતિ મુજબ, ખેડૂતોને ટેકાના ભાવે પાક વેચવામાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. ખુલ્લા બજારના ભાવની સરખામણીએ સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવમાં પ્રતિ મણ ₹150 થી ₹175 જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. આ જ કારણ છે કે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat : ‘બાયોમેટ્રિક’ સિસ્ટમ અમલી

ખેડૂતોના નામે વચેટિયાઓ કે વેપારીઓ ટેકાના ભાવનો લાભ ન ઉઠાવી જાય તે માટે સરકારે આ વખતે સિસ્ટમ અત્યંત કડક બનાવી છે. પારદર્શક ટેકનોલોજીના ભાગરૂપે ખરીદી પ્રક્રિયામાં પ્રથમવાર ‘બાયોમેટ્રિક’ અને ‘ફેસ ઓથન્ટિકેશન’ (ચહેરો ઓળખવાની સિસ્ટમ) ફરજિયાત કરવામાં આવી છે. આ માટે રાજ્યભરમાં કુલ ૨૨૫ ખરીદી કેન્દ્રો શરૂ કરાયા છે, જેમાં ચણા માટે ૧૬૫ અને રાયડા માટે ૬૦ વિશેષ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત, ખેડૂતોને તેમના વારા અંગેની જાણકારી સીધી SMS દ્વારા મોબાઈલ પર મળી રહે તેવી ડિજિટલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વૃદ્ધ ખેડૂતો માટે ‘નોમિની’ની વિશેષ સુવિધા

સરકારે વ્યવહારુ અભિગમ અપનાવતા એવા વૃદ્ધ ખેડૂતો કે જેઓ પોતે ખરીદી કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી અથવા જેમના ફિંગરપ્રિન્ટ મેચ થતા નથી, તેમના માટે ‘નોમિની’ (વારસદાર) રાખવાની સુવિધા આપી છે. આ નોમિની ખેડૂતના વતી બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

અત્યાર સુધીમાં હજારો ખેડૂતોએ આ પ્રક્રિયા માટે ઓનલાઈન નોંધણી કરાવી દીધી છે અને આગામી દિવસોમાં ખરીદીની પ્રક્રિયા વધુ તેજ બનશે.


આ પણ વાંચો : સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી સમયમાં થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં મોટો કૌભાંડ